મણિપુર હિંસામાં 'વિદેશી તાકતની દખલ'નો દાવો, શું કહે છે નિષ્ણાતો

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પાયલ ભુયન
- પદ, બીબીસી સંવાદદાતા
મણિપુર છેલ્લા 3 મહિનાથી હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે જેમાં અત્યાર સુધી 160 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 50 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. લોકોનાં ઘરોને આગ ચાંપી દેવાઈ છે.
મહિલાઓ સાથે યૌનહિંસાના મામલા સામે આવ્યા છે. 5 હજારથી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ હિંસાના અહેવાલો અટકી નથી રહ્યા.
વિપક્ષ સરકારને સવાલ પૂછી રહ્યો છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આને લઈને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો છે.
મણિપુરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ નિવેદન આપ્યું નથી.
જોકે કેટલાક દિવસો પહેલાં તેમણે રાજ્યમાં કુકી મહિલાઓ સાથે થયેલી યૌનહિંસાના વાઇરલ વીડિયો પર નિવેદન આપ્યું હતું, પરંતુ નિવેદન એ ઘટના વિશે જ હતું. તેમણે અત્યાર સુધી મણિપુરમાં બે સમુદાયો વચ્ચે થઈ રહેલા ‘ખૂની જંગ’ પર કંઈ જ નથી કહ્યું.
દરમિયાન પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ મણિપુર હિંસામાં ‘વિદેશી તાકતો’ના સામેલ હોવા મામલેની શંકા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, “મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓની સંલિપ્તતા મામલે ઇનકાર ન કરી શકાય.”

જનરલ એમ. એમ. નરવણેએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ કહ્યું, “મણિપુરમાં જે થઈ રહ્યું છે તેમાં વિદેશી એજન્સીઓની સંડોવણીનો ઇનકાર ન કરી શકાય. સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી વાત નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે ભારપૂર્વક એ પણ કહ્યું કે, “અલગઅલગ વિદ્રોહી સમૂહોને મળી રહેલી કથિત ચીનની મદદ કેટલાંય વર્ષોથી ચાલુ જ છે.”
“મને વિશ્વાસ છે કે જે લોકો સત્તામાં છે અને જે પણ કાર્યવાહી થવી જોઈએ, એ કરવા માટે તેઓ જવાબદાર છે, તેઓ પોતાનું કામ ઘણી સારી રીતે કરી રહ્યા છે. ઘટનાસ્થળ પર હાજર લોકોને વધુ જાણકારી હશે અને એ પણ જાણ હશે કે શું કરવાની જરૂર છે. હું એટલું કહેવા માગું છું કે અસ્થિરતા આપણી આંતરિક સુરક્ષા માટે યોગ્ય નથી.”
જનરલ નરવણેએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા પરિપ્રેક્ષ્ય’ વિષય પર આયોજિત એક ચર્ચા દરમિયાન મણિપુરમાં ચાલતી હિંસા મામલે આ વાત કહી.
મણિપુર હિંસામાં કોઈ ‘વિદેશી તાકત’ના હાથની કેટલી સંભાવના છે? નરવણેના નિવેદનનો શો અર્થ કાઢવો?
એ સમજવા માટે અમે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચમાં વરિષ્ઠ સંશોધક સુશાંતસિંહ સાથે વાત કરી.
તેઓ કહે છે, “નરવણે ભારતના સેના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને એ દૃષ્ટિએ તેમને એ જગ્યાની સંપૂર્ણ જાણકારી હશે. એ સિવાય તેઓ આસામ રાઇફલ્સમાં કેટલાંય વર્ષો સુધી વરિષ્ઠ પદો પર રહ્યા છે. તેઓ જે વાત કરી રહ્યા છે, તે કંઈક સમજી વિચારીને જ કહી રહ્યા હશે.”
“જો આ સત્ય છે કે તેમાં મણિપુર હિંસામાં વિદેશી તાકતોનો હાથ છે. ખાસ કરીને ચીનનો હાથ જે આ વિદ્રોહી સંગઠનોને મદદ કરી રહ્યું છે તો આપણે આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને અવગણી ન શકાય.”
મણિપુરમાં મે મહિનાથી હિંસા શરૂ થઈ હતી. ત્યાર બાદ સમુદાયો વચ્ચે કડવાશ કંઈક એટલી હદે વધી કે હવે રાજ્યમાં બે જૂથ સ્પષ્ટ નજરે આવી રહ્યા છે. મણિપુરની 53 ટકા વસ્તી મૈતેઈ સમુદાયની છે જે મોટા ભાગે ઇમ્ફાલના ઘાટી વિસ્તારમાં રહે છે. જ્યારે નાગા અને કુકીની વસ્તી 40 ટકા છે, જે પહાડી જિલ્લામાં રહે છે.
મણિપુર પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા ત્યારે સૌથી વધુ થઈ જ્યારે અહીંથી એક વીડિયો સામે આવ્યો.
19 જુલાઈના રોજ મણિપુરની બે મહિલા સાથે યૌનઉત્પીડનનો એક ભયાનક વીડિયો વાઇરલ થયો. આ વીડિયોના મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચા છેડાઈ.
મોદી સરકાર પર વિપક્ષે પ્રહાર કર્યા. વીડિયોને લઈને દેશભરના લોકોમાં ગુસ્સો હતો. આ બધું સંસદના ચોમાસુ સત્ર શરૂ થવા પહેલાં થયું હતું.
વિપક્ષ વડા પ્રધાન મોદી પાસેથી સતત જવાબ માગતો રહ્યો. 20 જુલાઈના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મણિપુરની ઘટનાથી તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું છે.
પીએમ મોદીએ કહ્યું કે, “દેશનું અપમાન થઈ રહ્યું છે અને દોષિતોને છોડવામાં નહીં આવે. પહેલી વાર વડા પ્રધાન મોદીએ મણિપુરમાં ચાલતી હિંસા પર કંઈક કહ્યું હતું.”
વાઇરલ વીડિયોમાં જે મહિલાઓ સાથે યૌનહિંસા થઈ તેમણે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હિંસાનો શિકાર બનેલી મહિલાઓનો કેસ લડી રહ્યા છે. જ્યારે સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા લડી રહ્યા છે.

‘લડાઈનાં નવાં હથિયાર’

ઇમેજ સ્રોત, Getty Images
મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર મ્યાનમારથી આવનારા લોકોનો બાયૉમૅટ્રિક ડેટા ભેગો કરશે જેથી જે લોકો અપ્રવાસી છે તેમનો રેકૉર્ડ રાખી શકાય.
પરંતુ સવાલ હજુ પણ યથાવત્ છે કે કેમ રહી રહીને વિદેશી તાકત, ચીનની વાત મણિપુર હિંસાના સંદર્ભમાં ઊઠતી રહે છે.
બીબીસી સાથે વાત કરતા મેજર જનરલ (નિવૃત્ત) ડૉક્ટર એસ. બી. અસ્થાના કહે છે, “મણિપુરની સ્થિતિ માટે વિદેશી તાકતોની વાત અવગણી ન શકાય. આ દાવાને નકારી ન શકાય.”
વધુમાં તેઓ કહે છે, “આજકાલ લડાઈનો નવો કન્સૅપ્ટ શરૂ થયો છે. જેમાં તમે સમાજમાં તણાવ પેદા કરો છો, આ બધું કંઈ પણ રીતે થઈ શકે છે. જેમ કે કોઈ ફેક વીડિયો બનાવીને અથવા લોકોનો મોકલીને. ભારત એક ઉભરતો દેશ છે અને તેના ઘણા દુશ્મનો છે. જેથી ચીન નહીં ઇચ્છે કે ભારત આગળ વધે અને તેને રોકવામાં તે કોઈ કસર બાકી રાખતું નથી.”
“પ્રૉક્સી યુદ્ધ અને સોશિયલ અનરેસ્ટ એટલે કે સમાજમાં તણાવ પેદા કરવો આ લડાઈનાં નવાં હથિયારો છે. કોઈ પણ આને આપણી વિરુદ્ધમાં વાપરી શકે છે અને મણિપુરના સંદર્ભમાં એનો ઇનકાર ન કરી શકાય.”
આ પહેલી વાર નથી કે મણિપુર હિંસાના સંદર્ભમાં ચીનનો અથવા વિદેશી તાકતનો ઉલ્લેખ થયો હોય, પરંતુ એ સમજવું પણ જરૂરી છે કે જ્યારે પણ આ પ્રકારના દાવા કરવામાં આવતા હોય ત્યારે એ વિશે કોઈ મજબૂત પુરાવા રજૂ નથી થયા.

મણિપુર હિંસામાં ચીન અને મ્યાનમારનો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images
ગત રવિવારે મણિપુરના બે દિવસના પ્રવાસથી પરત ફરેલા વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના 21 સાંસદનું વલણ ઉગ્ર જોવા મળ્યું. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકાર મણિપુરમાં જાતીય સંઘર્ષ રોકવામાં નિષ્ફળ રહી છે.
કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, “જો મણિપુર સંકટ જલદી ઉકેલવામાં નહીં આવે તો આ દેશ માટે સુરક્ષા સમસ્યાઓ પેદા કરી શકે છે.”
તેમણે કહ્યું, “ચીનના સૈનિક સરહદી રાજ્યમાં ફેલાયેલી અશાંતિનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. મણિપુર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. સરકારને સ્થિતિની ગંભીરતા સમજાતી નથી. મ્યાનમાર સાથે માત્ર 75 કિલોમિટર સરહદ પર વાડ કરેલી છે, ચીન માત્ર થોડું જ દૂર છે. આ ચિંતાજનક સ્થિતિ છે.”
માત્ર નરવણે જ નથી જે મણિપુર હિંસામાં ‘વિદેશી તાકતો’નો હાથ હોવાની વાત કરે છે. આ પહેલાં જુલાઈની શરૂઆતમાં મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહે કહ્યું હતું કે તેમના પ્રદેશમાં ફેલાયેલી હિંસામાં ‘વિદેશી તાકતો’નો હાથ હોઈ શકે છે.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર મુખ્ય મંત્રી એન. બિરેનસિંહે કહ્યું હતું, “પ્રદેશમાં થયેલી જાતીય હિંસામાં બહારનાં તત્ત્વોનો હાથ હોઈ શકે છે અને આ ‘પૂર્વ આયોજિત’ લાગે છે.”
આ વિશે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચમાં વરિષ્ઠ સંશોધક સુશાંતસિંહ કહે છે, “જ્યારે મણિપુરના મુખ્ય મંત્રી બિરેનસિંહ વિદેશી તાકતોની વાત કરે છે, તો મ્યાનમારની તરફ ઇશારો કરે છે. તમનો ઇશારો મ્યાનમારના ચીન સમુદાયના લોકો તરફ છે. આ લોકો એ જાતિના છે, જેઓ કુકી લોકો છે. પરંતુ આ એક રીતે કુકી લોકોને બદનામ કરવાની કોશિશ છે, તેમને વિલન ચીતરવાની કોશિશ છે. તેઓ એ નથી કહેતા કે ચીન અથવા બાંગ્લાદેશ અથવા કોઈ અન્ય સરકાર અહીં મદદ કરી રહી છે. તેઓ કુકી લોકો પર સવાલ ઉઠાવી રહ્યા છે?”

‘કેન્દ્ર સરકારે સંસદમાં નિવેદન આપવું જોઈએ’

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈની શરૂઆતમાં જ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) નેતા સંજય રાઉતે સ્પષ્ટપણે ચીનનું નામ લેતા કહ્યું, “મણિપુર હિંસામાં ચીનનો હાથ છે. તમે (કેન્દ્ર સરકાર) શું કાર્યવાહી કરી? મણિપુરના મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.”
જો મણિપુર હિંસામાં કઈ પ્રકારે કોઈ બહારની વિદેશી તાકતનો હાથ હોય તો એવામાં ભારત સરકારે શું કરવું જોઈએ?
આ સવાલ પર સુશાંતસિંહ કહે છે કે, “વિદેશી તાકતના સામેલ થવાની વાતમાં જો જરાય પણ સત્ય હોય તો, ભારત સરકાર સ્પષ્ટ રીતે સંસદ અને મીડિયાને જણાવે કે મણિપુરમાં શું ચાલી રહ્યું છે, આ વાતોમાં કેટલું સત્ય છે. તેમની પાસે શું જાણકારી છે? જો તેમાં થોડું પણ સત્ય હોય કે ચીન અથવા કોઈ અન્ય દેશ આવું કરી રહ્યો છે, તો ભારત સરકારે કડક પગલાં ઉઠાવવાં જોઈએ.”

ભારતનાં ઉત્તર પૂર્વ રાજ્ય અને ચીન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ચીનની દખલની વાતો સામે આવતી રહી છે. અરુણાચલ પ્રદેશ મુદ્દે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ રહ્યો છે.
પૂર્વ સેના અધ્યક્ષ વેદપ્રકાશ મલિક ભારતના પૂર્વોત્તરમાં ચીનના રસ વિશે વાત કરતા કહે છે, “ભારતનાં ઉત્તર પૂર્વ રાજ્યોમાં ચીનને હંમેશાં રસ રહે છે. 1962માં ચીને અરુણાચલ પર હુમલો કર્યો હતો. હજુ પણ અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ માને છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે.”
“હાલમાં પણ ચીને આપણા અરુણાચલના ખેલાડીઓને સ્ટેપલ્ડ વિઝા આપ્યા હતા, ત્યાર બાદ ભારત સરકારે ખેલાડીઓને ન મોકલવાનો નિર્ણય કરવો પડ્યો. ચીને 1960ના દાયકામાં આપણા કેટલાક વિદ્રોહી સમૂહો (જેમ કે નાગાલૅન્ડમાં હોય અથવા આસામમાં અથવા મણિપુરમાં)ને મદદ કરતા હતા. ચીને આ મદદ હથિયારો સાથે સાથે તાલીમ આપીને કરી હતી. તો એ કહેવું ખોટું નહીં હોય કે ચીનનો હસ્તક્ષેપ રહ્યો છે અને તે હજુ પણ છે.”
ગત કેટલાક દિવસોમાં અરુણાચલ પ્રદેશને લઈને ફરીથી બંને દેશોમાં વિવાદ છેડાયો હતો જ્યારે ચીને ભારતીય વુશુ ટીમના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વિઝા આપ્યા હતા.
ભારતીય પાસપૉર્ટ હોવા છતાં ચીનના આ પગલાને ભારતે મજબૂત વાંધો ઉઠાવ્યો અને સમગ્ર ટીમ સ્પર્ધામાંથી ખસી ગઈ.
ભારત ચીન સાથે 3488 કિલોમિટર લાંબી સરહદ ધરાવે છે. આ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી થઈને પસાર થાય છે.
આ સરહદ ત્રણ સૅક્ટરમાં વહેંચાયેલી છે. પશ્ચિમી સૅક્ટર એટલે કે જમ્મુ-કાશ્મીર, મધ્ય સૅક્ટર એટલે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વીય સૅક્ટર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.
બંને દેશો વચ્ચે હજુ સુધી સંપૂર્ણ સીમાંકન નથી થયું, કેમ કે કેટલાય વિસ્તારોને લઈને બંને વચ્ચે મતભેદો છે.
ભારત પશ્ચિમી સૅક્ટરમાં અક્સાઇ ચીન પર પોતાનો દાવો કરે છે પરંતુ આ વિસ્તાર હાલ ચીનના નિયંત્રણમાં છે. ભારત સાથે 1962ના યુદ્ધ દરમિયાન ચીને આ સંપૂર્ણ વિસ્તાર પર કબજો કરી લીધો છે.
જ્યારે પૂર્વીય સૅક્ટરમાં ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. ચીન કહે છે કે આ દક્ષિણી તિબેટનો ભાગ છે. ચીન તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મૅકમોહન રેખાને પણ નથી માનતું.














