સંઘનાં 100 વર્ષ : દશેરા પર મોહન ભાગવતે આપેલા ભાષણમાં મોદી સરકાર માટે કયો સંદેશ છે?

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી ઑક્ટોબરે દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 100 વર્ષ પૂર્ણ કર્યાં.
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બીજી ઑક્ટોબરે વિજયાદશમીના પ્રસંગે નાગપુરમાં તેમનું વાર્ષિક ભાષણ આપ્યું હતું.

સંઘે આ વર્ષે તેની 100મી વર્ષગાંઠ ઉજવી હતી, તેથી આ વખતનું ભાષણ પણ ખાસ હતું.

મોહન ભાગવતે પોતાના વક્તવ્યમાં પહલગામ હુમલો, નક્સલવાદ અને અમેરિકન ટેરિફ જેવા મુદ્દાઓની વાત કરી હતી. તેમણે ભારતના પડોશી દેશોમાં અસ્થિરતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોહન ભાગવતે શું કહ્યું અને તેનો શું અર્થ થાય છે, તે સમજીએ.

પહલગામ હુમલો અને નક્સલવાદ

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, સંઘના વડાનો દાવો છે કે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના વધી છે.

મોહન ભાગવતે પોતાના ભાષણની શરૂઆતમાં જ પહલગામ હુમલા વિશે વાત કરી.

તેમણે કહ્યું કે, "પહલગામમાં પણ એક દુર્ઘટના બની હતી. સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. 26 ભારતીય નાગરિકોની તેમનો ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. પરંતુ આને કારણે સમગ્ર દેશમાં ભારે શોક અને ગુસ્સાની ઊઠી. તમામ તૈયારીઓ કર્યા પછી સરકાર અને આપણી સેનાએ તેનો ખૂબ જોરદાર જવાબ આપ્યો."

ભાગવતે કહ્યું, "આખા પ્રકરણમાં આપણા નેતૃત્વની દૃઢતા, આપણી સેનાની બહાદુરી અને કૌશલ્ય અને સમાજની એકતા અને દૃઢતાનું અદ્ભુત ચિત્ર રજૂ કરવામાં આવ્યું. આ ઘટનાએ આપણને શીખવ્યું કે આપણે ભલે બધા પ્રત્યે મૈત્રીપૂર્ણ લાગણીઓ રાખીએ, છતાં આપણે સુરક્ષા પ્રત્યે વધુને વધુ સતર્ક રહેવું પડશે. આપણે સક્ષમ બનવું પડશે કારણ કે આ ઘટના પછી વિશ્વના વિવિધ દેશોએ જે ભૂમિકા ભજવી, તેમાં આપણે જોયું કે કોણ આપણા મિત્રો છે અને ક્યાં સુધી છે."

ત્યાર પછી ભાગવતે 'નક્સલવાદ' વિશે વાત કરી.

તેમણે કહ્યું, "સરકાર અને વહીવટીતંત્રે દેશની અંદર અશાંતિ ફેલાવતા, બંધારણવિરોધી નક્સલવાદીઓ સામે પણ કડક પગલાં લીધાં. તેમની ખોખલી વિચારધારા સમજાયા પછી અને તેમની ક્રૂરતાનો અનુભવ કર્યા પછી સમાજ પણ નિરાશ થઈ ગયો અને તેમનાથી દૂર થઈ ગયો."

ભાગવતે કહ્યું, "તેઓ નિયંત્રણમાં આવી જશે. પરંતુ તે ક્ષેત્રમાં મોટો અવરોધ દૂર થયા પછી ત્યાં ન્યાય સ્થાપિત થવો જોઈએ, વિકાસ પહોંચવો જોઈએ, ત્યાં સદ્ભાવના, સહાનુભૂતિ અને સંવાદિતા સ્થાપિત થવી જોઈએ. આ માટે સમાજ તેમજ સરકાર અને વહીવટીતંત્રની યોજનાઓનો અમલ કરવો પડશે કારણ કે આનો અભાવ આવી ઉગ્રવાદી શક્તિઓના વિકાસનું કારણ છે."

મોહન ભાગવતે 'પડોશી દેશોમાં અશાંતિ'નો કર્યો ઉલ્લેખ

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, મોહન ભાગવતે 'નક્સલવાદ અને જેન ઝી'નો ઉલ્લેખ પણ પોતાના ભાષણમાં કર્યો હતો.

ત્યાર પછી મોહન ભાગવતે ભારતના પાડોશી દેશોમાં તાજેતરમાં સર્જાયેલી અશાંતિ વિશે વાત કરી.

તેમણે કહ્યું કે, "જો કુદરતી ઉથલપાથલ હોય તેવી રીતે જાહેર જીવનમાં પણ ઉથલપાથલ હોય છે. શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં અને પછી નેપાળમાં... આપણા પડોશી દેશોએ પણ તેનો અનુભવ કર્યો છે. ક્યારેક આવું બને છે... તંત્ર લોકો સાથે નથી હોતું, સંવેદનશીલ નથી, લોકલક્ષી નથી... જો લોકોની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં ન આવે, તો અસંતોષ રહે છે. પરંતુ આ રીતે તે અસંતોષ વ્યક્ત કરવો કોઈના માટે ફાયદાકારક નથી."

ભાગવતે એમ પણ કહ્યું કે, "પરિવર્તન લોકતાંત્રિક રસ્તેથી પણ આવે છે. આવા હિંસક માર્ગેથી પરિવર્તન નથી આવતું. થોડી ઉથલપાથલ થાય છે, પણ પરિસ્થિતિ એવી જ રહે છે."

તેમણે એમ પણ કહ્યું કે આપણે વિશ્વના ઇતિહાસ પર નજર કરીએ તો, "આ તોફાની કહેવાતી ક્રાંતિઓ આવી" પરંતુ કોઈ ક્રાંતિએ પોતાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કર્યો નથી. તેમણે કહ્યું, "આવા હિંસક પરિવર્તનથી લક્ષ્ય પ્રાપ્ત થતાં નથી. તેનાથી વિપરીત, અરાજકતાની સ્થિતિ દેશની બહારની સ્વાર્થી શક્તિઓને તેમના ખેલ પાર પાડવામાં મદદ કરે છે."

'જેન-ઝી' પર સંઘે નિશાન તાક્યું?

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, આરએસએસના વડાના ભાષણમાં અમેરિકન ટેરિફની વાત પણ કરવામાં આવી.

તાજેતરમાં નેપાળમાં હિંસક પ્રદર્શનો થયાં જેની આગેવાની 'જેન ઝી'એ લીધી હતી.

આરએસએસના વડા મોહન ભાગવતે કોઈનું નામ લીધા વગર આ પેઢીના વિચારો પર પણ પ્રશ્નો કર્યા. તેમણે કહ્યું કે, "વિરોધાભાસી અને ખતરનાક વિચારધારા ધરાવતો એક નવો સંપ્રદાય ઘણા સમય પહેલાં ઉભરી આવ્યો હતો. આજકાલ, તે ભારતમાં પણ પોતાનો પ્રભાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે."

તેમણે કહ્યું, "આને કારણે બધા દેશોમાં સામાજિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, એક રીતે આખો સમાજ અરાજકતા તરફ આગળ વધી રહ્યો છે. આવી શક્યતા બધા દેશોમાં દેખાઈ રહી છે અને અનુભવાય છે. તેથી વિશ્વ જ્યારે આ બધી પરિસ્થિતિઓ વિશે પુનર્વિચાર કરે છે, ત્યારે તે ભારત તરફ અપેક્ષા સાથે જુએ છે. ભારત આનો ઉકેલ શોધી કાઢશે તેવી વિશ્વમાં અપેક્ષા છે."

ભાગવતે કહ્યું, "સદ્ભાગ્યે ભારતમાં આશાનું કિરણ દેખાય છે કે નવી પેઢીમાં દેશભક્તિ, શ્રદ્ધા અને પોતાની સંસ્કૃતિમાં વિશ્વાસની ભાવના સતત વધી રહી છે."

ભાગવતના આ ભાષણનો અર્થ શું થાય છે?

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, વિશ્લેષકો માને છે કે સંઘના વડાના ભાષણમાં કોઈ નવી વાત ન હતી, અગાઉની વાતો જ દોહરાવવામાં આવી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીલાંજન મુખોપાધ્યાય એક પત્રકાર, લેખક અને રાજકીય વિશ્લેષક છે. ૉ

તેમણે બાબરી મસ્જિદના ધ્વંસ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અગ્રણી વ્યક્તિઓ પર પુસ્તકો લખ્યા છે.

તેઓ કહે છે, "ભારતના પડોશમાં એક બળવો થયો છે. સરકાર અને RSSની અંદર પણ એ વાત સમજાઈ છે કે આ સરકાર આર્થિક રીતે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. બેરોજગારી અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે છે."

તેઓ કહે છે, "સરકારે કોવિડ પછી મફત રાશનનું વિતરણ કરવાનો નિર્ણય ન લીધો હોત તો ભારતમાં લોકો ભૂખે મર્યા હોત. આટલી મોટી સંખ્યામાં લોકો સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતા મફત ખોરાક પર નિર્ભર છે. આ સરકારનું બહુ સારું પ્રદર્શન દેખાડતું નથી."

તો શું એવું કહી શકાય કે નેપાળમાં જે બન્યું, તેના જેવું કંઈક ભારતમાં પણ બની શકે છે?

આ અંગે નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "હા, ચોક્કસપણે ચિંતા છે કે ગમે ત્યારે બળવો ફાટી શકે છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન થયેલાં કેટલાંક સર્વેક્ષણોમાં લોકોમાં બેચેની જોવા મળી હતી તે વાતનો આપણે ઇન્કાર કરી શકતા નથી. રોજિંદી સમસ્યાઓ જેમ કે, ખોરાક, કપડાં, રહેઠાણ - અને સૌથી અગત્યની વાત બેરોજગારી આનું કારણ છે."

બીજી તરફ લેખિકા અને રાજકીય વિશ્લેષક રાધિકા રામસેશન માને છે કે ભારતના પડોશી દેશોમાં જે પ્રકારની ઉથલપાથલ થઈ, તે ભારતમાં થવાની શક્યતા ઓછી છે. જોકે, "જેન ઝી" વિશે મોહન ભાગવતે જે વાત કરી તેના ગાઢ અર્થ છે.

તેઓ કહે છે કે, "ભાગવતે ચોક્કસપણે ચિંતા વ્યક્ત કરી છે. જુઓ, નરેન્દ્ર મોદીની સરકાર ઘણાં વર્ષોથી સત્તામાં છે. ચૂંટણી માટે હજુ સમય છે, પરંતુ આરએસએસનું નેટવર્ક એટલું વ્યાપક છે કે તેમને દરરોજ પ્રતિસાદ મળી રહ્યો હશે. તેમને ખબર હોવી જોઈએ કે લોકો કઈ બાબતમાં સંતુષ્ટ છે અને કઈ બાબતમાં પરિસ્થિતિ ચિંતાજનક છે."

"આગામી સમયમાં ઘણી ચૂંટણીઓ આવી રહી છે. તેથી મને લાગે છે કે સંઘને પણ ફીડબૅક મળ્યો હશે કે યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે. મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. તેથી, મોહન ભાગવત ભાજપ સરકારને આંખો ખુલ્લી રાખવા અને સતર્ક રહેવાનો સંકેત આપી રહ્યા છે."

ધાર્મિક સહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, RSS.ORG

ઇમેજ કૅપ્શન, નાગપુરના રેશમબાગ ખાતે સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સંઘના વડા મોહન ભાગવત.

મોહન ભાગવતે પોતાના ભાષણમાં ધાર્મિક સહિષ્ણુતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત પર આક્રમણ થયું અને વિદેશીઓ ભારતમાં આવ્યા. વિવિધ કારણોથી ભારતના લોકોએ પણ તેમની વિચારધારા અને પંથ-સંપ્રદાયોને સ્વીકાર્યા.

ભાગવતે કહ્યું, "વિદેશીઓ ચાલ્યા ગયા છે. પરંતુ આજે પણ તેમનો (ધર્મ) સ્વીકારનારા આપણા બંધુઓ દેશમાં રહે છે. સદનસીબે, ભારતમાં તમામ પ્રકારની વિવિધતાને આવકારવાની, આદર આપવાની અને સ્વીકારવાની પરંપરા છે. તેથી બહારથી આવેલી વિચારધારાને અમે પરાઈ નથી માનતા, તેને અલગ નથી ગણતા."

