ભારત-બાંગ્લાદેશ ટી-20: સુનીલ ગાવસ્કરે શા માટે કહેવું પડ્યું, 'આ કત્લેઆમ છે'

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સંજય કિશોર
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
આ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરની ટીમ છે. જોશ અને ઊર્જાથી ભરેલી આ ટીમને માત્ર જીતથી સંતોષ નથી થતો.
તેમને વ્હાઇટવૉશથી ઓછું કંઈ પણ સ્વીકાર્ય નથી. પહેલા શ્રીલંકાને 3-0થી હરાવ્યું અને હવે શનિવારે રાત્રે 12 ઑક્ટોબરે ભારતના વાવાઝોડા સામે બાંગ્લાદેશ પણ ધરાશાયી થઈ ગયું.
ત્રણ ટી-20ની સીરિજમાં ત્રીજી હાર બાંગ્લાદેશ માટે વધુ દર્દનાક સાબિત થઈ.
પોતાની છેલ્લી મૅચ રમી રહેલા બાંગ્લાદેશના ખેલાડી મહમદુલ્લાહ આ મૅચને ક્યારેય યાદ રાખવા નહીં ઇચ્છે. જ્યારે સંજૂ સેમસન ખૂબ ખુશ હતા.
સીરિઝમાં વ્હાઇટવૉશ થયો એનો મતલબ એવો જરાય નથી કે બાંગ્લાદેશ કે શ્રીલંકાની ટીમો નબળી હતી. બંને ટીમોએ અનેકવાર લડત આપી.
પરંતુ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ઑલરાઉન્ડર્સથી ભરપૂર ટીમ ઇન્ડિયા પોતાની રમતના સ્તરને ખૂબ ઊંચાઈએ લઈ ગઈ, જ્યાં સુધી પહોંચવું કદાચ શ્રીલંકા કે બાંગ્લાદેશ માટે શક્ય ન હતું.
સૌથી નાનું ફૉર્મેટ, સૌથી મોટું કારનામું

ઇમેજ સ્રોત, ANI
શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટી-20 મૅચમાં ભારતીય બૅટ્સમૅનોએ ઘણા રેકૉર્ડ બનાવ્યા.
મૅચની પ્રથમ ઇનિંગ્સમાં બૉલ જમીન કરતાં આકાશમાં વધુ રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
20 ઓવર પછી, જ્યારે ભારતીય બૅટ્સમૅનોએ બાંગ્લાદેશના બૉલરો પર વરસાવેલો કહેર બંધ થયો, ત્યારે સ્કોરબૉર્ડ પર લખેલું હતું – છ વિકેટે 297 રન.
સુનીલ ગાવસ્કરે કહ્યું, 'આ એક કત્લેઆમ છે!'
ટેસ્ટ ક્રિકેટ રમવા માટે માન્ય 12 દેશોમાંથી કોઈ પણ દેશ આટલો મોટો સ્કોર કરી શક્યો નથી.
જોકે નેપાળે ગયા વર્ષે એશિયન ગેઇમ્સમાં મંગોલિયા સામે ત્રણ વિકેટે 314 રનનો રેકૉર્ડ બનાવ્યો હતો.
બાઉન્ડ્રીનો વરસાદ અને વર્લ્ડ રેકૉર્ડ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય ઇનિંગ્સમાં 22 ચોગ્ગા અને 25 છગ્ગા જોવા મળ્યા હતા. એટલે કે બૉલે 47 વખત બાઉન્ડ્રી લાઇન ઓળંગી, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે.
આ પહેલા વર્ષ 2019માં ચેક રિપબ્લિકની ટીમે તુર્કી સામે 43 બાઉન્ડ્રી ફટકારીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.
શાંત અને સૌમ્ય દેખાતા સંજુ સેમસન આજે ખૂબ જ આક્રમક મૂડમાં હતા.
આ તેમનું પ્રિય મેદાન પણ હતું. સેમસને લેગ સ્પિનર રિશાદ હુસૈનની એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. તેમણે પ્રથમ 50 રન 22 બૉલમાં બનાવ્યા હતા, જ્યારે પછીના 50 રન માત્ર 18 બૉલમાં બનાવ્યા હતા.
સંજુએ માત્ર 40 બૉલમાં સદી ફટકારીને હલચલ મચાવી દીધી હતી. આ ક્ષણે સંજુને ભાવુક બનાવી દીધા. સંજુ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તેમને ગળે લગાવ્યા અને તેમની પીઠ થપથપાવીને તેને અભિનંદન આપ્યા. ડગઆઉટમાં બેઠેલા તમામ સાથી ખેલાડીઓની સાથે કોચ ગૌતમ ગંભીરે પણ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું.
કેરળના આ યુવા ખેલાડીએ પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. શ્રેણીની પ્રથમ બે મૅચમાં નિષ્ફળતા બાદ તેમના પર 'કરો યા મરો'નું દબાણ હતું.
રેકૉર્ડનો વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
સંજૂ સેમસને પોતાની ઇનિંગમાં રેકૉર્ડનો વરસાદ કરી દીધો. ટેસ્ટ રમનારા દેશોમાં સૌથી ઝડપી સદી ફટકારનારા તેઓ બીજા બૅટ્સમૅન બની ગયા.
દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને ભારતના રોહિત શર્મા 35 બૉલમાં સદી ફટકારી ચૂક્યા છે. પોતાના ટી-20 કૅરિયરમાં પહેલી સદીમાં સંજૂએ 11 ચોક્કા અને આઠ છક્કા ફટકાર્યા.
સંજૂએ માત્ર 47 બૉલમાં 111 રનની તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 236,17 રહ્યો.
ક્રિકેટમાં સૌથી નાના સ્વરૂપમાં સદી ફટકારનારા તેઓ પહેલા વિકેટકીપર બન્યા.
સંજૂનું કહેવું હતું, "દેશ માટે રમતા તમે બહુ દબાણમાં હોવ છો. તે દબાણ હતું. હું સારું પ્રદર્શન કરવા માગતો હતો."
"ગત સિઝનમાં હું બે વખત શૂન્ય પર આઉટ થયો. પરંતુ ટીમ મૅનેજમેન્ટે મારું સમર્થન કર્યું. કેટલાક સમયથી મારા મૅન્ટર મને કહેતા હતા કે હું એક ઓવરમાં પાંચ છક્કા લગાવી શકું છું. મેં આ જ કરવાની કોશિશ કરી. હું તેનો પીછો કરતો હતો અને આજે તે થઈ ગયું."
સતત બે સિરીઝમાં જીત

ઇમેજ સ્રોત, ANI
સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 70 બૉલમાં 173 રનોની ભાગેદારી થઈ. યાદવે 35 બૉલમાં 75 રનોની ધમાકેદાર ઇનિંગમાં આઠ ચોક્કા અને પાંચ છક્કા ફટકાર્યા. બાંગ્લાદેશના બૉલરો માટે મોં દેખાડવું ભારે પડી રહ્યું હતું.
આ સાથે પોતાના અનોખા શૉટ માટે જાણીતા સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનારા બીજા ભારતીય ખેલાડી બન્યા છે.
જ્યાં વિરાટ કોહલી 68 ઇનિંગ્સમાં આ મુકામ પર પહોંચ્યા હતા ત્યાં યાદવે 71 ઇનિંગ્સમાં આ યાત્રા પૂરી કરી. જે તેમની ઝડપથી રન બનાવવાની ક્ષમતા દેખાડે છે.
2500 રન સુધી પહોંચવું એ માત્ર આંકડાકીય મહત્ત્વ જ નથી. પરંતુ એ ધારણાને નવો આયામ આપ્યો કે ટી-20 બૅટ્સમૅન શું કરી શકે છે.
માર્ચ 2021માં પોતાના પદાર્પણ બાદ તેમણે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા રાખી છે.
સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપમાં ભારતે પહેલા શ્રીલંકા અને હવે બાંગ્લાદેશનો સફાયો કરી દીધો છે. યાદવને વર્ષ 2026માં થનારા ટી-20 વિશ્વકપને ધ્યાનમાં રાખીને કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા.
