You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમે તમારાં સંતાનોને આ નવલકથા વાંચવા દેશો? 'અશ્લીલ' જાહેર કરાયેલી ચર્ચાસ્પદ નોવેલની કથા
- લેેખક, નિકોલા કેની
- પદ, બીબીસી કલ્ચર
બ્રિટનમાં નવેમ્બર 1960માં એક કાયદો બનાવાયો હતો. અશ્લીલ તથા વાંધાજનક સામગ્રીના પ્રકાશનને તે કાયદા હેઠળ ગુનો જાહેર કરવામાં આવ્યું હતું. કદાચ આ કારણસર જ 'લેડી ચેટર્લીઝ લવર' નામની નવલકથા વાંચવાનું અશક્ય બન્યું હતું.
બ્રિટિશ પ્રકાશનગૃહ પૅંગ્વિન બુક્સે તે કાયદાને પડકારવાનો નિર્ણય કર્યો હતો. ડી. એચ. લૉરેન્સ લિખિત આ નવલકથા સંપૂર્ણ સ્વરૂપમાં અને કોઈ સેન્સરશિપ વિના પ્રકાશિત કરવામાં આવે એવો તેમનો ઇરાદો હતો.
આ રીતે એક એવો કેસ શરૂ થયો હતો, જેણે એક તરફ સમાજમાં થઈ રહેલા પરિવર્તનને ઉજાગર કર્યું હતું અને બીજી તરફ નાગરિકો અને ખુદને નૈતિકતાના સંરક્ષક માનતા લોકો વચ્ચેના મતભેદની ખાઈ પણ સ્પષ્ટ થઈ હતી.
આ નવલકથા 1920ના દાયકામાં ઇટાલી તથા ફ્રાન્સમાં ખાનગી ધોરણે પ્રકાશિત કરવામાં આવી હતી, પરંતુ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન સહિતના દુનિયાના અનેક દેશોએ તેના પર પ્રતિબંધ લાદ્યો હતો.
બ્રિટનમાં કેસ શરૂ થયો તે પહેલાં લેખક અને પ્રકાશનગૃહ વાંધાજનક સામગ્રી સંબંધી કાયદા હેઠળ પ્રતિબંધિત કરવામાં આવતાં પુસ્તકોની વધતી સંખ્યાથી ચિંતિત હતા.
1959માં એક નવો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો, જેને કારણે અશ્લીલ પુસ્તકો પ્રકાશિત કરતા લોકોને બચાવની તક મળી હતી. એ કાયદામાં એવી જોગવાઈ હતી કે કોઈ પણ લખાણ કે પુસ્તકની સામગ્રી સરેરાશ વ્યક્તિને ભલે પરેશાન કરનારી લાગે, પરંતુ તેને સાહિત્ય ગણી શકાય.
લેડી ચેટર્લીઝ લવર નવલકથા વિવાદાસ્પદ હતી, કારણ કે તેમાં એક શ્રીમંત પરિવારની લેડી કૉન્સ્ટન્સ ચૅટર્લી અને એક સામાન્ય પરિવારના પુરુષ ઑલિવર મેલૉર્સ વચ્ચેના સંબંધનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. નવલકથા સેક્સનાં વર્ણન, અપશબ્દો અને વિચારોથી ભરપૂર હતી.
નવલકથાના લેખક ડી. એચ. લૉરેન્સનું માનવું હતું કે તેમની કૃતિ સેક્સને સાહિત્યમાં સ્થાન અપાવવામાં મદદ કરશે. તેઓ ઇચ્છતા હતા કે યૌનસંબંધોને શરમજનક નહીં, પરંતુ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૅંગ્વિન બુક્સે 1960માં પબ્લિક પ્રૉસિક્યુશનના ડિરેક્ટરને જાણ કરી હતી કે તેઓ લેડી ચેટર્લીઝ લવર નવલકથા છાપવાનું શરૂ કરવાના છે. એ વર્ષના ઑગસ્ટમાં ક્રાઉનના મુખ્ય કાયદાકીય સલાહકારે નવલકથાના પહેલાં ચાર પ્રકરણ વાંચ્યાં હતાં અને પ્રકાશનગૃહ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ડિરેક્ટરે કહ્યું હતું, "મને આશા છે કે તમને સજા થશે."
નવા કાયદા હેઠળનો આ પહેલો કેસ હતો અને લડાઈ એક પ્રકાશનગૃહ અને સરકારની એક એજન્સી વચ્ચે જ નહીં, પરંતુ ઉદારમતવાદીઓ અને સત્તાધીશો વચ્ચેની પણ હતી.
પોતાના સમર્થનમાં પૅંગ્વિને 35 પ્રસિદ્ધ લેખકો અને રાજકીય નેતાઓને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા. તેમાં રિચર્ડ હોગર્થ પણ સામેલ હતા.
તેમણે કહ્યું હતું કે નવલકથામાં નૈતિકતાનો અભાવ ન હતો. તેમાં એવા શબ્દો હતા, જે તેમણે અદાલતમાં સાંભળ્યા હતા.
જોકે, ફરિયાદ પક્ષના વકીલ માર્વિન ગ્રિફિથ જોન્સે એવી દલીલ કરી હતી કે નવલકથામાં સેક્સને અશ્લીલ રીતે રજૂ કરવામાં આવ્યું છે. જ્યૂરીને સંબોધતાં તેમણે કહ્યું હતું, "તમારી જાતને સવાલ કરોઃ તમે આ પુસ્તક તમારાં દીકરા-દીકરીઓને વાંચવાની છૂટ આપશો? તમે આવું પુસ્તક ઘરમાં રાખી શકશો? તમે તમારી પત્ની તથા કર્મચારીઓને આ પુસ્તક વાંચવા દેશો?"
ફરિયાદ પક્ષે નવલકથામાંથી 100થી વધુ ગાળો શોધી કાઢી હતી. આ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિએ કહ્યું હતું, "પુસ્તકની ઓછી કિંમતનો અર્થ એ છે કે તે બધા માટે ઉપલબ્ધ હશે."
નવેમ્બર, 1960માં છ દિવસની સુનાવણી પછી ત્રણ કલાક સુધી વિચાર-વિમર્શ કરીને જ્યૂરીએ ચુકાદો આપ્યો હતો કે આ પુસ્તક સજાલાયક નથી. આ ચુકાદા માટે પૅંગ્વિન તૈયાર હતું અને તેણે પુસ્તકના વેચાણ માટે પાક્કી વ્યવસ્થા કરી હતી. પહેલા જ દિવસે પુસ્તકની બે લાખ નકલો વેચાઈ ગઈ હતી અને ત્રણ મહિનામાં 30 લાખ કૉપી વેચાઈ હતી.
એક દુકાનદારે થોડા દિવસ પછી બીબીસીને કહ્યું હતું, "અમે 1,000 કૉપીનો ઑર્ડર આપ્યો હતો, પણ અમને 500 જ મળી હતી. મને લાગે છે કે અમે બહુ વહેલી દુકાન ઉઘાડીને થોડા સમયમાં જ 50-60 કૉપીઓ વેચી હતી."
અલબત્ત, ઘણા ગ્રાહકો પુસ્તકનું નામ લેતાં ખચકાતા હતા. એક પુસ્તક-વિક્રેતાએ બીબીસીને કહ્યું હતું, "કેટલાક લોકો લેડી સી નામવાળું પુસ્તક માગતા હતા અને કેટલાક લોકો તો તેનો ઉલ્લેખ સુધ્ધાં કરતા ન હતા. માત્ર કિંમત જણાવતા હતા." એક સંવાદદાતાએ લખ્યું હતું કે આ સામાન્ય પુસ્તકના વેચાણ કરતાં અલગ છે.
જોકે, આ નવલકથા કોઈ સામાન્ય ચોપડી ન હતી. પ્રકાશન પછી તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું પ્રતીક બની ગઈ હતી અને સાબિત થયું હતું કે બ્રિટિશ સમાજ બદલાઈ રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન