માસિક દરમિયાન વધારે રક્તસ્રાવ થાય તો હૃદયરોગનું જોખમ, ટાળવા આટલું કરવું

મહિલા, હ્રદયરોગ, માસિકસ્ત્રાવ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નંદિની વેલ્લાસ્વામી
    • પદ, બીબીસી તમિલ

મહિલાઓમાં ગર્ભાશય ફાઇબ્રોઇડ્ઝ તથા ઍથેરોસ્ક્લેરોટિક કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ વચ્ચેના સંબંધ પરનો એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ ગત વર્ષે ડિસેમ્બરમાં 'જર્નલ ઑફ ધ અમેરિકન હાર્ટ ઍસોસિએશન'માં પ્રકાશિત થયો હતો.

આ બહુ-કેન્દ્રીય અભ્યાસ 10 વર્ષના ગાળા દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 27 લાખ કરતાં વધુ મહિલાઓનો સમાવેશ કરાયો હતો. આ મહિલાઓની પસંદગી ટ્યૂમરથી પીડાતી 45 લાખ અને ટ્યૂમર વિનાની 22.5 લાખ મહિલાઓમાંથી કરવામાં આવી હતી, જેમની સરેરાશ વય 41 વર્ષ હતી.

આ સંશોધનમાં માલૂમ પડ્યું છે કે, ફાઇબ્રોઇડ ન ધરાવતી મહિલાઓની તુલનામાં ગર્ભાશય ફાઇબ્રોઇડ્ઝ ધરાવતી મહિલાઓમાં હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હોય છે.

અભ્યાસ મુજબ, આ જોખમ કોરોનરી ધમનીનો રોગ, સેરેબ્રોવસ્ક્યુલર બીમારી તથા પેરિફેરલ ધમનીની બીમારી જેવી હૃદયની તમામ મુખ્ય સમસ્યાઓને લાગુ પડે છે. આ જોખમ તમામ વય અને તમામ જૂથની મહિલાઓ પર તોળાય છે.

આમ, ગર્ભાશય ફાઇબ્રોઇડ્ઝ એ હૃદયરોગના જોખમ માટે એક મહત્વપૂર્ણ પ્રારંભિક સંકેત અથવા ચેતવણી સમાન છે.

ગર્ભાશય ફાઇબ્રોઇડ્ઝ એટલે શું?

મહિલા, હ્રદયરોગ, માસિકસ્ત્રાવ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉક્ટરોનું કહેવું છે કે ગર્ભાશય ફાઇબ્રૉઇડથી પીડિત મહિલાઓને માસિકધર્મ દરમિયાન વધુ દર્દનો અનુભવ થાય છે.

પ્રસૂતિનિષ્ણાત ડૉ. શાંતિ રવીન્દ્રનાથના જણાવ્યા અનુસાર, "ગર્ભાશય ફાઇબ્રોઇડ્ઝ એ એક પ્રકારનાં ટ્યૂમર્સ છે, જે ગર્ભાશયની સ્નાયુ પેશીમાંથી વિકસે છે. ઘણીવાર કોઈ લક્ષણો ન દેખાતાં હોય તેવી સ્થિતિમાં પણ આ ટ્યૂમર્સ મોજૂદ હોઈ શકે છે. અમુક ચોક્કસ પરીક્ષણો દરમિયાન જ તેની જાણ થાય છે. "

"જોકે, તેનો અર્થ એ નથી કે આ તમામ ટ્યૂમર જોખમી જ હોય છે, પરંતુ હાલમાં આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. આ પ્રક્રિયામાં ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન નામના બે હોર્મોન્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ટ્યૂમર કોઈ પણ વયે થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે 40 વર્ષથી ઓછી વયની મહિલાઓમાં અને ખાસ કરીને પેરીમેનોપોઝ કે મેનોપોઝ દરમિયાન તેનું પ્રમાણ વધુ જોવા મળે છે.

મેનોપોઝ પહેલાં કદાચ કોઈ લક્ષણો ન જણાય, પરંતુ મેનોપોઝ પછી લક્ષણોનો અનુભવ થવાની શક્યતા વધી જાય છે.

ગર્ભાશય ફાઇબ્રોઇડ્ઝ અને હૃદયરોગ વચ્ચેનો સંબંધ

ડૉ. શાંતિ રવીન્દ્રનાથ સમજાવે છે કે, "આ ટ્યૂમર્સ શરીરમાં એવાં રસાયણો ઉત્પન્ન કરે છે જે સોજો લાવે છે. આ રસાયણો હૃદયની બીમારીનું નિમિત્ત બની શકે છે. જ્યાં સુધી શરીરમાં ઍસ્ટ્રોજન હોર્મોનનો સ્રાવ યોગ્ય રીતે થાય છે, ત્યાં સુધી તે હૃદયને સુરક્ષિત રાખે છે. મેનોપોઝ પછી ઍસ્ટ્રોજનનું સ્તર ઘટવાને કારણે હૃદયરોગનું જોખમ વધે છે."