સૂર્યકુમારે પોતાની બૅટિંગ અને કૅપ્ટનશીપને લઈને સિલેક્શન કમિટિને નિરાશ નથી કરી. શ્રીલંકામાં સિરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા અને આ વખતે સંજૂ સેમસનના 150 તથા હાર્દિક પંડ્યાના 118 રન બાદ સૂર્યા 112 રન સાથે ત્રીજા સ્થાન પર રહ્યા.
હવે ફરી મૅચ પર જઈએ. તો રેયાન પરાગે 14 બૉલમાં 34 રનની અદ્ભૂત ઇનિંગ રમી. હાર્દિક પંડ્યાએ માત્ર 18 બૉલમાં 47 રન બનાવીને ફરી એક વખત સાબિત કર્યું કે તેઓ આ ફૉર્મેટના મહત્ત્વના ખેલાડી છે.
ઑલરાઉન્ડર અને પૂર્વ કૅપ્ટન પંડ્યાએ પહેલી મૅચમાં 39 નોટઆઉટ તથા બીજી મૅચમાં 32 રનની ઇનિંગ રમી હતી. પંડ્યાએ સિરીઝમાં 118 રન બનાવ્યા અને સારી બૉલિંગ પણ કરી.
તેમને પ્લેયર ઑફ ધ સિરીઝ ધોષિત કરવામાં આવ્યા. તેમણે કહ્યું, “કૅપ્ટન તથા કોચની ટીમે જે પ્રકારની આઝાદી આપી છે તે શાનદાર છે.”
ભારતની ત્રીજી સૌથી મોટી જીત

ઇમેજ સ્રોત, ANI
298 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમની શરૂઆત જ સારી નહોતી. મયંક યાદવના પહેલા બૉલ પર જ પરવેઝ હુસેન આઉટ થઈ ગયા.
ચોથી ઓવરમાં તંજિદ હસન પણ પેવેલિયન ભેગા થઈ ગયા. બે વિકેટ ગુમાવ્યા બાદ પણ બાંગ્લાદેશના બૅટ્સમૅનોએ ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યુ.
ટીમે 8.1 ઓવરમાં જ 100નો આંકડો પાર કર્યો. લિટન દાસ અને તૌહિદ હ્રદોય શાનદાર ભાગીદારી કરીને આગળ વધી રહ્યા હતા પંરતુ પછી રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટો લઈને તેમના મનસુબા પર પાણી ફેરવી દીધું.
બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર માત્ર 164 રન જ બનાવી શકી. ભારત તરફથી બિશ્નોઈએ સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી જ્યારે મયંક યાદવે પણ બે વિકેટો ઝડપી. ભારતે આ મૅચ 133 રનોએ જીતી.
રનને ધ્યાનમાં રાખતા ભારતની આ સૌથી મોટી ટી-20 જીત હતી.
ટીમ ઇન્ડિયા આ વર્ષે સૌથી વધુ ટી-20 મૅચ જીતનારી ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધી 21 મૅચ જીતી છે.
મૅચ બાદ કૅપ્ટન સૂર્યકુમારે કહ્યું, “અમે ટીમ મારફતે ઘણું મેળવ્યું છે. હું મારી ટીમમાં નિસ્વાર્થ ક્રિકેટરોને સામેલ કરવા ચાહુ છું. અમે એક નિશ્વાર્થ ટીમ બનવા માગીએ છીએ.”
“અમે મેદાનની અંદર અને બહાર એકબીજાના પ્રદર્શનનો લહાવો માણવા માગીએ છીએ. જેટલો સંભવ હોય તેટલો સમય સાથે વિતાવવા માગીએ છીએ. આ સૌહાર્દ મેદાન પર બની રહે છે. ટીમમાં વાતચીત કંઇક આ પ્રકારની જ રહી છે. ગૌતીભાઈ(ગૌતમ ગંભીર)એ પણ સિરીઝની શરૂઆતમાં કહ્યું હતું કે અમે જ્યારે શ્રીલંકા ગયા ત્યારે પણ ટીમમાં કોઈ મોટું નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












