બોટાદ : AAPની સભામાં પથ્થરમારો અને ટીયરગૅસના શેલ છોડાયા, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બોટાદ : આપે બોલાવેલી ખેડૂત મહાપંચાયત ઉગ્ર બની, પોલીસનાં વાહનો પર પથ્થરમારો, ટીયરગૅસ સેલ છોડાયા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, બોટાદના હડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
વાંચવાનો સમય: 6 મિનિટ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના બોટાદમાં સેંકડો ખેડૂતો વિરોધમાં ઊતર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે તથા તેમને દૂર-દૂરની જિનિંગ મિલોમાં માલ ઠાલવવા માટે કહેવામાં આવે છે.

આની સામે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું. શુક્રવારે પાર્ટીએ આનું નેતૃત્વ લીધું હતું અને રવિવારે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવી 'કિસાન પંચાયત'માં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા હતા અને તેમની અટકાયત થઈ હતી.

દરમિયાન બોટાદના હડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.

બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા જણાવે છે, "રવિવારે સાંજે ચાર વાગ્યે બોટાદ એપીએમસી ખાતે આપની ખેડૂત મહાપંચાયત યોજાવાની હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી."

"બીજી બાજુ, રાજુ કરપડાએ હડદડ ગામ ખાતે ખેડૂતોની સભાને સંબોધિત કરી હતી. દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો."

આ વિવાદની પૃષ્ઠભૂમિમાં કથિત વાઇરલ વીડિયો પણ છે. જેમાં બોટાદના વેપારી અને ખેડૂતની વચ્ચે કપાસના ભાવ મુદ્દે થતી રકઝક રેકૉર્ડ થયેલી છે.

બીજી બાજુ, એપીએમસીના મૅનેજમૅન્ટે સંબંધિત હિતધારકો સાથે વાત કરીને પરસ્પર રીતે માન્ય ઉકેલ લાવવાની વાત કરી છે.

બોટાદ પોલીસે મહાપંચાયત મામલે શું કહ્યું?

બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે "અહીં ગેરકાયદે મહાપંચાયતનું આયોજન થયું હતું અને કેટલાક લોકો પહોંચ્યા હતા. આથી પોલીસ તેમની અટકાયત માટે આવી હતી. તેમને વિખેરવા આવી હતી, ત્યારે લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો, પોલીસની ગાડીને પણ નુકસાન કર્યું હતું. પોલીસે લોકોને ચેતવણી પણ આપી હતી, આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે જવાબી કાર્યવાહીમાં ટિયરગૅસના શેલ છોડ્યા હતા."

એસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે આ ઘર્ષણમાં ત્રણ પોલીસકર્મીને માથામાં ઈજા થઈ છે. આ મામલો આરોપીઓ સામે કાર્યવાહી પણ કરાશે.

આમ આદમી પાર્ટીના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

તેમણે વીડિયોના માધ્યમથી આ મામલે ભાજપ અને પોલીસ પર આરોપ મૂકતા કહ્યું કે "ભાજપના કહેવાથી પોલીસે ખેડૂતો પર ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠચાર્જ કર્યો છે એવા સમાચાર મળ્યા છે. ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન ઉપાડ્યું હતું."

તેમણે કહ્યું કે ભાજપ અને પોલીસે શાંતિથી ચાલતી લડતને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.

ખેડૂતો દ્વારા કળદાનો વિરોધ

કળદો વ્યવસ્થા શું છે, ખેડૂતો શા માટે કળદાનો વિરોધ કરે છે, બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી, આમ આદમી પાર્ટી આપ રાજુ કરપડા દ્વારા વિરોધ, ઇસુદાન ગઢવી અટકાયત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/SocialMedia

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કપાસના વાવેતર અને વેચાણ સંબંધિત સામાન્ય પ્રક્રિયાની ઉપર નજર કરીએ તો ખેડૂત દ્વારા તેનો માલ માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવે છે, જેનું સંચાલન એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) દ્વારા કરવામાં આવતું હોય છે.

અહીં વેપારીના માલની હરાજી થાય છે અને નિર્ધારિત કિંમતે માલનું વેચાણ કરવાનું નક્કી થાય છે, પરંતુ જ્યારે ખેડૂત કપાસ આપવા પહોંચે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે.

જયરામભાઈ નામના ખેડૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "એપીએમસીમાં હરાજી દરમિયાન ભાવ નક્કી થાય. એ પછી ખેડૂત જ્યારે 15-16 કિલોમીટર દૂર આવેલી જિનિંગમાં કપાસ આપવા જાય, ત્યારે અલગ-અલગ જાતના વાંધાવચકા કાઢીને ભાવ કાપવામાં આવે છે અને 'કળદો' કરવામાં આવે છે."

ખેડૂતોના કહેવા પ્રમાણે, તેમને ટેકાના ભાવો જેટલી રકમ પણ નથી મળતી અને બીજી વધારાની રકમ કાપવામાં આવે છે.

અલ્તાફભાઈ નામના ખેડૂતે કહ્યું કે, "કપાસમાં ટેકાના ભાવ રૂ. 1625 છે, પરંતુ વેપારી દ્વારા હજાર આસપાસ ખરીદી કરવામાં આવે છે. એ પછી તેમાં પણ 100-200 રૂપિયા સુધીની રકમ કાપવામાં આવે છે, એટલે બધેથી ખેડૂતોએ જ નુકસાન ભોગવવાનું?"

જાણકારોના કહેવા પ્રમાણે, બોટાદ એપીએમસીથી છ કિલોમીટરની રેન્જમાં આવેલી જિનિંગ મિલમાં ખેડૂત કપાસ ઉતારી આપે તેવી પરંપરા શરૂઆતથી જ રહી છે.

પરંતુ, ખેડૂતોને આનાથી પણ દૂર સુધી કપાસ ઠાલવવા માટે કહેવામાં આવે છે, જેથી કરીને માલભાડું પણ તેને ભોગવવાનું આવે છે.

ભોજાભાઈ નામના ખેડૂતના કહેવા પ્રમાણે, "ખેડૂત લગભગ બે હજાર રૂપિયાનું વાહન કરીને કપાસ આપવા જાય, ત્યારે 100 રૂપિયા કાપવાની વાત કરે. જો 100 મણ કપાસ વેચીએ તો એમને સીધા જ રૂ. 10 હજાર મળી જાય."

"હવે, જો ખેડૂત માલ ન આપે અને પરત આવી જાય, તો તેને ફરી વખત બે હજાર રૂપિયા વાહનભાડાના આપવા પડે. એટલે અમારે કપાસ આપી દેવો પડે છે."

આપ દ્વારા વિરોધપ્રદર્શન

કળદો વ્યવસ્થા શું છે, ખેડૂતો શા માટે કળદાનો વિરોધ કરે છે, બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી, આમ આદમી પાર્ટી આપ રાજુ કરપડા દ્વારા વિરોધ, ઇસુદાન ગઢવી અટકાયત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/RajubhaiKarpad1

ઇમેજ કૅપ્શન, રાજુ કરપડા (વચ્ચે) બોટાદના વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે (ફાઇલ તસવીર)

બોટાદ એપીએમસીમાં કપાસની ગુણવત્તા અંગે વેપારી અને ખેડૂત વચ્ચેની રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ પછી આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો હતો.

આમ આદમી પાર્ટીની કિસાન પાંખના વડા રાજુ કરપડાએ આ મુદ્દે ખેડૂતોનું નેતૃત્વ લીધું અને શુક્રવારે દિવસભર એપીએમસીમાં વિરોધપ્રદર્શન થયું હતું. રાજુભાઈ છકડો રિક્ષા (સૌરાષ્ટ્રમાં માલસામાનની હેરફેર માટે વપરાતું ત્રણ પૈડાંવાળું વાહન) પર ફર્યા હતા અને ખેડૂતોને સંબોધિત કર્યા હતા.

શુક્રવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન અને રવિવારે વીડિયો સંદેશ મારફત રાજુ કરપડાએ કહ્યું, "એપીએમસી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. ખેડૂતોએ હરાજીમાં જે ભાગે કપાસ વેચ્યો હોય તે ભાવે જ ખરીદી કરવામાં આવે અને પછી કળદો કરવામાં નહીં આવે તથા દૂર-દૂરની મિલમાં કપાસ ઠાલવવા માટે કહેવામાં નહીં આવે, તેની એપીએમસી દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવે."

એ પછી શુક્રવારે સાંજે રાજુભાઈ કરપડાની ભારે વિરોધની વચ્ચે અટકાયત કરવામાં આવી હતી અને શનિવારે સવારે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોના મુદ્દે 'સડક થી સદન' સુધી લડત આપવાની વાત કરી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે, "રવિવારે આપની ગુજરાત પાંખના અધ્યક્ષ ઇસુદાન ગઢવી, પાર્ટીના મહાંત્રી સાગર રબારી સહિતના નેતાઓ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા માટે બોટાદ જવાનો પ્રયાસ કર્યો હતો."

"ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. લગભગ એક હજાર જવાનોનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માનું કહેવું છે કે કિસાન મહાપંચાયતને મંજૂરી આપવામાં નથી આવી તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા મંજૂરી આપવામાં પણ નહીં આવે."

ઇસુદાન ગઢવીએ પ્રેસ નોટ બહાર પાડીને કહ્યું હતું કે ખેડૂતો-શ્રમિકોના ભોગે કળદો કરનારાઓ વર્ષે રૂ. પાંચ હજાર કરોડ રૂપિયા બનાવે છે. ત્યારે આ વ્યવસ્થા બદલવાની જરૂર છે.

શું કહે છે બોટાદ એપીએમસી?

કળદો વ્યવસ્થા શું છે, ખેડૂતો શા માટે કળદાનો વિરોધ કરે છે, બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી, આમ આદમી પાર્ટી આપ રાજુ કરપડા દ્વારા વિરોધ, ઇસુદાન ગઢવી અટકાયત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

ઇમેજ કૅપ્શન, બોટાદ એપીએમસીના ચૅરમૅન મનહર માતરિયા

આપના વિરોધ આંદોલન તથા કળદા વ્યવસ્થાના કેન્દ્રમાં બોટાદનું એપીએમસી છે.

શનિવારે બોટાદ એપીએમસીના ચૅરમૅન મનહરભાઈ માતરિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "અમે બંને મુદ્દે પૉઝિટિવ પ્રતિસાદ આપ્યો હોવા છતાં આ લોકોએ ગેરમાર્ગે દોરીને ખોટી રીતે આંદોલન ચાલુ રાખ્યું છે."

રવિવારે બીબીસીના સહયોગી સચીન પીઠવા સાથે આ અંગે વાત કરતા માતરિયાએ કહ્યું, "છેલ્લા બે-પાંચ દિવસથી કૉટન સબ-યાર્ડ ખાતે ચાલતા વિવાદ અંગે આજે વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા-સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બધાંના સૂચનો લેવામાં આવ્યાં હતાં."

"બેઠકના અંતે ટૂંક સમયમાં બોટાદ એપીએમસી ખાતે કપાસની ખરીદીનું કામ શરૂ કરવાનું નક્કી થયું છે. કમિશન એજન્ટો તથા વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો માલ લઈને આવે ત્યારે તેને સરખો જોઈને, નોંધણી કરવી. વેપારીઓને સૂચના આપવામાં આવી કે થોડું-ઘણું પાંચ-દસ ટકાનું વૅરિયેશન હોય તો ખેડૂતોના હિતમાં અને તેમને ન્યાય મળે તે માટે કળદો કરવો નહીં."

"ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાનો માલ (કપાસ) વ્યવસ્થિત કરીને પાલો કરીને લાવે, જેથી કરીને આ જે કંઈ વિવાદ થાય છે એ ન થાય."

ખેડૂતોનું કહેવું હતું કે તેમણે કપાસ ઠાલવવા માટે દૂર-દૂરની જિનિંગ ફૅક્ટરીઓમાં જવું પડે છે અને તેનું વાહનભાડું ચૂકવવું પડે છે.

આ અંગે માતરિયાએ બીબીસીને જણાવ્યું, "ત્યાં ને ત્યાં જ માલ ઠાલવી નાખવો. જોકે, એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી છ કિલોમીટરની રેન્જમાં બધા ખેડૂતો માલ નાખવા જાય છે."

માતરિયાનું કહેવું છે કે આગામી સમયમાં એપીએમસી દ્વારા દૂરની જિનિંગ મિલો સાથે બેઠક કરીને વધારાના કિલોમીટર માટે ખેડૂતોને વાહનભાડું ચૂકવવામાં આવે, એ માટે સહમત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન