સૂર્યકુમાર યાદવનાં પત્ની મૅચ પહેલાં એવું શું કરે છે કે સૂર્યા વરસાવે છે રનની ઝડી

ઇમેજ સ્રોત, DANIEL POCKETT-ICC/ICC VIA GETTY IMAGES
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, ઑસ્ટ્રેલિયાથી
સીડની ઍરપૉર્ટ પર ભારતીય ટીમ પહોંચી ગઈ હતી અને પર્થની ફ્લાઇટ પકડવાની તૈયારી કરી રહી હતી.
ભારતીય ટીમે નેધરલૅન્ડને હરાવી હતી, જેમાં સૂર્યકુમાર યાદવે 25 બૉલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
પ્લેનમાં ચડવાની કતારમાં સૂર્યકુમાર તેમની પુત્રીનો હાથ પકડીને હસતા હતા અને જે પણ તેમની પાસેથી સેલ્ફી માગે તેમને સેલ્ફી આપતા હતા.
મેં કહ્યું, "ઇનિંગ્સ ખૂબ સારી હતી, સૂર્યા."
તેમણે કહ્યું, "અરે, બસ સારું રમવા તો આવ્યા છીએ."
ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપમાં ભારતે તેની પાંચ ગ્રૂપ મૅચોમાંથી ચાર જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
આ પાંચ મૅચમાં બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવે ત્રણમાં 50 અથવા તેથી વધુ રન બનાવ્યા છે અને તે પણ ધમાકેદાર રીતે.
લેગ-સાઇડ હોય કે ઑફ-સાઇડ, સૂર્યકુમારે તમામ મૅચમાં સિક્સર ફટકારી છે અને આ વર્ષની આંતરરાષ્ટ્રીય T20માં 1,000થી વધુ રન ફટકારવામાં ટોચ પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર ઈયાન બિશપે કહ્યું, "આજ સુધી મને તેમનાથી વધુ ઘાતક મિડલ ઑર્ડર બૅટ્સમૅન જોવા મળ્યો નથી. લાગે છે કે તેમને ક્રિકેટ બૉલ ફૂટબૉલ જેવો દેખાય છે."
સૂર્યકુમાર યાદવે સામેની ટીમના બૉલરો પર જાણે કે ધાક જમાવી છે.
સામાન્ય રીતે તેમની ઇનિંગ્સ બે-ત્રણ બૉલ સુરક્ષિત રીતે પ્લેસ કરવાથી શરૂ થાય છે. પછી તેઓ નબળા બૉલની રાહ જુએ છે. બૉલ પર હુમલો કરતી વખતે મોટા ભાગે શૉટ લૉફ્ટેડ કે સર્કલ ઉપરથી મારવાનો પ્રયાસ કરે છે.
સ્વાભાવિક છે કે આ પ્રકારના હુમલાથી બૉલરની લાઇન-લૅન્થ બગાડવાની પૂરી સંભાવના છે.
ટી-20 વર્લ્ડકપ : પાકિસ્તાનને હરાવનાર ઝિમ્બાબ્વે સૂર્યકુમાર સામે કેવી રીતે ઝૂકી ગયું?હવે પાકિસ્તાન પણ સેમિફાઇલનમાં, ટી20 વર્લ્ડકપમાં ફરી ટકરાશે ભારત સામે?

"સ્ક્રીપ્ટની જેમ લખી ઇનિંગ્સ"

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયાના લોકપ્રિય અખબાર 'હેરાલ્ડ સન'ના ક્રિકેટ લેખક રૉબ વ્હિટેકરને લાગે છે કે "યાદવની બેટિંગ કોઈ સ્ક્રિપ્ટ જેવી લખેલી લાગે છે."
તેમણે કહ્યું, "યાદવ તેમની કારકિર્દીના એ તબક્કામાં છે કે તેઓ એક સેકન્ડ પહેલાં બૉલને સમજી જાય છે. એટલું જ નહીં કે તેનાથી તમને મનપસંદ શૉટ રમવાનો સમય મળે છે, તેમજ બૉલને ફટકારવા માટે પૂરતો પણ સમય મળે છે."
ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર વતી આ ટુર્નામેન્ટને કવર કરી રહેલા દેવેન્દ્ર પાંડેએ સૂર્યકુમાર યાદવની કારકિર્દીને ઘણા લાંબા સમયથી ફૉલો કરી છે.
તેમણે લખ્યું, "ટૂરમાં એક બાબત છે જે તેમની પત્ની નિયમ પ્રમાણે કરે છે. તે મૅચના ઘણા સમય પહેલાં તેમનો (સૂર્યકુમાર) ફોન લઈ લે છે, જેથી સૂર્યા પર કોઈ બિનજરૂરી દબાણ ન આવે અને તે પોતાના મેન્ટલ ઝોનમાં રહીને ખૂલીને બેટિંગ કરી શકે."
ઑસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં સૂર્યકુમારને નેટ્સમાં બેટિંગ કરવાની પણ ઉતાવળ હોય છે અને ઘણી વાર તેઓ વિરાટ કોહલીની બાજુમાં નેટ્સમાં બેટિંગ કરે છે.
સિડનીમાં મૅચ પહેલાં નેટ્સમાં તેમની અને વિરાટ કોહલી વચ્ચે મજાક ચાલતી હતી કે કોને વધુ પ્રેક્ટિસ કરવાની તક મળશે. એ સમયે રાહુલ દ્રવિડે બંનેને હસતાંહસતાં આરામ કરવા કહ્યું અને દિનેશ કાર્તિક અને કેએલ રાહુલને નેટ્સ પર મોકલી દીધા.
મેદાનમાં દમ બતાવવાની વાત હોય કે આ પ્રવાસમાં જો કોઈએ ભારતીય બૅટ્સમૅન વિરાટ કોહલીને ટક્કર આપી હોય તો તે છે સૂર્યકુમાર યાદવ.
જોકે, આ ટુર્નામેન્ટમાં તેમનો સ્ટ્રાઇક રેટ 'કિંગ' કોહલી કરતાં ઘણો વધારે રહ્યો છે અને તેમના શૉટ્સ પણ વધુ શાર્પ દેખાઈ રહ્યા છે.

વસીમ અકરમે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER/WASIM AKRAM
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન વસીમ અકરમે આ ટુર્નામેન્ટ પહેલાં જ કહી દીધું હતું કે "મારો દાવ તો સૂર્યકુમાર યાદવ પર છે."
અને થયું પણ એમ જ. આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ફૉર્મ બહાર લાગ્યા અને કે.એલ. રાહુલે માત્ર બે મૅચમાં જ સારી બેટિંગ કરી.
ઇનિંગ સંભાળવાનો અને સ્કોર ખડકવાનો સઘળો દારોમદાર મિડલ ઑર્ડર એટલે કે કોહલી અને સૂર્યકુમાર યાદવ પર જ રહ્યો. તેમણે એ નિભાવ્યો પણ ખરો.
ટીમમાં આવ્યા બાદ છવાઈ ગયા હોય તેવા બૅટ્સમૅનોનું ઉદાહરણ આપવું હોય તો સૂર્યકુમાર યાદવનું નામ ટોચમાં આવે તેમ છે.
30 વર્ષની ઉંમરે ટીમમાં પહેલી વખત આવ્યા બાદ તેમણે પાછળ વળીને જોયું નથી.














