વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાંથી વધુ વજનને કારણે બહાર થયાં, શું છે વજનના નિયમો

વીનેશ ફોગાટે ઑલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં. પણ આ ખુશી વધુ સમય ટકી ન શકી.

વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરાયાં. વીનેશ હવે ઑલિમ્પિકમાં કોઈ મેડલ નહીં જીતી શકે.

વીનેશ ફોગાટ મહિલાઓના 50 કિલો વજનની ફ્રિ સ્ટાઇલ સ્પર્ધામાં ઊતર્યાં હતાં. પણ ગુરુવારે સવારે જ્યારે તેમનું વજન કરાયું તો માન્ય વજન કરતાં કેટલાક ગ્રામ વધુ આવ્યું.

ભારતીય ગ્રૂપના વીનેશના વજનને 50 કિલોગ્રામ સુધી લાવવા માટે થોડો સમય માગ્યો પણ અંતતઃ વીનેશ ફોગાટનું વજન માન્ય વજન કરતાં થોડું વધુ આવતાં તેમને અયોગ્ય જાહેર કરી દીધાં.

તેનો અર્થ એ છે કે 50 કિલોગ્રામ ભાર વર્ગની ઇવેન્ટના ફાઇનલ મુકાબલામાં વીનેશ હવે બહાર થઈ ગયાં છે. જેને કારણે વીનેશ હવે ઑલિમ્પિકમાં કોઈ મેડલ જીતી નહીં શકે.

ભારતીય ઑલિમ્પિક સંઘે આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે.

આઈઓએ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે, "ખેદ સાથે અમે વીનેશ ફોગાટના 50 કિગ્રા ભાર વર્ગના મહિલા કુશ્તી ઇવેન્ટમાં અયોગ્ય જાહેર થયાના નિર્ણયની ઘોષણા કરવાના સમાચાર જાહેર કરીએ છીએ. આખી રાત ટીમ તરફથી ભરપૂર પ્રયાસો છતાં વીનેશનું વજન આજે સવારે 50 કિગ્રાથી થોડું વધારે જોવાં મળ્યું."

આઈઓવીએ અપીલ કરી છે કે ભારતીય ટીમ અને વીનેશ ફોગાટની પ્રાઇવસી બનાવી રાખવામાં આવે.

વજન ઓછું કરવું આટલું જરૂરી શા માટે છે?

કોઈ પણ રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓને અલગ અલગ વજનની શ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. રેસલિંગ, બૉક્સિંગ જેવી રમતોમાં આ એક નક્કી કરાયેલી પદ્ધતિ છે. જેથી દરેક ખેલાડીઓને સરખી તક મળે છે તે નક્કી કરી શકાય.

અમે યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગના નિયમો જોયા અને એક પૂર્વ રેસલર અને કોચ સાથે વાત કરીને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે નિયમો કેવી રીતે કામ કરે છે?

કોઈ પણ ટુર્નામેન્ટમાં એક વજનની કૅટેગરી માટે બે દિવસમાં સ્પર્ધાનું આયોજન કરાય છે.

સત્તાવાર રીતે પહેલી વખત કરાયેલા વજન સમયે જે વજન હોય પ્રત્યેક ખેલાડીને માત્ર તે જ વજનની સ્પર્ધામાં રમવાની પરવાનગી હોય છે.

વજન સમયે ખેલાડી માત્ર સિંગલેટ એટલે કે સ્લીવલેસ શર્ટ જ પહેરી શકે છે. વધેલા વજન મુદ્દે કોઈ સમજૂતી નથી થઈ શકતી.

કોઈ પણ વજનની મૅચના પહેલા દિવસે સવારે જ મેડિકલ તપાસ અને વજન કરાય છે.

આ દરમિયાન રેસલર મેડિકલ તપાસમાંથી પણ પસાર થાય છે. અહીં ક્વૉલિફાઇડ ફિઝિશિયન એવા કોઈ પણ રેસરલને બહારનો રસ્તો બતાવી દે છે જેનાથી કોઈ રોગનું સંક્રમણ ફેલાવાનું જોખમ હોય. ખેલાડીઓએ પોતાના નખ પણ નાના રાખવા પડે છે.

આ પહેલી પ્રક્રિયા અંદાજે અડધો કલાક સુધી ચાલે છે. જે ખેલાડી વજનની દૃષ્ટિએ ફિટ સાબિત થાય તેમને રમવા દેવાય છે.

ત્યાર બાદ જે લોકો ફાઇનલ માટે ક્વૉલિફાઈ કરે છે. તેમને બીજા દિવસે સવારે પણ વજન કરાવવું પડે છે. આ પ્રક્રિયા 15 મિનિટ સુધી ચાલે છે.

યૂડબ્લ્યૂડબ્લ્યૂના નિયમો કહે છે કે આ દરમિયાન પણ વજનમાં કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરી શકાય.

નિયમો મુજબ, "વજન કરવાની આખી પ્રક્રિયા દરમિયાન રેસલર પાસે એ હક છે કે તેઓ કેટલી પણ વાર મશીન પર વજન કરી શકે છે. આ પ્રક્રિયા માટે પસંદ કરાયેલા રેફરીઓની એ જવાબદારી હોય છે કે તેઓ બધા જ સ્પર્ધકોના વજનની તપાસ કરે. અને પણ સુનિશ્ચિત કરે કે ખેલાડીઓની બધી જ જરૂરિયાતોને પૂરી કરે. જો કોઈ પણ રેસરલ પર કોઈ જાતનું જોખમ હોય તો રેફરી તેની પણ સૂચના આપે છે."

જો કોઈ ઍથ્લીટ વજનની પ્રક્રિયા પૂરી ન કરે અથવા તો તેમાં ફેલ જાય તો તેમને મૅચમાંથી બહાર કરી દેવાય છે. અને તેમને સૌથી છેલ્લે રખાય છે.

ઑલિમ્પિકમાં જો મુખ્ય બે રેસલરમાંથી કોઈ એકનું વજન વધુ હોય તો તે મેડલ માટે અયોગ્ય ગણાય છે. એટલે કે આવી બાબતોમાં સિલ્વર મેડલ કોઈને નથી અપાતો.

વજન ઘટાડવું આટલું મુશ્કેલ કેમ હોય છે?

માનવ શરીરમાં વજન બદલાતું રહે છે. ક્યારેક આ વજન એક દિવસમાં જ બદલાઈ જાય છે. એવામાં મૅચના બન્ને દિવસ ખેલાડીનું વજન કરાય છે.

જો કોઈ ખેલાડી કોઈ ખાસ કૅટેગરીમાં જગ્યા બનાવી રહ્યો છે તો તેની પાસેથી આશા રખાય છે કે બન્ને દિવસે તેમનું વજન એક જેવું જ આવે.

ઑલિમ્પિકમાં ખેલાડી જે કૅટેગરીમાં ક્વૉલિફાઈ કરે છે, તેમાં જ તેઓ રમે તેવી આશા હોય છે.

પોતાના વજનથી ઓછી કૅટેગરીમાં રમવું પણ કોઈ પણ રેસલર માટે સહેલું નથી હોતું. એવું કરવા માટે તેમણે પોતાનું વજન ઘટાડવું પડે છે અને બે દિવસ સુધી એટલું જ રાખવું પડે છે.

એક પૂર્વ પહેલવાને બીબીસીને જણાવ્યું કે "આ એક મુશ્કેલ કામ છે, જે લોકો વજન ઘટાડવા માગે છે તેઓ એ વાત જાણે છે."

પહેલવાન મુજબ "અનેક પહેલવાન જે ઓછા વજનમાં રમવાની ઇચ્છા રાખે છે, તેમણે પોતાનું વજન ઘટાડવા ખોરાક ઘટાડવો પડે છે. કેટલાક લોકો ભૂખ્યા રહે છે અને તેની શરીર પર અસર પણ દેખાય છે. રમત પહેલાં તેમને અશક્તિની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. એવામાં પોતાના શરીરમાં પરિવર્તન કરવું સરળ નથી હોતું. જો કોઈ પહેલવાનનું વજન બૉર્ડર લાઇન પર હોય તો તેને તણાવમાંથી પસાર થવું પડે છે."

વીનેશને પહેલાં પણ વજન મુદ્દે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

ઑલિમ્પિક 2016માં 48 કિલો કૅટેગરીમાં વીનેશે પોતાનું વજન ઓછું કરવું પડ્યું હતું. અને એ તેમનાં માટે પડકારજનક રહ્યું હતું.

બાદમાં વીનેશ આ કૅટેગરીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં હતાં. પણ બાદમાં તેઓ ઘાયલ થવાના કારણે બહાર થઈ ગયાં હતાં.

ટોક્યો ઑલિમ્પિરમાં 53 કિલો કૅટેગરીમાં વીનેશ રમ્યાં હતાં પણ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયાં હતાં.

પેરિસમાં વીનેશે કેટલાક સમય પહેલાં જ ઓછા વજનની કૅટેગરીમાં રમવાનો અને વજન ઓછું કરવાનો નિર્ણય કર્યો હતો.

પણ અંતમાં કેટલાક ગ્રામ વજન વીનેશ ફોગાટ પર ભારે પડ્યું.

પીએમ મોદીએ શું કહ્યું?

વીનેશ ફોગાટના અયોગ્ય જાહેર થવા પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "વીનેશ આપ ચૅમ્પિયનોની ચૅમ્પિયન છો. આપ ભારતનું ગૌરવ અને તમામ ભારતીયોની પ્રેરણા છો. આજના સમાચારે દુ:ખી કર્યા છે."

પીએમ મોદીએ કહ્યું, "હું જાણું છું કે તમારામાં લડવાની ક્ષમતા છે. પડકારો સામે લડવાનો તમારો સ્વભાર રહ્યો છે. તમે મજબૂત થઈને પરત આવો. આ ક્ષણે અમે તમારી સાથે છીએ."

વીનેશે મંગળવારે પ્રી ક્વાર્ટરફાઇનલમાં દુનિયાની નંબર વન ખેલાડી અને સેમિફાઇનલમાં ક્યૂબાની ખેલાડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વીનેશ આમ કરનારાં પહેલાં ભારતીય પહેલવાન હતાં.

ફાઇનલ ઇવેન્ટમાં પ્રવેશ મેળવ્યાં બાદ તેમનો સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો હતો અને ગોલ્ડ માટે મુકાબલો જીતવાનો હતો. પરંતુ હવે વીનેશનું આ સપનું અધૂરું રહી ગયું છે.

વીનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટે કહ્યું, "કશું કહેવા માટે નથી બચ્યું મારી પાસે. આખા દેશની તેમની પાસે ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ નજીક આવીને તેઓ અયોગ્ય જાહેર થયાં. હું વાલી છું, મને તો દુ:ખ છે જ પરંતુ આખા દેશને છે."

"જ્યાં સુધી ખબર છે માત્ર 150 ગ્રામ વજન વધારે હતું. તેને કારણે તેઓ અયોગ્ય જાહેર થયાં. મને વિશ્વાસ છે કે તેઓ વધારે મહેનત કરશે અને મેડલ લાવશે."

વીનેશના કાકા રવિ કિરણે બીબીસીને જણાવ્યું, "અમને ખબર છે કે તેઓ ઑલિમ્પિકથી બહાર થઈ ગયાં છે. બીજી કોઈ જાણકારી નથી. વીનેશના ભાઈ પણ પેરિસમાં છે. તેમણે પરિવારજનો સાથે વાતચીત નથી કરી. થોડા સમય બાદ અમારી સાથે વાતચીત થશે. હાલ અમારી પાસે કહેવાલાયક કશું નથી."

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

નેતાઓની પ્રતિક્રિયા

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે વીનેશના અયોગ્ય જાહેર થવા પર કહ્યું, “વીનેશની જીત ઘણી પ્રશંસનીય હતી. તેમણે સાહસ, સામર્થ્ય, અને પ્રતિબદ્ધતા દેખાડી. તેમણે મારું હૃદય જીતી લીધું છે. માત્ર ટૅક્નિકલ કારણોસર તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં છે તેથી હું નિરાશ છું.”

થરૂરે કહ્યું, “હું નથી જાણતો કે આમ કેમ થયું. મારા માટે આ દુ:ખની વાત છે કે તેમની મહેનતનું તેમને ઇનામ ન મળ્યું, જેનાં તેઓ હકદાર હતાં.”

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે આ ઘટનાક્રમની દેશના અપમાન સાથે સરખામણી કરી છે.

તેમણે ટ્વીટ કર્યું, “આ વીનેશનું નહીં દેશનું અપમાન છે. વીનેશ દુનિયામાં ઇતિહાસ રચવા જઈ રહ્યાં હતાં. તેમને માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવે તે યોગ્ય નથી.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલાની તપાસની માગ કરી.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, “વીનેશ ફોગાટના ફાઇનલમાં ન પહોંચવા મામલાની તપાસ થાય અને સુનિશ્ચિત થાય કે સત્ય શું છે અને તેની પાછળનું કારણ શું છે.”

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.