You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ધોરણ 12 પાસ મહિલાએ નકલી 'નાયબ મામલતદાર' બનીને લોકો સાથે લાખોની ઠગાઈ કેવી રીતે કરી?
- લેેખક, અપૂર્વ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના ચોક્કસ વર્ગના યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ જોવા મળે છે, તો અન્ય સમૂહના લોકોમાં સરકારી નોકરી પ્રત્યે નો ક્રેઝ છે.
યેનકેન પ્રકારે સરકારી નોકરી મેળવવા માગતા યુવાનો છેતરાઈ જાય તેની શક્યતા પણ વધુ હોય છે અને આવું જ કંઈક વલસાડ જિલ્લાના પારડીમાં બન્યું હતું.
જ્યાં સરકારી નોકરી અપાવવાના બહાને ચાર યુવાનો સાથે છેતરપિંડી થઈ હતી. જેનો આરોપ ધોરણ 12 પાસ થયેલાં એક યુવતી પર લાગ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી યુવતીએ આ યુવાનોને કલેક્ટર કચેરીમાં પી.એ. અને ડ્રાઇવરની નોકરીની લાલચ આપી હતી અને તેમના પાસેથી તબક્કાવાર કુલ રૂ. નવ લાખ 59 હજાર 760ની ઠગાઈ કરી હતી.
જોકે, પૈસા આપ્યા બાદ સમય ગયો અને નોકરી ન મળતાં યુવકો અકળાયા હતા અને તપાસ કરતાં આખો મામલો બહાર આવ્યો અને પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હવે આ કથિત નકલી નાયબ મામલતદાર સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસનું જણાવવું હતું કે સામાન્ય ઘરમાંથી આવતી આ પરિણીત યુવતીએ ઇન્ટરનેટની મદદથી કાર્ડ તૈયાર કરીને યુવાનો સાથે છેતરપિંડીનો કારસો ઘડ્યો હતો.
'નાયબ મામલતદાર' બની મહિલાએ કરી ઠગાઈ
કથિત 'નાયબ મામલતદાર' બનનારાં યુવતી નિમિષા હરીષભાઈ નાયકા મૂળ પારડી તાલુકાના અંબાચ ગામની રહેવાસી છે. જેમનાં લગ્ન તાપીના સોનગઢ તાલુકાના ગતાડી ગામે રહેતાં પરિમલ ચૌધરી સાથે થયાં હતાં.
સામાન્ય પરિવારમાંથી આવતાં નિમિષાના પતિ છૂટક મજૂરીકામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે અને દંપતીને દોઢ વર્ષની એક દીકરી પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિમિષા નાયકાને તેમના ઓળખીતા અને ઉદવાડામાં રહેતા માનવ પટેલને પાંચેક વર્ષથી ઓળખતાં હતાં.
માનવ પટેલે સામેથી સરકારી નોકરી શોધતા હોવાનું જણાવ્યું હતું. જેના કારણે નિમિષાએ પોતે જ સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવાનું વિચાર્યું. નિમિષાએ આ માટે પહેલાં જાતે સરકારી અધિકારીનો સ્વાંગ લેવાનું વિચાર્યું.
નિમિષા નાયકાએ ઠગાઈનો ભોગ બનનારા યુવાનોને જણાવ્યું હતું કે તેઓ 'નાયબ મામલતદાર' કક્ષાના અધિકારી છે અને નવસારી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં નોકરી કરે છે.
લાખોની છેતરપિંડી
લોકોને વિશ્વાસ બેસે તે માટે નિમિષાએ નકલી આઈ-કાર્ડ પણ બનાવ્યું હતું, જેના માટેનો આઇડિયા તેણે યુટ્યૂબ પરથી લીધો હતો. આ કાર્ડમાં મામલદાર શબ્દમાં ત્રુટિ હતી, પરંતુ પહેલાં તે નોકરીવાંચ્છુકોને નજરે પડી ન હતી.
નિમિષાએ સૌ પહેલાં તેમના ઓળખીતા માનવ પટેલ સાથે વાત કરીને તેમને નોકરીની લાલચ આપી હતી અને તેમની પાસેથી પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ તેમના મિત્રોને પણ આ પ્રકારની જ લાલચ આપી હતી.
નિમિષા ઉપર આરોપ છે કે તેમણે પૈસા લીધા બાદ યુવાનો સાથે વિવિધ સરકારી અધિકારીઓના નામે ચૅટિંગ કર્યું હતું, જેના માટે તેમણે પોતાના સંબંધીઓના મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો.
નિમિષાએ દિલ્હીના આઈ.એ.એસ. (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી, સરીગામના ટી.ડી.ઓ.ના (તાલુકા વિકાસ અધિકારી) નામે ચૅટિંગ કરી યુવાનોને વિશ્વાસ અવ્યો હતો કે નિમિષા તેમને (યુવાનોને) નોકરી અપાવી દેશે.
નિમિષા ઉપર આરોપ છે કે તેમણે માનવ પાસેથી રૂ. ચાર લાખ 75 હજાર 950, રાહુલ પંચોલી પાસેથી ચાર લાખ 13 હજાર, ગુજેશ પટેલ પાસેથી રૂ. 39 હજાર તથા મિલન પટેલ પાસેથી રૂ. 31 હજાર 800 મેળવ્યા હતા.
સમાધાન બાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો
સમય વીતવા છતાં માનવ તથા તેમના મિત્રોને સરકારી નોકરી કે તેનાં નાણાં મળ્યા ન હતાં, જેના કારણે માનવે કલેક્ટર કચેરીમાં જઈને નિમિષા નાયકા વિશે તપાસ હાથ ધરી હતી.
ત્યારે માનવ તથા તેમના મિત્રોને છેતરાયાનો અહેસાસ થયો હતો. આ માટે તેમણે આરોપી નિમિષાનો સંપર્ક કરીને તેમના પૈસા પરત માગ્યા હતા. નિમિષાએ નાણાં પરત આપવા માટે વાટાઘાટો કરી હતી અને સમાધાનપત્ર પણ લખી આપ્યો હતો, પરંતુ માનવ અને તેમના મિત્રોને પૈસા પરત મળ્યા ન હતા.
જેના કારણે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ને પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
વલસાડના સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું, "તાપી જિલ્લાના નિમિષા નાયકા પાંચ વર્ષથી માનવ પટેલને ઓળખતાં હતાં. આ દરમિયાન માનવ સામેથી સરકારી નોકરી મેળવવા માટે વાત કરતાં હતાં."
"આથી, નિમિષાને માનવ પાસેથી પૈસા પડાવવાનો વિચાર આવ્યો હતો અને પહેલાં પોતે જ સરકારી અધિકારી બની ગયાં હતાં."
પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન