You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વજન ઘટાડવાનાં ઇન્જેક્શન લેવાથી થતા ફાયદા અને નુકસાનને જાણો
- લેેખક, નિક ટ્રિગલ અને ફિલિપા રોક્સબી
- પદ, બીબીસી ન્યૂઝ
બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે વજન ઘટાડવાની દવાઓ દેશના સ્થૂળકાય લોકોને કામ પર પાછા લાવવામાં મદદ કરીને અર્થતંત્રને વેગ આપી શકે છે.
પરંતુ નેશનલ હેલ્થ સિસ્ટમ (એનએચએસ)ના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ દવાઓ ઇચ્છતા દર્દીઓની સંખ્યા એટલી મોટી છે કે પહેલેથી બોજમાં દબાયેલી આરોગ્ય સેવા પર બોજ વધી જશે.
દવાઓ કેવી રીતે કામ કરે છે અને કેટલી સફળ?
બજારમાં અત્યારે બે દવા છે - વેગોવી બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવતી સેમાગ્લુટાઇડ અને મોન્જારોના નામે વેચાતી ટિર્ઝેપાટાઇડ. સેમાગ્લુટાઇડનો ઉપયોગ ડાયાબિટીસની સારવાર ઓઝેમ્પિકમાં પણ થાય છે.
વેગોવી અને મોન્જારો બંનેને પ્રિ-ફિલ્ડ પેન દ્વારા સાપ્તાહિક ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. આ ઇન્જેક્શન હાથના ઉપરના ભાગ, જાંઘ અથવા પેટ પર જાતે લગાવી શકાય છે.
તેઓ પેપ્ટાઈડ-1 (જીએલપી-1) જેવા ગ્લુકાગોન હોર્મોનની જેમ વર્તે છે અને ભૂખ દબાવવાનું કામ કરે છે.
ભોજન લીધા પછી આંતરડાંમાં આ હોર્મોન રિલીઝ થાય છે અને લોકોને પેટ ભરાઈ ગયાનો અનુભવ કરાવે છે.
મોન્જારો અન્ય એક હોર્મોન, ગ્લુકોઝ-આધારિત ઇન્સ્યુલિનોટ્રોપિક પોલિપેપ્ટાઇડ (જીઆઈપી)ને પણ અસર કરે છે, જે ચયાપચયને અસર કરે છે અને ઊર્જાના સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
દર્દીઓ સામાન્ય રીતે નાના ડોઝથી શરૂઆત કરે છે, પરંતુ પછી ડોઝ વધતો જાય છે અને એક સ્તર પર પહોંચ્યા પછી જળવાઈ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દવાઓ લેનારા લોકોમાં સામાન્ય રીતે થોડાં અઠવાડિયાંમાં વજન ઘટવાનું શરૂ થઈ જાય છે.
ક્લિનિકલ ટ્રાયલ દર્શાવે છે કે આ દવા લેવાની સાથે સાથે જ્યારે ભોજનમાં ફેરફાર કરવામાં આવે અને વ્યાયામ શરૂ કરાય, તો વેગોવી દવા લેનારાઓના વજનમાં એક વર્ષમાં 10 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.
અન્ય પરીક્ષણો સૂચવે છે કે મોન્જારો દવા લેનારાઓનું વજન વધારે ઘટે છે. પરંતુ બંને સારવારની તુલના કરવી મુશ્કેલ છે. બેમાંથી એક દવા લેનારા લોકો એક વખત સારવાર બંધ કરે પછી વજન પાછું ચઢી જાય છે.
હાલમાં ઇંગ્લૅન્ડ, વેલ્સ અને સ્કૉટલૅન્ડમાં એનએચએસ પર માત્ર વેગોવી ઉપલબ્ધ છે, પરંતુ થોડા સમયમાં મોન્જારો પણ મળવા લાગશે.
વેગોવીની ભલામણ માત્ર સ્પેશિયલાઇઝ્ડ વેઇટ મૅનેજમૅન્ટ સર્વિસ દ્વારા કરી શકાય છે અને ગમે તેને આ દવા નથી મળતી.
આ દવા માટે ક્વૉલિફાઇ થવા પુખ્તવયની વ્યક્તિને હાઈ બ્લડપ્રેશર અને મેદસ્વીપણા જેવી વજનને લગતી કોઈ એક સમસ્યા પહેલેથી હોવી જોઈએ.
કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ ધરાવતા લોકો, જેમનું વજન વધારે છે પરંતુ એકદમ સ્થૂળકાય ન હોય, તેમને પણ આ દવા આપી શકાય છે.
દર્દીઓએ ચોક્કસ આહાર લેવો પડે અને શારીરિક પ્રવૃત્તિ પણ કરવાની રહેશે. એનએચએસની માર્ગદર્શિકા અનુસાર આ દવા વધુમાં વધુ બે વર્ષ માટે જ આપી શકાશે.
વેગોવીની અછત હોવાના અહેવાલ છે. જોકે, તેની ઉત્પાદક કંપની નોવો નોર્ડિસ્ક કહે છે કે એનએચએસ પાસે સુરક્ષિત પુરવઠો હાજર છે.
વડા પ્રધાન કીએર સ્ટાર્મરે બીબીસીને જણાવ્યું હતું કે ઇંગ્લૅન્ડમાં સ્થૂળકાય બેરોજગાર લોકોને વજન ઘટાડવાની દવા આપવામાં આવે તે દેશના અર્થતંત્ર અને લોકોના આરોગ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
પરંતુ વજન ઘટાડવાના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એનએચએસ પાસે પહેલેથી આ દવાના સપ્લાયની અછત છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ માત્ર વ્યાપક સારવાર યોજનાના ભાગ રૂપે જ થવો જોઈએ.
શું વજન ઘટાડવાની દવાઓ ખાનગી સ્તરે ઉપલબ્ધ છે? તેની કિંમત કેટલી છે?
બંને દવાઓ ખાનગી બજારમાંથી ખરીદી શકાય છે. આ દવાઓ કેટલાક સુપરમાર્કેટ, કેમિસ્ટ અને હાઈ-સ્ટ્રીટ ક્લિનિક્સમાં મળી રહે છે.
ડોઝના આધારે પેનની કિંમત સામાન્ય રીતે 200થી 300 પાઉન્ડ વચ્ચે હોય છે.
અનિયંત્રિત સ્રોતમાંથી આ દવા ખરીદવી જોઈએ નહીં.
નવેમ્બર 2023માં બીબીસીની એક તપાસમાં જાણવા મળ્યું કે ઑનલાઇન વિક્રેતાઓ પ્રિસ્ક્રિપ્શન વગર સેમેગ્લુટાઈડને દવા તરીકે વેચે છે.
માન્ચેસ્ટર અને લિવરપૂલના બ્યૂટી સલૂન્સમાં આ દવા મળતી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વજન ઘટાડવાનાં ઇન્જેક્શનની કેવી આડઅસરો હોય છે?
આ ઇન્જેક્શન લેનારાઓને માંદગી અનુભવાય, ઊલટી થાય, પેટનું ફુલાય, કબજિયાત અને ઝાડા જેવી આડઅસરો થઈ શકે છે. કેટલાક લોકોના વાળ પણ ખરી જાય છે.
ઘણા લોકોની આડઅસર નિયંત્રણમાં આવી જાય તેવી હોય છે અને થોડા સમયમાં જતી રહે છે. કેટલાક લોકો કહે છે કે તેમણે આડઅસરના કારણે દવાઓ લેવાનું બંધ કર્યું હતું.
કેટલાક દુર્લભ કિસ્સામાં ગંભીર આડઅસરો થઈ શકે છે, જેમાં પિત્તાશય અને કિડનીની સમસ્યાઓ તથા ડિપ્રેશનનો સમાવેશ થાય છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે દવાઓનો દુરુપયોગ કરવામાં આવે તો જટિલ સમસ્યા થઈ શકે છે. કેટલીક વખત અમુક પાઉન્ડ વજન ઘટાડવાના શૉર્ટકટ તરીકે આ દવા ખરીદાય છે, અથવા અનિયંત્રિત ઑનલાઇન વિક્રેતાઓ પાસેથી દવા ખરીદાતી હોય છે.
ડૉક્ટર્સ કહે છે કે કેટલાક કિસ્સામાં સ્વાદુપિંડમાં સોજા જેવી ખતરનાક અને જીવલેણ સમસ્યા જોવા મળી છે.
તેથી જ નિષ્ણાતો કહે છે કે માત્ર ડૉક્ટરની સલાહ પછી જ આ દવા લેવી જોઈએ.
વજન ઘટાડવાની દવાઓ લેવાનું બંધ કરો ત્યારે શું થાય છે?
વજન ઘટાડવાની દવાઓ લેવાનું બંધ કરવામાં આવે તો વજન ફરીથી વધી જવાનું હંમેશાં જોખમ રહેલું છે, કારણ કે સારવાર બંધ કરવાથી ફરી સામાન્યની જેમ ભૂખ લાગવા માંડે છે.
તેથી જ નિષ્ણાતોની ભલામણ છે કે લોકોએ સારવાર દરમિયાન પોતાના આહાર અને કસરતમાં ફેરફાર કરવો જોઈએ અને તંદુરસ્ત આદતો જાળવી રાખવી જોઈએ.
આરોગ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગે આ દવાઓ પર "નિર્ભર રહેવાની સંસ્કૃતિ" વિકસાવવાના જોખમ વિશે ચેતવણી આપી છે.
સંશોધનો સૂચવે છે કે લોકો દવા બંધ કર્યા પછી એક વર્ષમાં મોટા ભાગનું વજન પાછું મેળવી લે છે.
તંદુરસ્ત બીએમઆઈ શું છે અને સ્થૂળતા કોને કહેવાય?
જેના શરીરમાં વધારે પડતી ચરબી હોય તેને સ્થૂળ અથવા મેદસ્વી કહેવાય.
એક અંદાજ મુજબ યુકેમાં દર ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ સ્થૂળકાય છે.
લોકોના વજનને વર્ગીકૃત કરવાની પ્રમાણભૂત પદ્ધતિ તેમના બૉડી માસ ઇન્ડેક્સ અથવા બીએમઆઈની ગણતરી છે. તેમાં પુખ્ત વયના લોકોના કિલોગ્રામમાં વજનને મીટરમાં તેમની ઊંચાઈના વર્ગ દ્વારા વિભાજિત કરવામાં આવે છે.
મોટા ભાગના પુખ્ત વયના લોકો બીએમઆઈ અને વજનનો સંબંધ આ મુજબ છેઃ
- 18.5થી નીચે - તમે અંડરવેઇટની રેન્જમાં છો
- 18.5થી 24.9 - તમે તંદુરસ્ત વજન રેન્જમાં છો
- 25થી 29.9 - તમે ઓવરવેઇટની રેન્જમાં છો
- 30થી 39.9 - તમે મેદસ્વી રેન્જમાં છો
- 40 અથવા તેથી વધુ - તમે ગંભીર રીતે મેદસ્વી રેન્જમાં છો
- એશિયન, ચાઇનીઝ, મિડલ ઇસ્ટર્ન, બ્લૅક આફ્રિકન અથવા આફ્રિકન-કેરેબિયન પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોએ ઓવરવેઇટ અને સ્થૂળતા માપવા માટે નીચા બીએમઆઈ સ્કોરનો ઉપયોગ કરવાની જરૂર છે:
- 23થી 27.4 - વધારે વજન
- 27.5 અથવા તેનાથી વધુ - મેદસ્વી
બીએમઆઈ કેટલીક મર્યાદાઓ ધરાવે છે. કારણ કે તે વજનનો અંદાજ આપે છે, ચરબીનો નહીં.
ઉદાહરણ તરીકે જે લોકો ખૂબ સ્નાયુબદ્ધ હોય, તેમાં ચરબી વગર પણ બીએમઆઈ ઊંચો હોઈ શકે છે.
પરંતુ મોટા ભાગના લોકો માટે તે તંદુરસ્ત વજન છે કે કેમ તે દર્શાવતો મહત્ત્વનો સંકેત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન