'ઊંઘમાં પત્નીને જકડીને નખ ભરાવી દીધા' એ બીમારી જેમાં વ્યક્તિ ઊંઘમાં હિંસક બની જાય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નોંધ: અહેવાલના આગળના અમુક અંશ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે. વાંચનારનો વિવેક અપેક્ષિત.
શું તમને ઊંઘ દરમિયાન આવેલાં સપનાં બીજા દિવસે યાદ રહે છે? શું તમને ઊંઘ દરમિયાન ચોક્કસ પ્રકારના અનુભવ થાય છે? ક્યારેક તે કોઈ બીમારી કે મગજની સ્થિતિ અંગે પણ માહિતી આપે છે.
આધુનિક વિજ્ઞાન હોય કે પ્રાચીન વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ દરેક વિદ્યાના નિષ્ણાતો નિયમિત અને પૂરતી ઊંઘ ઉપર ભાર મૂકે છે. જોકે તે કેટલી હોવી જોઈએ તે વ્યક્તિનાં કામકાજ, સંસ્કૃત્તિ, ઉંમર અને શરીર વગેરે જેવી બાબતો ઉપર આધાર રાખે છે.
ઘણી વખત આ બધાં વચ્ચે સંતુલન નથી જળવાતું, જેના કારણે મગજ અને શરીરની વચ્ચે 'કેમિકલ લોચો' થઈ જાય છે અને તેના માટે ડૉક્ટર પાસે જવું પડી શકે છે.
અપૂરતી ઊંઘ અને સપનામાં કરેલી હરકતો કે હલનચલન એ ભવિષ્યમાં થનારી પાર્કિન્સન્સ તથા ડિમૅન્શિયા જેવી ગંભીર બીમારીના આગોતરા સંકેત હોઈ શકે છે.

'ભૂત દ્વારા રેેપ'

ઇમેજ સ્રોત, Getty Images
"હું ચતી સૂતી હોઉં અને છતને જોતી હોઉં છતાં શ્વાસ ન લઈ શકું. જાણે લકવો થઈ ગયો હોય તેમ હલી ન શકું. હલવાનો પ્રયાસ કરવા છતાં હલી ન શકું. બોલવા ચાહું તો બોલી ન શકું. જાણે કોઈકે જડી દીધી હોય. મને લાગે કે કોઈ મારી ઉપર હુમલો કરી રહ્યું છે. કોઈ મારી ઉપર આવી ગયું હોય એવું લાગે. કંઈ પણ કામ કરવાની શક્તિ ન રહે અને લાગે કે મૃત્યુ થઈ રહ્યું છે."
આ કિસ્સો ઍવલિનનો છે. જેઓ જીવનની વીસીમાં છે. તેઓ લંડનની સૅન્ટ થૉમસ હૉસ્પિટલમાં ઊંઘની સમસ્યાની સારવાર લઈ રહ્યાં છે. ન્યૂરૉલૉજિસ્ટ કન્સલ્ટન્ટ ગાય લિઝનરના કહેવા પ્રમાણે, ઍવલિનની સ્થિતિને સ્લીપ પૅરાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વ્યક્તિ જાગી ગઈ હોવા છતાં સ્વપ્નસૃષ્ટિમાં જ હોય છે.
ઍવલિન કહે છે, "બૂમાબૂમ કરવાનું મન થાય પરંતુ ગુસપુસ જેવો અવાજ નીકળે. કોઈને એમ લાગે કે હું ઊંઘમાં બબડાટ કરું છું. જેટલો ગભરાટ વધુ, એટલું આ બધું લાબું ચાલે અને પછી ધીમે-ધીમે બધું થાળે પડી જાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વખત ઍવલિન એમનાં બહેનપણી સાથે હતાં. ત્યારે તેઓ ઊંઘમાં બબડાટ કરવા લાગ્યાં હતાં. જ્યાંરે તેમનાં બહેનપણીએ આવીને સ્પર્શ કર્યો, ત્યારે ઍવલિનની તંદ્રા તૂટી.
REM એટલે કે રૅપિડ આઈ મૂવમૅન્ટ સ્લીપ એ સામાન્ય રીતે ગરમ લોહીવાળા પ્રાણીઓમાં જ જોવા મળે છે. આ ઊંઘ દરમિયાન મગજ અકલ્પનીય હદે સક્રિય હોય છે અને તેના તરંગ સજાગાવસ્થા જેવા જ હોય છે, પરંતુ આપણું શરીર શિથિલ હોય છે. આપણે જાતને જ નુકસાન ન પહોંચાડી બેસીએ અને ઊર્જા જળવી રાખવા માટે આમ કરીએ છીએ.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના અનુભવોની વાત આગળ વધારતાં ઍવલિન કહે છે, "એક વખત હજારો-લાખો આંખો મારા રૂમમાં ભરાઈ ગઈ હતી, તે બધી મને જ જોઈ રહી હતી અને મારા ચહેરા સુધી આવી ગઈ હતી. મેં મારા મૃત પરિવારજનને જોયા છે. તેમના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતા, પરંતુ તે ખૂબ જ ભયાનક હતું. દોજખ જેવું લાગતું હતું."
સજાગાવસ્થામાં સપનાંનું પ્રવેશી જવું અને શરીરનું અવચેતન હોવું એ ભયાનક અનુભવ હોય છે. તેને હૅપ્નોગાજેક હલૂસિનેસન્સ કહેવાય છે.
તેઓ ઉમેરે છે, "લગભગ દર રાત્રે ભૂત કે ઓળા મારા રૂમમાં ઊતરી આવ્યા હોય એવું લાગે. ઓળા આવીને મારી સાથે સેક્સ કરીને જતા રહે. ઓળાનું કોઈ સ્વરૂપ ન હોય, તે ગાઢ ધુમાડા જેવા લાગે. જેનું કોઈ વજન ન હોય, પરંતુ કોઈ જાતીય રીતે મારી અંદર પ્રવેશી રહ્યું હોય તેવો ભાસ થાય. હું તેને જોઈ શકું, પકડી શકું."
પહેલાં તો ઍવલિન અને તેમનાં માતાને લાગ્યું કે રૂમમાં કોઈ આત્મા છે અથવા તો કોઈ વ્યક્તિ આ બધું કરી રહી છે. એટલે બંને પ્રાર્થના કરતાં અને પથારી ઉપર પવિત્ર જળનો છંટકાવ કરીને ઊંઘતાં. છતાં કોઈ ફરક ન પડ્યો એટલે તેમને લાગ્યું કે આ કોઈ અલૌકિક નહીં,પરંતુ વાસ્તવિક સમસ્યા છે.
ઇતિહાસમાં નજર કરીએ તો અનેક સંસ્કૃતિઓમાં આ પ્રકારની ઘટનાઓને અલૌકિક શક્તિ સાથે જોડીને જોવામાં આવે છે. જેના પછી જાદુટોણાં કરવામાં આવે છે, આથી, તણાવ વધે છે અને આ પ્રકારની આવેગાત્મક પ્રવૃત્તિઓ વધી જવાની શક્યતા રહે છે.
નિયમિત ઊંઘ, સ્લીપ પૅરાલિસિસ સંબંધિત ગેરમાન્યતાઓ દૂર થવાથી અને ઊંઘવાની પૅટર્નમાં સુધારને કારણે ઍવલિનને ફાયદો થયો છે. એક સમયે ઊંઘવાનું ટાળનારાં ઍવલિનની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે.

ઊંધમાં આક્રમક કેમ બની જવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
લિઝ અને જોન દાયકાઓથી પરિણીત છે. જોનની ઉંમર 80 વર્ષ કરતાં વધુ છે. દિવસે તેઓ સારી વર્તણૂક કરે છે, પરંતુ રાત્રે ઊંઘમાં તેઓ આક્રમક બની જાય છે. ઊંઘમાં ચિત્ર-વિચિત્ર અવાજ કરે છે. જે આક્રમક વલણની આગાહી જેવા હોય છે અને પછી તેઓ શારીરિક હુમલો કરી બેસે છે.
લિઝ કહે છે, "પાંચ છ વખત એવું બન્યું છે કે તેઓ મને એટલી જોરથી લાત મારે, જાણે કે તમે ગધેડા કે ઘોડાની પાછળ ચાલતા હો અને તેમણે લાત મારી દીધી હોય. મારા શરીર પર ઘા પણ થઈ જતા."
જોનને આવું આઠ-નવ વર્ષથી થાય છે, પરંતુ આવું કરવા પાછળ તેમની પાસે પોતાના આગવા તર્ક હોય છે. તેમનું કહેવું છે, "સામાન્ય રીતે હું સામેની વસ્તુ કે પ્રાણીને દૂર હડસેલવા માટે તેને પગથી લાત મારતો હોઉં છું. કાં તો ગુસ્સામાં કે ભયમાં હું આવું કરતો હોઉં છું. એક વખત મને સપનું આવ્યું હતું કે હું જંગલમાંથી પસાર થઈ રહ્યો છું અને અચાનક જ મારી સામે વાઘ આવી જાય છે. ત્યારે અમારી વચ્ચે ઘર્ષણ થયું."
જોનની બીમારીને આરબીડી (આરઈબી બિહેવિયર ડિસઑર્ડર) તરીકે ઓળખવામાં આવે છે. જોનના કિસ્સામાં સ્લીપ પૅરાલિસિસ અપૂર્ણ હોય છે એટલે વાઘને ભગાડતી વખતે તેને લાત મારવી કે કોઈ વસ્તુને ઉપાડી લેવા જેવી પ્રક્રિયા તેઓ કરી બેસે છે.
આરબીડી એ ઊંઘમાં ચાલવાની બીમારી કરતાં અલગ છે. આરબીડીમાં વ્યક્તિ તેની પથારી નથી છોડતી, તેમની આંખો બંધ જ હોય છે અને તેમના કૃત્યમાં જટિલતા નથી હોતી. જે મોટા ભાગે ગાઢ નિદ્રામાં કે વહેલી સવાર આસપાસ બને છે.
વ્યક્તિની ઊંઘમાં બધું રાબેતા મુજબ જ ચાલતું હોય છે, ત્યાં અચાનક જ ભયજનક સ્થિતિ, પ્રાણી, વ્યક્તિ કે વસ્તુ તેની સામે આવે છે અને તે પ્રતિક્રિયા કરી બેસે છે.
એક વખત જોન ઊંઘમાં હતા, ત્યારે વાસ્તવિક જીવનમાં અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ ઉપર તેમને ગુસ્સો ચઢ્યો હતો એટલે તેને મારવા માટે પથારીમાંથી બેઠા થઈ ગયા હતા.
જોન તથા એમના જેવા ઊંઘમાં આક્રમક વલણ ધરાવનારા આવું વલણ શા માટે ધરાવે છે, તેના વિશે નક્કર જવાબ નથી, પરંતુ તેમનાં સપનાં શરીરના ચેતાતંત્રને સીધો જ આદેશ આપી દેતા હોય એવી શક્યતા ખરી.
એક વખત ઊંઘમાં જોને તેમનાં પત્નીને જકડી લીધાં અને તેમને નખ ભરાવી દીધાં, જેના કારણે લીઝ બૂમ પાડી ગયાં હતાં. જોનની વર્તણૂકને કારણે બંને અલગ-અલગ સૂએ છે.
નવી થિયરી મુજબ, સપનાં સાથે સ્પર્શ અને અવાજ જેવી ઇંદ્રિયગત સંવેદનાઓને સાંકળી શકાય છે. જેના કારણે આરબીડી ધરાવતા લોકો પોતાના હલનચલનને સપના સાથે જોડી દે છે. એટલે જ તેઓ વધુ આક્રમક બની જાય છે અને મારવાઝૂડવા ધસી જાય છે.

નીંદર, નાર્કૉલેપ્સી, નર્વસસિસ્ટમ

ઇમેજ સ્રોત, Getty Images
સ્લીપ પૅરાલિસિસ તથા હૅપ્નોગાજેક હલૂસિનેસન્સ માટે ન્યુરોલૉજિકલ કારણો પણ જવાબદાર હોઈ શકે છે, જેને 'નાર્કૉલેપ્સી' તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં હાયપૉથલમાસ નામની એક નાનકડી જગ્યા હોય છે, જ્યાં હજારો કોષ આવેલા હોય છે. તેને ક્ષતિ પહોંચવાથી આ બીમારી થાય છે. આ જગ્યા મગજની જાગૃત અને નિદ્રાવસ્થાની વચ્ચે સ્વીચ જેવું કામ કરે છે અને તેને નિયંત્રિત કરે છે.
આપણે ઊંઘીએ પછી તરત જ સ્વપ્નાવસ્થામાં સરકી નથી જતાં અને તેના માટે લગભગ એકાદ કલાક જેવો સમય લાગે છે. નાર્કૉલેપ્સીના દર્દીઓને પ્રમાણમાં ઝડપથી ઊંઘ આવી જાય છે. છતાં તેઓ જાગતા હોય ત્યારે જ સપનાં જોવાનું ચાલુ કરી દે છે, જેના કારણે સ્લીપ પૅરાલિસિસ તથા તેને લગતી ભ્રમણાઓ થવાની શક્યતા વધી જાય છે.
ક્રિશ્ચન આવા જ એક દર્દી છે. તેમના સપનાં એકદમ વાસ્તવિક લાગે તેવાં હોય છે. તેઓ કહે છે, "કેટલીક વખત વાસ્તવિકતા અને સપનાની વચ્ચે ભેદ કરવો મુશ્કેલ થઈ જાય છે. હું સમણું જોતો હોઉં એટલે જાણે સ્વપ્નજગતમાં જ રાચવા લાગું છું. હું જાગી જાઉં એટલે વાસ્તવિક જગતમાં આવી જાઉં છું, આંખો ખુલ્લી હોય પરંતુ મારું મગજ હજુ પણ સપનું જ જોતું હોય છે."
"પ્રાઇમરી અને હાઈસ્કૂલ સમયનાં ચારેક છોકરીઓ મારા સપનામાં નિયમિત રીતે આવે છે. હું વીસેક વર્ષથી નથી મળ્યો. એમાંથી બે-એક સાથે (સ્વપ્નમાં) લવ-અફેર પણ થાય છે. એક છોકરી અમે ખૂબ નાનાં હતાં ત્યારે મારી સાથે ભણતી હતી. જ્યારે બીજી, મારા ક્લાસમાં ભણતી. એ સમયે તે મને ખૂબ ગમતી. મારાં સપનાં બાલીશ લાગે, પરંતુ હું પણ એમની સાથે બાળક બની ગયો હોઉં છું. અમે ભૂતકાળને ફરી જીવી રહ્યાં છીએ, એવું પણ નથી, કારણ કે એ સમયે અમારી વચ્ચે એવું કશું નહોતું થયું."
"આ બધું રાત્રે જ થાય છે, જ્યારે હું સપનામાં હોઉં છું. ત્યારે હું બીજી જ દુનિયામાં હોઉં છું. આમ હું એવા લવ-અફેરમાં છું કે જે વાસ્તવમાં છે જ નહીં કે તેનો વાસ્તવિકતા સાથે સંબંધ જ નથી. પુખ્ત થયા પછી અમે ક્યારેય વાત કરી જ નથી."
ક્રિશ્ચન ફ્રૉકલિફ્ટ ચલાવે છે અને કન્ટેનરોને આમ-તેમ ફેરવે છે. સારવાર માટે જે દવા આપવામાં આવી, તેના કારણે ક્રિશ્ચન કામના સ્થળે ઊંઘમાં સરી પડતા. એક વખત તેમણે કન્ટેનરને અફળાવી દીધું હતું. સદ્ભાગ્યે કોઈ કિંમતી સામાન કે વ્યક્તિને નુકસાન નહોતું થયું.
એ પછી ક્રિશ્ચનના ડ્રાઇવિંગ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને તેમને નોકરી બચાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આમ દવાની અસર ભયજનક નિવડી શકે તેમ હોઈ તેઓ વર્તમાન લક્ષણો ગંભીર પ્રકારનાં હોવા છતાં તેની તત્કાળ સારવાર કરાવવા નથી ઇચ્છતા.

કૅટાપ્લેક્સીનો કકળાટ

ઇમેજ સ્રોત, Getty Images
રાતની ઊંઘમાં જ ગરબડ થાય એવું નથી, પરંતુ તે દિવસે સૂવા દરમિયાન પણ થઈ શકે છે. ઍડ્રિયાનની ઊંમર 45 વર્ષ જેટલી છે. નાર્કૉલેપ્સીની અનેક બીમારોની જેમ તેઓ પણ કૅટાપ્લેક્સીથી પીડિત છે.
આ બીમારીમાં હસવા કે આંચકા જેવા ઉન્માદને કારણે વ્યક્તિ જાગૃતાવસ્થામાં હોવા છતાં પોતાની સ્નાયુશક્તિ પરથી કાબૂ ગુમાવી દે છે.
ઍડ્રિન કહે છે, "એક વખત ડ્રાઇવ કરીને હું મારાં માતાને મળવા પહોંચ્યો, ત્યારે તેઓ ગાર્ડનમાં કામ કરી રહ્યાં હતાં. મને એમ હતું કે હું તેમને ચોંકાવી દઈશ અને પછી બધાં હસવા લાગશે. મને હતું નહીં, પરંતુ હસવાને કારણે હું પોતે જ રસ્તા ઉપર પડી ગયો અને લગભગ પચાસેક સેકંડ એમ જ રહ્યો."
"હું કૉમેડિયનના જોક ઉપર સહેલાઈથી હસી શકું છું, પરંતુ એમના સ્થાને જો મારે જોક કહેવાનો હોય તો હું હસતાં-હસતાં બઠ્ઠો પડી જાઉં એવી શક્યતા ખરી. પહેલાં મારું શરીર ધ્રૂજવા લાગે, પછી પગમાં નબળાઈ લાગે અને એ પછી પાછળના ભાગમાં નીચે. મારી શક્તિ જતી રહી હોય એવું લાગે. ખબર હોવા છતાં તેને અટકાવી ન શકાય અને જમીન ઉપર ફસડાઈ જ પડું. સભાનાવસ્થામાં હોવા છતાં જાણે કે હું લક્વાગ્રસ્ત થઈ જાવ છું."
આવું પાંચ સેકંડથી લઈને 30 સેકંડ સુધી થઈ શકે છે. એક વખત કૅટાપ્લેક્સને ટ્રિગર કરનારી ઘટના ઘટી જાય એટલે બધું સામાન્ય થવા લાગે અને ફરી ઊભા થઈ શકે.
એક વખત ઍડ્રિન તેમનાં સંતાનો સાથે પ્રાણીસંગ્રહાલય ગયાં હતાં, ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થતાં તેમણે પોતાના શરીર ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ત્યાં બાંધવામાં આવેલી કાંટાળી તાર ઉપર ફસડાઈ પડ્યાં હતાં. પરિવારને પહેલાં તો આ બધું હાસ્યાસ્પદ લાગતું, પરંતુ ધીમે-ધીમે સ્થિતિ ગંભીર જણાવા લાગી.
હસવા કે આંચકા જેવી પ્રબળ સંવેદનાઓને કારણે આવું કેમ થાય છે તેના વિશે નક્કરપણે કશું કહી શકાય તેમ નથી. કારણ કે શરીરમાં સંદેશાવ્યવહારનું કામ કરતો ભાગ અને પૅરાલિસિસને નિયંત્રિત કરનાર ભાગ વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઈ સંવાદ નથી થતો.
ઍડ્રિયનની દવા ચાલી રહી છે. ઢળી પડાય તેવી સ્થિતિ પ્રત્યે તેમનામાં સભાનતા આવી છે. તેઓ ભાવનાઓ ઉપર કાબૂ રાખવાનું શીખી રહ્યાં છે.

ઊંઘનાં ભેદ અને ભરમ
1950ના દાયકામાં આરઈએમ ઊંઘ વિશે પ્રથમ વખત સંશોધન થયું હતું. એ સમયે સંશોધકોએ ઊંઘમાંથી જાગી ગયેલા લોકોની આંખની વિચિત્ર હરકતો અને તેમના એકદમ વાસ્તવિક જણાતા સપના વિશે અભ્યાસ કર્યો હતો. આજે 60 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં આપણે સપનાંનાં રહસ્યો વિશે જાણી નથી શક્યા. બાળકો જન્મે તે પહેલાં પણ તેઓ સપનાં જોતાં હોય તેવાં લક્ષણ જોવા મળે છે.
જન્મ પછી બાળક અડધોઅડધ સમય સ્વપ્નાવસ્થામાં લઈ જતી આરઈએમ ઊંઘ લેતું હોય છે. જો બાળકો સપનાં જોઈ રહ્યાં હોય, તો જન્મ પછી તરત જ તેઓ કોના વિશે સપનાં જોતાં હશે? આ પ્રકારની ઊંઘ અંગે સંશોધકો અલગ-અલગ મંતવ્ય ધરાવે છે.
જેમ કે, જીવનના અલગ-અલગ તબક્કે તેની કામગીરી બદલાતી રહે છે. જન્મજાત બાળકમાં આરઈએમ ઊંઘને કારણે મગજનો વિકાસ થાય છે. તે મગજમાં કનેક્શન્સ બેસાડતું હોય છે. યાદોને સુદૃઢ કરવામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જેમ કમ્પ્યૂટરમાં રેમ (રેન્ડ્મ એક્સેસ મૅમરી) હોય છે, જ્યાંથી તે હાર્ડડ્રાઇવમાં જાય છે અને એક વખત ટ્રાન્સફર થઈ જાય એટલે તે મૅમરી ફરી ક્લીન થઈ જાય. એવી જ રીતે ઊંઘ સમયે આપણી યાદો સુદૃઢ થતી હોય છે.
અન્ય એક થિયરી પ્રમાણે, આ ઊંઘ સમયે આપણા મગજના કોષોમાં સ્મૃતિની સફાઈ થાય છે. જેમાં દિવસ દરમિયાન એકઠી થયેલી નકામી અને છૂટક માહિતીને ત્યજી દેવામાં આવે છે,જ્યારે કામની યાદો સંગ્રહાય જાય છે.
તે આપણી લાગણીઓને ઘડવામાં મહત્ત્વપૂર્ણ હોય શકે છે અથવા તો તેનો કોઈ જ ઉપયોગ ન હોય એવું પણ બને. આ બધાંમાંથી કોઈ પણ થિયરી સાર્વત્રિક રીતે સ્વીકાર્ય નથી. એટલે સુધી કે કેટલીક દવાઓ આપીને આરઈએમ ઊંઘને અમુક મહિના કે વર્ષો માટે દબાવી દેવામાં આવી હોય, તો પણ તેની કોઈ દેખીતી નકારાત્મક અસર જોવા નથી મળી.

ઊંઘમાં અમંગળનાં એંધાણ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક અભ્યાસ પરથી બહાર આવ્યું છે કે ઊંઘને લગતી કેટલીક બીમારીઓ એ વાસ્તવમાં ચેતાતંત્રને લગતી બીમારીઓની ચેતવણીની ગરજ સારે છે. જેમ કે, સ્મૃતિભ્રંશ અને કંપવા.
રેપીડ આઈ મૂવમૅન્ટ સ્લીપ દરમિયાન મગજના જે કોષો શરીરના ચેતાતંત્રને નિયંત્રિત રાખે છે તેમના ઉપર સ્મૃતિભંશના કે કંપવાની બીમારીના કારણે અસર થાય છે.
રૉયલ ફ્રી હૉસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ ન્યૂરૉલૉજિસ્ટ ઍન્ટે સ્ક્રાગના પ્રમાણે, "હાલના સમયમાં લોકોને વસ્તુ પકડવામાં, ચાલવામાં કે હલચલમાં સમસ્યા થાય તો જ આપણે પાર્કિન્સન્સની બીમારી વિશે જાણી શકીએ છીએ. આવાં લક્ષણો વિશે જાણીને તબીબો પાર્કિન્સન્સની બીમારીનું નિદાન કરે છે."
"પરંતુ તેની વાસ્તવિક પ્રક્રિયા ખૂબ પહેલાં જ શરૂ થઈ ગઈ હોય છે, ક્યારેક દસ વર્ષ પહેલાં જ લક્ષણ દેખાવા લાગે છે. જેમાં કબજિયાત, અવસાદ, તણાવ, ગંધ ન આવવી જેવા મગજના અલગ-અલગ ભાગમાં ખામી ઊભી થાય છે."
જોન જેવા દર્દીઓનો અભ્યાસ કરીને સંશોધકોએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવા પ્રકારના લોકોમાં ભવિષ્યમાં પાર્કિન્સન્સની બીમારી થવાની શક્યતા સૌથી વધુ હોય છે. આરબીડી ધરાવનારી દરેક વ્યક્તિને પાર્કિન્સન્સની બીમારી થાય તે જરૂરી નથી અને થશે તો કેટલા સમય પછી થશે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
વર્તમાન સમયમાં કંપવાની બીમારી ન થાય કે તેને પાછળ ઠેલી શકે તે માટે કોઈ દવા બજારમાં ઉપલબ્ધ નથી. આ માટેની દવાઓનાં પરીક્ષણ માટે આ તક પૂરી પાડી શકે તેમ છે.
સપનાં અને તેને નોતરતી ઊંઘની બાબતો હજુ પણ રહસ્ય છે, પરંતુ તેમાં શા માટે ખલેલ ઉદ્ભવે છે અને તેની સારવારની દિશામાં તાજેતરનાં વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. છતાં સ્લીપ પૅરાલિસિસ માટે જવાબદાર કારણ વિશે આપણે બધું નથી જાણતા.
ઊંઘને લગતી બીમારી ને શરમજનક માનવામાં આવતી હોવાથી લોકો આના વિશે મુક્ત રીતે વાત કરતા ખચકાય છે, જેના કારણે સંશોધનની દિશામાં પણ પ્રગતિ ધીમી રહે છે.
આ અહેવાલ માટે બીબીસી સાઉન્ડના પૉડકાસ્ટનો આધાર લેવામાં આવ્યો છે.














