વડોદરામાં દલિત યુવાનને માર મારીને તેનો વીડિયો વાઇરલ કરવાની ઘટના શું છે?

ઇમેજ સ્રોત, Rajiv Parmar
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા

- વડોદરામાં એક દલિત યુવકને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ
- ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કર્યા બાદ મામલો ગરમાયો
- પોલીસનું કહેવું છે કે યુવાન પૂછપરછમાં યોગ્ય સહકાર આપી રહ્યો નથી
- યુવાને 10 દિવસ બાદ કેમ ફરિયાદ નોંધાવી? તે પણ ચર્ચાનો વિષય

વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં ઇન્સ્ટાગ્રામમાં કરેલી કથિત કૉમેન્ટ મામલે એક દલિત યુવાનને અજાણ્યા શખ્સો દ્વારા ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે આ દલિત યુવાનને માર મારવામાં આવતો હતો તે વેળા તેનો વીડિયો બનાવીને તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનો મામલો પણ સામે આવ્યો છે.
આ વીડિયો અપલોડ કરતી વખતે તેમાં લખ્યું હતું કે 'અમારા લાઇવ દરમિયાન ખરાબ કૉમેન્ટ કરે તેની આવી જ હાલત થાય.'
પોલીસે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. પણ દલિત યુવાનને માર મારવા મામલે સ્થાનિક દલિતોનો રોષ વધ્યો છે.
આ મામલે ફરિયાદ કરનાર દલિત યુવાનનું નામ અલ્પેશ પરમાર છે જે ભાયલીના વણકરવાસમાં રહે છે.

શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના 11 ડિસેમ્બરની છે. અલ્પેશે કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, તેને ઢોર માર મારવામાં આવ્યો બાદ તે હુમલામાં લોહીલુહાણ થઈ ગયો હતો. તેને ટાંકા પણ આવ્યા હતા.
જોકે તેમણે કે પછી તેમની સારવાર કરનારા ડૉક્ટરે આ મામલાની જાણ પોલીસને કરી નહોતી.
ભોગ બનનારા દલિત યુવાન અલ્પેશ પરમારનું કહેવું છે કે, "મારું ઇન્સ્ટાગ્રામનું આઇડી હૅક થયું અને કોઈએ મારા વતી કૉમેન્ટ કરી કે શું થયું તે મને ખબર નથી. પહેલાં એ લોકોએ મને મળવા બોલાવ્યો કે તે શું કૉમેન્ટ કરી છે. પછી હું ગયો તો ત્યાં ટોળું જમા થઈ ગયું અને મારી સાથે તેઓ ઝઘડો કરવા લાગ્યા. તેમણે મને જાતિ વિરુદ્ધ અપશબ્દો કહ્યા. આશરે 15 જણાનું ટોળું હતું અને 6-7 લોકોએ મને પટ્ટાથી ઢોર માર માર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ્પેશ સામે પણ સવાલો ઊઠી રહ્યા છે કે આ બનાવ બન્યાના 10 દિવસ બાદ જ તેમણે ફરિયાદ કેમ કરી?
જ્યારે બીબીસીના સહયોગી રાજીવ પરમારે આ સવાલ અલ્પેશને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે, "પહેલાં મને ધમકી આપી કે જો ફરિયાદ કરશે તો તને આના કરતાં વધુ માર મારવામાં આવશે. મારા પરિવારમાં હું જ એક કમાનારો છું તેને કારણે હું ચૂપ રહ્યો, પણ હવે સમાજના લોકો મારા સમર્થનમાં આગળ આવ્યા છે, જેને કારણે હવે મેં ફરિયાદ કરી છે."
ભાયલી ગામના દલિત આગેવાન મનીષ ગોડાવાલાનો આરોપ છે કે દસ દિવસ પહેલાં દલિત યુવાન પર અત્યાચારની ઘટના ઘટી હોવા છતાં કાર્યવાહી થઈ નથી.
મનીષ ગોડાવાલાએ બીબીસીના સહયોગી રાજીવ પરમારને જણાવ્યું કે. "યુવાનને ધમકાવવામાં આવ્યો હતો તેને કારણે તેણે ફરિયાદ નહોતી કરી. પણ પછી સમાજ જાગૃત થયો અને સમાજના લોકો ભેગા થયા."
"જેમજેમ વીડિયો વાઇરલ થયો તેમ સમાજના લોકોમાં રોષ વધતો ગયો. સમાજે ભોગ બનનારા યુવાનને સમજાવ્યો કે આજે તેના પર અત્યાચાર થયો છે અને ચૂપ રહીશું તો કાલે બીજા દસ યુવાનો પર અત્યાચાર થશે."

પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Rajiv Parmar
પોલીસ કહે છે કે તેમણે અજાણ્યા સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધી આઈપીસીની વિવિધ કલમો 143, 147, 149, 323, 506, અને 294 અંતર્ગત તપાસ હાથ ધરી છે.
વડોદરાના નાયબ પોલીસ અધીક્ષક બીએચ ચાવડાએ બીબીસી સાથે વાતચીત કરતા કહ્યું કે "વડોદરા જિલ્લા પોલીસે જે જગ્યાએ ઘટના ઘટી હતી ત્યાંથી સીસીટીવી મેળવીને તપાસ શરૂ કરી છે, પણ સીસીટીવીમાં દેખાતાં વાહનોના નંબર બરાબર દેખાતા નથી એટલે અન્ય પદ્ધતિ મારફતે હવે તપાસ કરીશું."
જ્યારે બીબીસીએ નાયબ પોલીસ અધીક્ષક બીએચ ચાવડાને પૂછ્યું કે આ ઘટના ઘટી ત્યાર બાદ 10 દિવસ થયા છતાં કોઈ તપાસ કેમ ન કરી?
આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, "પહેલાં તો ફરિયાદી ફરિયાદ કરવા જ તૈયાર નહોતા. પણ પછી સમાજના આગેવાનોએ તેમને સમજાવ્યા અને બાદમાં ફરિયાદ કરી."


ઘટના અંગે વિરોધાભાસી નિવેદનો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે અજાણ્યા યુવકો અને દલિત યુવાન અલ્પેશ વચ્ચે ઝઘડો શા માટે થયો તેનાં કારણો પણ અલગઅલગ સામે આવી રહ્યાં છે.
દલિત યુવાન અલ્પેશ કહે છે કે તેનું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હૅક થયું હતું અને કોઈએ તેમના એકાઉન્ટમાંથી કોઈ પોસ્ટ પર કૉમેન્ટ કરી હતી. જેને કારણે અજાણ્યા હુમલાખોરોએ તમને બોલાવ્યા હતા. તેમના વચ્ચે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચ્યો.
જોકે અલ્પેશ કહે છે કે તેના હૅક થયેલા એકાઉન્ટમાંથી કોણે કૉમેન્ટ કરી શું કરી, તેની તેમને જાણ નથી.
બીબીસીએ બીએચ ચાવડાને આ મામલે જ્યારે બીબીસીએ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, "અલ્પેશ ખૂલીને વિગતો આપતો નથી. તે મીડિયામાં કંઈ અલગ માહિતી આપે છે અને પોલીસને અલગ."
મનાય છે કે અલ્પેશ પરમાર અને અજાણ્યા શખ્સો વચ્ચે ઝઘડો થયો ત્યારે અલ્પેશની ગર્લફ્રેન્ડ પણ ત્યાં હાજર હતી. પોલીસ તેની શોધખોળ પણ કરી રહી છે.
આ અંગે વિગતો આપતા બીએચ ચાવડાએ કહ્યું, "અલ્પેશની ગર્લફ્રેન્ડનો મોબાઇલ બંધ આવે છે. તેનું લોકેશન ટ્રેક કરીને તેની શોધ કરી રહ્યા છે, જેથી આરોપીની ઓળખ થઈ શકે."
ફરિયાદી દલિત યુવાન અલ્પેશે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના પરિવારને જાનનું જોખમ છે અને તેથી તેને પોલીસ સુરક્ષા મળવી જોઈએ. જ્યારે પોલીસનું કહેવું છે કે અલ્પેશે તેમની પાસે એવી કોઈ માગ કરી નથી.

દલિતને ઢોર માર મારવાની ઘટના મામલે રાજકારણ શરૂ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હવે આ મામલો રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. દલિત નેતા અને વડગામના કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરતા લખ્યું કે, "ઉનાકાંડ વખતે મોદીજીએ કહ્યું હતું કે- 'મારવું હોય તો મને મારો, દલિતોને નહીં.' પરંતુ તંત્ર દ્વારા એ સુનિશ્ચિત ન કરવામાં આવ્યું કે આ પ્રકારની ઘટના ન ઘટે. પરિણામે વડોદરા જિલ્લામાં દલિત યુવકની ખુલ્લેઆમ લિંચિંગની ઘટના બની છે."
જિજ્ઞેશ મેવાણીએ તેમના ટ્વીટ સાથે ફરિયાદી યુવકની અજાણ્યા શખ્સો દ્વારા થતી પીટાઈનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ચૂક્યો છે. જોકે બીબીસી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
જિજ્ઞેશ મેવાણીએ બીબીસી સાથેની વાતચીતમાં ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે "ગુજરાતના ભાજપરાજમાં દલિતો બિલકુલ પણ સુરક્ષિત નથી. વડોદરાના ભાયલી ગામ જેવી ઘટના રાજ્યમાં ઘણે થતી હશે, પણ તે ધ્યાનમાં આવતી નથી. જે નજરમાં આવે છે તે ઘટના મામલે જ એફઆઈઆર થાય છે અન્યથા નહીં."
જોકે આ વિસ્તારના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા જિજ્ઞેશ મેવાણીએ કરેલા આરોપોને ફગાવે છે.
શૈલેશભાઈ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, "કાયદામાં તમામને રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંગત અદાવત હતી એવું લાગે છે. જિજ્ઞેશ મેવાણી હંમેશાં વર્ગવિગ્રહ થાય તેવાં નિવેદનો આપે છે. પીડિતને ન્યાય મળવો જોઈએ એવું અમે માનીએ છીએ અને ન્યાય મળશે."

ગુજરાતમાં દલિત અત્યાચારના કિસ્સા

ઇમેજ સ્રોત, EPA
દલિતોના પ્રશ્નોને વાચા આપતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને દલિત આગેવાન ચંદુ મહેરિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "મોટા ભાગની એટ્રોસિટીના મામલામાં ઘટના સામાન્ય હોય છે, પરંતુ અત્યાચાર જઘન્ય હોય છે."
ચંદુ મહેરિયા વધુમાં ઉમેરે છે કે, "સમાજ અને સરકાર બંને આ મુદ્દે સભાન નથી. એક તરફ એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થાય છે તેવી ફરિયાદો ઊઠે છે પણ તેની સામે સજાનો દર ઘણો ઓછો છે. આવા સંજોગોમાં દલિતો સામે અત્યાચાર કરનારા ગુનેગારો પર ધાક બેસતી નથી."
ગુજરાતમાં પાછલાં લગભગ 11 વર્ષોમાં જુદાજુદા જિલ્લામાં 2,789 કિસ્સામાં દલિત અને આદિવાસી પરિવારોને પોલીસરક્ષણની જરૂર પડી હોવાની માહિતી બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલી એક માહિતી અધિકારની અરજી અંતર્ગત પ્રાપ્ત થઈ છે. એટલે કે દર બીજે દિવસે એસસી-એસટી પરિવારને પોલીસરક્ષણની જરૂર પડી છે.
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના અહેવાલ અનુસાર વર્ષ 2019, 2020 અને 2021માં સમગ્ર ભારતમાં અનુક્રમે 45,961, 50,291 અને 50,900 દલિત અત્યાચારને લગતી એટ્રોસિટીના ગુના નોંધાયા છે.
ગુજરાતમાં વર્ષ 2019, 2020 અને 2021માં અનુક્રમે આ કિસ્સાની સંખ્યા 1,416, 1,326 અને 1,201 હતી.
જ્યારે સમગ્ર ભારતમાં વર્ષ 2019, 2020 અને 2021 દરમિયાન આદિવાસી સમાજના લોકો સામે થતાં અત્યાચારના અનુક્રમે 7,570, 8,272 અને 8,802 બનાવ નોંધાયા છે.
જે પૈકી ગુજરાતમાં અનુક્રમે 321, 291 અને 341 બનાવ ST એટ્રોસિટીને લગતા નોંધાયા છે.














