You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયામાં વધતું તાપમાન માણસને કેવી અસર કરી શકે અને ભવિષ્યમાં સ્થિતિ વધુ વિકટ બનશે?
- લેેખક, નિદાલે અબુ મ્રાદ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ગુજરાતમાં હાલના સમયમાં ચોમાસું ચાલી રહ્યું છે. સમયાંતરે વરસાદને લીધે અનુભવાતી ઠંડક બાદ ક્યારેક કેટલાક વિસ્તારોમાં બફારો પણ અનુભવાય છે. આબોહવા પરિવર્તન હીટ વેવને વધુ તીવ્ર અને સંભવિત બનાવી રહ્યું છે એ વાત સુવિદિત છે.
ઉનાળાના મહિનાઓમાં ઉત્તર ગોળાર્ધમાં તાપમાનમાં વધારો થતાં યુરોપનો મોટો હિસ્સો, અમેરિકા અને ઉત્તર-પૂર્વ એશિયાના કેટલાક ભાગો સામાન્ય કરતાં વધુ ગરમ આબોહવાનો અનુભવ કરી રહ્યા છે.
આ કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને પહેલેથી જ બીમાર લોકો માટે આરોગ્ય સંબંધી જોખમ વધી રહ્યું છે.
સ્પેનની નૅશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, શનિવાર 28 જૂનના રોજ અલ ગ્રેનાડો શહેરમાં 46 ડિગ્રી ગરમી સાથે નવો ગરમીનો રેકૉર્ડ નોંધાયો હતો. આ મહિનો સૌથી ગરમ જૂન બનવા તરફ આગળ વધી રહ્યો છે.
આંકડા ભ્રામક હોઈ શકે છે. દાખલા તરીકે, ઓછા ભેજવાળા મધ્ય કૅનેડા જેવા દેશોની સરખામણીએ ભેજવાળું વાતાવરણ ધરાવતા પર્શિયન ગલ્ફની આસપાસ ઉચ્ચ તાપમાનમાં જોરદાર બફારો અનુભવાતો નથી.
ગરમી અને ભેજના સંભવિત ઘાતક સંયોજનને માપવા માટે વેટ બલ્બ ટેમ્પરેચર્સની ભૂમિકા અહીં આવે છે, પરંતુ તે શું છે અને કેવી રીતે કાર્ય કરે છે?
વેટ બલ્બ ટેમ્પરેચર્સ શું છે?
દરેક વ્યક્તિ 'તાપમાન' શબ્દથી વાકેફ છે. તેમાં હવા કેટલી ગરમ છે તે થર્મોમીટર વડે માપવામાં આવે છે.
વેટ બલ્બ ટેમ્પરેચર્સમાં ગરમી અને ભેજના મિશ્રણ (હવામાં કેટલો ભેજ અને બાષ્પ)ની અસર માપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને કેવી રીતે માપવામાં આવે છે?
તેનું સૌથી સરળ સંસ્કરણ થર્મોમીટર બલ્બ છે, જે ગ્લાસ થર્મોમીટર હોય છે અને આપણામાંથી મોટા ભાગના લોકો તેનાથી પરિચિત છે. થર્મોમીટરને રૂના પૅડમાં લપેટીને તેના પર પાણી છાંટો એટલે તે ભીનું રહે છે.
આમ કરવાથી ખબર પડે છે કે પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું હોય ત્યારે તાપમાન શું હોય છે. હીટ ઍનર્જી પોતાનામાં લઈને પાણી થર્મોમીટરને 'વેટ બલ્બ ટેમ્પરેચર' સુધી ઠંડું કરે છે.
તે શા માટે મહત્ત્વપૂર્ણ છે?
માણસનું શરીર પરસેવાથી ઠંડું થાય છે. ત્વચા દ્વારા બહાર કાઢવામાં આવેલું પાણી શરીરની વધારાની ગરમીને દૂર કરે છે. તેનું બાષ્પીભવન થાય ત્યારે ગરમી દૂર થાય છે.
આ પ્રક્રિયા શુષ્ક વિસ્તારમાં સારી રીતે કામ કરે છે, પરંતુ ખૂબ જ ગરમ, ભેજવાળા વિસ્તારોમાં તે બહુ ઓછી અસરકારક હોઈ શકે છે. બાહ્ય તાપમાન શરીરના તાપમાનની નજીક હોય તો, ભેજ વધારે હોય તો પરસેવાથી ભેજ ગુમાવીને શરીરનું ઠંડું થવું મુશ્કેલ બને છે.
તેનું કારણ એ છે કે હવા પહેલાંથી જ ભેજવાળી હોય અને વધુ પડતો ભેજ શોષી શકે તેમ ન હોય ત્યાં પરસેવાનું બાષ્પીભવન ધીમું થઈ જાય છે. તેથી આપણે જાતને ઠંડી કરી શકતા નથી.
કયું તાપમાન ખતરનાક છે?
સાયન્સ ઍડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત 2020ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે "35 ડિગ્રી સેન્ટીગ્રેડ વેટ બલ્બ ટેમ્પચેર આપણી ઉપલી શારીરિક મર્યાદા દર્શાવે છે અને તેની આરોગ્ય તથા ઉત્પાદકતા પર ખાસ ગંભીર અસર થતી નથી."
ગરમી અને ભેજનું મિશ્રણ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ વેટ બલ્બ ટેમ્પરેચરથી ઉપર હોય તો માનવ શરીર પર્યાવરણમાં ગરમી છોડવાનું બંધ કરી દે છે. તેની સંભવિત અસર ઘાતક થઈ શકે છે, કારણ કે એ સ્થિતિમાં અંગો કામ કરવાનું બંધ કરી શકે છે.
એ સ્થિતિમાં લોકો પાસે ઍર કન્ડીશનિંગની સુવિધા ન હોય તો તેઓ થોડા કલાકોમાં મૃત્યુ પામી શકે છે.
તંદુરસ્ત અને સ્વસ્થ હોય, છાંયડામાં ખુલ્લા શરીરે આરામ કરતા હોય અને પીવાના પાણીની અમર્યાદ સુવિધા હોય તો પણ વ્યક્તિએ ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે.
પહેલાં ચર્ચા થઈ જેમ વેટ બલ્બ ટેમ્પરેચર સામાન્ય થર્મોમીટર રીડિંગ્સ કરતાં ઓછું હોય છે અને તે વિશાળ પ્રદેશમાં ભાગ્યે જ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી સતત રહ્યું હોય છે.
અલબત્ત, આવું કાયમ હોય તે જરૂરી નથી.
ગ્લોબલ વૉર્મિંગ શું છે?
હવા જેટલી ગરમ હોય તેટલો વધુ ભેજ તે જાળવી શકે છે. તેથી વૈશ્વિક તાપમાન વધશે તેમ તેમ વધારે ભેજનો અનુભવ પણ થશે. તેના કારણે વેટ બલ્બ ટેમ્પરેચર્સ વધશે.
સાયન્સ ઍડવાન્સિસના 2020ના અભ્યાસ મુજબ, દક્ષિણ એશિયા અને પર્સિયન ગલ્ફ જેવા વિશ્વના કેટલાક ભાગો છેલ્લાં 40 વર્ષમાં ભારે ગરમી-ભેજનું સંયોજન બમણું થતું અનુભવી ચૂક્યા છે.
એ અભ્યાસમાં આગાહી કરાઈ છે કે ગ્લોબલ વોર્મિંગ પર લગામ નહીં તાણવામાં આવે તો આ ખતરનાક પ્રમાણ વ્યાપક બનશે અને લાંબા સમય સુધી ટકી રહેશે.
વેટ બલ્બ ટેમ્પરેચર્સ 35 ડિગ્રી સેન્ટીગ્રેડના થ્રેશોલ્ડ સુધી પહોંચ્યા વિના પણ સૂચવી શકે છે કે ગરમીનાં મોજાં ક્યાં ખતરો છે અને કોના પર સૌથી વધુ જોખમ છે.
ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ રિસર્ચ ડિરેક્ટર અને ક્લાઇમેટ ચેન્જ ઍન્ડ એડેપ્ટેશનના નિષ્ણાત અંજલ પ્રકાશ કહે છે, "ઉદાહરણ તરીકે ભારતની વાત કરીએ તો ડિલિવરીનું કામ કરતા લોકોએ તેમના કામ માટે બહાર જવું પડે છે. તેમના પગારને આબોહવા સાથે કોઈ લેવાદેવા હોતી નથી. તેમની પાસે ગુજરાન ચલાવવાનો બીજો કોઈ રસ્તો પણ હોતો નથી."
આ માહિતીથી જીવન કેવી રીતે બચી શકે?
કઈ બાબતો જીવન માટે જોખમી થ્રેશોલ્ડની નજીક આવી રહી છે તે સમજવામાં વેટ બલ્બ ટેમ્પરેચર્સ આપણને મદદ કરી શકે છે અને સરકાર તેના નિરાકરણનાં ચોક્કસ પગલાં લઈ શકે છે.
પ્રોફેસર પ્રકાશ સમજાવે છે, "દાખલા તરીકે, કેટલાક વિસ્તારોમાં વેટ બલ્બ ટેમ્પરેચર્સ 10 વર્ષમાં 35 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચવાની સંભાવના છે, એવી આગાહી હોય તો સરકાર પ્રારંભિક ચેતવણી પ્રણાલી સ્થાપિત કરીને, શાળાના કલાકો બદલીને તથા ઠંડક સંબંધે ચોક્કસ પગલાં લઈને તેની સાથે અનુકૂલન સાધી શકે છે."
અત્યારે પરિસ્થિતિ કેટલી ખરાબ છે અને ભવિષ્યમાં તે વધુ ખરાબ થશે?
વૈશ્વિક ગરમીનાં મોજાંના આવર્તનથી વિજ્ઞાનીઓ વધુને વધુ ચિંતિત છે.
2022માં મોટા ભાગના દક્ષિણ એશિયામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. ભારત અને પાકિસ્તાનમાં રેકૉર્ડ બ્રૅક તાપમાન નોંધાયું હતું. નવી દિલ્હીમાં તે 50 ડિગ્રી સેન્ટીગ્રેડની ટોચે પહોંચ્યું હતું.
પ્રોફેસર પ્રકાશે બીબીસીને કહ્યું હતું, "પાકિસ્તાનીઓ ઘરની બહાર નીકળતા હતા ત્યારે તેમને એવું લાગતું હતું કે તેઓ આગથી ઘેરાયેલા છે. આવું મેં વાંચ્યું છે. તેઓ ગરમીનું વર્ણન કરી રહ્યા હતા."
2023ના ઉનાળાના હીટ વેવે યુરોપના મોટા ભાગના હિસ્સાને, ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રની આસપાસના ગ્રીસ, ઇટાલી, સ્પેન, તુર્કી તથા સાયપ્રસ સહિતના દેશોને ઘેરી લીધા હતા. કેટલાક પ્રદેશોમાં દિવસ દરમિયાન તાપમાન 40-45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
2023માં વિક્રમી વૈશ્વિક તાપમાને વિશ્વના મોટા હિસ્સામાં આત્યંતિક હવામાનની ઘટનાઓને વધુ વકરાવવામાં મદદ કરી હતી. કૅનેડા અને અમેરિકામાં તીવ્ર ગરમીનાં મોજા અને જંગલની આગથી માંડીને દીર્ઘકાલીન દુકાળ તથા એ પછી પૂર્વ આફ્રિકાના ભાગોમાં પૂર સુધીની અસર જોવા મળી હતી.
2024માં સરેરાશ વૈશ્વિક તાપમાન, ઔદ્યોગિકીકરણ પહેલાંના સમયગાળા કરતાં લગભગ 1.55 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું, જેણે પાછલા વર્ષના 0.1 ડિગ્રી સેલ્સિયસના વધારાના રેકૉર્ડને તોડી નાખ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની વાતાવરણીય વિજ્ઞાન શાખા વર્લ્ડ મિટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, 2015થી 2024 સુધીનાં છેલ્લાં દસ વર્ષ રેકૉર્ડ પરના સૌથી ગરમ વર્ષ રહ્યાં છે. 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી ઍન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું, "2024માં વધેલા તાપમાનને ધ્યાનમાં લઈને 2025માં આબોહવા સંબંધે તાકીદનાં પગલાં લેવાની જરૂર છે."
"આબોહવાની સૌથી ખરાબ આપત્તિને ટાળવા માટે હજુ પણ સમય છે, પરંતુ નેતાઓએ હવે પગલાં લેવાં જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન