You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને પાકિસ્તાન અંગે અમેરિકાનું વલણ કેમ સતત બદલાતું રહ્યું, સંઘર્ષવિરામમાં તેની શું ભૂમિકા હતી?
- લેેખક, આનંદમણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષની વચ્ચે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે સાંજે અચાનક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે બંને પક્ષ તમામ પ્રકારના હુમલા રોકવા માટે સહમત થઈ ગયા છે.
વિક્રમ મિસરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સહમતિની વિગત આપતા કહ્યું કે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી બંને પક્ષોએ સૈન્ય કાર્યવાહી અને ફાયરિંગ રોકવાના નિર્દેશ જારી કર્યા છે.
શનિવારે સાંજે વિક્રમ મિસરીએ વધુમાં કહ્યું કે "પાકિસ્તાનના મિલિટરી ઑપરેશન્સના ડાયરેક્ટર જનરલે ભારતના ડીજીએમઓને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. તેમની વચ્ચે સહમતિ થઈ છે કે સાંજે પાંચ વાગ્યાથી જમીન, સમુદ્ર અને હવામાં ફાયરિંગ બંધ કરી દેવામાં આવશે."
તેમણે કહ્યું કે, "બંને પક્ષોએ આ અંગે નિર્દેશ જારી કર્યા છે. બંને દેશોના મિલિટરી ઑપરેશન્સના ડાયરેક્ટર જનરલ સોમવાર 12 મેએ બપોરે 12 વાગ્યે ફરીથી વાત કરશે."
અમેરિકાએ સંઘર્ષવિરામની જાહેરાત કરી
સંઘર્ષવિરામની કે હુમલા રોકવાની કોઈ પણ જાહેરાત ભારત તરફથી આવે તે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ અને પૂર્ણ સંઘર્ષવિરામની સહમતિ બની છે" તે વિશે જાણકારી પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ટ્રૂથ સોશિયલ' પર આપી દીધી.
ટ્રમ્પના ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, "અમેરિકાની મધ્યસ્થીથી થયેલી એક લાંબી વાતચીત પછી મને આ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાને પૂર્ણ અને તાત્કાલિક સીઝફાયર પર સહમતિ દર્શાવી છે."
ત્યાર પછી અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વ્યાપક મુદ્દા પર વાતચીત શરૂ કરવા તૈયાર થઈ ગયા છે.
અમેરિકાના વિદેશમંત્રીના નિવેદનમાં જણાવાયું કે "છેલ્લા 48 કલાકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ અને મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર, પાકિસ્તાનની સેનાના વડા અસિમ મુનીર અને ભારત-પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અસીમ મલિકની સાથે સાથે ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના દાવાને ભારતે ફગાવ્યો
ભારતીય વિદેશ મંત્રાલયે બંને પક્ષો વચ્ચે હુમલો રોકવા અંગે સહમતિ થઈ છે તે વાત તો સ્વીકારી, પરંતુ અમેરિકાનું નામ ન લીધું.
ભારતે અમેરિકાની મધ્યસ્થીના દાવાને પણ નકારી કાઢ્યો.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા ઍક્સ પર શનિવારે લખ્યું કે "સંઘર્ષવિરામ પર સહમતિ સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય છે. પાકિસ્તાનના ડીજીએમઓએ વાતચીતની શરૂઆત કરી. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન સાથે મળીને સીઝફાયર પર સહતમ થયા."
ભારતે આવી સ્પષ્ટતા કરી. પરંતુ આ દરમિયાન ટ્રમ્પે પોતાના 'ટ્રૂથ સોશિયલ' પર એક નવી પોસ્ટ કરી જેના કારણે વિશ્લેષકોનું ધ્યાન તેના તરફ ગયું.
ટ્રમ્પે લખ્યું કે "હું ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ગૌરવ અનુભવું છું. તેમણે યોગ્ય સમયે સમજદારી અને હિંમત દેખાડીને આ સંઘર્ષને રોકવાનો નિર્ણય લીધો. કારણ કે સંઘર્ષથી લાખો નિર્દોષ લોકોના જીવ જઈ શકતા હતા અને ભારે નુકસાન થાય તેમ હતું."
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, "આ ઐતિહાસિક નિર્ણય સુધી પહોંચવામાં અમેરિકા તમને મદદ કરી શક્યું તેનો મને ગર્વ છે."
