ઑસ્ટ્રેલિયામાં ગોળીબારમાં 10 વર્ષની બાળકીનું પણ મૃત્યુ, હુમલાની ઘટનામાં અત્યાર સુધી શું શું થયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, બૉન્ડી બીચ, ગોળીબાર

ઇમેજ સ્રોત, GoFundMe

ઇમેજ કૅપ્શન, દસ વર્ષનાં માટિલ્ડાનું પણ આ હુમલામાં કરુણ મૃત્યુ થયું હતું

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સિડની ખાતે બૉન્ડી બીચ ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ઘટના ત્યારે બની જ્યારે સંખ્યાબંધ લોકો યહૂદી ઉત્સવ હનુકાના પ્રથમ દિવસે યોજાયેલા સમારોહમાં હાજર હતા.

સ્થાનિક સત્તાધીશોએ પુષ્ટિ કરી છે કે હોલોકોસ્ટ (યહૂદીઓના નરસંહાર)ના બે સર્વાઇવર એવા યહૂદી આચાર્યો તેમજ એક દસ વર્ષની ઉંમરની છોકરીનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું છે.

ઘટના બાદ 42 લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. જેઓ ત્યાં ફરજ પર હાજર હતા.

ઑસ્ટ્રેલિયન પોલીસે આ ઘટનાને યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરાયેલો 'આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.

આ ઘટના બાદ હવે મૃતકોના સંબંધીઓ, મિત્રો સહિત સ્થાનિકો ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાંક કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.

મૃતકોને યાદ કરીને ભાવુક બનેલા તેમના પ્રિયજનો હવે તેમની યાદો વાગોળી રહ્યા છે. તેમજ કેટલાક એવા પણ છે જે આ ભયાનક હુમલાથી બચી ગયા બાદ પોતાની કહાણી જણાવી રહ્યા છે.

દસ વર્ષની 'ખુશમિજાજ' મટિલ્ડા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, બૉન્ડી બીચ, ગોળીબાર

ઇમેજ સ્રોત, Saeed KHAN / AFP via Getty

ઇમેજ કૅપ્શન, બૉન્ડી બીચ પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે લોકો એકઠા થયા હતા

સ્થાનિક સત્તાધીશોએ પુષ્ટિ કરી હતી કે મૃતકોમાં દસ વર્ષીય મટિલ્ડાનું પણ મૃત્યુ થયું છે.

મટિલ્ડાનાં પૂર્વ શિક્ષિકા હોવાનો દાવો કરનારા આઇરિના ગૂડહ્યુએ લખ્યું, "હું તેને એક તેજસ્વી અને ખુશમિજાજ બાળકી તરીકે ઓળખું છું. એ એક એવી બાળકી હતી જે તેની આસપાસના લોકોનાં જીવનમાં પ્રકાશ પાથરતી હતી."

સિડનીની હાર્મની રશિયન સ્કૂલે મટિલ્ડા પોતાની વિદ્યાર્થિની હોવાની વાત જણાવી છે.

સ્કૂલે ફેસબુક પર લખ્યું છે કે, "અમે એ જણાવતાં અત્યંત દુ:ખની લાગણી અનુભવીએ છીએ કે અમારી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ગોળીના ઘા બાદ ઈજાગ્રસ્ત થઈ અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી છે."

"અમારી લાગણીઓ તેમના કુટુંબ, મિત્રો અને આ ભયંકર ઘટનાના દરેક અસરગ્રસ્ત સાથે છે. તેની યાદો અમારા હૃદયમાં જળવાઈ રહેશે, અને અમે તેણે અમારા શાળા પરિવાર તરીકે પસાર કરેલા સમય અને જીવનનો આદર કરીએ છીએ."

દરમિયાન મટિલ્ડાનાં આંટી એબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગોળીબાર દરમિયાન ઘટનાસ્થળે મટિલ્ડા સાથે હાજર તેનાં બહેન આ દુ:ખ જીરવી નથી શકી રહ્યાં.

"એ બંને જોડિયાં બહેનોની માફક હતા - ક્યારેય અલગ નહોતાં રહ્યાં."

નરસંહારમાંથી બચેલા ઍલેક્ઝાન્ડર ક્લીટમેન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, બૉન્ડી બીચ, ગોળીબાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ગોળીબારમાં મૃત્યુ પામેલ અન્ય એક વ્યક્તિ હતા ઍલેક્ઝાન્ડર ક્લીટમેન, જેઓ યહૂદીઓના નરસંહારથી બચીને યુક્રેનથી ઑસ્ટ્રેલિયા આવ્યા હતા.

સિડની હૉસ્પિટલ ખાતે રવિવારે રાત્રે તેમનાં પત્ની લેરિસા ક્લીટમેને કહ્યું, "મને તેનો મૃતદેહ ક્યાં છે એની ખબર નથી. કોઈ મને જવાબ નથી આપી રહ્યું."

તેમણે ધ ઑસ્ટ્રેલિયન સાથે વાત કરતાં કહ્યું, "અમે ઊભાં હતાં ત્યારે અચાનક 'બૂમ બૂમ'ના ધડાકા સંભળાયા, અને બધા નીચે બેસી ગયા. એ દરમિયાન એ મારી પાછળ હતા અને એ ક્ષણે તેણે મારી પાસે આવવાનો નિર્ણય લીધો. તેણે પોતાની જાતને મારી તરફ ધકેલી, કારણ કે એ મારી નિકટ રહેવા માગતો હતો."

યહૂદીઓના એક આચાર્યે ઍક્સ પર લખ્યું કે ઍલેક્ઝાન્ડરનું "મૃત્યુ તેમનાં પત્નીને હુમલાખોરની ગોળીઓથી બચાવતી વખતે થયું. તેમનાં બે બાળકો અને 11 પૌત્ર-પૌત્રીઓ છે."

વર્ષ 2023માં જ્યૂઇશ કૅર સાથે આ દંપતીએ પોતાની કહાણી શૅર કરી હતી.

જ્યૂઇશ કૅરે પોતાના વાર્ષિક અહેવાલમાં લખ્યું કે, "લેરિસા અને ઍલેક્ઝાન્ડર બંનેએ બાળપણમાં હોલોકોસ્ટનો વર્ણવી ન શકાય એવો આતંક વેઠ્યો છે."

"ખાસ કરીને ઍલેક્ઝાન્ડરની યાદ ખૂબ જ ગભરાવનારી હતી. જેમાં સાઇબિરિયામાં પોતાનાં માતા અને નાના ભાઈ સાથે જીવિત રહેવા માટે કરેલા સંઘર્ષની યાદો સામેલ છે."

મોતના મુખમાંથી બચાવ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, બૉન્ડી બીચ, ગોળીબાર

ઇમેજ સ્રોત, Kian Bentley

ઇમેજ કૅપ્શન, બીચ પર થયેલા હુમલામાં બચી ગયેલા કિઆન બેન્ટલી

22 વર્ષીય કિઆન બેન્ટલી બૉન્ડી બીચ ખાતે આઉટડોર સિનેમામાં કામ કરે છે. સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા કિઆન જ્યારે ઑસ્ટ્રેલિયા પહોંચ્યા ત્યારે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમણે આવા હુમલાનો સામનો કરવો પડશે.

ગોળીબાર ચાલુ થયો ત્યારે તેઓ તેમના મિત્રો સાથે ટેક્સ્ટ મૅસેજ મારફતે વાત કરી રહ્યા હતા.

તેમણે બીબીસી ન્યૂઝબીટને જણાવ્યું કે, "અમને થોડે દૂરથી ચીસોનો અવાજ સંભાળાયો અને પછી સિનેમામાંથી બધાએ ઊભા થઈ અને નાસભાગ શરૂ કરી દીધી."

"બધું સ્લો-મોશનમાં ચાલી રહ્યું હતું, મેં ઝડપથી પાછળના ગેટની વાડ ખોલી દીધી અને બધા ત્યાંથી બહાર દોડી ગયા."

બેન્ટલીનું કહેવું છે કે તેઓ હુમલા બાદથી સૂઈ નથી શક્યા, કારણ કે એ ઘટના વાંરવાર તેમની નજર સામે આવી રહી છે.

હુમલાખોરો કોણ હતા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, બૉન્ડી બીચ, ગોળીબાર

ઇમેજ સ્રોત, AP

ઇમેજ કૅપ્શન, સોમવારે બૉન્ડી બીચ ખાતેથી એક કાર લઈ જવાઈ હતી

ઑસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયામાં હુમલાખોરોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

હુમલાખોરો પૈકી એકનું નામ સાજિદ અકરમ (50) હતું અને બીજાનું નામ નાવીદ (24) હતું.

પોલીસે અગાઉ પુષ્ટિ કરી હતી કે સાજિદ અને નાવીદ બંને પિતાપુત્ર હતા. જે પૈકી સાજિદનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેનો પુત્ર હૉસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં હતો.

અહેવાલો પ્રમાણે આ બંનેનું ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ સાથે સંબંધ હતો. તેમજ તેમની કારમાંથી ઇસ્લામિક સ્ટેટના ધ્વજ પણ મળી આવ્યા હતા.

ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રીસ મિન્સે જણાવ્યું હતું કે આ હુમલા અને પોલીસની કાર્યવાહી અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે.

તેમણે કહ્યું કે ઘટનાની 'સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ' કરાશે.

ઑસ્ટ્રેલિયાના સ્થાનિક સમય પ્રમાણે સાંજે છ વાગ્યે હેલ્થ ઑથૉરિટીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 27 લોકો હૉસ્પિટલમાં જ છે, જે પૈકી છની સ્થિતિ ગંભીર છે.

બીબીસી માટે બ્રોન્ટેથી રિપોર્ટિંગ કરી રહેલાં ટૅબી વિલ્સને કહ્યું, "બપોરે બ્રોન્ટે બીચ પર હતી, જેવું કે કામ બાદ હું જે કરું છું, ત્યારે જ મને ગોળીબારનો અવાજ સંભળાયો. લગભગ અનુમાન પ્રમાણે 20 ધડાકાઓ હતા."

ઘટનાના વધુ એક સાક્ષીએ કહ્યું કે "શરૂઆતમાં લાગ્યું કે કોઈ ફટાકડાં ફોડે છે. પરંતુ સપનામાં પણ ન વિચાર્યું હતું કે કોઈ બૉન્ડીમાં ગોળાબીર કરી શકશે. બીચમાં ઉપસ્થિત લોકોને જ્યારે સમજણ પડી કે શું થઈ રહ્યું છે, લોકો ભાગવા લાગ્યા. હું પણ મારો જીવ બચાવવા માટે નૉર્થ બૉન્ડીની ઘાસ ધરાવતા પહાડી વિસ્તારમાં ગયો."

તેમણે કહ્યું કે કેટલાક લોકો એક આઇસક્રીમ વાનની પાછળ સંતાઈ ગયા. ઇમર્જન્સી સેવા ત્યાં પહોંચી અને ગોળીબાર રોકાયો ત્યારે તેઓ ઘરે જવાનો પ્રયાસ કરવા લાગ્યા.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલા અંગે કહ્યું કે ઑસ્ટ્રેલિયાની નીતિઓ 'યહૂદીવિરોધી આગમાં ઘી હોમવાનું' કામ કરી રહી છે.

નેતન્યાહૂએ કહ્યું, "યહૂદીવિરોધ એક કૅન્સર છે, જે નેતાઓના મૌનથી ફેલાય છે."

તેમણે આગળ કહ્યું, "થોડા મહિના પહેલાં મેં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનને એક પત્ર લખ્યો હતો. મેં તેમને લખ્યું હતું કે તેમની નીતિ, યહૂદીવિરોધી આગમાં ઘી હોમે છે, એ તમારા રસ્તા પર યહૂદીઓ પ્રત્યે નફરતને પ્રોત્સાહન આપે છે."

નેતન્યાહૂએ કહ્યું, "યહૂદીવિરોધીઓ સામે હાલના કમજોર વલણને સ્થાને તેમની સાથે તાકતથી કામ લેવું પડશે. આજે ઑસ્ટ્રેલિયમાં એવું નથી થયું."

ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસહાક હર્જોગે ઑસ્ટ્રેલિયામાં બૉન્ડી બીચ પર થયેલા હુમલાની ટીકા કરી છે. તેમણે તેને 'યહૂદીઓ પર થયેલો આતંકવાદી હુમલો' ગણાવ્યો.

તેમણે ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, "સિડનીમાં અમારા યહૂદી બહેનો-ભાઈઓ પ્રત્યે અમારી સંવેદના છે, જેમના પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જ્યારે કે તેઓ હનુકાની પહેલી મીણબત્તી પ્રગટાવવા ત્યાં ગયા હતાં."

"આ ભયાનક સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના સિડનીના યહૂદી સમુદાય તથા ઑસ્ટ્રેલિયાના સમુદાય સાથે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન