સ્ટાફની અછત ભારતમાં વિમાન સુરક્ષાને કેવી રીતે જોખમમાં મૂકે છે, રિપોર્ટમાં શું સામે આવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઍર ટ્રાવેલ, ડીજીસીએ, સંસદીય સમિતિ, ભારત, સંસદ, હવાઈ મુસાફરી

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છે
    • લેેખક, નિકિતા યાદવ
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

સંસદીય સમિતિના રિપોર્ટે ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતના ઉડ્ડયન સુરક્ષા નિયામક સ્ટાફને લગતા સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, જેના કારણે નિયામકની પોતાનું મૅન્ડેટ પૂર્ણ કરવાની ક્ષમતાને ભારે અસર થઈ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ)માં કર્મચારીઓની "નોંધપાત્ર અને સતત અછત" સુરક્ષાપ્રણાલી સામે "અસ્તિત્વ સંબંધી જોખમ" ઊભું કરે છે. આ રિપોર્ટ બુધવારે રાજ્યસભામાં મુકાયો હતો.

12 જૂનના રોજ અમદાવાદમાં મોટા ભાગના મુસાફરો સહિત 260 લોકોના જીવ લેનાર વિમાન અકસ્માતની ઘટના બાદ સમિતિને ઉડ્ડયન ક્ષેત્રની સલામતીના રિવ્યૂની જવાબદારી સોંપવામાં આવી હતી.

જોકે, આ રિપોર્ટમાં પ્લેન ક્રૅશની આ ઘટનાનો ઉલ્લેખ નથી. તેમ છતાં આ રિપોર્ટમાં ઍર ટ્રાફિક કંટ્રોલર્સ પરના કામના વધુ પડતા ભારણ સહિતના મુદ્દા ઉઠાવાયા છે.

બીબીસીએ ડીજીસીએ અને ઉડ્ડયન મંત્રાલયનો મત જાણવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.

સંઘીય સરકાર સમિતિના રિપોર્ટની ભલામણો લાગુ કરવા માટે બંધાયેલી નથી, છતાં ભૂતકાળમાં ધારાસભાના એજન્ડામાં અને ધારાધોરણ પર તેની અસર જરૂર જોવા મળી છે.

ભારત એ વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છે. પાછલાં અમુક વર્ષોમાં દેશમાં હવાઈ મુસાફરીના ચલણમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેનાં સંભવિત કારણોમાં ઍરલાઇનનાં સસ્તાં ભાડાં, વપરાશ માટેની આવકમાં વધારો અને નવાં ઍરપૉર્ટ થકી કનેક્ટિવિટી વધારવા માટે સરકારનો પ્રયાસ વગેરે છે.

પરંતુ આ વૃદ્ધિ મોટા પડકારો સાથે આવી છે, જેમાં લાયક કર્મચારીઓની અછત, સ્ટાફનો થાક અને આંતરમાળખાકીય મર્યાદાઓ સામેલ છે.

ઍર ઇન્ડિયા ક્રૅશની ઘટનાથી ઍરલાઇન અને ભારતના બૃહદ એવિએશન સેક્ટર પર અન્વીક્ષા વધી છે. સંખ્યાબંધ રિપોર્ટોમાં દેખરેખ અને તાલીમની અછતના મુદ્દા સામે આવતાં જુલાઈમાં બીબીસીએ ડીજીસીએના પ્રમુખ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "જો ઇન્ટરનૅશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન (આઇસીએઓ) દ્વારા પ્રકાશિત દર દસ લાખ ફ્લાઇટે થતાં અકસ્માતની સંખ્યાને જોઈએ તો ખબર પડે છે કે ભારત નિયમિતપણે વૈશ્વિક સરેરાશ કરતાં સારું પ્રદર્શન કરી રહ્યું છે."

તેમણે ઉમેર્યું કે ભારતમાં આ સંખ્યા માત્ર 2010 અને 2024માં જ વૈશ્વિક સરેરાશ કરતાં વધી છે.

કર્મચારીઓની અછત અને કામના ભારણ જેવા મુદ્દા ઉઠાવ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઍર ટ્રાવેલ, ડીજીસીએ, સંસદીય સમિતિ, ભારત, સંસદ, હવાઈ મુસાફરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12 જૂનના રોજ અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થતા મોટા ભાગના મુસાફરો સહિત 260 લોકોનાં મોત થયાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંસદીય સમિતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના સભ્યો હતા. આ સમિતિએ ભારતના ઉડ્ડયન સેક્ટરની સિસ્ટમેટિક નબળાઈઓનો ઉલ્લેખ કરીને કેટલીક ભલામણો કરી છે.

રિપોર્ટમાં કહેવાયું છે, ડીજીસીએ "તેના વર્તમાન સ્વરૂપમાં, તેની સ્થાપના જે ફરજોનું પાલન કરવા માટે થઈ હતી તે કરી શકે એવી સ્થિતિમાં નથી." જેનું કારણ છે કર્મચારીઓની ભયંકર અછત.

