ઉત્તર મેસેડોનિયાની નાઇટક્લબમાં આગ લાગવાથી 59નાં મોત, કેવી રીતે લાગી હતી આગ?

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપના દેશ ઉત્તર મેસેડોનિયાની એક નાઇટક્લબમાં આગ લાગવાથી 59 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ આની પુષ્ટિ કરી છે.
રવિવારે વહેલી સવારે કોસાની શહેરના એક નાઇટક્લબમાં આગ ફાટી નીકળી હતી. મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જેથી આ શહેર 100 કિમી દૂર આવેલું છે.
સોશિયલ મીડિયા પર મુકાયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બિલ્ડિંગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર, આ આગ રવિવારે સવારે ત્રણ વાગ્યે લાગી હતી. આ દુર્ઘટના બૅન્ડ એડીએનનાં પર્ફોર્મન્સ દરમિયાન બની હતી.
નાઇટક્લબમાં એક પબનું પર્ફૉર્મન્સ ચાલુ હતું ત્યારે આગ લાગી હતી. લગભગ 1500 લોકો આ કૉન્સર્ટમાં હાજર હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. શો વખતે પાઇરોટેકનિક ડિવાઇસનો ઉપયોગ કરવાના કારણે આગ લાગી તેમ માનવામાં આવે છે.
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે આગ સંભવત: આતશબાજીનાં ઉપકરણોને કારણે લાગી હતી.

આગ લાગવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Reuters
મેસેડોનિયાના આંતરિક મામલાના મંત્રી પૅન્સ તોસ્કોવ્સ્કીએ કહ્યું છે કે પ્રાથમિક અહેવાલો અનુસાર આ આગ પાયરોટેક્નિક ડિવાઇસમાંથી ઝરેલા તણખાને કારણે લાગી છે.
આ ડિવાઇસીસમાં આતશબાજી કરવા માટેની વસ્તુઓ અથવા તો ગરમી, પ્રકાશ, અવાજ અને ગૅસ કે ધુમાડાના મિશ્રણથી ઇફેક્ટ્સ તૈયાર કરવા માટેની વસ્તુઓનો સમાવેશ થતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કોસની પોલીસસ્ટેશનની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, "તણખાઓ છતને ટકરાયા હતા અને છત એ અતિશય જ્વલનશીલ પદાર્થોમાંથી બનેલી હતી. જેથી આખી ક્લબમાં આગ ફેલાઈ ગઈ. આ સંદર્ભમાં કેટલીક ધરપકડ પણ કરવામાં આવી છે."
ફૂટેજ પરથી પણ ખ્યાલ આવે છે કે જ્યારે બૅન્ડ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યું હતું ત્યારે બે જ્વાળાઓ થઈ અને તેમાંથી ઝરેલા તણખાઓ છત પર પડ્યા.
કોકાનીમાં આવેલી હૉસ્પિટલમાં શરૂઆતમાં માહિતી મળી એ પ્રમાણે 90 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેના કારણ હજુ મૃત્યુઆંક વધી રહ્યો છે.
મેસેડોનિયાના વડા પ્રધાને શું કહ્યું?
મેસેડોનિયાના વડા પ્રધાન રિસ્ટિજન મિકોસ્કીએ તેમના ફેસબુક પેજ પર નિવેદન જાહેર કર્યું છે.
તેમણે કહ્યું છે કે, "સરકારના સંબંધિત વિભાગોને સંપૂર્ણપણે આ કામમાં લગાડી દેવામાં આવ્યા છે અને લોકોને હવે પછીના પડકારો સામે લડવા માટે પણ ઘટતું કરવામાં આવશે. આ ઘટનાના કારણો શોધવાનો પણ પ્રયત્ન થશે."
તેમણે કહ્યું હતું કે, "આ દેશ માટે ખૂબ દુ:ખદાયક દિવસ છે. ઘણા યુવાનોને આપણે ગુમાવ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












