ભારત તાલિબાનને આટલું મહત્ત્વ કેમ આપી રહ્યું છે અને અફઘાનિસ્તાનને શું મળશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, ભારત, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીને 2021માં અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના કબજા બાદથી જ પોતાનો સંપર્ક વધારવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ ભારત એ જ કામ ચાર વર્ષ બાદ કરી રહ્યું છે.

તાલિબાન સાથે પાછલાં બે વર્ષમાં ભારતના સંપર્ક વધ્યા હતા, પરંતુ પહેલી વાર વિદેશમંત્રી અમીર ખાન મુત્તકી નવી દિલ્હીમાં આવ્યા છે.

મુત્તકી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત આતંકવાદીઓની યાદીમાં સામેલ છે.

શુક્રવારે મુત્તકીની વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ.

જયશંકરે આ જ બેઠકમાં કાબુલમાં ભારતા ટેકનિકલ મિશનને દૂતાવાસમાં ફેરવવાની જાહેરાત કરી. ઑગસ્ટ 2021માં તાલિબાનના આગમન બાદથી ભારતે કાબુલમાં પોતાનો દૂતાવાસ બંધ કરી દીધો હતો.

ભારતે અત્યાર સુધી વિશ્વના ઘણા દેશોની માફક તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા નથી આપી. રશિયા એવો એકમાત્ર દેશ છે, જેણે તાલિબાનને માન્યતા આપી છે.

જયશંકરે આ વાર્તાને 'ક્ષેત્રીય સ્થિરતા અને મજબૂતીની દિશામાં એક ડગલું' ગણાવી, બીજી તરફ મુત્તકીએ ભારતને 'નિકટનું મિત્ર' કહ્યું અને ભારતીય કંપનીઓને અફઘાનિસ્તાન આવવાનું આમંત્રણ પાઠવ્યું.

ભારત-અફઘાનિસ્તાનનાં પારસ્પરિક હિત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, ભારત, અફઘાનિસ્તાન

1990ના દાયકામાં જ્યારે તાલિબાન પ્રથમ વાર અફઘાનિસ્તાનની સત્તા પર આવ્યું, ત્યારે ભારતે તેના શાસનને માન્યતા નહોતી આપી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ 2021માં તાલિબાનના ફરી એક વાર સત્તામાં આગમને અને અફઘાનિસ્તાનની સ્થિતિ સંપૂર્ણપણે બદલાયા બાદ, ભારતે વ્યાવહારિક દૃષ્ટિકોણ અપનાવીને સીમિત સંપર્ક સાધવાની શરૂઆત કરી. આજે ભારત અને તાલિબાન વચ્ચે ઘણાં એવાં ક્ષેત્ર છે, જ્યાં બંનેનાં હિત એકબીજા સાથે મળે છે.

ભારત-અફઘાનિસ્તાન પોતાના સામૂહિક નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે બંનેનું જોર આતંકવાદના વિરોધ પર છે.

તાલિબાન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન (આઇએસઆઇએસ-કે)ને ન માત્ર અફઘાનિસ્તાન, પરંતુ સંપૂર્ણ ઇલાકાની શાંતિ માટે એક ખતરો ગણાવે છે. ભારત પણ આતંકવાદ વિરુદ્ધ જુદા જુદા આંતરરાષ્ટ્રીય મંચો પરથી અવાજ ઉઠાવી રહ્યું છે.

ભારત એવું સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે ન થાય. તેમજ તાલિબાન પણ પોતાની સત્તાને સ્થિર કરવા માટે આઇએસઆઇએસ-કે જેવાં સંગઠનોને કમજોર કરવા માગે છે.

અનુરાધા ચિનૉય જેએનયુ સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝનાં પૂર્વ ડીન અને નિવૃત્ત પ્રોફેસર છે. તેઓ મુત્તકીના પ્રવાસને ભારત-અફઘાનિસ્તાન સંબંધોના ભવિષ્ય માટે હકારાત્મક પહેલ સાથે સાંકળીને જોઈ રહ્યાં છે.

બીબીસી સાથેની વાતચીત અનુરાધા ચિનૉય કહે છે કે, "મને લાગે છે કે અમીર ખાન મુત્તકીને બોલાવીને ભારતીય મંત્રાલયે સારું પગલું ઉઠાવ્યું છે. જો તાલિબાન સાથે વાતચીત ન કરી તો આ વિસ્તાર (દક્ષિણ એશિયા)માં અસ્થિરતા વધી શકે છે, કારણ કે ટ્રમ્પ વારંવાર બગરામ ઍરબેઝને પાછું લેવાની ધમકી આપી રહ્યા છે. ઑપરેશન સિંદૂર બાદ અફઘાનિસ્તાને પણ ભારતનું સમર્થન કર્યું હતું. તેથી વાતચીતમાં બંનેનાં પારસ્પરિક હિત સામેલ છે."

જોકે, અફઘાનિસ્તાનના ઘણા લોકો ભારત અને તાલિબાનની વધતી નિકટતાથી ઝાઝા ખુશ નથી. અફઘાનિસ્તાનના પત્રકાર હબીબ ખાને ઍક્સ પર લખ્યું છે, "એક અફઘાન હોવાની રૂએ હું ભારતની પ્રશંસા કરું છું, કારણ કે ભારતે અહીં ઘણાં કામ કર્યાં છે. સલમા બંધ, સંસદ અને રોડ ભારતે બનાવડાવ્યા છે. પરંતુ ભારત તાલિબાન સાથે જે પ્રકારે બધું સામાન્ય કરી રહ્યું છે, તેને જોઈને ઠગાયેલો મહેસૂસ કરી રહ્યો છું. તાલિબાન એક ગેરકાયદેસર શાસન છે, જેણે અમારા દેશ પર કબજો કરી લીધો છે. તેને રોકવો જોઈએ."

હબીબ ખાને વધુ એક પોસ્ટમાં લખ્યું છે, "ભારતીય પાકિસ્તાનથી નફરત કરે છે, પરંતુ અફઘાન ઘણી વધારે નફરત કરે છે. પરંતુ તાલિબાનને આમંત્રણ આપવું, જે પાકિસ્તાનના પ્રૉક્સી રહ્યા છે, જેમણે આત્મઘાતી હુમલા મારફતે સત્તા પર કબજો કર્યો અને મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદી દીધો છે. તાલિબાનને ભારતના મિત્ર તરીકે વિચારવું એ વાત પણ ભ્રમ પેદા કરે છે. એ ભારતના ઇતિહાસને ખોટા વળાંક પર લાવે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, ભારત, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને ચાર વર્ષ કરતાં વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ વૈશ્વિક સ્તરે અસ્થિરતાને કારણે તેમની સામે આર્થિક પડકારો બરકરાર છે.

ભારતે 2021 પહેલાં લગભગ ત્રણ અબજ ડૉલરની મદદથી અફઘાનિસ્તાનમાં બંધ, રસ્તા, હૉસ્પિટલ અને સંસદભવન જેવા પ્રોજેક્ટો પૂરા કર્યા હતા. તાલિબાનને આ પ્રોજેક્ટો જાળવા રાખવાની અને વધુ આર્થિક મદદની જરૂર છે.

ભારતના પૂર્વ રાજદૂત અનિલ ત્રિગુણાયતનું માનવું છે કે ભારત-અફઘાનિસ્તાનના 'ઊંડા સાંસ્કૃતિક સંબંધ' સત્તાપરિવર્તનથી ઝાઝા પ્રભાવિત નથી થતા.

અનિલ ત્રિગુણાયત એનડીટીવી સાથેની વાતચીતમાં કહે છે કે, "ભારત માટે સૌથી જરૂરી વાત એ છે કે અફઘાનિસ્તાન ભારતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અત્યંત નિકટનું સાથી રહ્યું છે. અહીં સુધી કે તાલિબાનના લોકો પણ ભારત પ્રત્યે સન્માન ધરાવે છે. સરકારે ભલે બદલાતી રહી હોય, પરંતુ સામાન્ય લોકો વચ્ચે ભારત-અફઘાનિસ્તાનનું જોડાણ હંમેશાં મજબૂત રહ્યું છે અને એ જ ભારતની અસલ તાકત છે."

ત્રિગુણાયતનું કહેવું છે કે, "ભારતની મુખ્ય ચિંતા તાલિબાન નહોતું, બલકે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ હતાં, જે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યાં હતાં. તાલિબાન સરકારે ભારતને એ વાતનો સ્પષ્ટ વિશ્વાસ અપાવ્યો છે કે તેમને ત્યાં કોઈ ભારતવિરોધી પ્રવૃત્તિ નહીં થવા દેવાય. પહેલાં આવું નહોતું, પરંતુ હવે તેમનું વલણ એકદમ સ્પષ્ટ છે. તેમણે પુલવામા હુમલાની નિંદા કરી હતી અને ભારત સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી."

ચીનનો 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ' પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં પ્રસરતો જઈ રહ્યો છે. ભારત નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે ચીન કે પાકિસ્તાનના પ્રભાવમાં આવી જાય.

તાલિબાન પણ નથી ઇચ્છતું કે કોઈ એક જ દેશ પર તેની નિર્ભરતા વધે, તેથી એ ભારત જેવા વૈકલ્પિક સહયોગીની શોધમાં છે.

'પાકિસ્તાન માટે ફટકો'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, ભારત, અફઘાનિસ્તાન

ડિપ્લોમેટિક મામલાના વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ ઍક્સ પર જણાવ્યું કે આ પ્રવાસ 'પાકિસ્તાન માટે વધુ એક ફટકો' છે અને આ તાલિબાન શાસનને અપ્રત્યક્ષપણે માન્યતા આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

તેમણે લખ્યું, "આ ભારત અને તાલિબાનના સંબંધોમાં એક નવા તબક્કાની શરૂઆત છે. જ્યાં બંને પક્ષ પોતપોતાનાં વ્યૂહરચનાત્મક હિતોને આગળ વધારવા માટે વ્યાવહારિક સહયોગ પર ભાર આપી રહ્યા છે."

ચેલાની પ્રમાણે, આ પ્રવાસ અફઘાનિસ્તાનના ક્ષેત્રીય શક્તિ સંતુલનમાં સંભવિત બદલાવનો પણ સંકેત આપે છે.

આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ભારત-પાકિસ્તાન અને પાકિસ્તાન-તાલિબાન સરકાર વચ્ચેના સંબંધ સતત બગડતા જઈ રહ્યા છે.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના હર્ષ વી. પંતે બીબીસીના કાર્યક્રમ 'દિનભર - પૂરા દિન પૂરી ખબર'માં પોતાની વાત કરતાં કહ્યું, "પાકિસ્તાન સાથેના સંબંધોમાં પડતી તાલિબાનને એ તક આપે છે કે એ પોતાના વિકલ્પ ખુલ્લા રાખે અને એ બતાવે કે હવે તેમનું અસ્તિત્વ પાકિસ્તાન પર આધારિત નથી. અફઘાનિસ્તાન પોતાની જાતને પાકિસ્તાન પર વધુ પડતી નિર્ભરતાથી અલગ એક સ્વતંત્ર ઓળખ સ્વરૂપે સ્થાપિત કરી રહ્યું છે."

તાલિબાનને પહેલાં પાકિસ્તાનનો 'વ્યૂહરચનાત્મક સહયોગી' માનવામાં આવતું હતું, પરતુ હાલનાં વર્ષોમાં બંનેના સંબંધોમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા પણ કર્યા છે, જેના પર તાલિબાને કઠોર વિરોધ વ્યક્ત કર્યો.

દક્ષિણે એશિયાના મામલા પર નજર રાખતા વિશ્લેષક માઇકલ કુગલમેન મુત્તકીના પ્રવાસને ભારત માટે એક તક તરીકે જોઈ રહ્યા છે.

માઇકલ કુગલમેને ઍક્સ પર લખ્યું, "ભારત અને તાલિબાનના સંબંધોમાં જે ઉષ્મા દેખાઈ રહી છે, એ ભારતની વિદેશનીતિના વ્યાવહારિક અને લચીલા વલણને રજૂ કરે છે. આનાથી ભારતને અફઘાનિસ્તાનમાં પોતાનાં હિતોને બહેતર રીતે આગળ વધારવાની અને વ્યક્ત કરવાની તક મળે છે. સાથે જ, આ ભારતને પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે વધતા તણાવનો કૂટનીતિક દૃષ્ટિએ લાભ ઉઠાવવાની પણ મંજૂરી આપી છે."

પડકારો શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તાલિબાન, ભારત, અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

હાલનાં વર્ષોમાં ભારતે વ્યાવહારિક વલણ અપનાવીને તાલિબાનના શાસન સાથે સંવાદ શરૂ કર્યો છે, પરંતુ આ સંબંધોને મજબૂત બનાવવાનું કામ સરળ નથી.

આમાં ઘણા મોટા પડકારો પણ રહેલા છે, જે રાજકીય, સુરક્ષા, આર્થિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે મુશ્કેલીઓ પેદા કરે છે.

ભારતે અત્યાર સુધી તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા નથી આપી. આ સ્થિતિ કૂટનીતિક સંતુલનની માગ કરે છે. ભારત સંવાદ પણ ચાલુ રાખવા માગે છે, પરંતુ માન્યતા આપવાથી બચે છે, જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેની છબિને અસર ન થાય.

તાલિબાન શાસનમાં માનવાધિકાર, મહિલા શિક્ષણ અને સમાવેશી શાસનની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આના પર તાલિબાન સરકારનું કહેવું છે કે એ મહિલાઓના અધિકારોનું સન્માન કરે છે, પરંતુ અફઘાન સંસ્કૃતિ ઇસ્લામી કાયદાની તેની પોતાની વ્યાખ્યા પ્રમાણે.

પશ્ચિમી દેશો પણ તાલિબાન શાસન પ્રત્યે સચેત છે. જો ભારત તાલિબાન સાથે નિકટતા વધારે તો તેને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવો પડી શકે છે.

અનુરાધા ચિનૉય કહે છે કે, "ભારત અચાનક તાલિબાનને માન્યતા નહીં આપે, પરંતુ વાતચીત બંધ ન કરી શકાય. એ વાત સાચી છે કે તાલિબાને મહિલાઓને અધિકારોને સંપૂર્ણપણે છીનવી લીધા છે. પશ્ચિમના દેશ તાલિબાન પર દબાણ કરી રહ્યા છે, પરંતુ ભારત એ વાત જાણે છે કે દબાણ કરીને કંઈ હાંસલ ન કરી શકાય. અમેરિકા વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં રહ્યું, પરંતુ મહિલાઓની સ્વતંત્રતાનો સવાલ ત્યારે પણ હતો. એ તો સ્પષ્ટ છે કે વાતચીતથી જ મુદ્દાનું સમાધાન થઈ શકે છે."

ધ હિંદુ અખબારના ડિપ્લોમેટિક અફેર્સનાં ઍડિટર સુહાસિની હૈદરે ઍક્સ પર લખ્યું, "હવે મોટો સવાલ એ છે કે - જો ભારતે કાબુલમાં પોતાનો દૂતાવાસ ફરીથી ખોલ્યો તો શું ભારત તાલિબાન તરફથી નિયુક્ત રાજદૂતને દિલ્હીમાં બોલાવશે ખરું? શું અફઘાન ગણરાજ્યના ધ્વજને સ્થાને તાલિબાનનો કાળો-સફેદ રંગવાળો ધ્વજ ફરકશે? શું દૂતાવાસમાં તાલિબાનના અધિકારી કામ કરશે? શું ભારત પણ રશિયાની માફક તાલિબાન સરકારને માન્યતા આપશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન