ભારતે ટી-20 વર્લ્ડકપ જીત્યો : બુમરાહ અને હાર્દિકના એ ત્રણ બૉલ અને દક્ષિણ આફ્રિકા હાથમાં આવેલી મૅચ હારી ગયું

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલા ટી20 વર્લ્ડકપના ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી દીધું છે.

અતિશય રોમાંચક બની ગયેલી મૅચમાં ભારતના બૉલરોએ તેમની ઉત્કૃષ્ટ બૉલિંગનું પ્રદર્શન કરતાં ભારતને મૅચ જિતાડી હતી.

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ સાથે જ ભારતે 10 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે.

રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે પ્રથમ વાર આઈસીસી ટુર્નામેન્ટ જીતી છે.

આખરી બે ઑવરમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ અને હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાની વિકેટો ખેરવી હતી અને લગભગ હાથમાંથી સરકી ગયેલી મૅચ ભારતને જિતાડી હતી.

20 ટીમો વચ્ચે 54 મુકાબલા અને સતત 29 દિવસથી ચાલી રહેલા આઈસીસી ટી20 વર્લ્ડકપનો આજે ફાઇનલ મુકાબલો હતો.

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty

આ મૅચમાં ટૉસ જીતીને ભારતે બેટિંગ પસંદ કરી હતી અને નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટે 176 રન બનાવ્યા હતા અને ઇંગ્લૅન્ડને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ 76 રન વિરાટ કોહલીએ બનાવ્યા હતા. તેઓ મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટી20 વર્લ્ડકપ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ટ્વિટર પર લખ્યું કે, "ટીમ ઇન્ડિયાને આ ભવ્ય વિજય માટે દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે 140 દેશવાસીઓ તમારા શાનદાર પ્રદર્શન માટે ગર્વ અનુભવે છે. રમતના મેદાનમાં તમે વિશ્વકપ જીત્યો.પણ દેશની ગલીઓમાં તમે લોકોનું દિલ જીત્યું છે."

કૉંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા.

છેલ્લી બે ઑવરનો રોમાંચ

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પંદરમી ઑવર બાદ મૅચ ભારતના હાથમાંથી સરકી રહી હતી. પરંતુ સત્તરમી ઑવરના પહેલા બૉલે હાર્દિક પંડ્યાએ જોખમી બની ગયેલા બૅટ્સમેન ક્લાસેનની વિકેટ ઝડપતાં ફરી એકવાર ભારતને આશા જાગી હતી.

હૅનરિચ ક્લાસેને 27 બૉલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 52 રનની ઝંઝાવાતી ઇનિંગ રમી હતી.

છેલ્લી બે ઑવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 20 રન કરવાના હતા. ક્રીઝ પર ડૅવિડ મિલર અને કેશવ મહારાજ હતા.

ભારતે 19મી ઑવર અર્શદીપસિંહને આપી અને તેમણે બે ડૉટ બૉલ ફેંક્યા. 19મી ઑવરમાં અર્શદીપસિંહે જોરદાર બૉલિંગ કરતાં માત્ર ચાર જ રન આપ્યા.

હવે અંતિમ ઑવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી.

હાર્દિક પંડ્યાએ વીસમી ઑવરના પહેલાં જ બૉલે મિલરને કૅચઆઉટ કરાવતાં ભારતીય કૅમ્પમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સૂર્યકુમાર યાદવે મિલરનો જોરદાર કૅચ લપક્યો હતો. તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના બૅટ્સમેનો જરૂરી રન કરી શક્યા ન હતા અને તેમણે વિકેટો ગુમાવી હતી.

દક્ષિણ આફ્રિકાની ઘીરજસભર બેટિંગ

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૅનરિચ ક્લાસેને 27 બૉલમાં 52 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી હતી

177 રનના પડકારનો પીછો કરતાં ભારતની ટીમની જેમ જ દક્ષિણ આફ્રિકાની ટીમની બેટિંગની શરૂઆત પણ સારી રહી ન હતી.

ઈનિંગની બીજી જ ઑવરમાં રેઝા હૅન્ડરિક્સને બુમરાહે બૉલ્ડ કરી દેતાં આફ્રિકાને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો.

ત્યારબાદ ત્રીજી જ ઑવરમાં અર્શદીપસિંહે દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન માર્કરામને આઉટ કરી દેતાં દક્ષિણ આફ્રિકાના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો.

પરંતુ ત્યારબાદ ડી કૉક અને સ્ટ્રબ્સે ઈનિંગને સંભાળી હતી અને 58 રનની ભાગીદારી કરી હતી. સ્ટ્રબ્સે ઝડપી બેટિંગ કરતાં 21 બૉલમાં 31 રન બનાવ્યા હતા.

ડી કૉક 39 રન બનાવીને આઉટ થયા ત્યારે આફ્રિકાનો સ્કોર 12.3 ઑવરમાં ચાર વિકેટે 106 રન હતો.

પરંતુ ત્યારબાદ આવેલા હૅનરિક ક્લાસેને ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને ભારતના હાથમાંથી જાણે કે મૅચ છીનવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઈનિંગની 15મી ઑવર રોહિત શર્માએ અક્ષર પટેલના હાથમાં આપી અને એ ઑવરમાં ક્લાસેને 24 રન ફટકાર્યા હતા.

પરંતુ અંતે ભારતના બૉલરોએ મૅચ પર કાબૂ મેળવ્યો હતો.

ભારતની અતિશય નબળી શરૂઆત

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બાર્બાડૉઝમાં ટૉસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતની ટીમની શરૂઆત સારી રહી ન હતી.

વિરાટ કોહલીએ માર્કો યાનસેનની અને ઇનિંગની પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા એ જોઈને ભારતીય દર્શકોને સારી શરૂઆતની આશા બંધાઈ હતી.

પરંતુ બીજી જ ઑવરમાં કેશવ મહારાજની બૉલિંગમાં ભારતને બે ઝટકા લાગ્યા હતા. પહેલાં કૅપ્ટન રોહિત શર્મા અને પછી ઋષભ પંત કૅચ આઉટ થયા હતા. ઋષભ પંત તો શૂન્ય રને જ આઉટ થઈ ગયા હતા.

બે વિકેટથી દબાણમાં આવી ગયેલી ભારતીય ટીમનું સ્કોરબૉર્ડ વિરાટ કોહલીએ એક છેડેથી ફરતું રાખ્યું હતું,

પરંતુ રબાડાની બૉલિંગમાં સૂર્યકુમાર યાદવ પણ ત્રણ રને કૅચ આપી બેઠા હતા. ભારતનો સ્કોર 4.3 ઓવરમાં ત્રણ વિકેટે 34 રન થઈ ગયો હતો.

અક્ષર પટેલની શાનદાર ઇનિંગ

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બેટિંગમાં ઉપરના ક્રમે ઊતરેલા અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી હતી. ભારતે અક્ષર પટેલને ઉતારીને જે દાવ રમ્યો હતો જે સફળ થયો હતો. અક્ષર પટેલે કેટલાક દર્શનીય શોટ્સ રમીને ચાહકોને ખુશ કરી દીધા હતા.

દસ ઓવરના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 75 રન હતો. ભારતનો રનરેટ 7.5 હતો.

અક્ષર પટેલ અને વિરાટ કોહલીની મજબૂત ભાગીદારીથી ભારતની ઈનિંગને સ્થિરતા મળી હતી.

બંને વચ્ચે 72 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ અક્ષર પટેલ 47 રને આઉટ થયા હતા જેમાં તેમણે ચાર છગ્ગા ફટકાર્યા હતા.

વિરાટ કોહલીની શાનદાર અડધી સદી

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ફાઇનલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અક્ષર પટેલના આઉટ થયા બાદ વિરાટ કોહલીને શિવમ દુબેનો સાથ મળ્યો હતો. વિરાટ કોહલીએ ત્યારબાદ રનગતિ વધારી હતી અને ચારેતરફ દર્શનીય શોટ્સ ફટકાર્યા હતા.

વિરાટ કોહલીએ સૌથી વધુ 59 બૉલમાં 76 રન બનાવ્યા હતા જેમાં તેમણે બે છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ તેઓ પણ આઉટ થઈ ગયા હતા. શિવમ દુબેએ પણ 16 બૉલમાં 27 રન બનાવ્યા હતા.

ભારતે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજ અને નોર્કિયાએ બે-બે વિકેટ લીધી હતી.

આમ, ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો પડકાર આપ્યો હતો.

વિરાટ કોહલીએ શું જાહેરાત કરી?

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

જીત બાદ પ્લૅયર ઑફ ધી મૅચ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “આ મારો છેલ્લો ટી20 વર્લ્ડકપ હતો. આ એ જ છે જે અમારે મેળવવું હતું. ક્યારેક તમને એવું લાગે કે તમારાથી એક પણ રન બનતો નથી અને ક્યારેક આજે બન્યું એવું જ કંઈક બને છે. ગૉડ ઈઝ ગ્રેટ. આ મારી ભારત માટે પણ છેલ્લી ટી20 મૅચ હતી.”

તેમણે કહ્યું હતું કે, “અમારે વર્લ્ડકપ જીતવો હતો. આ ઑપન સીક્રેટ જ હતું. અમે હારી ગયા હોત તો પણ હું આ જાહેરાત કરવાનો હતો. હવે ટી20ની રમતને નવી જનરેશને આગળ લઈ જવાની છે. અમારે આ પળ માટે ઘણી રાહ જોવી પડી, આઈસીસી ટુર્નામેન્ટ જીતવા માટે અમારે ઘણી રાહ જોવી પડી. રોહિતે નવ ટી20 વર્લ્ડકપ રમ્યા અને મારો છઠ્ઠો વર્લ્ડકપ હતો. તેઓ આ જીતના હકદાર છે.”