કાર્ડિયોલોજી વિભાગના નિવૃત્ત પ્રોફેસર ડૉ. કે. એસ. ગણેશન જણાવે છે કે, "મેનોપોઝ દરમિયાન ઍસ્ટ્રોજન ઘટવાથી હૃદયરોગનું જોખમ વધે છે. આ જોખમ ગર્ભાશય ધરાવતી અને ન ધરાવતી એમ બંને પ્રકારની મહિલાઓને સમાન રીતે લાગુ પડે છે."

સામાન્ય લક્ષણો:

  • માસિક ધર્મ દરમિયાન ભારે રક્તસ્રાવ થવો.
  • માસિક દરમિયાન અતિશય પીડા થવી.
  • વંધ્યત્વ અથવા બાળકો ન હોવાં.
  • વારંવાર પેશાબ જવાની જરૂરિયાત અનુભવવી.

કઈ મહિલાઓમાં જોખમ વધુ હોય છે?

મહિલા, હ્રદયરોગ, માસિકસ્ત્રાવ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. શાંતિ રવીન્દ્રનાથના મતે, ટ્યૂમર થવાનું ચોક્કસ કારણ કહેવું મુશ્કેલ છે, પરંતુ નીચે મુજબની સ્થિતિ ધરાવતી મહિલાઓમાં જોખમ વધુ રહે છે:

  • મેદસ્વિતા ધરાવતી મહિલાઓ.
  • નાની વયે ગર્ભપાત કરાવ્યો હોય તેવી મહિલાઓ.
  • જે મહિલાઓમાં મેનોપોઝ મોડો શરૂ થયો હોય.

તેમણે સ્પષ્ટ કર્યું કે ગર્ભાવસ્થા દરમિયાન આ ટ્યૂમર કદમાં મોટું થઈ શકે છે અને શિશુના જન્મ બાદ અથવા મેનોપોઝ પછી તે ફરી નાનું થઈ જતું હોય છે.

મહિલાઓમાં હૃદયની બિમારી કેવી રીતે નિવારવી?

મહિલા, હ્રદયરોગ, માસિકસ્ત્રાવ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેદસ્વિતા ગર્ભાશય ફાઇબ્રૉઇડનું મોટું ઉદાહરણ છે

મેદસ્વિતા આ સમસ્યામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જોખમ ઘટાડવા માટે ડૉ. શાંતિએ નીચે મુજબની સલાહ આપી છે:

  • ઊંચાઈ મુજબ શરીરનું યોગ્ય વજન જાળવવું.
  • ધૂમ્રપાનનો ત્યાગ કરવો.
  • માનસિક તણાવ ઘટાડવો.
  • તંદુરસ્ત જીવનશૈલી અને પૂરતી ઊંઘ લેવી.
  • ટ્યૂમરનું કદ અને સ્થાન જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ જેવા જરૂરી ટેસ્ટ કરાવવા.

ભારતમાં વધી રહેલી મેદસ્વિતાને ધ્યાને લેતા, 2025માં પ્રકાશિત થયેલા લેન્સેટના અહેવાલ મુજબ 2050 સુધીમાં દેશના આશરે 45 કરોડ લોકો મેદસ્વિતાથી પીડાતા હશે. આથી ભારતીય મહિલાઓમાં ફાઇબ્રોઇડ્ઝ અને હૃદયરોગના સંબંધનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

ડૉ. કે. એસ. ગણેશનના જણાવ્યા અનુસાર, "મહિલાઓમાં હૃદયરોગનાં લક્ષણો અને તેની સારવાર પુરુષો કરતાં અલગ હોય છે. પેરીમેનોપોઝ દરમિયાન ઘણીવાર કોઈ લક્ષણો વિના પણ હૃદયની બીમારી થઈ શકે છે."

તેમણે ચેતવણી આપી હતી કે મહિલાઓની રક્તવાહિનીઓ સાંકડી હોય છે, તેથી જો તેમને 'હાઇપરકોએગ્યુલેશન' (લોહી ગંઠાઈ જવાની વધુ પડતી સ્થિતિ) હોય, તો હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે.

40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે જરૂરી પરીક્ષણો:

  • હોર્મોન ટેસ્ટ
  • લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ
  • આનુવંશિક (Genetic) અભ્યાસ
  • કોએગ્યુલેશન પ્રોફાઇલ ટેસ્ટ
  • હોમોસિસ્ટીન ટેસ્ટ

જો આ પરીક્ષણોમાં કોઈ અસાધારણ બાબત જણાય, તો તબીબી સલાહ મુજબ આજીવન ચોક્કસ દવાઓ લેવી પડી શકે છે. આ ઉપરાંત, હૃદયને સ્વસ્થ રાખવા માટે મહિલાઓએ દરરોજ એક કલાક ચાલવાની આદત કેળવવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન