મણિપુરમાં તણાવ દરમિયાન ફેલાઈ રહી છે ખોટી અને ભ્રામક માહિતી

મણિપુર હિંસામાં આગના હવાલે કરવામાં આવેલ ટેન્કર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મણિપુર હિંસામાં આગના હવાલે કરવામાં આવેલ ટેન્કર
    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી સંવાદદાતા
ગ્રે લાઇન

ઇશાન ભારતના હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુર બાબતે ગેરમાર્ગે દોરતી માહિતી વ્યાપકપણે શૅર કરાઈ રહી છે.

સત્તાવાળાઓ દ્વારા ઇન્ટરનેટ સેવા થંભાવી દઈને તેને પ્રસરતી અટકાવવાના પ્રયાસો છતાં આવું થઈ રહ્યું છે.

બહુમતી મૈતેઈ સમુદાય અને આદિવાસી કુકી લઘુમતી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પુરુષોનાં ટોળાંએ બે મહિલા પર હુમલો કર્યો હતો અને તેમને નિર્વસ્ત્ર કરી હતી.

આ ઘટનાને લીધે સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો હતો અને ઘટનાનો વીડિયો તાજેતરમાં વાઇરલ થયા બાદ મણિપુર વૈશ્વિક સ્તરે સમાચારમાં આવ્યું હતું.

ચેતવણીઃ આ અહેવાલમાં કેટલીક વિગત કેટલાક વાચકોને પીડાદાયક લાગી શકે છે.

ગ્રે લાઇન

જાતીય હિંસા વિશે ખોટા દાવા

ટ્વીટનો સ્ક્રીનશૉટ
ઇમેજ કૅપ્શન, ટ્વીટનો સ્ક્રીનશૉટ

મે માસની શરૂઆતથી મણિપુરમાં હિંસામાં વધારો થયા પછી મહિલાઓ પર હિંસા મુદ્દે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવાઈ રહી છે.

ત્રીજી મેએ અથડામણ શરૂ થતાંની સાથે સત્તાવાળાઓએ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી, જેથી “વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ મારફતે ખોટી માહિતી અને અફવા” ફેલાતી અટકાવી શકાય.

એક દિવસ પછી રાજ્યમાં તમામ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી, પણ ત્યાં સુધીમાં એક મહિલાના મૃતદેહનો ફોટો વાઇરલ થઈ ચૂક્યો હતો.

ફોટોમાં મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાં વીંટળાયેલો હતો અને ખોટો દાવો કરવામાં આવ્યો કે કે એ મહિલા મૈતેઈ નર્સ હતી અને કુકી પુરુષોએ તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવાઈ.

આ ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો એટલું જ નહીં, તેને ચુરાચંદપુર જિલ્લામાં વૉટ્સઍપ પર શૅર કરવામાં આવ્યો હોવાના પુરાવા પણ બીબીસીને મળ્યા હતા, જ્યાં ત્રીજી મેએ હિંસાની શરૂઆત થઈ હતી.

આ ફોટો વિશેના દાવા ખોટા છે, કારણ કે આ ફોટો મણિપુરનો નથી. તે 21 વર્ષની યુવતી આયુષી ચૌધરીનો અને આયુષીની ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી.

ટેક્સટનો સ્ક્રીનશૉટ
ઇમેજ કૅપ્શન, ટેક્સટનો સ્ક્રીનશૉટ

સોશિયલ મીડિયા પર એવી જ રીતે પાંચમી મેએ દાવો કરવામાં આવ્યો હતો કે જે 37 મૈતેઈ મહિલાઓની બળાત્કાર બાદ હત્યા કરાઈ હતી તેમના અને સાત વર્ષના એક મૈતેઈ બાળકના મૃતદેહ મણિપુરની રાજધાની ઇમ્ફાલની શિજા હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમની રાહ જોતા પડ્યા છે.

એમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મૈતેઈ મહિલાઓની બળાત્કાર બાદ હત્યા કરી દેવાઈ હતી.

ટ્વિટર પરની સંખ્યાબંધ પોસ્ટ્સમાં લગભગ સમાન શબ્દોમાં આ દાવાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. નવા બનાવવામાં આવેલાં એકાઉન્ટ્સ મારફત આ પોસ્ટ્સ શૅર કરાઈ હતી.

સ્થાનિક મણિપુરી ભાષામાં સર્ક્યુલેટ થતા સમાન શબ્દવાળા ટેક્સ્ટ મૅસેજ પણ બીબીસીના ધ્યાને આવ્યા છે.

મણિપુરના પત્રકારોએ બીબીસીને જણાવ્યું હતું કે મોબાઇલ સેવા બંધ હોવા છતાં ટેક્સ્ટ મૅસેજ દ્વારા માહિતીની આપ-લે કરાઈ રહી હતી.

આ દાવો ખોટો છે.

શિજા હૉસ્પિટલે બીબીસીને જણાવ્યું હતું કે આવી ઘટના ક્યારેય બની નથી અને એક ખાનગી તબીબી સંસ્થા હોવાને કારણે તેમને પોસ્ટમૉર્ટમ કરવાની પરવાનગી નથી.

ગ્રે લાઇન

મણિપુર નહીં, મ્યાનમાર

મ્યાનમારનો વીડિયો મણિપુરની હોવાના દાવા સાથે સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો
ઇમેજ કૅપ્શન, મ્યાનમારનો વીડિયો મણિપુરની હોવાના દાવા સાથે સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો

આ સિવાય પણ ખોટી અને ગેરમાર્ગે દોરતી સામગ્રીનાં અન્ય ઉદાહરણો છે. ઘણા વિચલિત કરતા વીડિયો પણ સામેલ છે, જેમાં એક રસ્તા પર એક મહિલા પર બળાત્કાર અને હત્યાનો વીડિયો સામેલ છે.

દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો મણિપુરનો છે.

આ વીડિયો જૂનના અંતમાં #Manipur હેશટેગ સાથે શૅર થવાનું શરૂ થયું હતું અને હજારો લોકોએ તેને જોયો હતો.

કેટલાક એવો દાવો કરે છે કે તે વીડિયો મૈતેઈ સમુદાયના સશસ્ત્ર પુરુષો દ્વારા કુકી મહિલાની હત્યાનો છે.

આ ઘટના મણિપુરની હોવાના દાવા સાથે આ વીડિયો એક સપ્તાહ પહેલાં ફેરવવામાં આવ્યો હતો.

આ દાવો વધુ એક વખત ખોટો છે. એ વીડિયો મણિપુરનો નથી અને પીડિતા કુકી મહિલા નથી.

આ વીડિયો પાડોશના મ્યાનમાર દેશમાં બનેલી ઘટનાનો છે. એ ઘટના જૂન, 2022માં મણિપુરમાં અથડામણ શરૂ થઈ તે પહેલાં બની હતી. અનેક ફેક્ટ-ચેકિંગ વેબસાઇટે તે ખોટો હોવાનું પુરવાર કર્યું હતું.

આ વીડિયો કેટલા વ્યાપક પ્રમાણમાં શૅર કરાયો હોવાનું જાણી શકાયું નથી, પરંતુ તે મણિપુરમાં સર્ક્યુલેટ થતો હતો.

આ વીડિયો શૅર કરનાર તમામ લોકો સામે પગલા લેવાની ચેતવણી મણિપુર પોલીસે આપી હતી.

ગ્રે લાઇન

ધરપકડ વિશે ખોટી માહિતી

ટ્વીટનો સ્ક્રીનશૉટ
ઇમેજ કૅપ્શન, ટ્વીટનો સ્ક્રીનશૉટ

મણિપુરમાં મે માસના પ્રારંભમાં કુકી સમુદાયની બે મહિલા પર એક ટોળાએ હુમલો કર્યાનો એક વીડિયો 19, જુલાઈએ હેડલાઇન્સ બન્યા પછી પણ ખોટી માહિતી ફેલાવાઈ રહી છે.

બીજા દિવસે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો શૅર કરવામાં સંડોવણી બદલ એક મુસ્લિમની ધરપકડ કરવામાં આવી હતી.

તે વીડિયો શૅર કરનાર લોકોમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષના નેતા તેજિન્દરસિંહ બગ્ગાનો પણ સમાવેશ થાય છે.

તેજિન્દરસિંહે કરેલી ટ્વીટને 10 લાખથી વધારે વ્યૂઝ મળ્યા હતા અને હજારોએ તેને રી-ટ્વીટ કર્યો હતો.

તેમાં એ વ્યક્તિને “મણિપુર કેસનો મુખ્ય આરોપી” ગણાવાઈ હતી. અહીં ‘મણિપુર કેસ’ શબ્દનો ઉલ્લેખ બે મહિલા પરના હુમલાના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો.

હકીકતમાં તે ગેરમાર્ગે દોરતી માહિતી છે, કારણ કે મણિપુર પોલીસે એ દિવસે મુસ્લિમ વ્યક્તિની ધરપકડ અલગ જ કારણસર કરી હતી.

પોલીસે સ્પષ્ટતા કરી હતી કે વિવિધ સ્થળોએ ધરપકડ કરવામાં આવી હતી અને મહિલાઓ પરના હુમલા સાથે મુસ્લિમ પુરુષને કોઈ સંબંધ નથી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

એએનઆઈ ન્યૂઝ એજન્સીએ પણ ખોટું રિપોર્ટિંગ કર્યું અને ધરપકડને મહિલાની ઘટના સાથે જોડી. જોકે, બાદમાં તેણે પોલીસની ટ્વીટના “ખોટા અર્થઘટન”ને લીધે આ ભૂલ થયા બદલ માફી માગી હતી.

જોકે, ભાજપના તેજિન્દરસિંહ બગ્ગાએ તેમના ટ્વીટમાં ન કોઈ સુધારો કર્યો છે કે ન કોઈ સ્પષ્ટતા આપી છે.

તેમણે આ વિશેના બીબીસી સવાલોનો જવાબ પણ આપ્યો નથી.

(એડિશનલ રિસર્ચઃ અહમદ નૂર)

રેડ લાઈન
રેડ લાઈન