સત્તામંડળનાં 1,063 પદો પૈકી માત્ર 553 ભરાયેલાં છે. આમ, કુલ 50 ટકાની અછત છે. આ મહિનાની શરૂઆતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં અછત મુદ્દે જવાબ આપ્યો, જેમાં તેમણે કહ્યું કે, આ અછતને કારણે "ડીજીસીએની કાર્યક્ષમતા પર અસર કરી નથી."

સમિતિએ નિયામકના ભરતીના મૉડલને "ધીમું અને અસ્થિતિસ્થાપક" ગણાવ્યું, અને કહ્યું કે આના કારણે કૌશલ્યવાળા લોકોને આકર્ષવાની તેની ક્ષમતાને અસર થઈ છે.

સમિતિએ અન્ય પડકારો પણ જણાવ્યા, જેમાં ઍર ટ્રાફિક કંટ્રોલરો (એટીસી) પર કામનું ભારણ એક છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ઉડ્ડયન ક્ષેત્રે આવેલી તેજીને કારણે કંટ્રોલરો પર "દબાણ વધાર્યું" છે. ખાસ કરીને મેટ્રોપોલિટન ઍરપૉર્ટ્સ ખાતે, જ્યાં મોટા ભાગના કંટ્રોલરો "વધુ પડતા લાંબા અને થકવી દેનારા ડ્યૂટી શિડ્યૂલ્સ"માં કામ કરે છે.

રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારાઈ છે કે એટીસીના કેટલાક સ્ટાફને પૂરતી તાલીમ નથી મળી અને નોંધાયું છે કે "ભરતી અને તાલીમની ક્ષમતાના હાલના અસંતુલન સહિત ઑપરેશનલ ભારણને કારણે ઍર સ્પેસ સેફ્ટી માટે પ્રત્યક્ષ જોખમ ઊભું થયું છે."

રિપોર્ટમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઍર ટ્રાવેલ, ડીજીસીએ, સંસદીય સમિતિ, ભારત, સંસદ, હવાઈ મુસાફરી

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, રિપોર્ટમાં કહેવાયું છે કે ઉડ્ડયન ક્ષેત્રે નોંધાયેલી તેજીને પગલે ટ્રાફિક કંટ્રોલરો પરના ભારણમાં ઘણો વધારો થયો છે

અન્ય સિસ્ટમેટિક નબળાઈઓ અંગે વાત કરતાં રિપોર્ટમાં દરેક રનવે પર બનતી કોઈ પણ અનિચ્છનીય ઘટના અને બર્ડ-હિટ જેવી વારંવાર બનતી હાઇ-રિસ્ક ઘટનાઓના વિસ્તૃત કારણશોધક વિશ્લેષણની ભલામણ કરાઈ છે.

યુએસ ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશન પ્રમાણે રનવે પર બનતી અનિચ્છનીય ઘટનાઓમાં, "સંરક્ષિત વિસ્તાર કે લૅન્ડિંગ-ટેક-ઑફ માટેની જગ્યાએ ઍરક્રાફ્ટ, વાહન કે કોઈ વ્યક્તિની ખોટી હાજરી." રિપોર્ટમાં આ ઘટનાઓને અકસ્માતનું પ્રત્યક્ષ જોખમ ઊભું કરતા "ભારેખમ સંજોગોવાળા પ્રસંગો" ગણાવાયા છે.

રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં રનવે પરની દર દસ લાખ મૂવમેન્ટમાં આવી ઘટનાઓની સંખ્યા 14.12 હોવાનું સામે આવ્યું હતું, જે 9.78ના લક્ષ્યાંક કરતાં ઘણી વધુ છે.

સમિતિએ ઍરર રિપોર્ટિંગ સિસ્ટમ્સમાં પણ સુધારો લાવવાની વાત પર ભાર મૂક્યો.

સમિતિએ જણાવ્યું કે ડીજીસીએ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હાલની જોગવાઈઓને જસ્ટ કલ્ચર સાથે બંધબેસતી કરવા ભલામણ કરી છે. જસ્ટ કલ્ચર એ એવિએશન ક્ષેત્રની એક એવી વિકસતી જતી સમજ છે જે જવાબદારીની જરૂરિયાતને માનવીય ભૂલ અશક્ય નથી એવા વિચાર સાથે સંતુલિત કરે છે.

રિપોર્ટમાં વધુ કહેવાયું છે કે ડીજીસીએ પાસે ભૂલોના રિપોર્ટિંગ માટે ગુપ્ત સિસ્ટમ હોવા છતાં "સ્પષ્ટ સંરક્ષણો"ની જરૂર છે.

સમિતિએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ, એવિએશન નિયામક અને વિશ્વ અને દેશમાં ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો સાથે વાત કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન