હરિયાણા સાંપ્રદાયિક હિંસા : મેવાતમાં હિંસા પછી ગુરુગ્રામની મસ્જિદમાં આગ, ઇમામનું મોત

મસ્જિદમાં આગ

ઇમેજ સ્રોત, ASLAMKHAN

હરિયાણાના નૂહ જિલ્લાના મેવાત વિસ્તારમાં સોમવારની ધાર્મિક યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ટકરાવ થયો હતો. હરિયાણા સરકારે વિસ્તારમાં શાંતિ જાળવવાને પ્રાથમિકતા ગણાવી છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કેન્દ્ર સરકારને અતિરિક્ત પોલીસ દળો મોકલવાનું કહ્યું છે.

હિંસામાં જાનહાનીના પણ અહેવાલ છે. એનડીટીવીના અહેવાલ મુજબ 2 હોમગાર્ડનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે.

વધુમાં બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાના જણાવ્યા અનુસાર હરિયાણાના મેવાતમાં સોમવારની હિંસા પછી મોડી રાત્રે ગુરુગ્રામના સેક્ટર 57 સ્થિત મસ્જિદમાં આગચંપીના અહેવાલ છે.

મસ્જિદની પ્રબંધન સમિતિના ચૅરમૅને બીબીસીને કહ્યું, “હિંસાની ઘટનામાં મસ્જિદના ઇમામનું મોત થયું છે અને અહીં હાજર લોકો ઘાયલ પણ થયા છે.”

આ અહેવાલની પુષ્ટિ માટે બીબીસીએ ગુરુગ્રામ પોલીસનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ અહેવાલ લખાઈ રહ્યા છે ત્યાં સુધી પોલીસનો પક્ષ જાણવા નથી મળ્યો.

ઇમામ સાદના ભાઈ શાદાબ અનવરે બીબીસી સાથે વાતચીત કરતા જણાવ્યું, “હું મારા પિતરાઈ ભાઈનો માત્ર ચહેરો જ જોઈ શક્યો છું. હજુ અમે શબઘર પર જ છીએ. હવે એફઆઈઆર દાખલ કરાવીશું. મારા ભાઈ છેલ્લા 7 મહિનાથી આ મસ્જિદના ઇમામ હતા. મારા ભાઈની ઉંમર માત્ર 22 વર્ષ હતી.”

શાદાબે ગત રાત્રે સાડા 11 વાગ્યે સાદ સાથે વાત કરી હતી. તેઓ જણાવે છે, “અમે મૂળ રૂપથી બિહારના રહેવાસી છીએ. આજે મારા ભાઈએ ઘરે પરત ફરવાનું હતું. તેની ટિકિટ હતી. મેં તેને ફોન પર સમજાવ્યો કે હાલ માહોલ ઠીક નથી. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય મસ્જિદથી બહાર ન નીકળીશ. મારી તેની સાથે છેલ્લે આ વાત થઈ હતી.

બીબીસી સાથેની વાત કરતા હરિયાણા અંજુમન ટ્રસ્ટના ચૅરમૅન મોહમ્મદ અસલમ ખાને જણાવ્યું, “મેવાતમાં હિંસા પછી સોમવારે સાંજે પોલીસની ટીમ અમારી પાસે પહોંચી હતી અને અમને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું.”

અસલમ ખાને જણાવ્યું, “સ્થાનિક સ્ટેશનથી પોલીસની ટીમ અમારી પાસે આવી હતી અને અમને કહ્યું હતું કે મસ્જિદની સુરક્ષા પોલીસ કરશે. અમને કહેવાયું હતું કે પોલીસની ટીમ મસ્જિદમાં જ હાજર રહેશે. જ્યારે અમે મસ્જિદના ઇમામ અને અન્ય અહીં રહેતા બે કર્મીઓ વિશે વાત કરી તો પોલીસે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી.”

અસલમ ખાન જણાવે છે, “મગરિબની નમાઝ પઢ્યા બાદ અમે મસ્જિદ પરત આવી ગયા હતા. પોલીસ પણ હાજર હતી. પછી રાત્રે 12 વાગ્યાથી 12:30 વાગ્યા વચ્ચે એકાએક મસ્જિદ પર હુમલો થયો. પહેલા મસ્જિદના રૂમ તોડવામાં આવ્યા અને પછી આગ લગાવી દેવાઈ.”

