ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ 9 શબ્દોમાં સમજો, સાવ સરળ રીતે

ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સરહદની બંને બાજુ સંખ્યાબંધ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ સંઘર્ષ આ સરહદોથી વધુ આગળ પ્રસરે એવું જોખમ પણ રહેલું છે.

આની શરૂઆત 7 ઑક્ટોબરે થઈ જ્યારે હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો, જેમાં 1400 લોકોનાં મૃત્યુ થયાં અને લગભગ 200 લોકો બંધક બનાવી લેવાયા હતા. મૃતકોમાં મોટા ભાગે સ્થાનિક નાગરિકો સામેલ હતા.

આ હુમલા પછી ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા કર્યા, જેમાં 4 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને હજારોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થઈ ગયા છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 50 વર્ષનો સૌથી મોટો એવો આ સંઘર્ષ દુનિયાભરના સમાચારોમાં છવાઈ ગયો છે.

અહીં શું થઈ રહ્યું છે તેને સારી રીતે સમજવા માટે અમે અહીં એ 9 શબ્દોની જાણકારી આપી રહ્યા છીએ, જેને સમજીને આપ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સારી રીતે સમજી શકશો.

1 - ઇઝરાયલ

ઇઝરાયલ મધ્યપૂર્વનો એ દેશ છે જે 1948માં સંયુક્ત રાષ્ટ્રસંઘના એક પ્રસ્તાવથી અસ્તિત્વમાં ત્યારે આવ્યો અને બ્રિટિશ મૅન્ડેટ હેઠળ પેલેસ્ટાઇન ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરી દેવાયા.

20મી સદીની શરૂઆતમાં યુરોપમાં યહૂદીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે યહુદી લોકો માટે અલગ દેશની માગે જોર પકડ્યું હતું.

ભૂમધ્ય સાગર અને જોર્ડન નદી વચ્ચે પડનારા પેલેસ્ટાઇન વિસ્તારને મુસલમાનો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એમ ત્રણેય માટે પવિત્ર માનવામાં આવે છે.

આ વિસ્તાર પર ઓટોમન સામ્રાજ્યનું નિયંત્રણ હતું અને એ તે મોટા ભાગે આરબો અને અન્ય મુસ્લિમ સમુદાયોના કબજામાં રહ્યો હતો.

જોકે અહીં મોટી સંખ્યામાં યહૂદી લોકો આવીને વસવા લાગ્યા પરંતુ સ્થાનિક લોકોમાં તેમનો વિરોધ શરૂ થઈ ગયો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઓટોમન સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું અને બ્રિટનને સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી પેલેસ્ટાઇન પ્રશાસન પોતાના નિયંત્રણમાં લેવાની મંજૂરી મળી ગઈ.

બીજા વિશ્વયુદ્ધ અને નાઝીઓના હાથે યહૂદીઓના વ્યાપક નરસંહાર પછી યહૂદીઓ માટે અલગ દેશની માગને લઈને દબાણ વધતું ગયું. એ સમયે યોજના બની કે બ્રિટનના નિયંત્રણવાળા વિસ્તારને પેલેસ્ટાઇનના લોકો અને યહૂદીઓ વચ્ચે વિભાજિત કરવામાં આવે.

ઇઝરાયલમાં રહેનારા યહૂદીઓનો ઇતિહાસ સદિઓ જૂનો છે. તેમની સંખ્યા ત્યાં 90 લાખથી વધુ એટલે કે લગભગ 74 ટકા છે. તેમાં લગભગ 80 ટકા લોકોનો જન્મ આ દેશમાં થયો, જ્યારે અન્ય 20 ટકા બીજા દેશોથી આવીને અહીં રહી રહ્યા છે. બીજી તરફ ઇઝરાયલી આરબ લગભગ 21 ટકા અને અન્ય સમુદાય 5 ટકા છે.

જેરુસલેમ ઇઝરાયલની શક્તિનું એક મોટું કેન્દ્ર છે જ્યારે તેલ અવિવ તેનું આર્થિક કેન્દ્ર છે. દેશની સરકારનું નેતૃત્ત્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના હાથમાં છે. આઇઝએક હરજોગ અહીં રાષ્ટ્રપતિ છે, પણ તે એક ઔપચારિક પદ છે.

આ દેશ આર્થિક, તકનિક અને સૈન્ય મામલોમાં મધ્ય પૂર્વની એક તાકત છે પરંતુ આ દેશનો ઇતિહાસ મોટા ભાગે પેલેસ્ટાઇનવાસી અને આરબ દેશો વચ્ચેના સંઘર્ષનો રહ્યો છે.

બંને ક્ષેત્રો વચ્ચે શાંતિપ્રક્રિયામાં સૌથી મોટા અવરોધનાં કારણો – એક સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રની રચનામાં વિલંબ, વેસ્ટ બૅન્કમાં યહૂદી વસાહતો ઊભી કરવાનું કામ અને પેલેસ્ટાઇન ક્ષેત્રની આસપાસ ઇસ્લામી સશસ્ત્ર સમૂહોના હુમલા રહ્યાં છે.

2- હમાસ

હમાસ, ઇઝરાયલ પર હુમલો કરનારો પેલેસ્ટાઇન ક્ષેત્રનો સૌથી મોટો ઇસ્લામી ચરમપંથી સમૂહ છે.

તેની રચના 1987ની શરૂઆતમાં થઈ હતી. તેના લડવૈયા ઇઝે-અલ-દીન અલ-કાસમ બ્રિગેડ કહેવાય છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ પેલેસ્ટાઇનને રાષ્ટ્ર બનાવવાનો છે.

તાકત અને અસર પ્રાપ્ત કર્યા બાદ હમાસે 2007માં ગાઝા પટ્ટી પર નિયંત્રણ કરી લીધું અને ઇઝરાયલના ખાતમાના સોગંદ લીધા. ત્યારથી લઈને અત્યાર સુધી ચરમપંથી સંગઠને ઇઝરાયલ સાથે ઘણી વાર યુદ્ધ છેડ્યું છે.

ઇઝરાયલ પર હુમલા માટે હમાસ અન્ય ચરમપંથી સંગઠનોની પણ સહાય લે છે. બીજી બાજુ ઇઝરાયલે 2007થી જ ઇજિપ્ત સાથે મળીને ગાઝા પટ્ટીની નાકાબંધી કરી રાખેલી છે.

હમાસને ઇઝરાયલ, અમેરિકા, યુરોપિયન સંઘ અને બ્રિટન જેવી મહાશક્તિઓ આતંકવાદી જૂથ ગણે છે.

3 – જેરૂસલેમ

જેરૂસલેમ ઈ.સ. પૂર્વે 2800માં અસ્તિત્વ આવ્યું હતું. આ નામ સેમિટિક ભાષાથી બન્યું છે અને તેનો અર્થ શાંતિનું શહેર અથવા શાંતિનું ઘર થાય છે.

યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તિઓની આસ્થાનું કેન્દ્ર જેરૂસલેમ પ્રાચીન કાળથી જ ધાર્મિક વિવાદનો વિષય રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અનુસાર જેરૂસલેમને સ્વતંત્ર દરજ્જો મળવાની વાત કહેવાઈ હતી પરંતુ 6 દિવસના યુદ્ધ બાદ ઇઝરાયે આના પર કબજો કરી લીધો હતો અને 1980માં અહીંની સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો જેણે આ શહેરને અવિભાજ્ય જાહેર કર્યું અને તેનું સંપૂર્ણ નિયંત્રણ ઇઝરાયલનું થઈ ગયું.

જેરૂસલેમ પર ઇઝરાયના નિયંત્રણની આ સ્થિતિ પેલેસ્ટાઇવાસીઓ સાથે એ સંઘર્ષનું મુખ્ય કારણોમાંથી એક છે કેમ કે તેઓ તેને પોતાની ઐતિહાસિક રાજધાની માને છે.

ઐતિહાસિક સંઘર્ષો જોતાં જેરૂસલેમનો મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઇઝરાયલની રાજધાની નથી માનતી. પરંતુ 6 ડિસેમ્બર 2017ના રોજ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી.

4 – ગાઝા પટ્ટી

ગાઝા પટ્ટી 41 કિલોમિટર લાંબી અને 6થી 12 કિલોમિટર પહોળાઈ (લગભગ 365 સ્ક્વેયર કિલોમિટર) ધરાવતો એક વિસ્તાર છે, જેમાં 23 લાખથી વધુ પેલેસ્ટાઇનવાસીઓ રહે છે. આ વિશ્વની સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતાં શહેરો પૈકી એક છે.

પેલેસ્ટાઇન બ્રિટિશ મૅન્ડેટને બે ભાગમાં વિભાજિત કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ સાથે 1947માં ઇઝરાયલ, ગાઝા પટ્ટી અને જેરૂસલેમ અસ્તિત્વમાં આવ્યાં હતાં.

પેલેસ્ટાઇવાસીઓએ આ સમજૂતી ફગાવી દીધી અને 1948માં યુદ્ધના મેદાનમાં કૂદી ગયા. આ યુદ્ધ પ્રથમ આરબ-ઇઝરાયલ યુદ્ધના નામથી જાણીતું છે. તેને ઇઝરાયલે જીતી લીધું. પરિણા એ આવ્યું કે ઇઝરાયલ અને ઇજિપ્તની સરહદ પાસેના ક્ષેત્રના પેલેસ્ટાઇનવાસીઓનું એક મોટું વિસ્થાપન થયું.

1967માં આરબ-ઇઝરાયલ સંઘર્ષ થયો જે 6 દિવસો સુધી ચાલ્યો. તેમાં આરબ દેશોના સૈનિકોના ગઠબંધન પર ઇઝરાયલને જીત મળી. ગાઝા પટ્ટી, ઇજિપ્તનો સનાઈ વિસ્તાર, જોર્ડનથી વેસ્ટ બૅન્ક (પૂર્વ જેરૂસલેમ) અને સીરિયાથી ગોલન પહાડી ઇઝરાયલના નિયંત્રણમાં આવી ગયાં. એ યુદ્ધમાં લગભગ 5 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.

1993માં ઑસ્લો કરારમાં ગાઝાને મર્યાદિત સ્વાયત્તા આપવામાં આવી. તેના હેઠળ 'પેલેસ્ટાઇન પ્રાધિકરણ'ની રચના કરાઈ જેનું લક્ષ્ય ગાઝા પટ્ટા અને વેસ્ટ બૅન્ક ક્ષેત્રમાં 5 વર્ષો માટે મર્યાદિત સ્વશાસન કરવાનું હતું.

મર્યાદિત સ્વાયત્તા પર હ્યુમન રાઇટ વૉચે કહ્યું કે ગાઝા પટ્ટી એક ખુલ્લી જેલ જેવી છે.

5- યહૂદીવાદ

ઝાયનિઝ્મ અથવા યહૂદીવાદનું એક રાજકીય આંદોલન છે જે 19 સદીના આખરમાં ઊભર્યું અને તેણે હકિકતમાં ત્યાં ઇઝરાયલની રચનાને પ્રોત્સાહિત કરી, જ્યાં પ્રાચીન કાળથી યહૂદી અને મુસલમાન રહેતા હતા.

ઝાયનિઝ્મ શબ્દનો પ્રયોગ ભૂલથી સામાન્ય યહૂદીઓ માટે કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે યહૂદી ધર્મમાં આસ્થા ઝાયોનીવાદ વગર પણ રાખે છે કેમ કે તેઓ આધુનિક ઇઝરાયલમાં વિશ્વાસ નથી કરતા.

બાઇબલ અનુસાર યહૂદીઓનાં મૂળ સેમિટિક સંસ્કૃતિમાં છે. 19મી સદીમાં સેમિટિક-વિરોધી શબ્દનો પ્રયોગ એ લોકો માટે કરવામાં આવતો હતો જેમણે યહૂદીઓને નકાર્યાં કરતા હતા. જોકે આરબ લોકોમાં પણ કેટલાક સેમિટિક મૂળના લોકોનો સમાવેશ થાય છે.

6 – પેલેસ્ટાઇન રાષ્ટ્રિય પ્રાધિકરણ

પેલેસ્ટાઇન રાષ્ટ્રીય પ્રાધિકરણ એક પેલેસ્ટાઇન રાજકીય સંગઠન છે. જેની સ્થાપના પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (પીએલઓ) અને ઇઝરાયલ વચ્ચેની સંધિ બાદ વર્ષ 1994માં થઈ હતી.

તેણે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષના સમાધાનના રૂપમાં વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વાયત્ત સરકારની રચનાની માગ કરી. તેના ટોચના નેતા યાસિર અરાફાત હતા જે પીએલઓની સાથે ફતાહ રાજકીય પાર્ટીના પણ વડા હતા. 2004માં તેમના નિધન પછી મહમૂદ અબ્બાસે સત્તા સંભાળી. જોકે 2006માં ગાઝામાં ચૂંટણી પછી હમાસને જીત મળી. ત્યારે ઇસ્લામી સંગઠન હમાસ અને ઉદારવાદી ફતેહ વચ્ચે આંતરિક લડાઈ ચાલી. એ પછી ફતાહે ગાઝા પરથી ધીમેધીમે પોતાનો પ્રભાવ ગુમાવી દીધો.

પેલેસ્ટાઇન રાષ્ટ્રીય પ્રાધિકરણ, પેલેસ્ટાઇન પ્રશાસિત ક્ષેત્રોના પ્રશાસન માટે બનાવાયેલું સંગઠન છે. તેની રચના 1994માં ઇઝરાયલી સરકાર અને પીએલઓ એટલે કે પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન વચ્ચે કૈરોમાં થયેલી સંમતિ બાદ થઈ હતી.

ઔપચારિક રીતે પેલેસ્ટાઇન પ્રાધિકરણને પેલેસ્ટાઇન રાષ્ટ્રીય પ્રાધિકરણ કહેવામાં આવે છે. તેનાં મુખ્ય અંગોમાં સંસદ, અધ્યક્ષ, વડા પ્રધાન અને કૅબિનેટનો સમાવેશ થાય છે.

પેલેસ્ટાઇનની સંસદમાં અધ્યક્ષ સિવાય 132 અન્ય પ્રતિનિધિ હોય છે. પરંતુ પોતાની રચનાના લગભગ 3 દાયકા બાદ પણ તેની માત્ર એક જ ચૂંટણી થઈ છે.

7 – વેસ્ટ બૅન્ક

ગાઝા પટ્ટી અને પૂર્વ જેરૂસલેમ સિવાય વેસ્ટ બૅન્ક એક માત્ર પેલેસ્ટાઇન વિસ્તાર છે જેની સ્થાપના 1948ના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ કરવામાં આવી હતી.

જોકે 1967માં જ્યારે આરબ-ઇઝરાયલ વચ્ચે 6 દિવસો સધી યુદ્ધ થયું તો યહૂદીઓએ જોર્ડન રિવરની તરફે વેસ્ટ બૅન્કના લગભગ 5860 વર્ગ કિલોમિટરના વિસ્તાર પર કબજો કરી લીધો. ઇઝરાયલે ત્યારે પૂર્વ જેરૂસલેમ પર પણ નિયંત્રણ મેળવ્યું હતું. ત્યાં 30 લાખથી વધુ પેલેસ્ટાઇન લોકો રહે છે પરંતુ ઇઝરાયલે ત્યાં ઘણી વસાહતો વસાવી છે જેમાં 7 લાખથી વધુ યહૂદીઓ રહે છે.

આ વસ્તી અને પેલેસ્ટાઇનવાસીઓનું વિસ્થાપન દાયકાઓથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનાં ચરમપંથી સંગઠનો વચ્ચે હિંસા તથા વિવાદનું કારણ રહ્યું છે.

વેસ્ટ બેન્ક પર પેલેસ્ટાઇન રાષ્ટ્રિય પ્રાધિકારણનું શાસન છે જેના પ્રમુખ મહમૂદ અબ્બાસ છે. આ ચરમપંથી રાજકીય દળ ફતાહથી સંબંધ ધરાવે છે. જેનો 2000ના દાયકાથી જ હમાસ સાથે સત્તાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

8 – રફાહ ક્રૉસિંગ

રફાહ ક્રૉસિંગ ગાઝા પટ્ટીના દક્ષિણમાં સ્થિત એક સરહદ ક્રૉસિંગ છે.

1967ના યુદ્ધ બાદ ઇઝરાયલે ઇજિપ્તના સિનાઇ પ્રાયદ્વીપ અને રફાહ શહેર પર કબજો કરી લીધો. જોકે સમજૂતી બાદ ઇઝરાયલી સેના ત્યાંથી પરત ગઈ પણ પણ રફાહને એક સરહદથી વિભાજિત કરી દેવાયું, જેથી એક બાજુ ઇજિપ્ત તો બીજી બાજુ ગાઝા પટ્ટી છે.

અહીં એક સરહદ ક્રૉસિંગ બનાવાઈ, જે આજની તારીખમાં ગાઝામાં જવાનો એકમાત્ર જમીની માર્ગ છે અને તેના પર ઇઝરાયલનું સીધું નિયંત્રણ નથી.

આ ક્રૉસિંગના એક ભાગને ઇજિપ્ત સંભાળે છે. જોકે ગાઝામાં કોઈ પણ સામાનના પ્રવેશ માટે ઇઝરાયલની મંજૂરી લેવી પડે છે. જો આ સરહદ ક્રૉસિંગ અપૂર્વ રીતે બંધ કરી દેવાય તો પેલેસ્ટાઇનિયન લોકો ગાઝાની બહાર ફસાયેલા રહી શકે છે.

પેલેસ્ટાઇનવાસીઓના વિસ્થાપન જેવાં માનવીય કારણોના લીધે ઇજિપ્ત આ સરહદ ક્રૉસિંગને હંમેશાં ખોલી ન રાખી શકે. સાથે જ એને ખોલવા માટે ઇઝરાયલ સાથે સમન્વય કરવો પડે છે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આ વર્ષે ઇજિપ્તે ગાઝાથી અત્યાર સુધી 19,608 લોકોને બહાર નીકળવાની મંજૂરી આપી જ્યારે 314 લોકોને રોકવામાં આવ્યા.

9 – હિઝબુલ્લાહ

હિઝબુલ્લાહનો અર્થ અલ્લાનું દળ એવો થાય છે. આ એક ઈરાન સમર્થિક શિયા ઇસ્લામી રાજકીય સંગઠન અને અર્ધસૈનિક સમૂહ છે જે લેબનનમાં મોટી તાકત ધરાવે છે. તેની રચનાનો મુખ્ય ઉદ્દેશ ઇઝરાયલનો વિનાશ છે.

વર્ષ 1992થી તેનું નેતૃત્ત્વ હસન નસરુલ્લાહ કરી રહ્યા છે.

હિઝબુલ્લાહનો ઉદય ક્યારે થયો એની કોઈ ચોક્કસ તારીખ કહેવી મુશ્કેલ છે, પરંતુ વર્ષ 1982માં પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓના હુમલાના જવાબમાં દક્ષિણી લેબનનમાં ઇઝરાયલની ઘુસણખોરી બાદ હિઝબુલ્લાહ પહેલાં અસ્તિત્વ ધરાવતા સંગઠનનો ઉદય થયો હતો.

હિઝબુલ્લાહ પેલેસ્ટાઇન અને મધ્ય પૂર્વના અન્ય શિયા સમર્થકો છે.

પોતાના ઉદ્દેશને મેળવવા માટે આ સંગઠને ઘણા હુમલા કર્યા છે. તેને અમેરિકા, ઇઝરાયલ, બ્રિટન અને આરબ લીગના અન્ય સભ્યો આતંકવાદી સંગઠન માને છે.