You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું', અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર પડકાર
"તેમણે આપણા કાર્યાલયને તોડ્યું છે, મેં વિચાર્યું કે તક મળી ગઈ. હવે આપણે તેમને પાઠ ભણાવવાનો છે. જે પ્રકારે તેમણે આપણું કાર્યાલય તોડ્યું છે આપણે તેમની સરકાર તોડવા જઈ રહ્યા છે."
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કૉંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
આ બીજી વાર છે જ્યારે તેમણે કહ્યું છે કે આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આમ કહ્યું હતું.
જ્યારે અમદાવાદમાં પાલડી ખાતે આવેલાં કૉંગ્રેસ ભવન પર જ્યારે હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું,"ગુજરાત કૉંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર મામલે મારા વિચારને મજબૂત કરે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને નથી સમજતા. ગુજરાતની જનતા તેમનાં જુઠ્ઠાંણાને જોઈ રહી છે. તે ભાજપને પાઠ ભણાવશે. હું ફરીથી કહું છું- INDIA ગુજરાતમાં જીતશે."
કૉંગ્રેસ ભવન પાસે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદના કૉંગ્રેસ ભવન ખાતે ગુજરાત કૉંગ્રેસના કાર્યકરોને સંબોધ્યા હતા.
રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી અને ગેનીબહેન ઠાકોર જેવા નેતાઓ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કૉંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવી તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું.
જોકે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત ભાજપે ટ્વીટ કરતા લખ્યું, “રાહુલજી તમારે તમારી આંખોને ગંગાજળથી સાફ કરવાની જરૂર છે. તમે પહેલાં હિંદુઓને હિંસક કહો છો અને ભાજપના કાર્યકર્તા જ્યારે શાંતિપૂર્વક આ વાતનો વિરોધ કરવા માટે કૉંગ્રેસના કાર્યાલય પર જાય છે ત્યારે તમારા કાર્યકર્તા તેમના પર પથ્થરોથી હુમલો કરે છે. તમે અને તમારા નેતા બંધારણને હાથમાં લઈને જુઠ્ઠું બોલે છે, પરંતુ આખા દેશને ખબર છે કે ઇમરજન્સી કોણે લગાવી હતી, કોણે બંધારણ પર હુમલો કર્યો હતો અને કોણે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કોણે હિન્દુઓને હિંસક કહ્યા હતા? ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભાજપની સાથે હતું, છે અને હંમેશા રહેશે.”
કૉંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “રાજ્યની સરકાર અને પોલીસે ભાજપના કોઈપણ કાર્યકર્તા સામે પથ્થરબાજી માટે કોઈ પગલાં લીધા નથી. પોલીસે ભાજપના એકપણ કાર્યકરની ધરપકડ કરી નથી. ભાજપ પાસે પેપરલીક, બેરોજગારી, મોંધવારી અને અગ્નિકાંડ જેવા મુદા વિશે બોલવા માટે કંઈ બચ્યું નથી એટલે ભાજપ ફરીથી ધર્મના મુદે રાજનીતિ કરી રહી છે.”
જીજ્ઞેશ મેવાણીએ આ બાબતે પોલીસ પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, “રાહુલજી જેમની ધરપકડ થઈ તે કાર્યકારોને મળી ન શકે તે માટે તેમને જેલમાં મોકલી દેવાયા હતા.”
'ડર્યા વગર લડશો તો જીતશો'
રાહુલ ગાંધી અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદના કૉંગ્રેસ ભવન ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું, “રાહુલ ગાંધીએ સંસદમાં જ્યારે શિવના દર્શન કરાવ્યા તો ભાજપના પેટમાં તેલ રેડાયું. કૉંગ્રેસના કાર્યકર્તાની જવાબદારી છે અને હું સલામ કરીશ કે જ્યારે કૉંગ્રેસ ભવન પર હુમલો થયો ત્યારે કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમનો સામનો કર્યો. કૉંગ્રેસ ગુજરાતમાં જીતશે એ રાહુલ ગાંધીના શબ્દો છે. ગુજરાતીઓ કૉંગ્રેસને જીતાડશે. રાહુલ ગાંધી ન્યાય માટે લડે છે.”
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં દાવો કર્યો હતો કે અમારાથી વારાણસીમાં નાની-નાની ભૂલો થઈ નહિંતર મોદી વારાણસીમાં પણ ચૂંટણી હારી ગયા હોત.
તેમણે કૉંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું, “આ લોકોએ આપણી ઑફિસને તોડીને આપણને પડકાર આપ્યો છે. આપણે જેવી રીતે તેમને અયોધ્યામાં હરાવ્યા છે તે જ રીતે ગુજરાતમાં હરાવીશું. આપણા નેતા અને કાર્યકર્તાઓ તેમને હરાવશે. તમને અંદાજો હતો કે અયોધ્યામાં ભાજપ હારશે? તે લોકો જેવી રીતે અયોધ્યામાં હાર્યા તે જ રીતે અહીં પણ હારશે. તમારે બસ ગુજરાતના લોકોને એક જ વાત કહેવાની છે કે તમે ડર્યા વગર લડશો તો ભાજપ સામે ઊભો નહીં થાય.”
લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું, “ડરની ભાવના તમારામાં નથી પરંતુ તે લોકોમાં છે. કૉંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જીતશે અને ગુજરાતથી જ નવી કૉંગ્રેસ પાર્ટી બનશે. કૉંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા જેને પાર્ટીને રસ્તો બતાવ્યો તે મહાત્મા ગાંધીએ દેશને કહ્યું હતું કે ડરો નહીં અને ડરાવો નહીં. કૉંગ્રેસ પાર્ટીનો આ વિચાર ગુજરાતથી જ આવ્યો હતો. આપણે તેમને નફરતથી નહીં, પરંતુ પ્રેમથી હરાવીશું.”
રાહુલ ગાંધી ગુજરાતમાં થયેલી વિવિધ દુર્ઘટનાના પીડિતોને મળ્યા
રાહુલ ગાંધી ગુજરાતમાં થયેલી વિવિધ દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી પુલકાંડ, વડોદરા હરિણીકાંડના પીડિતો અને તેમના પરિવારજનોને પણ મળ્યા હતા.
કૉંગ્રેસની મીડિયા ટીમના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ તેમની પીડા જાણી હતી અને તેમને ન્યાય મળે તે માટેની ખાતરી આપી હતી.
ત્યારબાદ રાહુલ ગાંધી કૉંગ્રેસ કાર્યકર્તાઓના પરિવારજનોને પણ મળ્યા જે કાર્યકર્તાઓ હાલમાં અમદાવાદમાં કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય પાસે ભાજપ અને કૉંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસ કસ્ટડીમાં છે. રાહુલ ગાંધીએ તેમને કહ્યું, “કૉંગ્રેસનો કાર્યકર્તા બબ્બર શેર છે અને તે કોઈથી ડરતો નથી. તેઓ નફરતની રાજનીતિ સામે લડશે અને જીતશે.”
રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો વિરોધ
બીજી તરફ, બજરંગ દળના કાર્યકર્તાઓએ આ મુલાકાતનો વિરોધ કર્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધીએ સંસદમાં જે પ્રકારે હિન્દુ વિશે નિવેદનો કર્યા હતા તેના વિરોધમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંધાણીએ રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે સ્થાનિક મીડિયાના પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુત્વ વિરોધી નિવેદન આપ્યું છે. તેઓ બસ મીડિયામાં ચમકવા માટે ગુજરાત આવ્યા છે.”