You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેરોજગાર યુવકના બૅન્ક ખાતામાં અબજોની રકમ કેવી રીતે જમા થઈ ગઈ?
બૅન્ક ખાતામાં 10-20 રૂપિયા પડ્યા હોય અને અચાનક ગણી ન શકાય એટલી રકમ જમા થઈ જાય તો શું થાય. ઉત્તર પ્રદેશમાં એક યુવક સાથે કંઈક આવી ઘટના ઘટી છે.
ઉત્તર પ્રદેશના દનકોર ગામના એક બેરોજગાર યુવકના બૅન્ક ખાતામાં અચાનક અબજો રૂપિયા આવી ગયા.
20 વર્ષીય દીપુ ઉર્ફે દિલીપસિંહે બે મહિના પહેલાં કોટક મહિન્દ્રા બૅન્કમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
બે ઑગસ્ટના રોજ જ્યારે દિલીપે બૅન્કની મોબાઇલ ઍૅપ પર લૉગીન કર્યું તો તેઓ ચોંકી ગયા. તેમના હૃદયના ધબકારા પણ વધી ગયા.
ખાતામાં કેટલા રૂપિયા હતા એ પણ નવાઈ પમાડે એવું હતું.
ખાતામાં આટલા રૂપિયા દેખાતા હતા- 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299.
દિલીપે મોબાઇલ ઍપને ઘણી વાર બંધ કરી, અનેક વાર પાસવર્ડ બદલ્યા, પણ ખાતામાં આ પૈસા જવાનું નામ નહોતા લેતા.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "રકમ એટલી મોટી હતી કે હું ગણી શકયો નહીં. એટલી ખબર છે કે આ સંખ્યા 37 આંકડાની છે. ગૂગલ પર પણ અનુવાદ કરવાનો પ્રયાસ કર્યો, ત્યાંથી પણ કોઈ મદદ ન મળી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલીપ કહે છે, "ઘણા લોકોને બતાવ્યું છે, પણ કોઈ આ રકમ ગણી શકયું નથી."
કૅમેરા સામે જ્યારે દિલીપ આ રકમ જાતે ગણવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ દસ અબજ સુધી ગણીને માથું ખંજવાળવા લાગે છે અને કહે છે, "બસ આનાથી આગળની ગણતરી મને નથી આવડતી."
'મારા ખાતામાં તો 10-20 રૂપિયા જ પડ્યા હતા'
દિલીપે બારમું પાસ કર્યું છે અને બેરોજગાર છે. તેઓ ઘણા સમયથી કામની શોધ કરી રહ્યા છે.
બૅન્ક ખાતામાં અબજો રૂપિયા જોઈને દિલીપને શરૂમાં લાગ્યું કે આ કોઈ ટેકનિકલ ઍરર હોઈ શકે છે, પરંતુ વારંવાર ચેક કરતા એ જ રકમ ખાતામાં દેખાતી હતી.
દિલીપ કહે છે, "મને લાગ્યું કે આટલા પૈસા છે કે મેં 10 હજાર રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, પણ એ ન થયા. હવે બૅન્કવાળાએ મારું ખાતું ફ્રીઝ કરી નાખ્યું છે."
તેઓ કહે છે, "હું આટલા બધા પૈસા જોઈને અચંબિત હતો. ઘડીક તો લાગ્યું કે લૉટરી લાગી છે, પરંતુ લૉટરી પણ આવડી મોટી તો ન જ હોય."
જ્યારે દિલીપને પુછાયું કે બૅન્ક ખાતામાં અબજો રૂપિયા આવ્યા એ પહેલાં કેટલું બૅલેન્સ હતું, તો તેમણે કહ્યું કે મારા ખાતામાં 10-20 રૂપિયા જ પડ્યા હતા."
યુવકના ખાતામાં અબજો રૂપિયા ક્યાંથી આવ્યા?
દિલીપે કોટક મહિન્દ્રા બૅન્કમાં જાતે જ ઑનલાઇન ખાતું સેવિંગ્સ ખોલાવ્યું હતું.
ખાતામાં અબજો રૂપિયા આવી ગયાની માહિતી પણ દિલીપે ખુદ બૅન્કમાં જઈને આપી હતી. બૅન્કવાળાએ દિલીપને કહ્યું, "ડરવાની કોઈ જરૂર નથી. આ રૂપિયા દેખાઈ રહ્યા છે એ પૈસા નથી, પણ ટેકનિકલ ઍરર છે."
દનકોર પોલીસના સબ ઇન્સ્પેક્ટર સોહનપાલસિંહે બીબીસીને કહ્યું કે "પોલીસ તપાસ કરી રહી છે. ફોન પે અને બૅન્ક સ્ટેટમેન્ટ ચેક કર્યા બાદ યુવકના ખાતામાં બેલેન્સ શૂન્ય દેખાઈ રહ્યું છે."
તેમણે કહ્યું, "બૅન્કે પણ પોલીસનો સંપર્ક કર્યો છે. ટેકનિકલ ઍરરને કારણે એક ખાસ ઍપમાં આ રકમ દેખાઈ રહી છે. જ્યારે અસલમાં ખાતામાં એક પણ રૂપિયો નથી."
દિલીપનાં પડોશીએ શું કહે છે?
દિલીપના ખાતામાં અબજો રૂપિયા આવતા આખા વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ છે.
દરેકના મોઢે આ વાત સાંભળવા મળી રહી છે. અનેક દિવસોથી સતત મીડિયાકર્મીઓ દિલીપને મળવા આવી રહ્યા છે.
દિલીપને એક પડોશી કહે છે, "મારું નામ પણ દિલીપ છે. એના કારણે લોકો મને પણ અનેક દિવસોથી ફોન કરે છે. અહીંના વિસ્તારમાં મોટા ભાગના લોકો ગરીબ છે. આટલી મોટી રકમ ખાતામાં જોઈને દરેક લોકો નવાઈ પામ્યા છે."
તેઓ કહે છે, "દિલીપના મિત્રો બૅન્ક બૅલેન્સના સ્ક્રીનશૉટ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે અને ઘણી પોસ્ટ તો વાઇરલ પણ થઈ રહી છે."
દિલીપનાં પડોશી સુમન કહે છે, "પૈસા આવે એટલે કોઈને ખરાબ થોડું લાગે, બહુ સારું લાગી રહ્યું છે. આખા વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે."
તેઓ કહે છે, "દિલીપનાં માતાપિતાનું મોત થઈ ચૂક્યું છે અને તેઓ પોતાની નાની સાથે રહે છે. તેમની પાસે કોઈ કામ નથી. અમે ઇચ્છીએ છીએ કે તેમને કોઈ મદદ મળી જાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન