IPL 2025 : ટ્રૉફી જીતનાર RCB, ફાઇનલ હારનાર PBKS અને બાકીના ખેલાડીઓને કેટલા રૂપિયા મળશે?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફાઇનલ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર રમાઈ ગઈ છે અને તેમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુનો પંજાબ કિંગ્સ સામે વિજય થયો છે. હવે સૌને એ જાણવામાં રસ છે કે વિજેતા ટીમના ખેલાડીઓ તથા રનર્સ-અપને કેટલી રકમ મળી છે.

ભારતમાં આઇપીએલમાં લોકપ્રિયતા વધવાની સાથે સાથે પ્રાઇઝની રકમ પણ વધતી જાય છે.

ટાઇટલ જીતનાર રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને આઇપીએલ 2025ની પ્રાઇઝ મની તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે.

આરસીબીએ અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો. રનર્સ- અપ પંજાબ કિંગ્સની ટીમને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા છે.

સ્પોર્ટ્સ સ્ટારના અહેવાલ પ્રમાણે 2008માં આઇપીએલ જીતનાર ટીમને 4.8 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું અને તે વખતે રનર્સ-અપ માટે 2.4 કરોડનું ઇનામ હતું. તે વખતે પણ બીજી કોઈ ક્રિકેટ સ્પર્ધામાં જીતનાર કે રનર-અપ ટીમને આટલી મોટી રકમ મળતી ન હતી.

કયા ખેલાડીને કયું ઇનામ મળ્યું?

આઇપીએલને મોટાં-મોટાં કૉર્પોરેટ જૂથોનો ટેકો મળ્યો છે અને રિલાયન્સ અને ડીએલએફ જેવી કંપની તેની સ્પોન્સર હતી તેથી નાણાકીય વળતરના મામલે તે આગળ છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ક્વૉલિફાયર ટીમને સાત કરોડ રૂપિયા અને એલિમિનેટર ટીમને 6.5 કરોડ રૂપિયા મળ્યા છે.

ટુર્નામેન્ટના અંતે વ્યક્તિગત ઉત્તમ દેખાવ કરનારા ખેલાડીઓને પણ પ્રાઇઝ મની આપવામાં આવી છે. તે પ્રમાણે ઇમર્જિંગ પ્લેયર માટે 10 લાખ રૂપિયાનું ઇનામ હતું.

આ ઉપરાંત મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર, સુપર સ્ટ્રાઇકર, પાવર પ્લેયર, સૌથી વધુ સિક્સર અને ગેઇમ ચૅન્જરની કૅટેગરીમાં આવેલા ખેલાડીઓને પણ 12 હજાર ડૉલર અથવા 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

આઇપીએલમાં જે બૅટ્સમૅને સૌથી વધારે રન બનાવ્યા હશે તેને ઑરેન્જ કૅપ અને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. જ્યારે સૌથી વધુ વિકેટ ઝડપનાર બૉલરને પર્પલ કેપ મળે છે અને તેની સાથે 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.

આઇપીએલમાં ટોચની બે ટીમ સિવાય ક્વૉલિફાયર રાઉન્ડ સુધી પહોંચેલી બીજી બે ટીમોને પણ કરોડો રૂપિયા મળ્યા છે.

આઇપીએલ 2025માં કોને કેટલા રૂપિયા મળ્યા?

આઇપીએલ 2025માં ઇનામની તગડી રકમ મેળવનાર ટીમ અને ખેલાડીઓના નામ આ મુજબ છેઃ

આઇપીએલ વિજેતા (આરસીબી) - 20 કરોડ રૂપિયા

રનર્સ-અપ ટીમ (પંજાબ કિંગ્સ) - 12.5 કરોડ રૂપિયા

ત્રીજું સ્થાન મેળવનાર (મુંબઈ ઇન્ડિયન્સ) - 7 કરોડ રૂપિયા

ચોથું સ્થાન મેળવનાર (ગુજરાત ટાઇટન્સ) - 6.5 કરોડ રૂપિયા

ઑરૅન્જ કૅપ વિજેતા (સાઈ સુદર્શન) - 10 લાખ રૂપિયા

પર્પલ કૅપ વિજેતા (પ્રસિદ્ધ ક્રિષ્ના) - 10 લાખ રૂપિયા

ઇમર્જિંગ પ્લેયર વિજેતા (સાઈ સુદર્શન) - 10 લાખ રૂપિયા

મૉસ્ટ વૅલ્યુઍબલ પ્લૅયર (સૂર્યકુમાર યાદવ) - 15 લાખ રૂપિયા

સુપર સ્ટ્રાઇકર (વૈભવ સૂર્યવંશી) - 10 લાખ રૂપિયા ઉપરાંત ટાટા કર્વ કાર

ફેન્ટેસી કિંગ ઑફ સિઝન (સાઇ સુદર્શન) - 10 લાખ રૂપિયા

બેસ્ટ કૅચ (કામિંદુ મેન્ડિસ) - 10 લાખ રૂપિયા

મોસ્ટ ડૉટ બૉલ્સ (મોહમ્મદ સિરાજ) - 10 લાખ રૂપિયા

સુપર સિક્સ (નિકોલસ પૂરન) - 10 લાખ રૂપિયા

ફોર્સ ઑફ સિઝન (સાઈ સુદર્શન) - 10 લાખ રૂપિયા

ફેરપ્લે ઍવૉર્ડ (ચેન્નાઈ સુપર કિંગ્સ) - 10 લાખ રૂપિયા

પિચ ઍન્ડ ગ્રાઉન્ડ (દિલ્હી કૅપિટલનું હોમ ગ્રાઉન્ડ-નવી દિલ્હી) - 50 લાખ રૂપિયા

આરસીબી અને પંજાબ કિંગ્સની મૅચમાં ઍવૉર્ડ વિજેતા

પ્લેયર ઑફ ધ મૅચ (કૃણાલ પંડ્યા) - પાંચ લાખ રૂપિયા

સુપર સ્ટ્રાઇકર (જિતેશ શર્મા) - એક લાખ રૂપિયા

મોસ્ટ ડૉટ બૉલ્સ (કૃણાલ પંડ્યા) - એક લાખ રૂપિયા

સૌથી વધુ બાઉન્ડ્રી (પ્રિયાંશ આર્યા) - એક લાખ રૂપિયા

ફેન્ટસી કિંગ (શશાંક સિંહ) - એક લાખ રૂપિયા

સૌથી વધુ સિક્સર (શશાંક સિંહ) - એક લાખ રૂપિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન