ગુજરાતમાં નવરાત્રીની વચ્ચે કેટલા દિવસ સુધી પડશે વરસાદ, કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચાર દિવસ પછી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે ઘણા લોકોને એ વાતની ચિંતા છે કે આ વર્ષે વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડશે કે કેમ.
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં બહુ સારો વરસાદ થયો છે અને સરેરાશની સામે 108 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદની થોડી ઘટ છે, બાકીના તમામ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે.
હાલની સ્થિતિ જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે. હાલમાં ગુજરાતમાં ડીસા અને ભૂજ તથા ઉત્તર ભારતના ભટીંડા, પિલાની, અજમેર પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.
અત્યારે સાઉથ વેસ્ટ વિદર્ભ અને મહારાષ્ટ્રમાં આસપાસના વિસ્તારોમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 5.8 કિમી સુધીની ઊંચાઈએ સ્થિત છે.
24 કલાકમાં કઈ જગ્યાએ વરસાદ પડ્યો?

ઇમેજ સ્રોત, IMD
સુરત શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તેવી જ રીતે નવસારી શહેરમાં બે ઇંચ, જલાલપોરમાં 1.54 ઇંચ, વાપીમાં 0.83 ઇંચ, સુરતના ઉમરપાડામાં 0.79 ઇંચ, કામરેજમાં 0.67 ઇંચ, બારડોલીમાં 0.63 ઇંચ, ગણદેવી અને પલસાણામાં અડધો ઇંચ, વ્યારામાં 0.43 ઇંચ વરસાદ પડ્યો છે.
સુરતમાં માત્ર બે કલાકના ગાળામાં લગભગ પોણા ત્રણ ઇંચ વરસાદ પડી જવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
આ ઉપરાંત કપરાડા, મહુવા, પારડી, અંકલેશ્વર, વાલોદ, ચિખલી, ખેરગામમાં પણ 0.20થી 0.40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ત્રણ દિવસ સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 18 સપ્ટેમ્બર, ગુરુવારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયાં સ્થળે હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તેવી જ રીતે ગુરુવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
19 સપ્ટેમ્બર, શુક્રવારે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે જેના માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ શુક્રવારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.
વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ કેટલીક જગ્યાએ શુક્રવારે હળવો વરસાદ પડશે જે દરમિયાન ગાજવીજ થઈ શકે છે.
20 સપ્ટેમ્બર, શનિવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ શનિવારે છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