ભાગવતે કહ્યું કે લોકોએ એકબીજા પ્રત્યે સદ્ભાવના અને સંયમ રાખવો જોઈએ. તેમણે કહ્યું, "નાના મોટી વાતોમાં કે પછી મનમાં માત્ર શંકાના આધારે કાયદો પોતાના હાથમાં લેવો, રસ્તા પર ઉતરી પડવું, ગુંડાગીરી અને હિંસા કરવી એ યોગ્ય નથી. મનમાં પ્રતિક્રિયા રાખીને અથવા કોઈ ચોક્કસ સમુદાયને ઉશ્કેરવા માટે શક્તિનું પ્રદર્શન કરવું એ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે."

આરએસએસ અને તેની સાથે સંકળાયેલાં કેટલાંક સંગઠનો પર ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવામાં મોહન ભાગવતના આ નિવેદનને કેવી રીતે જોવું જોઈએ?

આના વિશે નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "લઘુમતીઓને નિશાન બનાવવામાં નથી આવતા એવું નથી. મુસ્લિમોને માર મારવાના સમાચાર વારંવાર સાંભળવા મળે છે. તેથી ભાગવતના નિવેદનનું બહુ મહત્ત્વ નથી રહી જતું. તેમણે પહેલાં પણ આ પ્રકારનાં નિવેદનો આપ્યાં છે. પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી."

તેઓ સવાલ કરે છે, "આરએસએસ તેમના તંત્રનો હિસ્સો હોય તેવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? આરએસએસ એવું કેમ નથી કહેતું કે હવેથી અમે તેમની સાથે કોઈ સંબંધ રાખીશું નહીં અને આ લોકો સંઘ સાથે સંકળાયેલા કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં?"

"તેઓ આવા દિશાનિર્દેશ જારી કરતા નથી. તેથી આ લોકો તેમની સિસ્ટમનો ભાગ બની રહે છે. સંઘને ફાયદો થતો હોય ત્યારે સંઘ તેમનો ઉપયોગ કરે છે."

રાધિકા રામસેશન કહે છે કે આવી વાતો કહેતા પહેલાં આરએસએસના વડાએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં એકમોને પાઠ ભણાવવો જોઈએ.

તેઓ કહે છે, "ધાર્મિક સહિષ્ણુતાની વાત કરતા પહેલાં સંઘે પોતાની અંદર જોવું જોઈએ. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને સમજાવવા જોઈએ કે નાનીનાની વાતોનાં બહાનાં બનાવીને લઘુમતીઓ પર હુમલા ન કરે."

તેઓ કહે છે કે ભારતીયોએ અન્ય ધર્મો અપનાવ્યા તેનું કારણ હિંદુ ધર્મમાં પ્રવર્તમાન જાતિ આધારિત ભેદભાવ છે. તેમના કહેવા મુજબ આજે પણ એવા લોકો છે જેઓ કૂવામાંથી પાણી ભરી શકતા નથી કે મંદિરમાં પ્રવેશ કરી શકતા નથી. તેઓ ખેતરોમાં કામ તો કરી શકે છે પણ તેમને પાક મળતો નથી.

રાધિકા રામસેશનના મતે, "સંઘે આ લોકોને ફક્ત વોટબૅન્ક ગણવાના બદલે તેમને અપનાવવાનો પ્રયાસ કરવો જોઈએ."

ભાજપ પ્રત્યે આરએસએસનું નરમ વલણ?

બીબીસી ગુજરાતી આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી મોહન ભાગવત ભાજપ હિંદુ મુસલમાન નક્સલવાદ જેન ઝી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોના કહેવા પ્રમાણે નરેન્દ્ર મોદી સંઘના એજન્ડાને ચૂસ્ત રીતે આગળ વધારી રહ્યા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી દશેરા પર આરએસએસ વડાના ભાષણોને કેન્દ્ર સરકાર માટે સંદેશ તરીકે જોવામાં આવે છે. જોકે, આ વખતે તેમના ભાષણમાં એવું કંઈ દેખાતું ન હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી આરએસએસની પ્રશંસા કરી હતી.

સંઘ પોતાનાં શતાબ્દી વર્ષની ઉજવણી કરે છે, ત્યારે શું તે ભાજપ પ્રત્યે નરમ વલણ દેખાડે છે?

આના વિશે રાધિકા રામસેશન કહે છે, "આરએસએસને મોદી જેવા વડા પ્રધાન ઉતાવળમાં નહીં મળે. તેઓ આરએસએસના એજન્ડાને સંપૂર્ણ રીતે લાગુ કરી રહ્યા છે. મોદી પોતે વર્ષોથી પ્રચારક રહ્યા છે. તેઓ આરએસએસને નહીં સમજે તો બીજું કોણ સમજશે? તેઓ જાણે છે કે સંઘની અપેક્ષાઓ શું છે અને ક્યાં રેખા દોરવાની છે."

તેમના મતે, આરએસએસની ભૂમિકા એક સંયોજકની છે.

તેઓ કહે છે, "સંઘ દરેક બેઠકમાં સંકેત આપે છે કે ભાજપ સરકારને સંઘ તરફથી કોઈ સમસ્યા નડવી ન જોઈએ અને આ સરકાર ચાલુ રહેવી જોઈએ. સંઘનું વલણ એ છે કે ભાજપને જાહેરમાં કોઈ ચેતવણી કે પડકાર આપવો નહીં."

બીજી તરફ નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "મને લાગે છે કે મોહન ભાગવતે નક્કી કર્યું હતું કે આ મંચ આરએસએસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા મુદ્દાઓને ઉકેલવાની જગ્યા નથી. સંઘને એ વાતથી કોઈ વાંધો નથી કે ભાજપ અને મોદી સરકારે ખરેખર તેમની અપેક્ષા કરતાં વધુ કામ કર્યું છે."

તેમના મતે, "તેઓ ત્રણ વિવાદાસ્પદ મુદ્દાઓથી ઘણા આગળ વધી ગયા છે. રામ મંદિરનું નિર્માણ થયું છે, કલમ 370 નાબૂદ કરવામાં આવી છે અને વિવિધ રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે."

નીલાંજન કહે છે, "આરએસએસના વૈચારિક ઉદ્દેશ્યો મોટાભાગે સરકાર દ્વારા અને વ્યક્તિગત રીતે વડા પ્રધાન મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યા છે અને પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. છતાં, આરએસએસ અને ભાજપ વચ્ચે એક પ્રકારનું અંતર રહે છે."

"પાછલી લોકસભાની ચૂંટણીઓમાં આરએસએસ એટલું સક્રિય નહોતું, જેટલું ભૂતકાળમાં હતું. ચૂંટણીનાં પરિણામોએ દેખાડ્યું કે ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો હતો. આપણે બધાએ તારણ કાઢ્યું કે આરએસએસના કાર્યકરોનો રસ ઓછો થઈ ગયો હતો તે એક કારણ હતું."

નિલાંજન યાદ કરે છે, "જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભાજપને હવે આરએસએસની જરૂર નથી. પરંતુ આરએસએસે બતાવ્યું કે કોને કોની જરૂર છે. ભાજપ હજુ પણ ચૂંટણીના રાજકારણમાં આત્મનિર્ભર નથી. તેને આરએસએસના ટેકાની જરૂર છે."

"પરંતુ ભાગવતે આ વિશે વાત કરી ન હતી. પરોક્ષ રીતે પણ નહીં. તેમના અગાઉનાં ભાષણોમાં મોદી વિશે કટાક્ષભરી ટિપ્પણીઓ હતી. હવે આવું કંઈ કહેવામાં આવ્યું નથી. તેથી જૂના મુદ્દાઓ યથાવત્ છે."

નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે તેમને આશા હતી કે સંઘનાં 100 વર્ષ પૂર્ણ થવા પર સંઘના વડા તેમના ભાષણમાં કંઈક પાછળ ફરીને જોવાની વાત કરશે.

તેઓ કહે છે, "મને આશા હતી કે આ ભાષણમાં કેટલાક જૂના વિચારોનું પુનર્મૂલ્યાંકન થશે. કેટલાક વિચારોને પાછળ છોડી દેવાનો પ્રયાસ થશે. ઉદાહરણ તરીકે, થોડાં વર્ષો પહેલા તેમણે કહ્યું હતું કે ગોલવલકરનાં લખાણો ચોક્કસ ઐતિહાસિક સંદર્ભમાં લખાયાં હતાં. તેથી તેની પ્રાસંગિકતા હવે ઘટી ગઈ છે."

તેઓ કહે છે, "મને આશા હતી કે આ વખતે વાર્ષિક વિજયાદશમીના ભાષણમાં કંઈક વધુ નક્કર બહાર આવશે. પરંતુ એવું બન્યું નહીં. તેમણે એ જ વાતોનું પુનરાવર્તન કર્યું જે તેમણે અગાઉ પણ કોઈને કોઈ પ્રસંગે કહી હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન