નીરજનાં માતા સરોજ અને અરશદનાં માતા રઝિયાએ ભારત-પાકિસ્તાનની 'સીમા'નું અંતર કેવી રીતે ઓછું કર્યું?

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા

'વીર-ઝારા'માં ફિલ્મમાં પાકિસ્તાનનાં 'મરિયમ હયાત ખાન' ભારતના 'વીર પ્રતાપસિંહ'ને પૂછે છે, "શું તમારા દેશનો દરેક પુત્ર તમારા જેવો જ છે?"

જવાબ મળે છે, ''એ તો મને ખબર નથી. પણ હાં, મારા દેશની દરેક માતા ચોક્કસપણે તમારાં જેવી જ છે."

ફિલ્મોના અકલ્પનીય લાગતાં આવાં દૃશ્યો જ્યારે વાસ્તવિકતા બની જાય ત્યારે કેટલાં સુંદર હોય છે!

જ્યારે માત્ર 550 કિલોમીટરના અંતરે રહેતાં બે માતા પોતાની વાતોથી એ સાબિત કરે છે કે દેશ ભલે અલગ હોય, પરંતુ માતા એક સરખી હોય છે. પછી તે પાકિસ્તાનનો મિયાં ચન્નુ વિસ્તાર હોય કે ભારતનું પાણીપત.

આ વાત માત્ર સરોજ દેવીના પુત્ર નીરજ ચોપરા અને રઝિયા પરવીનના પુત્ર અરશદ નદીમની જ નથી. કેટલાંક અંતર એવાં હોય છે જે ક્યારેય નિકટતા ઘટવા નથી દેતાં. આ વાર્તા તે અંતરોની પણ છે.

રમતમાં દીકરાઓએ ભાગ લીધો, પરંતુ શાનદાર પ્રદર્શન માતાઓએ કર્યું

8મી અને 9મી ઑગસ્ટ 2024ની મધરાત.

પેરિસ ઑલિમ્પિકમાં ભાલો ફેંકતાં પહેલાં લગભગ 30થી 36 મીટર દોડવાનું હોય છે.

આ દોડ દરમિયાન કરોડો લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. પરંતુ બે ઘર એવાં હતાં જેના રહેવાસીઓનાં હૃદય વધારે જોરથી ધબકતાં હતાં.

પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમે 92.97 મીટરના અંતર સુધી અને ભારતના નીરજ ચોપરાએ 89.45 મીટરના અંતર સુધી ભાલો ફેંક્યો ત્યારે હૃદયના આ ધબકારા ધીમા પડ્યા.

અરશદને ગોલ્ડ અને નીરજને સિલ્વર મેડલ મળ્યો. પરંતુ આ ઘટનામાં ભારતને રઝિયા પરવીન અને પાકિસ્તાનને સરોજ દેવી મળ્યાં.

કાગળો પર ચોક્કસપણે લખેલું હશે - રઝિયા પરવીનના પુત્ર અરશદ નદીમ અને સરોજ દેવીના પુત્ર નીરજ ચોપરા.

પરંતુ તમે આ બે માતાને પૂછો તો તેઓ કોઈ પણ બનાવટ કર્યા વગર કહે છે - જે રીતે આ મારો દીકરો છે, તેવી જ રીતે તે પણ મારો દીકરો છે.

સરોજ દેવીએ કહ્યું કે, "અમારા માટે તો સિલ્વર પણ ગોલ્ડ જેવો છે અને ગોલ્ડ મેડલ જીતનાર પણ અમારો પુત્ર છે. સખત મહેનત કરે છે."

પ્રેમ જ્યારે સરહદ પાર કરીને બીજા દેશમાં પ્રવેશ્યો ત્યારે ત્યાંથી પણ આ દેશમાં પ્રેમની લાગણી આવી હતી.

રઝિયા કહે છે, “તે મારા પુત્ર જેવો છે. તે નદીમનો મિત્ર છે અને તેનો ભાઈ પણ છે. હાર-જીત તો નસીબની વાત છે. તે પણ મારો પુત્ર પણ છે અને અલ્લાહ તેને પણ સફળતા અપાવે. તેને પણ મેડલ જીતવાની તક આપે.”

'ભારત વિરુદ્ધ પાકિસ્તાન' બની ગયું 'ભારતની સાથે પાકિસ્તાન'

હવે તેમનાં માતાઓ આટલા પ્રેમથી બોલે છે, તેમના પુત્રો પ્રેમથી બોલે અને તેમના વિશે વાત થાય ત્યારે તે કેટલી મધુર હશે તેનો વિચાર કરો.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદ નદીમે કહ્યું કે, “હું 2016માં ગુવાહાટીમાં નીરજભાઈ સાથે મારી પ્રથમ સ્પર્ધા રમ્યો હતો. ત્યારથી ખબર પડી કે નીરજ ચોપરા ભાઈ જીતતા જાય છે. ત્યાં મેં પહેલી વાર પાકિસ્તાનનો રેકૉર્ડ તોડ્યો. ત્યાંથી મને લાગ્યું કે જો હું મહેનત કરું તો આગળ વધી શકીશ."

એક તરફ અરશદ નીરજનાં વખાણ કરતા હતા, બીજી તરફ નીરજ અરશદની મહેનતને સન્માન આપી રહ્યા હતા.

નીરજ ચોપરાએ કહ્યું, “દરેક ખેલાડીનો પોતાનો દિવસ હોય છે. આજે અરશદનો દિવસ હતો. તે દિવસે ખેલાડીનું શરીર અલગ જ છે. દરેક ચીજ પરફેક્ટ હોય છે જે રીતે આજે અરશદ માટે હતું. ટોક્યો, બુડાપેસ્ટ અને એશિયન ગેમ્સમાં આપણો દિવસ હતો."

દીકરો વખાણ કરે તો પિતા કેવી રીતે પાછળ રહે?

નીરજના પિતા સતીશ ચોપરાએ પણ કહ્યું કે, "આ વખતે પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે એવો સ્કોર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી કે કોઈ ખેલાડી તેને પાર કરી ન શક્યો."

પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે નીરજને ફોન કર્યો ત્યારે તેમણે આ વિશે જ પૂછ્યું હતું.

પીએમ મોદીએ નીરજને પૂછ્યું, "શું તમારાં માતા પણ રમતગમતમાં હતાં? તમારાં માતાએ ઇન્ટરવ્યૂમાં જે કહ્યું, ખેલ પરિવારની જે લાગણી હોય છે, બહુ સારી રીતે તેમણે કહ્યું. હું અભિનંદન પાઠવું છું.''

આ વાત જ્યારે અરશદ સુધી પહોંચી તો તેમણે કહ્યું, "દરેકનાં માતા સમાન હોય છે. આવાં માતા મળવા બદલ અમે ખૂબ જ ખુશ છીએ. અમારા માટે દુઆ કરે છે."

આક્રમકતા દર્શાવવાને લગતો કોઈ મુદ્દો હોય ત્યારે ભારતમાં શોએબ અખ્તરને વારંવાર યાદ કરવામાં આવે છે. ખાસ કરીને ક્રિકેટ સાથે સંબંધિત હોય ત્યારે. પરંતુ આ વખતે આ તીક્ષ્ણ ભાલાએ એવી રમત રમી કે શોએબે પણ કહેવું પડ્યું, "આ ફક્ત માતા જ કહી શકે છે."

એવું લાગ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વારંવાર ફેલાતા નફરતના ઑક્સિજનને રોકવો એટલો પણ મુશ્કેલ નથી.

પછી સોશિયલ મીડિયા ચેક કરતા જાણવા મળ્યું કે સામેની બાજુના લોકો અહીં પ્રેમ મોકલી રહ્યા છે અને આ બાજુના લોકો ત્યાં પ્રેમ મોકલી રહ્યા છે. જે ટ્વિટર પર મોટા ભાગે ભારત અને પાકિસ્તાનના યૂઝર્સ ગુસ્સાવાળા ઇમોજીનો ઉપયોગ કરતા હતા, ત્યાં હવે હાર્ટવાળા ઇમોજી દેખાતા હતા.

ભારત અને પાકિસ્તાનની નાગરિકતા ધરાવતા લોકો એકબીજા વિશે આવી વાતો કહી રહ્યા હતા.

પરંતુ આવું પ્રથમ વખત નથી થયું.

અરશદ નદીમ અને નીરજ ચોપરાની મિત્રતા

નીરજ અને અરશદ હરીફ હોવા છતાં મિત્ર તરીકે પણ દેખાયા હોય એવું ઘણી વખત બન્યું છે.

પેરિસ ઑલિમ્પિકની મૅચ બાદ નીરજ અને અરશદ હાથ મિલાવતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

ગયા વર્ષે 2023માં નીરજે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ અરશદે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ બંને ખેલાડીની કારકિર્દી પર નજર નાખવામાં આવે તો મોટા ભાગની સ્પર્ધામાં તેમાંથી કોઈ એક પ્રથમ નંબરે આવે છે જ્યારે કોઈ બીજા ક્રમે આવે છે.

અરશદ નદીમે 2022માં કૉમનવેલ્થ ગેમ્સમાં 90 મીટરથી વધારે દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે વખતે ઈજાના કારણે નીરજ ટુર્નામેન્ટમાં રમતા ન હતા. પરંતુ તેમણે મિત્ર અરશદને અભિનંદન પાઠવ્યાં હતાં.

નીરજે ત્યારે કહ્યું હતું, "અરશદભાઈ, ગોલ્ડ મેડલ અને નવા ગેમ્સ રેકૉર્ડ સાથે 90 મીટરનું અંતર પાર કરવા બદલ અભિનંદન. ભાવિ સ્પર્ધા માટે શુભેચ્છાઓ.”

એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મૅચ અને તેમાંથી નીકળતા તણખા બંને પક્ષના ચાહકોને દઝાડે છે.

બીજી તરફ અરશદ અને નીરજે તેમના ધારદાર ભાલાના ટેકે પ્રેમની ઝોળી લટકાવી છે.

નીરજે જ્યારે ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો અને અરશદ પાંચમા ક્રમે હતા ત્યારે પણ આ પ્રેમ જોવા મળ્યો હતો.

નીરજે જ્યારે અરશદને મદદ કરવા માટે સલાહ આપી

અરશદ અને નીરજ અત્યાર સુધીમાં 10 સ્પર્ધામાં ભાલા સાથે હરીફ તરીકે મેદાનમાં ઊતર્યા છે.

તેમાંથી સાત વખત નીરજ પહેલા નંબરે રહ્યા છે અને ત્રણ વખત બીજા ક્રમે રહ્યા છે. અરશદ નદીમ ચાર વખત ત્રીજા સ્થાને રહ્યા હતા અને પેરિસ ઑલિમ્પિકમાં પ્રથમ વખત તેઓ પ્રથમ ક્રમે આવ્યા છે. તેથી અરશદ માટે આ જીત ઘણી મોટી છે અને નીરજ માટે હાર મોટી છે.

પરંતુ તેનાથી તેમના સંબંધોમાં કે તેમની ખેલદિલીમાં કોઈ ફરક પડતો નથી.

નીરજે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓને નવી ભાલા મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ માનવું મુશ્કેલ છે.

અરશદે ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેમણે જૂના ભાલા સાથે પ્રૅક્ટિસ કરવી પડી હતી.

નીરજ ચોપરાએ તે વખતે કહ્યું હતું કે અમારી સરકાર જેમ મદદ કરે છે તેમ તેમની સરકારે પણ મદદ કરવી જોઈએ. અથવા મારી સલાહ છે કે તમે બ્રાન્ડ સાથે વાત કરો કે તમને નવો ભાલો અપાવે.

અરશદ ઘેરાયા ત્યારે નીરજ મદદે આવ્યા

2023માં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં જ્યારે નીરજ અને નદીમ પ્રથમ અને બીજા નંબરે આવ્યા ત્યારે પણ સરોજ દેવીએ કહેલી એક વાત ચર્ચામાં આવી હતી.

સરોજ દેવીએ કહ્યું હતું કે, “મેદાનમાં બધા લોકો રમવાવાળા હોય છે. બધા જ ખેલાડી છે. તેમાંથી કોઈ ચોક્કસ જીતશે. આમાં પાકિસ્તાન અને હરિયાણા જેવું કંઈ હોતું નથી. બહુ આનંદની વાત છે. પાકિસ્તાન જીત્યું હોત તો પણ ખુશી થઈ હોત. નીરજ જીત્યો એનો પણ આનંદ છે."

આ જીત પછી નીરજના જ્યારે ફોટા પાડવામાં આવતા હતા ત્યારે તેમણે અરશદને બોલાવ્યા. અરશદ પાકિસ્તાનના ધ્વજ વગર ત્યાં પહોંચ્યા અને આ તસવીર વાઇરલ થઈ.

ત્યારે અરશદે કહ્યું હતું કે, "મને એ વાતની ખુશી છે કે ગોલ્ડ અને સિલ્વર મેડલ ભારત અને પાકિસ્તાનને મળ્યા છે."

સરોજ કહે છે કે તેમનો દીકરો નીરજ શાંત સ્વભાવનો છે, નાનપણમાં ક્યારેક કોઈ ઝઘડો થયો હશે, બાકી તે ક્યારેય ગુસ્સે નથી થતો.

સરોજ દેવીએ જે 'ક્યારેક'ની વાત કરી તે નીરજનું વલણ વર્ષ 2021માં જોવા મળ્યું હતું.

ટોક્યો ઑલિમ્પિક પછી સોશિયલ મીડિયા અને મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અરશદ નદીમ પાસે નીરજનો ભાલો હતો. કેટલાક લોકોએ એવો પણ ખોટો દાવો કર્યો હતો કે અરશદ ભાલા સાથે છેડછાડ કરી રહ્યો હતો.

ત્યારબાદ નીરજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, "એવી વાત થઈ રહી છે કે જે ભાલો મેં ફેંક્યો તે અગાઉ અરશદ પાસે હતો. એવો નિયમ છે કે કોઈ ગમે તેનો ભાલો ઉપયોગ કરી શકે છે."

નીરજે લખ્યું કે, "હું તમને બધાને વિનંતી કરું છું કે મારી ટિપ્પણીઓને તમારા ગંદા ઍજન્ડાને આગળ વધારવા માટેના માધ્યમ તરીકે ન વાપરો. રમતગમત આપણને સૌને એક થઈને રહેવાનું શીખવે છે. અમે બધા બરછી ફેંકનારા એકબીજાને પ્રેમ કરીએ છીએ. એવું કશું ન બોલો જેનાથી અમને દુઃખ થાય."

કોમળ હૃદયનાં માતાઓનાં મજબૂત સંતાનો

પેરિસ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા પછી નીરજ ચોપરા ઉદાસ દેખાઈ રહ્યા હતા. વીડિયો ઇન્ટરવ્યૂના કેટલાક ભાગોમાં તેઓ પોતાનું દુઃખ છુપાવી શક્યા નથી.

મેડલ પહેરતા અગાઉ નીરજના ચહેરા પરથી સ્મિત ઊડી ગયું હતું.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં જોવા મળતા હતા.

સરોજ અને રઝિયા નામનાં આ બે માતાઓએ તેમના પુત્રોને એટલા મજબૂત બનાવ્યા કે તેઓ બધાની સામે રડી શકે છે અને પોતાનું દુઃખ છુપાવવાનો પ્રયાસ નથી કરતા.

પેરિસ ઑલિમ્પિકના પૉઇન્ટ ટેબલમાં ભલે ભારત અને પાકિસ્તાન ઘણા પાછળ હોય, પરંતુ સરોજ અને રઝિયાની વાતોના કારણે આ બંને દુશ્મન ગણાતા મિત્રો ઘણા આગળ આવી ગયા છે.

ખેડૂતના પુત્ર નીરજ અને કડિયાના પુત્ર અરશદે દોસ્તીનો એવો પાયો નાખ્યો છે કે બંને દેશોના લોકો ભાલો છોડીને ભલાઈની ઇમારત બનાવી શકે છે.

ભલાઈની શા માટે જરૂર છે તેનાં ઘણાં ઉદાહરણો છે.

એકબીજાના દેશનો ઝંડો દેખાડવા બદલ જ્યાં જેલ પણ થઈ શકે છે ત્યાં આ હકીકત વચ્ચે સરોજ દેવીનું પણ ઘર છે. અહીં ઘણી તસવીરોની વચ્ચે એક તસવીર અરશદ નદીમની પણ છે જે પોતાની છાતી પર પોતાના દેશનો ધ્વજ દેખાડે છે. બાજુમાં તિરંગા સાથે નીરજની પણ તસવીર છે.

ભારત અને પાકિસ્તાનના ધ્વજ એક સાથે લઈને અરસપરસ હસતા ચહેરા ભાગ્યે જ જોવા મળે છે. બે દેશોના વિભાજન પછી કેટલીય દ્વિપક્ષીય વાટાઘાટ વખતે ટેબલ પર રાખેલા ધ્વજ આના સાક્ષી છે.

સરોજ અને રઝિયાનો ઉછેર અને તેમના વિચારો આવી વાતો માટે ઉદાહરણરૂપ બની શકે છે. તેમાં પણ કદાચ કોઈ રેકૉર્ડ બની શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન