જાણો, ઑનલાઇન તસવીરો તમારા મગજ અને વિચારોને કઈ રીતે અસર કરે છે

    • લેેખક, અમાંડા રગેરી
    • પદ, બીબીસી

સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જે તસવીરો આપણે જોઈએ છીએ તેની આપણા દુનિયા જોવાના દૃષ્ટિકોણ પર વ્યાપક અસર થાય છે.

દરરોજ આપણે ડિજિટલ તસવીરોથી ઘેરાયેલા રહીએ છીએ. આ તસવીરો આપણાં સોશિયલ મીડિયા ફીડ, આપણાં સર્ચ રિઝલ્ટ અને આપણા દ્વારા બ્રાઉઝ કરાતી વેબસાઇટ્સ પર જોવા મળે છે. આ ઉપરાંત, લોકો આપણને મૅસેજિંગ ઍપ્સ અને ઈ-મેઇલ દ્વારા પણ તસવીરો મોકલે છે.

જ્યાં સુધીમાં આજનો દિવસ પૂરો થશે, અબજો તસવીરો ઇન્ટરનેટ પર અપલૉડ અને શૅર કરી ચુકાઈ હશે. એક રિપોર્ટ અનુસાર, એક યૂઝર દરરોજ સરેરાશ છ કલાક 40 મિનિટ જેટલો સમય ઇટરનેટ પર વિતાવે છે.

તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે તસવીરો આપણી ધારણાઓ પર પણ અસર કરી શકે છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં છપાયેલા એક અભ્યાસે ગૂગલ, વિકિપીડિયા અને ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (આઇએમબીડી) પર ઉપલબ્ધ તસવીરોનું વિશ્લેષણ કર્યું હતું.

આ અભ્યાસમાં એ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું કે, લોકો જ્યારે ખેડૂત, સીઇઓ અને ટીવી રિપોર્ટર જેવા વ્યવસાયો વિશે સર્ચ કરે છે ત્યારે તેમને કયા જેન્ડરની તસવીર વધારે જોવા મળે છે. પરિણામો ચોંકાવનારાં હતાં.

તસવીરોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું હતું. પરંતુ, જેન્ડર તરફની રૂઢિવાદી વિચારધારા મજબૂત રીતે જોવા મળતી હતી.

પ્લંબર, ડેવલપર, ઇન્વેસ્ટમેન્ટ બૅંકર અને હાર્ટ સર્જન જેવા વ્યવસાયોમાં પુરુષોની તસવીરો વધારે જોવા મળતી હતી. જ્યારે હાઉસકીપર, નર્સ, ચીયરલીડર, બૅલે ડાન્સર જેવા વ્યવસાયોમાં મહિલાઓની તસવીરો જોવા મળી રહી હતી. અત્યાર સુધી આ પરિણામો ઘણાં સ્વાભાવિક હતાં, આશ્ચર્ય થાય તેવી કશી વાત નહોતી.

સંયોગથી, એક વાર, 2019માં મારે આ પ્રકારની ઘટનાનો સામનો કરવો પડ્યો હતો.

બનેલું એવું કે, હું મારી વેબસાઇટ માટે તસવીરોના મુખ્ય સ્રોત ગેટીના ક્રિએટિવમાંથી લૈંગિક સમાનતાવાળી તસવીરો શોધી રહી હતી. મેં જોયું કે ગેટી ક્રિએટિવ પર મહિલા ડૉક્ટર્સની સરખામણીએ પુરુષ ડૉક્ટર્સની તસવીરો ત્રણ ગણી વધારે છે; જોકે, અમેરિકામાં તે દરમિયાનના આંકડામાં પુરુષ ડૉક્ટર્સની તુલનાએ મહિલા ડૉક્ટર્સ વધુ હોવાની સંભાવના વધારે હતી.

મેડિકલ જૉબમાં બતાવાયેલી તસવીરો એક મોટી સમસ્યાનું નાનું રૂપ છે. ઇન્ટરનેટ પર બાળકોની સાથે મહિલાઓની તસવીરોના બે ગણા ઑપ્શન જોવા મળી જાય છે.

આ તસવીરો જોવાથી કેવો પ્રભાવ પડે છે?

અન્ય એક સ્ટડીમાં સંશોધકોએ ઑનલાઇન દેખાતી તસવીરોમાં જેન્ડર તરફના પૂર્વગ્રહને જોવાને બદલે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું આ તસવીરો જોવાથી લોકોના પોતાના પૂર્વગ્રહો પર કશી અસર થાય છે કે કેમ?

આ પ્રયોગમાં 423 અમેરિકન લોકોને બે જૂથમાં વહેંચી દેવામાં આવ્યા હતા. તેમણે અલગ અલગ જૉબ શોધવા માટે ગૂગલનો ઉપયોગ કર્યો હતો.

એક ગ્રૂપે ગૂગલ કે ગૂગલ ન્યૂઝનો ઉપયોગ કર્યો; તો બીજાએ ગૂગલ ઇમેજનો ઉપયોગ કર્યો. ત્યાર પછી, બધા લોકોને તેમના પૂર્વગ્રહોનું આકલન કરવા માટે એક ટેસ્ટ આપવા કહેવામાં આવ્યું હતું.

જે લોકોએ ગૂગલ ઇમેજનો ઉપયોગ કરીને તસવીરો શોધી, તેમનામાં ગૂગલ કે ગૂગલ ન્યૂઝનો ઉપયોગ કરનારાઓની સરખામણીમાં ખૂબ વધારે પૂર્વગ્રહ જોવા મળ્યો.

સંશોધકોએ લખ્યું કે ઇન્ટરનેટ પર તસવીરોની લોકપ્રિયતા વધવાથી સમાજને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું, "અમને મળેલાં પરિણામો ઘણાં ચિંતાજનક છે, કેમ કે, ઇન્સ્ટાગ્રામ, સ્નૅપચૅટ અને ટિકટૉક જેવાં ફોટોઝ આધારિત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સની લોકપ્રિયતા ઘણી વધી રહી છે. જેના પર મોટા પાયે તસવીરો અપલૉડ, તૈયાર અને શૅર કરવામાં આવે છે."

આ પ્રકારે, ગૂગલ જેવાં લોકપ્રિય સર્ચ એન્જિન પણ તસવીરોનો વધારેમાં વધારે ઉપયોગ કરવા લાગ્યાં છે. ઉદાહરણ તરીકે, તમે જ્યારે કશું શોધો છો, ત્યારે તમને ઘણી વાર ટેક્સ્ટની સાથે તસવીર પણ જોવા મળે છે.

એઆઈ પણ પૂર્વગ્રહોનો શિકાર છે

બીજી મોટી સમસ્યા એ છે કે, પહેલાંથી જ ઑનલાઇન શૅર થયેલી તસવીરોને કઈ રીતે એઆઇ મૉડલમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં, મેં પોતે આના પર પ્રયોગ કર્યો. મેં ચૅટજીપીટીને અલગ અલગ જૉબની ડઝનબંધ તસવીરો બનાવવા કહ્યું હતું.

તેમાં ડૉક્ટર, વકીલ, વૈજ્ઞાનિક, કૉમેડિયન, કવિ, શિક્ષક, ન્યૂટ્રિશનિસ્ટ, થૉટ લીડર, સીઇઓ અને નિષ્ણાત જેવા વ્યવસાયો સામેલ હતા. ડેન્ટલ, હાઇજીનિસ્ટ, નર્સ અને હાઉસકીપર જેવાં બે કે ત્રણ પરિણામોને બાદ કરતાં મને દરેક જગ્યાએ પુરુષની તસવીર જોવા મળી. તેમાં પણ 30ની આસપાસની ઉંમરના એક પાતળા–ગોરા વ્યક્તિની તસવીર જોવા મળતી હતી.

ત્યાર પછી મેં, કરિયર પૂર્વગ્રહથી અલગ જ, ચેટજીપીટીને જુદા જુદા પ્રકારના લોકોની તસવીર બનાવવા કહ્યું. જેમ કે એક બુદ્ધિમાન વ્યક્તિ, એક સફળ વ્યક્તિ અથવા કોઈ ખાસ શો જોનાર વ્યક્તિ. દરેક વખતે મને સોનેરી વાળ ધરાવતા એક ગોરા વ્યક્તિ જોવા મળ્યા.

આવું એટલા માટે થાય છે, કેમ કે, ચેટજીપીટી જેવાં મૉડલ પહેલાંથી જ ઉપલબ્ધ તસવીરની મદદથી પરિણામો દર્શાવે છે. તેની સાથે જ એક એવા ચક્રની શરૂઆત થઈ જાય છે જેને તોડવું મુશ્કેલ હોય છે.

એઆઇ મૉડલ જેટલી વધુ પક્ષપાતી તસવીરો બતાવે છે, તેટલી જ વધારે આપણે તેને જોઈએ છીએ. જેટલી વધુ આપણે તેને જોઈએ છીએ, આપણે પોતે એટલા જ વધુ પક્ષપાતી બની જઈએ છીએ. આપણે જેટલા વધારે પક્ષપાતી બનતાં જઈએ છીએ, એટલી જ વધુ પક્ષપાતી તસવીરોને આપણે બનાવીએ છીએ અને તેને અપલોડ પણ કરીએ છીએ.

સમસ્યાનો ઉકેલ શો છે?

તો, આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકાય તેમ છે?

આમાં સૌથી વધારે જવાબદારી તકનીક અને એઆઇ કંપનીઓની છે. પરંતુ, જ્યારે આવી કંપનીઓનો ઇરાદો સારો હોય તો પણ આ સમસ્યાનું સમાધાન હોવા છતાં દેખાતું નથી.

ઉદાહરણ તરીકે, વંશીય, લૈંગિક અને અન્ય પૂર્વગ્રહોને સરખા કરવાના પ્રયત્નોમાં ગૂગલનું એઆઇ ટૂલ જેમિની ક્યારેક ક્યારેક જરૂરી હોય તેના કરતાં વધારે સુધારો કરી નાખે છે.

તેણે અમેરિકાના ફાઉન્ડિંગ ફાધર્સની એક તસવીર બનાવી, જેમાં એક કાળા રંગની વ્યક્તિ સામેલ હતી, જે ઐતિહાસિક રીતે ખોટું છે. બીજી તરફ, બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સૈનિકોની તસવીર બતાવતી વખતે તેણે એક કાળી વ્યક્તિ અને એક એશિયન મહિલા બતાવી દીધાં, જે ખોટું છે.

હકીકતમાં, આપણે ઑનલાઇન દુનિયામાં જે કંઈ પણ જોઈએ છીએ તેનું નિયંત્રણ આપણા પોતાના હાથમાં લેવું પડશે. ઘણી વાર આપણે એ વાત તરફ ધ્યાન નથી આપતા કે આપણે અમુક હદ સુધી આપણા સોશિયલ મીડિયા ફીડને સુધારી શકીએ છીએ.

સોશિયલ મીડિયા પર આપણે જુદી જુદી પૃષ્ઠભૂમિના લોકો અથવા ફોટોગ્રાફર્સને ફોલો કરી શકીએ છીએ. સાથે જ, આપણે આપણા સવાલ જે રીતે ઑનલાઇન લખીએ છીએ, તેને બદલીને આપણે જોવા મળતાં સર્ચ પરિણામોને બદલી શકીએ છીએ.

સ્ક્રીન ટાઇમને નિયંત્રિત કરવો

સૌથી શાનદાર ઉપાય પોતાના સમયને નિયંત્રિત કરવાનો છે. કલા-ઉદ્યમી મરીન ટૅન્ગુઈના પુસ્તક 'ધ વિઝ્યુઅલ ડિટૉક્સઃ હાઉ ટૂ કન્ઝ્યૂમ મીડિયા વિધાઉટ લેટિંગ ઇટ કન્ઝ્યૂમ યૂ' નામથી પ્રસિદ્ધ 'ડિજિટલ ડિટૉક્સ પ્લાન'માં કેટલીક સારી વાતોનો ઉલ્લેખ છે.

જેમ કે, આપણે સ્ક્રીન અથવા પોતાના ફોનને જોવાના સમયને નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે એવી ઍપ્સને હઠાવી પણ શકીએ છીએ જેનો આપણે ઉપયોગ ન કરતા હોઈએ. આ ઉપરાંત, તકનીકી મદદ વગર બહાર સમય વિતાવીને આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકીએ છીએ.

મને તાજેતરમાં જ ખબર પડી કે મારા જૂના ફોનમાં પણ ઍપ્સ માટે એક ટાઇમર આપવામાં આવ્યું છે. તમે દરેક ઍપ માટે એક સમયમર્યાદા નક્કી કરી શકો છો અને જ્યારે તમે એટલો સમય પૂરો કરશો ત્યારે ફોન તમને એક ચેતવણી આપશે.

જોકે, મેં ક્યારેય ચેતવણી પર ધ્યાન નથી આપ્યું, પરંતુ, તેનાથી મને મારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે વધારે સજાગ થવામાં અને તેને ઘટાડવામાં મદદ મળી છે.

સૌથી વધારે જરૂરી વાત સજાગતાની છે. ઘણી વાર આપણે એ અંગે વિચારતા નથી કે આપણે દરરોજ કેટલી તસવીરો જોઈએ છીએ, જેને જાણીબૂઝીને આપણા માટે બનાવવામાં આવી છે અને બતાવવામાં આવી છે.

ઘણી તસવીરો, આપણને વસ્તુઓ ખરીદવા મજબૂર કરવા માટે બનાવવામાં આવે છે. આપણે ક્યારેય એ બાબતે નથી વિચારતા કે હાલના સમયમાં તસવીરોનો ઉપયોગ ઘણો વધ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.