You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત યુનિવર્સિટી : અફઘાન વિદ્યાર્થીઓ સહિત સાતને હૉસ્ટેલ ખાલી કરવા કેમ કહેવાયું હતું?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી જ્યારે રવિવારે સમાચાર આવ્યા કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હૉસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
અગાઉ માર્ચ મહિનામાં ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી હતી જ્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલના પ્રાંગણમાં નમાજ પઢતી વખતે કેટલાક લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.
આ મામલાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડઘા પડ્યા હતા.
આ ઘટનાના થોડા દિવસ બાદ હવે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના સત્તાધીશોએ હૉસ્ટેલ ખાલી કરવાનું કહેતાં તાજેતરના મામલાને નમાજ પઢતી વખતે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા સાથે જોડવામાં આવી રહ્યો હતો.
આ સંદર્ભે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી. બીબીસી સાથેની વાતચીતમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ આને ‘રૂટિન કાર્યવાહી’ ગણાવી અને ‘નમાજવાળી ઘટના સાથે કોઈ સંબંધ’ ન હોવાનું કહ્યું હતું.
તેમજ જણાવ્યું હતું કે 'નમાજવાળી ઘટના સાથે સંકળાયેલા કોઈ જ વિદ્યાર્થીનું નામ હૉસ્ટેલનાં રૂમ ખાલી કરવાના લિસ્ટમાં સામેલ નથી.'
જે વિદ્યાર્થીઓને નોટિસ અપાઈ છે એ પૈકી ત્રણ ભારતથી પરત પણ ફરી ચૂક્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હૉસ્ટેલનાં રૂમ ખાલી કરવાની નોટિસ આપી હતી. તેમજ હૉસ્ટલ બહાર રહેતા બીજા બે વિદ્યાર્થીઓને પણ કૅમ્પસ છોડી દેવાની તાકીદ કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આદેશ બાદથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હૉસ્ટેલનાં રૂમ છોડી દીધાં હતાં.
યુનિવર્સિટીના અધિકારીઓ પ્રમાણે 'આ તમામ વિદ્યાર્થીઓનો અગાઉ નમાજ પઢવા મામલે થયેલી ઘટના સાથે કોઈ સંબંધ ન હતો. આ તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો હતો. છતાં તેઓ હૉસ્ટેલ કૅમ્પસ છોડતા ન હતા. આના કારણે યુનિવર્સિટીએ આ પગલું ભર્યું હતું.'
આ પગલા પાછળનાં કારણો અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે ભારતમાં રહેવા માટે જાણીજોઈને કોઈ એક વિષયની પરીક્ષા નથી આપતા અથવા જાણીજોઈને ફેલ થઈ જતા હોય છે, જેથી તેમને કૅમ્પસમાં અને હૉસ્ટેલમાં વધુ સમય સુધી રહેવાની તક મળે."
"આ સાત વિદ્યાર્થીઓમાં માત્ર અફઘાની વિદ્યાર્થીઓ જ નથી. અન્ય પણ વિદ્યાર્થીઓ છે. જેમાં છ અન્ડર ગ્રૅજ્યુએટ અને એક પીએચડીનો વિદ્યાર્થી હતો."
તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓ પૈકી અમુક વિદ્યાર્થીઓના વિઝા ખતમ થઈ ગયા હતા. યુનિવર્સિટી તરફથી તેમને તેમના તમામ ડૉક્યુમૅન્ટ મળી રહે અને તેઓ પોતાના દેશમાં પાછા જઈ શકે એ માટે થોડા સમય માટે તેમના વિઝા લંબાવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.
કોણ છે આ વિદ્યાર્થીઓ?
ડૉ.ગુપ્તાએ કહ્યું કે, "અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને હૉસ્ટેલ ખાલી કરાવવાની પ્રક્રિયા દર વર્ષે થાય છે, તેમને હૉસ્ટેલમાં ફરી ઍડમિશન નથી આપવામાં આવતું. આ પ્રક્રિયામાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એમ બંનેને નોટિસ આપવામાં આવે છે."
હાલમાં આ ઘટના અંગે ચર્ચા થઈ રહી હોવાથી તેઓ કહે છે કે, "એક રૂટિન પ્રક્રિયા છે, જેને નમાજની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ લિસ્ટમાં તે ઘટના સાથે સંકળાયેલા કોઈ વિદ્યાર્થી સામેલ નથી."
હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ એનઆરઆઇ હૉસ્ટેલમાં રહેતા હતા. આ વિદ્યાર્થીઓ અહીં ત્રણથી પાંચ વર્ષથી અહીં હતા.
આ અહેવાલ લખાય છે ત્યાં સુધી આ પાંચ વિદ્યાર્થીઓમાંથી ત્રણ ભારતથી પરત ફર્યા છે અને બાકીના બે યુનિવર્સિટીની ટ્રાન્સિટ હૉસ્ટેલમાં રહી રહ્યા છે.
હૉસ્ટેલ સ્ટાફના એક અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આ બંને વિદ્યાર્થીઓને હાલમાં ટ્રાન્સિટ હૉસ્ટેલમાં એસી રૂમ આપવામાં આવ્યાં છે અને તેઓ પણ થોડા દિવસમાં જતા રહેશે."
હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં એક બી. એસસી. અને બે બીબીએના વિદ્યાર્થી હતા, જ્યારે બીજા બે વિદ્યાર્થીઓમાં એક એમ. કૉમ અને અન્ય એક બી. કૉમ.માં અભ્યાસ કરતો હતો.
આ તમામ વિદ્યાર્થીઓ પૈકી બી. એસસી. અને બીબીએમાં ભણતા વિદ્યાર્થીઓ પરત ફર્યા છે.
ટ્રાન્સિટ હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે બીબીસી ગુજરાતીએ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
હુમલાની ઘટના બાદ હૉસ્ટેલમાં કેવો છે માહોલ?
રમજાનમાં મહિના દરમિયાન જ્યારે હૉસ્ટેલમાં રહેતા 15 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હૉસ્ટેલના પ્રાંગણમાં નમાજ પઢી રહ્યા હતા, ત્યારે હૉસ્ટેલ બહારથી આવેલા કેટલાક લોકોએ કથિતપણે વિદ્યાર્થીઓને હૉસ્ટેલના પ્રાંગણમાં નમાજ પઢવા બાબતે પૂછપરછ કરી અને હુમલો કર્યો હતો.
આ મામલે ગુજરાત પોલીસ દ્વારા 20-25 લોકો સામે એફ. આઇ. આર. નોંધી, દસની ધરપકડ કરાઈ હતી.
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને આ કેસના તપાસ અધિકારી એસ. આર. બાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આ અંગે વિગત આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાના ફૂટેજને આધારે અમે દસ લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરી હતી અને પોલીસ રિમાન્ડ બાદ તેમને જામીન મળી ગયા છે. હાલમાં તેઓ જામીન પર બહાર છે."
આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નવી હૉસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે અમુક વિદ્યાર્થીઓએ પોતાનું નામ ન આપવાની શરતે ઘટના બાદ હૉસ્ટેલના માહોલ અંગે વાત કરી હતી.
છેલ્લાં ત્રણ વર્ષથી અહીં રહેતા એક વિદ્યાર્થીએ કહ્યું કે, "હાલમાં અમે જો પાંચ મિનિટ માટે પણ હૉસ્ટેલ છોડીએ તો તેની નોંધ કરવાની હોય છે અને હવે અમે રાત્રે દસ વાગ્યા બાદ પરવાનગી વિના બહાર નથી રહી શકતા."
હૉસ્ટેલના એક અધિકારીએ કહ્યું કે, "આ પ્રકારના નિયમો તેમની વધુ સલામતી માટે છે, કારણ કે જો તેમને કંઈ પણ થાય તો પ્રથમ જવાબદારી અમારી છે, માટે અમે વધુ સાવચેત થઈ ગયા છીએ."
ખાનપાન મામલે વધુ સતર્કતા?
હુમલાની ઘટના બાદથી અફઘાનિસ્તાન, કેન્યા, બાંગલાદેશ જેવા દેશોથી આવીને હૉસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓનું ખાનપાનની પદ્ધતિઓ અંગે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે મોટા ભાગના વિદ્યાર્થીઓ માને છે કે તેમને આ પ્રકારે કાઉન્સેલિંગની જરૂર ન હતી.
ઇન્ટરનૅશનલ હૉસ્ટેલમાં દરેક રૂમમાં એક કિચન પ્લૅટફૉર્મ આપવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું ભોજન જાતે બનાવી શકે છે.
એક વિદ્યાર્થીએ કહ્યું કે, "અમારા નૉન-વેજ ફૂડના કચરાને ફેંકવા માટે અમને અલગ કચરાપેટી અપાઈ છે. અમને આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો એ શીખવાડવામાં આવ્યું છે. મને લાગે છે કે અમને આ વિશેની જાણકારી છે અને આ પ્રકારના કાઉન્સેલિંગની કોઈને જરૂર નથી.”
વધુ એક વિદ્યાર્થીએ કહ્યું કે, "અમારા ભોજનનો કચરો અમે એક કોથળીમાં મૂકીને તેને કચરાપેટીમાં અગાઉ પણ નાખતા હતા, પરંતુ હૉસ્ટલથી બહાર ગયા બાદ જો તેનો યોગ્ય નિકાલ ન થાય તો તકલીફ પડે, માટે કચરાના નિકાલ માટેની અમારા રૂમથી છેલ્લા સ્ટોપ સુધીની સમગ્ર સિસ્ટમને સુઘડ બનાવવી પડે."