તેમણે ઉમેર્યું, “મૂળરૂપે બિહારના રહેનારા અને મસ્જિદના ઇમામ સાદને હુમલાખોરોએ મારી નાખ્યા. ખુર્શીદ નામની એક વ્યક્તિ ઘાયલ છે જે આઈસીયૂમાં છે. એક અન્ય ઘાયલ છે, જેમને મામૂલી ઇજા થઈ છે.”

2004માં હરિયાણા સરકારે ગુરુગ્રામમાં 17 મંદિરો, 2 ગુરુદ્વારા, એક ચર્ચ અને એક મસ્જિદના નિર્માણ માટે જમીન ફાળવી હતી. આ મસ્જિદ એ જમીન પર બનેલી છે અને ન્યૂ ગુરુગ્રામની એકમાત્ર મસ્જિદ છે. અહીં આસપાસ રહેતા મુસલમાન નમાઝ પઢવા આવે છે.

મુખ્યમંત્રીની શાંતિની અપીલ

કાર

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દરમિયાન હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે સાંપ્રદાયિક હિંસા પર કહ્યું, “આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું તમામ લોકોને પ્રદેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું. દોષિતોને છોડવામાં નહીં આવશે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.”

સાંપ્રદાયિક હિંસા પછી નૂહના કૉંગ્રેસના ધારાસભ્ય ચૌધરી આફતાબ અહમદ પણ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમણે લોકોને શાંતિની અપીલ કરી રહી છે.

તેમણે આ હિંસા માટે પ્રશાસનિકની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં તેમણે કહ્યું, “અમે લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે અને હાથ જોડીને અપીલ કરી રહ્યા છે કે સ્થિતિને સામાન્ય બનાવવામાં આવે અને સહયોગ કરે.”

“પરિસ્થિતિ ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. આ રીતે પ્રશાસન અને પોલીસની નિષ્ફળતા અમે નથી જોઈ. ચૅલેન્જબાજી થઈ રહી છે અને આ પ્રશાસનની નિષ્ફળતા છે. અમે એ અપીલ કરી છે કે કોઈ પણ ષડયંત્રનો શિકાર ન બને અને બધા સાથે મળીને શાંતિ કાયમ કરે અને અફવાઓનો શિકાર ન બને.”

હિંસા મામલે કૉંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમણે કહ્યું, “મેવાતમાં જે પરસ્પર તણાવ, પત્થરબાજીના અહેવાલ આવ્યા છે, પીડાદાયક છે.હું પ્રત્યેક પ્રદેશવાસીને હાથ જોડીને એ આગ્રહ કરું છું કે પરસ્પર ભાઈચારામાં ખલેલ ન થવા દે. દરેક પરિસ્થિતિમાં પરસ્પર અમન, શાંતિ અને સદ્ભાવ કાયમ રાખે.”

તેમણે કહ્યું, “આગામી સમયમાં એ તપાસનો વિષય રહેશે કે પરિસ્થિતિ કઈ રીતે બગડી અને આ વાત અમે ત્યારે કરીશું જ્યારે શાંતિ સ્થાપિત થઈ જાય.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MUSTAFA KHAN

પરિસ્થિતિને કાબુમાં કરવા માટે પોલીસે નૂહમાં ફ્લૅગ માર્ચનું આયોજન કર્યું. ત્યાં જ પ્રશાસને જિલ્લામાં બુધવારે અડધી રાત સુધી મોબાઇલ ઇન્ટરનેટ પર બૅન લાદ્યો હતો.

નૂહના ડેપ્યુટી કમિશ્નરે રાત્રે સાડા આઠ વાગ્યે બંને સમુદાયોની મીટિંગ બોલાવી છે.

સમાચાર સંસ્થા એએનઆઈ વીડિયો શૅર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે ઘટનાસ્થળ પર ભારે સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે. વીડિયોમાં કેટલાંક સ્થળો પર આગ લાગેલી નજરે પડે છે.

નૂહના સ્થાનિક પત્રકાર શાહિદ અનુસાર, "અહીં યાત્રા દરમિયાન બબાલ થઈ હતી. કેટલીક દુકાનો અને ગાડીઓમાં આગ ચાંપવામાં આવી છે. ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં છે."

આ દરમિયાન હરિયાણાના સોહનામાં પણ બે જૂથો વચ્ચે ટકરાવ થયો છે. ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરાયાં છે.

મેવાતમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદે જળાભિષેક યાત્રાના આયોજનની જાહેરાત કરી હતી. આ યાત્રામાં મોનૂ માનેસરને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

મોનૂ માનેસર નાસિર જુનૈદ હત્યા કેસમાં આરોપી છે અને ફરાર છે.

મોનૂ માનેસર

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોનૂ માનેસરે આ યાત્રામાં સામેલ થવાને કારણે પથ્થરમારો થયો હતો. મેવાતના લોકો મોનૂ માનેસરના શોભા યાત્રામાં સામેલ થવાનો વિરોધ કરી રહ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં મોનૂ માનેસરે દાવો કર્યો, “વિશ્વ હિંદુ પરિષદની સલાહ પછી હું યાત્રામાં સામેલ નહોતો થયો. વિશ્વ હિંદુ પરિષદને લાગ્યું હતું કે મારા સામેલ થવાથી હિંસા ભડકી શકે છે.”

ફેબ્રુઆરી 2023માં હરિયાણાના ભિવાની જિલ્લામાં મળેલી બોલેરો ગાડી અને બે યુવકો, જુનૈદ તથા નાસિરને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધાની તપાસમાં કેટલાક દિવસો પહેલાં ગૌરક્ષક મોનૂ માનેસરનું નામ અહેવાલોમાં રહ્યું હતું.

ત્યારથી મોનૂ માનેસર ફરાર છે. મોનૂ માનેસરના સામેલ થવાના અહેવાલો વચ્ચે ભરતપુર પોલીસે પણ એક ટીમ નૂહ મોકલી હતી જેથી મોનૂની ધરપકડ કરી શકાય.

ગ્રે લાઇન

રાજ્ય સરકારે કેન્દ્રથી મદદ માગી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બીબીસીના સહયોગી પત્રકાર સતસિંહે જણાવ્યું કે વિશ્વ હિંદુ પરિષદની યાત્રાના આયોજન દરમિયાન ટકરાવમાં કેટલીક ગાડીઓને આગ ચાંપવામાં આવી છે અને તોડફોડ કરવામાં આવી છે.

સતસિંહ અનુસાર નૂહમાં કથળેલી કાયદાવ્યવસ્થા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ નિવેદન આપ્યું છે. તેમણે પોલીસને કાયદોવ્યવસ્થાનો યોગ્ય બંદોબસ્ત કરવાનું કહ્યું છે.

આ સિવાય કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલાં સુરક્ષા દળોને એવી જગ્યાએ તહેનાત કરવામાં આવશે જ્યાં લોકો ફસાયેલા છે જેથી તેમને ઍરલિફ્ટ કરાવી શકાય.

વિજે કહ્યું કે મેવાતે એસપી રજા પર છે અને પલવલના એસપી પાસે ચાર્જ છે.

એસપી પલવલ, ડીજીપી અને એસીએસ હોમ સાથે ગૃહમંત્રીની વાતચીત થઈ છે.

ગૃહમંત્રી વિજ અનુસાર, "અતિરિક્ત પોલીસ મોકલવામાં આવી રહી છે, અમારો ઉદ્દેશ ત્યાં શાંતિ સ્થાપિત કરવાનો છે."

બીબીસી ગુજરાતી

મોનૂ માનેસરની ધરપકડ કરવા પહોંચી ટીમ

બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાએ કહ્યું કે શોભાયાત્રામાં મોનૂએ જાહેરાત કરી ત્યાર બાદ ભરતપુર પોલીસની ટીમ પણ મેવાત પહોંચી છે.

મોનૂ માનેસરે એક વીડિયો જાહેર કરીને સોમવારના નૂહમાં આયોજિત રેલીમાં પોતાના સમર્થકોની સાથે પહોંચવાની જાહેરાત કરી હતી.

ભરતપુર પોલીસ અધીક્ષક (એસપી)એ બીબીસી સાથે ફોન પર વાત કરી. તેમણે કહ્યું, "અમે પોલીસની ટીમોને નૂંહ મોકલી છે."

આ મામલામાં ભારતપુરના ગોપાલગઢ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે.

ગોપાલગઢ થાના પ્રભારી રામ નરેશે બીબીસીને કહ્યું કે, "પોલીસની ટીમો મોનૂ માનેસરને શોધી રહી છે."

રેડ લાઇન
રેડ લાઇન