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભારત અને પાકિસ્તાન સાથે ટ્રેડ વધારવાની વાત પણ કરી હતી. સાથે જ, ટ્રમ્પે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન સાથે મળીને શાંતિપૂર્વક તેનો ઉકેલ લાવવામાં અમેરિકા ભૂમિકા ભજવી શકે છે તેવી વાત પણ કરી.
72 કલાકની અંદર અમેરિકાનું વલણ કેવી રીતે બદલાયું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટ પછી વિદેશનીતિ મામલાના જાણકાર અને વિશ્લેષક માઇકલ કુગલમૅને સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, "ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વિશે ફરીથી પોસ્ટ કરી છે. આ વખતે તેમણે કહ્યું છે કે તેઓ (ભારત અને પાકિસ્તાન) સાથે મળીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે કામ કરશે."
"તેમણે પોતાના પ્રથમ કાર્યકાળ વખતે આપેલી ઑફર કરતા આ આગળની વાત છે. તે વખતે તેમણે કહ્યું હતું કે બંને પક્ષ ઇચ્છે તો તેઓ કાશ્મીરના મુદ્દે મધ્યસ્થી કરી શકે છે."
અગાઉ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ મામલે અમેરિકા અંતર જાળવશે અને કૂટનીતિનો રસ્તો અપનાવશે.
જેડી વેંસે કહ્યું હતું કે "અમે બંને દેશોને તણાવ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ અમે મૂળ રૂપથી યુદ્ધમાં સામેલ નથી થવાના. એ અમારું કામ નથી."
તેમણે કહ્યું કે, "અમેરિકાની આ મામલાને કન્ટ્રોલ કરવાની ક્ષમતા સાથે આને કોઈ લેવા-દેવા નથી. અમે કૂટનીતિના રસ્તેથી પોતાના પ્રયાસ ચાલુ રાખીશું."
8 મેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વિશે પત્રકારોને કહ્યું કે, "હું બંનેને બહુ સારી રીતે ઓળખું છું. હું ઈચ્છું છું કે તેઓ આને ઉકેલે. હું ઇચ્છું છું કે તેઓ આને અટકાવે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે "જો હું કોઈ રીતે મદદ કરી શકું, તો મદદ કરીશ."
પાકિસ્તાનને આઈએમએફે ફંડ આપ્યું
પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધતો હતો. ધીમે-ધીમે આ તણાવ સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો હતો.
શુક્રવારે રાતે વિદેશનીતિ મામલાના જાણકાર અને વિશ્લેષક માઇકલ કૂગલમૅને કહ્યું કે, "ભારત અને પાકિસ્તાન યુદ્ધની બહુ નજીક પહોંચી ગયાં છે."
પાકિસ્તાને શુક્રવારે રાતે ભારત વિરુદ્ધ ઑપરેશન 'બુનયાન અલ-મરસૂસ' શરૂ કરી દીધું, પરંતુ સાંજ થતા થતા બંને દેશોએ તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી રોકવાની જાહેરાત કરી દીધી.
ઝડપથી બદલતા આ ઘટનાક્રમની પાછળ અમેરિકાના દાવાએ બધાને ચોંકાવી દીધા.
અમે જે નિષ્ણાતો સાથે વાત કરી તેઓ માને છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેેંસે ભલે જાહેરમાં દખલગીરીનો ઇન્કાર કર્યો હોય, પરંતુ અંદરખાને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ હતી.
ઘણા નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ ભારતમાં હતા ત્યારે જ પહલગામમાં પર્યટકો પર હુમલો થયો હતો. આ વાતને તેઓ અવગણી શકે તેમ ન હતા. આ ઉપરાંત બંને દેશો સાથે અમેરિકાનાં હિત સંકળાયેલાં છે.
ત્રીજી અને મહત્ત્વની વાત એ છે કે અમેરિકા ક્યારેય એવું નહીં ઇચ્છે કે દક્ષિણ એશિયામાં સંઘર્ષ થાય અને ત્યાં ચીનની તુલનામાં તે નબળું પડે.
અમેરિકાની ડેલાવેર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત પ્રોફેસર મુક્તદર ખાન કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
તેઓ કહે છે, "મને લાગે છે કે અમેરિકાએ તાત્કાલિક સીઝફાયર કરવા પાકિસ્તાનને લાંચ આપી છે, પરંતુ તેમણે ભારતને કઈ રીતે મૅનેજ કર્યું તે સમજાતું નથી."
તેઓ કહે છે, "પાકિસ્તાનને એક અબજ ડૉલરની આઈએમએફની લોન મળી તેના થોડા જ કલાકો પછી સીઝફાયરની જાહેરાત થઈ છે. પાકિસ્તાને જો ટ્રમ્પની વાતને નકારી હોત તો કદાચ તેને લોન મળી ન હોત."
પ્રોફેસર ખાન કહે છે કે, "ભારતની વાત છે ત્યાં સુધી મને લાગે છે કે દ્વિપક્ષીય વેપારને લઈને જે વાતચીત થાય છે તેમાં કદાચ થોડી છૂટછાટ આપી હશે. મને આખી વાતની ખબર નથી. આવું હોઈ પણ શકે અને ન પણ હોય."
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પછી આ પહેલી ઘટના છે જ્યારે ભારતીય સેનાઓએ કરાચી, લાહોર અને રાવલપિંડી જેવાં પાકિસ્તાની શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા.
તેના જવાબમાં પાકિસ્તાને પઠાણકોટ, બઠિંડા, જમ્મુ, અમૃતસર અને આદમપુર જેવી ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેના મુજબ આ હુમલા નિષ્ફળ બનાવાયા હતા.
અમેરિકા નવી મુસીબત નથી ઇચ્છતું
ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે વાતચીત થઈ. ત્યાર પછી પાંચ વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી. કઈ શરતો પર સીઝફાયર થયું તેની કોઈ માહિતી અપાઈ નથી.
દક્ષિણ એશિયામાં ઉભરતા સંકટ પર બારીકાઈથી નજર રાખતા વિશ્લેષકો કહે છે કે ભૂતકાળની તુલનામાં અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા માટે શરૂઆતમાં ઓછી પહેલ કરી.
માઇકલ કુગેલમૅનનું કહેવું છે કે વર્ષ 1999 અને 2019માં પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થીના પ્રયાસોમાં અમેરિકા ઘણું સક્રિય હતું. પરંતુ આ વખતે અમેરિકાએ ખાસ સક્રિયતા દેખાડી નથી.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને અમેરિકન વિદેશનીતિ મામલાના જાણકાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર મનન દ્વિવેદી કહે છે કે "અમેરિકાએ ભલે અલગ રીતે પ્રતિક્રિયા આપી હોય, પરંતુ પાછળથી ટ્રેક ટુ ડિપ્લોમસી ચાલુ હતી. અમેરિકાની સતત નજર હતી. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને ઈરાને પણ પોતાની ભૂમિકા ભજવી."
બીજી તરફ ન્યૂ યૉર્કની અલ્બાની યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના સહાયસ પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ હાલમાં ઘણા ખંડમાં કેટલાય સંઘર્ષને ઉકેલવાના પ્રયાસ કરી રહી છે. આ કારણથી જ અમેરિકા મોટા સંકટથી દૂર રહેવા માંગે છે."
ડૉક્ટર મનન દ્વિવેદી કહે છે,"અમેરિકા આ સમયે ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને પાકિસ્તાન તેનો જૂનો સાથીદાર છે. આ મામલો વધી ગયો હોત તો તેની સામે એક સમસ્યા પેદા થાય તેમ હતી. પહેલેથી રશિયા-યુક્રેન, ઈરાન, ગાઝા, ચીન અને વેપાર મુદ્દામાં અમેરિકા અટવાયેલું છે. તે આ મામલાને ઝડપથી ઉકેલવા માંગતું હતું."
તેમનું કહેવું છે કે અમેરિકા આ સમયે પોતાની વિદેશનીતિના કારણે ફસાયેલું છે. દક્ષિણ એશિયાના બદલે હિંદ-પ્રશાંત ક્ષેત્રની ભૂરાજનીતિમાં તેને વધારે રસ છે.
મનન દ્વિવેદી કહે છે કે અમેરિકા પોતાના હિત પ્રમાણે કૂટનીતિ અને રાજનીતિ ચલાવે છે. હાલમાં ચીન સાથે તેનો વિવાદ ચાલે છે ત્યારે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે લડે તે તેના હિતમાં નથી.
તેમણે કહ્યું કે, "અમેરિકાનો મધ્યસ્થી કરવાનો એક ઇતિહાસ રહ્યો છે. વિશ્વ રાજનીતિમાં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા આવું કરતો આવ્યો છે. જેનાથી તેની શાખ મજબૂત થઈ શકે."
સંઘર્ષ પછી હવે આગળ શું?
આ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ન હતો. એક રીતે જોવામાં આવે તો પશ્ચિમી દેશો અને ચીનની ટૅક્નૉલૉજીનો પણ સંઘર્ષ હતો.
પ્રોફેસર મુક્તદર ખાન કહે છે, "ભારત અને પાકિસ્તાનના સંઘર્ષની સાથે વૈશ્વિક સમુદાયમાં આ મામલે પહેલેથી ચર્ચા શરૂ થઈ હતી. બધા કહેતા હતા કે આ ચાઇનીઝ અને પશ્ચિમી ટૅક્નૉલૉજી વચ્ચેનો સંઘર્ષ હતો."
કોની ટૅક્નૉલૉજી ચઢિયાતી સાબિત થઈ, એ તો વિશ્લેષણ પછી ખબર પડશે. પરંતુ હાલમાં એ જોવાનું રહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંબંધ હવે કઈ દિશામાં જાય છે.
પ્રોફેસર મુક્તદર ખાન કહે છે, "ભારત અને પાકિસ્તાન સંઘર્ષ પછી એ મામલે ચર્ચા થવી જોઈએ કે શું ભારત ચીનની કોઈ ભૂમિકા માટે તૈયાર છે કે નહીં, અને તમે ચીનને કઈ રીતે સંભાળશો. ભારત અને ચીન વચ્ચે વ્યાપારી સંબંધો છે અને તે પડોશી પણ છે."
પ્રોફેસર મુક્તદર ખાન માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ક્યાં થાય છે તેના પર વાતચીતનાં પરિણામનો આધાર રહેશે.
જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે માત્ર એટલું કહ્યું છે કે "ભારત અને પાકિસ્તાનના જીડીએમઓ 12 મેએ 12 વાગ્યે વાત કરશે."
આ મુલાકાત જ હશે એવું ભારતીય વિદેશ મંત્રાલયે નથી કહ્યું.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શનિવારે સાંજે લખ્યું હતં કે "અન્ય કોઈ મુદ્દા કે અન્ય કોઈ જગ્યાએ વાતચીતને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી."
પ્રોફેસર મુક્તદર ખાન માને છે કે, "પાકિસ્તાને શિમલા સમજૂતી સ્થગિત કરી છે. એવામાં અમેરિકન વિદેશ મંત્રાલયની નોટ પ્રમાણે તે પૅન્ડિંગ મામલામાં કાશ્મીરને પણ સામેલ કરી શકે છે. આ ભારતનાં હિતમાં નહીં હોય. ભારતે કહેવું પડશે કે આ કાશ્મીર નહીં પણ સરહદપારના ત્રાસવાદનો મુદ્દો છે."
પ્રોફેસર ખાન કહે છે કે, "બંને દેશો વચ્ચે સિંધૂ જળસંધિ અને વ્યાપાર જેવા ઘણા મુદ્દે વાતચીત થઈ શકે છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે 1.3 અબજ ડૉલરનો કારોબાર થયો હતો. પાકિસ્તાનને ભારતની સસ્તી દવાઓની બહુ જરૂર છે."
સ્ટ્રેટેજિક ઍનાલિસ્ટ પરમા સિંહા પાલિતે કૅમ્બ્રિજના એક જર્નલમાં અમેરિકાની દક્ષિણ એશિયન નીતિનું વિશ્લેષણ કર્યું છે.
તેમાં તેમણે લખ્યું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તરત કાશ્મીરનો મુદ્દો દક્ષિણ એશિયામાં સત્તા સંતુલનમાં એક મહત્ત્વપૂર્ણ કારકના સ્વરૂપમાં રહ્યો છે.
એવામાં વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા કોઈ રીતે ભારત અને પાકિસ્તાનના સંબંધોને સુધારવામાં સફળ થાય તો તે અમેરિકા માટે મોટી સફળતા રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન