હાર્દિક પંડ્યા : એ ગુજરાતી ક્રિકેટર જેણે પોતાના પર ઉઠેલા સવાલોનો જવાબ શાનદાર પ્રદર્શનથી આપ્યો

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
ફેબ્રુઆરી 2022 પહેલાં આ ક્રિકેટરની ફીટનેસને બાબતે મીડિયા અને ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉઠતા હતાં, એમને આઈપીએલ 2021માં બૉલિંગ પ્રદર્શન ખરાબ રહેવાથી ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ ટીમના એક ઑલરાઉન્ડર તરીકે તેમની હાજરી સામે સવાલો ઊભા થઈ ગયા હતા જેના કારણે તેમની જગ્યા વનડે માં વૅન્કટેશ અય્યર અને ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુરે લઈ લીધી હતી.
આ ક્રિકેટરને ફેબ્રુઆરી 2022માં ગુજરાત ટાઇટન્સે કૅપ્ટન તરીકે રજૂ કર્યો અને 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં વનડે મૅચ માટે ઊતર્યું તો પહેલી વખત એ જ ક્રિકેટર ભારતીય કૅપ્ટન તરીકે મેદાનમાં જોવા મળ્યો.
આ વાત છે બરોડાની ક્રિકેટ ટીમમાંથી ઊભરી આવેલા ગુજરાતી ઑલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાની. રોહિત શર્માની ગેરહાજરીમાં શુક્રવારેની વાનખેડેમાં રમાયેલી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મૅચમાં પહેલી વખત હાર્દિક પંડ્યાએ કૅપ્ટન તરીકે જવાબદારી ઉઠાવી.
હાર્દિક પંડ્યાની કિક્રેટ કારકિર્દી સરળ અને સહજ નથી રહી. તેમની કારકિર્દી ક્રિકેટની રમતમાં જોવા મળતી અનિશ્ચિતતાઓથી ભરપૂર ઉતાર-ચઢાવવાળી છે.
ભારત ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 17 માર્ચની એ વનડે મૅચ હાર્દિક પંડ્યાની સાથે સાથે ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે પણ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગુજરાત રાજ્યના ખેલાડી વિશેનો એક રેકર્ડ આ મૅચમાં બન્યો.
વર્ષ 1974માં જ્યારથી ક્રિકેટમાં વનડે ઇન્ટરનેશનલ મૅચોની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધી ભારતીય ક્રિકેટ ટીમની કૅપ્ટન્સી ગુજરાતમાંથી જ રમનારા કોઈ ગુજરાતી ક્રિકેટરે કરી હોય એવી આ પહેલી મૅચ હતી. ગુજરાતમાંથી જ ક્રિકેટ રમીને આગળ આવ્યા બાદ ભારતીય ટીમનું વનડે ક્રિકેટમાં નેતૃત્વ કરનારા પ્રથમ ગુજરાતી ક્રિકેટર તરીકે હાર્દિક પંડ્યાનું નામ રમતની રેકર્ડબુકમાં નોંધાશે.
આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે ગુજરાતી ક્રિકેટર અજય જાડેજાએ વર્ષ 1998-99 દરમિયાન 13 મૅચોમાં નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેઓ ક્યારેય ગુજરાતમાંથી (સૌરાષ્ટ્ર, બરોડા કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી) રમ્યા નહોતા.


- ગુજરાતમાંથી જ ક્રિકેટ રમીને આગળ આવ્યા બાદ ભારતીય ટીમનું વનડે ક્રિકેટમાં નેતૃત્વ કરનારા પ્રથમ ગુજરાતી ક્રિકેટર તરીકે હાર્દિક પંડ્યાનું નામ રમતની રેકર્ડબુકમાં નોંધાશે.
- આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમની પાસે કૅપ્ટન તરીકે કોઈ જ પ્રકારનો અનુભવ નહોતો.
- બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સે તેમને પોતાની ટીમમાંથી મુક્ત કરી દીધા હતા અને ઈજાના લીધે તેમની બૉલિંગ પણ સવાલોના ઘેરામાં હતી.
- આઈપીએલ 2022માં તેમના પ્રદર્શને ક્રિકેટ જગતને એટલું પ્રભાવિત કર્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જેમનું પુનરાગમન અઘરું લાગતું હતું, એ હાર્દિક પંડ્યાને ભારતની ટી20 ટીમનું નેતૃત્વ સોંપવાની માંગણી થવા લાગી.
- ઑગસ્ટ 2022માં આઈસીસીએ ખેલાડીઓનાં પ્રદર્શનને આધારે નવી યાદી જાહેર કરી તેમાં ઑલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ ટૉપ-5માં ઝળક્યું.
- હાલ હાર્દિક પંડ્યા ભારત માટે વાઇટ બૉલ ક્રિકેટમાં ઉપ-કપ્તાન તરીકે રમી રહ્યા છે.
- હાર્દિક પંડ્યાની કિક્રેટ કારકિર્દી સરળ અને સહજ નથી રહી. તેમની કારકિર્દી ક્રિકેટની રમતમાં જોવા મળતી અનિશ્ચિતતાઓથી ભરપૂર ઉતાર-ચઢાવવાળી છે.

ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યામાં આવેલો બદલાવ

ઇમેજ સ્રોત, Getty Images
આઈપીએલ 2022નો તાજ ગુજરાત ટાઇટન્સે જીત્યો તેની પાછળ મુખ્ય ભૂમિકા કૅપ્ટન હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીની સ્કિલ્સને માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમની પાસે કૅપ્ટન તરીકે કોઈ જ પ્રકારનો અનુભવ નહોતો, બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સે તેમને મુક્ત કરી દીધા હતા અને ઈજાના લીધે તેમની બૉલિંગ પણ સવાલોના ઘેરામાં હતી.
પરંતુ આઈપીએલ 2022નો પ્રારંભ થયો અને હાર્દિક પંડ્યા તેમની ટીમ સાથે મેદાનમાં ઊતર્યા. ત્યારબાદ તેમણે એ તમામ સવાલો પર પોતાના છટાદાર પ્રદર્શનથી પૂર્ણવિરામ મૂકી દીધું.
મેદાન ઉપર તેમની ધીરજ અને તેમની કુશળતા બન્ને લોકોના ધ્યાનમાં વધુને વધુ આવવા લાગી. સાથે જ તેઓ પોતાની ટીમ માટે નંબર 4 ઉપર બેટિંગ કરવા ઊતર્યા.

સામાન્ય રીતે તેઓ છઠ્ઠા કે સાતમા ક્રમે રમવા આવતા, પરંતુ આ માન્યતાને પણ તોડતા તેમણે પોતાની બેટિંગમાં એક શિસ્ત જાળવી રાખી અને ટીમને એક પછી એક જીતનાં લક્ષ્યોને હાંસલ કરવા મજબૂત મનોબળ પૂરું પાડતા ગયા.
ભારતીય ક્રિકેટમાં ટીમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા એવી કટ્ટર છે કે ઈજાને કારણે ફિટનેસ સામે પ્રશ્નો ઊભા થાય તો ટીમને તો ઘણા વિકલ્પો મળી જાય છે, પરંતુ ખેલાડી પોતાની ફિટનેસ પાછી મેળવી લે ત્યારે તેણે ફરી એક વખત પોતાની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ક્ષમતા અને અસરકારકતા બન્ને સાબિત કરવાની રહે છે.
પરંતુ આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યાના પ્રદર્શને ક્રિકેટ જગતને એટલું પ્રભાવિત કર્યું કે એક સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની ટીમમાં જેમનું પુનરાગમન અઘરું લાગતું હતું, એ હાર્દિક પંડ્યાને ભારતની ટી20 ટીમનો કૅપ્ટન જાહેર કરવાની માંગણી થવા લાગી.

ભારતની ટી20 ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે પસંદગી

ઇમેજ સ્રોત, ANI
રોહિત શર્મા, વિરાટ કોહલીની ઉપલબ્ધિ ન હોવાના કારણે આયર્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડના પ્રવાસે ટી20 શ્રેણી માટે તેમને જ કૅપ્ટનની જવાબદારી આપવામાં આવી અને પરિણામો પણ સકારાત્મક મળ્યાં.
જોતજોતામાં ઑગસ્ટ 2022માં જ્યારે આઈસીસીએ ખેલાડીઓનાં પ્રદર્શનને લઈને નવી યાદી જાહેર કરી ત્યારે ઑલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ટૉપ પાંચમાં હાર્દિક પંડ્યાનું નામ પાંચમા ક્રમે ઝળક્યું અને આ સ્થાન તેમની કારકિર્દીમાં તેમને પહેલી વાર હાંસલ થયું.
હાર્દિક પંડ્યાએ એશિયા કપ 2022ની મૅચમાં પાકિસ્તાન સામે ભારતની પાંચ વિકેટે નાટકીય જીત મેળવવામાં કોહલીને પૂરતો સાથ આપ્યો અને એટલું જ નહીં બૉલિંગમાં પણ 3 વિકેટ ઝડપી પાકિસ્તાનને 147 પર ઑલઆઉટ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો.
આઈપીએલ 2022 બાદ આઈસીસીએ ઑગસ્ટ 2022માં આ રૅન્કિંગ જાહેર કર્યું ત્યાં સુધીમાં હાર્દિક પંડ્યા 14 ટી20 મૅચ રમી ચૂક્યા હતા, જેમાં તેમણે 34.88ની સરેરાશ સાથે 314 રન કરી 11 વિકેટ પણ ઝડપી હતી. જેમાં 33 રન આપી 4 વિકેટ લેવાનું તેમનું બૅસ્ટ પર્ફૉર્મન્સ ઇંગ્લૅન્ડ સામે રહ્યું હતું.

ભારતના વાઇટ બૉલ ક્રિકેટના કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન

ઇમેજ સ્રોત, ANI
હવે જ્યારે આઈસીસી વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 થોડા મહિનાઓમાં રમાવા જઈ રહ્યો છે ત્યારે હાર્દિક પંડ્યા ભારત માટે વાઇટ બૉલ ક્રિકેટમાં ઉપ-કપ્તાન તરીકે રમી રહ્યા છે. બેટિંગ અને બૉલિંગ એમ બન્ને રીતે પ્રદર્શન સુધારવા પર ભાર આપી રહ્યા છે.
એટલું જ નહીં જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ હાર્દિક પંડ્યાને સામેલ કરવાની ચર્ચાએ વેગ પકડી લીધો છે, પરંતુ મીડિયા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાએ જણાવ્યું છે કે તેઓ પોતે ટેસ્ટ માટે સંપૂર્ણ ફીટ નહીં થાય ત્યાં સુધી તેઓ રેડ બૉલ ક્રિકેટમાં પરત ફરવા વિશે નહીં વિચારે અને તેમના મતે તેમણે પાછલા કેટલાક સમયથી ટીમ માટે ટેસ્ટમૅચમાં યોગદાન પણ નથી આપ્યું, જેથી તેઓ પોતાને તેના દાવેદાર પણ નથી ગણતા.














