શૅરબજાર : IPOમાં રોકાણ કરતા પહેલાં કઈ પાંચ ચીજો ધ્યાનમાં રાખવી?

શૅરબજારમાં રોકાણ કરનારા લોકો મોટી અને જાણીતી કંપનીઓના આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ)ની હંમેશાં રાહ જોતા હોય છે. તેમાં પણ જે લોકો ઊંચું જોખમ લેવાનું પસંદ કરે છે તેઓ ટૂંકા ગાળામાં ઊંચો નફો મેળવવા માટે આઈપીઓમાં રોકાણ કરતા હોય છે.

જોકે, આઈપીઓમાં રોકાણ કરવું એ હંમેશાં નફાનો સોદો નથી હોતો. ઘણી વખત આઈપીઓની પ્રાઇસ બૅન્ડ કરતા નીચા ભાવે શૅરનું લિસ્ટિંગ થાય છે, જેને ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં સારી એવી નુકસાની સહન કરવાનો વારો આવે છે. એવું પણ બને કે શૅર લાંબા સમય સુધી પ્રાઇસ બૅન્ડ કરતા નીચા સ્તરે રહે જેના કારણે તેમાંથી ઍક્ઝિટ કરતી વખતે ખોટ સહન કરવી પડે છે.

અહીં આઈપીઓમાં રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી પાંચ બાબતો જણાવી છે.

કંપનીની પ્રોફાઇલ ચેક કરો

કોઈ પણ કંપની બજારમાં મૂડી એકત્ર કરવા માટે આઈપીઓ લાવે ત્યારે તેની પ્રોફાઇલ અને તેના હેતુઓને સૌથી પહેલાં જોવા જોઈએ. આઈપીઓ અગાઉ મોટી કંપનીઓ બજારમાં ભારે હાઈપ પેદા કરે છે, પરંતુ પછી ફૂગ્ગો ફૂટી જાય ત્યારે રોકાણકારોએ ખોટ સહન કરવી પડે છે.

રિલાયન્સ પાવર અને પેટીએમના આઈપીઓ તેનાં ઉદાહરણ છે. રોકાણકારોને યાદ હશે કે ફેબ્રુઆરી 2008માં આર પાવરનો આઈપીઓ આવ્યો ત્યારે ગ્રે માર્કેટમાં શૅરનો ભાવ 80 ટકા પ્રિમિયમે પહોંચી ગયો હતો, પરંતુ તેનું લિસ્ટિંગ 17 ટકા ડિસ્કાઉન્ટ ભાવે થયું હતું.

ભારતના સૌથી ચર્ચાસ્પદ અને ફ્લૉપ આઈપીઓમાં તેનો સમાવેશ થઈ શકે. હજુ પણ આઈપીઓ વખતના પ્રાઇસની તુલનામાં આરપાવરનો શૅર લગભગ 85 ટકા નીચા લેવલે છે.

તેવી જ રીતે નવેમ્બર 2021માં પેટીએમનો આઈપીઓ પણ ભારે આશા જગાવ્યા પછી 9 ટકા નીચા ભાવે લિસ્ટ થયો હતો અને ઇશ્યૂ પ્રાઇસ કરતા 27 ટકા ઘટીને બંધ થયો હતો. તેથી બજારના હાઇપને અવગણીને વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લો.

IPO લાવવા પાછળનું કારણ જાણો

મોટા ભાગના નાના રોકાણકારો પાસે કંપની વિશે નક્કર માહિતી નથી હોતી તેથી તેઓ દેખાદેખીમાં આઈપીઓમાં રોકાણ કરતા હોય છે. કંપનીનું નામ મોટું અને જાણીતું હોય તો તેનો આઈપીઓ પણ મજબૂત હશે તેમ માનીને પણ લોકો રોકાણ કરે છે. કંપનીઓ પોતાના બિઝનેસના વિસ્તરણ, ગ્રોથ અથવા મર્જર માટે આઈપીઓના ફંડનો ઉપયોગ કરતી હોય છે. તેથી કંપની વિશે પૂરતી માહિતી મેળવો અને પછી મૂડી લગાવો.

અમદાવાદસ્થિત ઇન્વેસ્ટએલાઇન પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ ગુંજન ચોકસીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે આઈપીઓ લાવનારી કંપની કયા સેક્ટરમાં કામ કરે છે અને તે સેક્ટરમાં હરીફ કંપનીઓનો દેખાવ કેવો છે તેને પણ ધ્યાનમાં રાખો.

તેઓ કહે છે કે, "ઘણી વખત આઈપીઓ એ ઑફર-ફૉર-સેલ (OFS) હોય છે, જેમાં રોકાણકારો કંપનીમાંથી નીકળી જવા માટે ઇશ્યૂ લાવતા હોય છે. આવી સ્થિતિમાં સાવધ રહેવું કારણ કે જે રોકાણકારોએ કંપનીને મોટી કરી હોય, તેઓ જ્યારે તેમાંથી ઍક્ઝિટ લેવાનું વિચારતા હોય તો સામાન્ય રોકાણકારોને તેમાંથી કઈ રીતે ગ્રોથ મળી શકશે?"

કંપની મૂડીને ક્યાં ખર્ચ કરશે?

કંપનીઓ જ્યારે રોકાણકારો પાસેથી મૂડી એકઠી કરતી હોય ત્યારે તે મૂડીનો ઉપયોગ ક્યાં થવાનો છે તે જાણવું જરૂરી છે. ધારો કે કોઈ કંપની પર ભારે દેવું હોય અને તે પોતાનું દેવું ઉતારવા માટે આઈપીઓ લાવી રહી હોય તો તેમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. પરંતુ મર્જર માટે અથવા વિસ્તરણ માટે મૂડી એકઠી કરતી હોય તો તેમાં રોકાણ કરવાનું વિચારી શકાય.

ગુંજન ચોકસી કહે છે કે, "ઘણી કંપનીઓ બૅન્કની લોન ઉતારવા માટે આઈપીઓ લાવતી હોય. તેમાં રોકાણકારને ખાતરી હોય છે કે આગામી વર્ષે કંપની જે કમાણી કરશે તેમાં વ્યાજનો બોજ ઓછો હશે. તેથી કંપની પાસે ફંડની લિક્વિડિટી વધારે હશે. પરંતુ તેની સામે કંપની ગ્રોથ કરી શકશે કે નહીં તેની માહિતી મેળવવી જોઈએ."

શૅરનું વેલ્યૂએશન ચકાસો

કંપની આઈપીઓ દ્વારા શૅર બહાર પાડે ત્યારે તેનો ભાવ યોગ્ય છે કે નહીં તે જાણવું નાના રોકાણકારો માટે બહુ મુશ્કેલ હોય છે. પરંતુ નિષ્ણાતો પ્રાઇસ-ટુ-અર્નિંગ અથવા પ્રાઇસ-ટુ-બુક રેશિયોના આધારે વેલ્યૂએશન કેટલું યોગ્ય છે તે જાણવાની સલાહ આપે છે.

શૅર માર્કેટના નિષ્ણાત ગુંજન ચોકસીએ જણાવ્યું કે "લિસ્ટિંગના દિવસે જ શેર વેચી નાખવાની યોજના હોય તેવા લોકોને આ સૂચના લાગુ નથી પડતી. પરંતુ લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવું હોય ત્યારે કંપનીના હેતુ, ગ્રોથની શક્યતા અને વેલ્યૂએશન ખાસ ધ્યાનમાં લેવા જોઈએ."

તેઓ કહે છે કે "વેલ્યૂએશન જોયા વગર રોકાણ કરવામાં આવે તો કેટલીક વખત શૉર્ટ ટર્મમાં લિસ્ટિંગ ગેઇન મળે, પરંતુ લૉન્ગ ટર્મમાં તે નૅગેટિવ હોય છે."

તેમના કહેવા મુજબ આઈપીઓ લાવનારી કંપનીની હરીફ કંપનીઓના શૅર કેટલા વેલ્યૂએશન પર છે તેની સાથે સરખામણી કરવી જોઈએ."

કંપની પર કેટલો કાયદાકીય બોજ છે?

ગુંજન ચોકસી કહે છે કે, "ઘણી વખત IPO લાવનારી કંપનીઓ સામે જીએસટી અથવા ઇન્કમટૅક્સના કેસ ચાલતા હોય છે અને આ રકમ હજારો કરોડમાં હોય છે. તેથી તેના આઈપીઓમાં રોકાણ કરતી વખતે સાવધાન રહેવું. જો ભવિષ્યમાં સરકારની ફેવરમાં ચુકાદા આવે અને કંપનીએ કરોડો રૂપિયાનો ટૅક્સ કે બીજી જવાબદારી ચુકવવાની આવે તો તેનો નફો ધોવાઈ જશે અને શેર ગગડશે. તેથી કંપની સામે સરકારના ટૅક્સ કે બીજી બાબતોના કેવા કેસ ચાલે છે તેની જાણકારી મેળવો."

નાના રોકાણકારો માટે ગુંજન ચોકસીની સલાહ છે કે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે આઈપીઓમાં રોકાણ કરવું હોય તો બજારમાં તેનું કેટલું પ્રિમિયમ ચાલે છે તે જુઓ. તેમણે એક-બે લૉટની નાની ઍપ્લિકેશન કરવી જોઈએ. પરંતુ લૉન્ગ ટર્મ માટે આઈપીઓમાં મૂડી રોકવી હોય તો હંમેશાં કંપનીના લક્ષ્ય પર ધ્યાન આપો.

(સ્પષ્ટતાઃ નિષ્ણાતોએ વ્યક્ત કરેલો મત તેમનો અંગત અભિપ્રાય છે, બીબીસીનો નહીં. રોકાણનો કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારા નાણાકીય સલાહકાર પાસે માર્ગદર્શન અને સલાહ મેળવો.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન