અજિત પવાર વિમાન દુર્ઘટના : રોહિત પવારે અકસ્માતને 'કાવતરું' ગણાવ્યો, ગંભીર સવાલો કર્યા

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોહિત પવારે 10 ફેબ્રુઆરીએ મીડિયા સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બાબતે કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા
વાંચવાનો સમય: 12 મિનિટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારનું મૃત્યુ અકસ્માત નહીં, પરંતુ કાવતરું હતું એવી આશંકા ધારાસભ્ય રોહિત પવારે કરતાં મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.

રોહિત પવારે 10 ફેબ્રુઆરીએ મીડિયા સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બાબતે કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

રોહિત પવાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (શરદ પવાર) કર્જત-જામખેડ (અહલ્યાનગર) મતવિસ્તારના ધારાસભ્ય છે અને અજિત પવારના ભત્રીજા પણ છે.

અજિત પવારના પ્લેન ક્રૅશ બાબતે પોતે વિવિધ સ્રોતોમાંથી માહિતી મેળવી હોવાનું જણાવતાં રોહિત પવારે મુખ્યત્વે ઍરલાઇન કંપની વીએસઆર, હૅન્ડલર કંપની ઍરો અને વિમાનના મુખ્ય પાઇલટ કૅપ્ટન સુમિત કપૂર બાબતે શંકા વ્યક્ત કરી હતી.

રોહિત પવારે જણાવ્યું હતું કે આ પ્રકરણની તપાસ કરી રહેલી એજન્સીઓ ખૂબ ધીમી ગતિએ કામ કરતી હોવાથી તેમણે જાતે માહિતી મેળવવી પડી. બધી એજન્સીઓ દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે તો સત્ય બહાર આવશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

રોહિત પવારે એમ પણ જણાવ્યું હતું કે તેમનો નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) અને સરકાર પર કોઈ આરોપ નથી.

28 જાન્યુઆરીએ અજિત પવારનું પ્લેન ક્રૅશ થયું એ જ દિવસે વીએસઆર ઍરલાઇનના માલિક વિજયકુમાર સિંહે કહ્યું હતું, "વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી અને પાઇલટ પણ અનુભવી હતો."

રોહિત પવારની 10 ફેબ્રુઆરીની પત્રકારપરિષદ પછી બીબીસી ન્યૂઝ મરાઠીએ વીએસઆર કંપનીના બીજા માલિક અને ડાયરેક્ટર રોહિતસિંહનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ હોવાને કારણે સંપર્ક થઈ શક્યો ન હતો. તેથી વીએસઆર કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. તેમનો જવાબ મળશે તો આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

રોહિત પવારે પત્રકારપરિષદ અને પ્રેઝન્ટેશનમાં જે દાવાઓ અને આક્ષેપો કર્યા છે તેની સ્વતંત્ર ચકાસણી બીબીસી ન્યૂઝ મરાઠીએ કરી નથી.

રોહિત પવારે આ સમગ્ર મામલામાં કયા આરોપ કર્યા છે અને તેમણે તેના માટે કયાં કારણો આપ્યાં હતાં તે વિગતવાર જાણીએ.

વીએસઆરના માલિકના દાવા વિશે રોહિત પવારે શું કહ્યું?

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Amol NILAKHE / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત થયું હતું અને તેમના ભત્રીજાએ આ ઘટના અંગે અનેક પ્રશ્નો કર્યા છે

અજિત પવાર જે વિમાનમાં અકસ્માતનો ભોગ બન્યા હતા તે વિમાન લિયરજેટ-45 પ્રકારનું હતું. એ વિમાન સેવા વીએસઆર કંપની પૂરી પાડે છે.

ગ્રામપંચાયતનું સીસીટીવી ફૂટેજ દર્શાવતાં રોહિત પવારે શંકા વ્યક્ત કરી હતી કે "વિમાન હવામાં નમેલું હતું. તેથી તેમાં કોઈ ખરાબી હોવી જોઈએ."

વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ન હોવાનો કંપનીના માલિકનો દાવો ખોટો હોવાનું રોહિત પવારે જણાવ્યું હતું.

રોહિત પવારે સવાલ કર્યા હતા કે "ટેક-ઑફ પહેલાં વિમાનનું ચેક-અપ થયું હતું? વિમાનનો ટૅકલૉગ (Techlog) ક્યાં છે? વિમાનનો ઍરવર્ધી (Airworthy Report) રિપોર્ટ ક્યાં છે?"

ટૅકલૉગમાં વિમાનના મેન્ટેનન્સ સંબંધી માહિતી હોય છે, જ્યારે ઍરવર્ધી રિપોર્ટમાં પ્લેન હવામાં ઊડવા યોગ્ય છે કે નહીં તેની વિગત હોય છે.

ટેક-ઑફ પહેલાં વિમાનની ચકાસણી કયા કર્મચારીઓએ કરી હતી તેની માહિતી મેળવવાનું અને તેમની તપાસ કરવાનું પણ જરૂરી છે, એવું રોહિત પવારે જણાવ્યું હતું.

રોહિત પવારે કહ્યું હતું, "રોહિત પવારે આ સંદર્ભે ખૂબ જ ગંભીર શંકા કરી છે. આ બધાના ખોટા રિપોર્ટ્સ તૈયાર કરી શકાય છે. તેથી તમામ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા પડશે."

2023ના અકસ્માતની ટીકા

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વીએસઆર કંપનીના આ જ પ્રકારના વિમાનને 2023માં મુંબઈમાં અકસ્માત નડ્યો હતો. એ વિશે કેટલીક માહિતી રજૂ કરીને રોહિત પવારે કંપની પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

તેમણે કહ્યું હતું, "14 સપ્ટેમ્બર, 2023ના રોજ થયેલા અકસ્માતમાં છ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. એ વખતે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું."

"એ અકસ્માતનો અહેવાલ હજુ સુધી બહાર આવ્યો નથી," એમ જણાવતાં રોહિત પવારે આક્ષેપ કર્યો હતો કે તે અહેવાલને દબાવી દેવાયો છે. એ રિપોર્ટ બહાર આવ્યો હોત અને એ સંબંધે કાર્યવાહી કરવામાં આવી હોત તો અજિત પવારનો અકસ્માત ટાળી શકાયો હોત, એવો દાવો રોહિત પવારે કર્યો હતો.

યુરોપિયન એવિએશન સેફટી એજન્સી (ઇએએસએ)એ તેની ગંભીર નોંધ લીધી હોવાનું રોહિત પવારે જણાવ્યું હતું.

"ઇએએસએએ લેવલ-વન ભૂલોનું કારણ આપીને વીએસઆર કંપનીનું લાયસન્સ રદ કર્યું હતું. ઇએએસએએ આવી કાર્યવાહી કરી હોવા છતાં વીએસઆરનાં વિમાનો આજે પણ ઉડાન કેવી રીતે ભરી રહ્યાં છે? તેમને હજુ પણ પરવાનગી શા માટે આપવામાં આવે છે?" એવો સવાલ રોહિત પવારે કર્યો હતો.

અજિત પવાર વિમાન દુર્ઘટનાના થોડા કલાકો પછી 28 જાન્યુઆરીએ પત્રકારોએ વીએસઆરના માલિક વિજયકુમાર સિંહને 2023ની ઘટના બાબતે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું, "2023ની ઘટના વખતે વરસાદ પડતો હતો અને લો-વિઝિબિલિટીની સમસ્યા હતી."

વીએસઆર અને પાઇલટ્સ પર ગંભીર આરોપો

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/Rohit Pawar

ઇમેજ કૅપ્શન, ઇએએસએએ આવી કાર્યવાહી કરી હોવા છતાં વીએસઆરનાં વિમાનો આજે પણ ઉડાન કેવી રીતે ભરી રહ્યાં છે? તેમને હજુ પણ પરવાનગી શા માટે આપવામાં આવે છે?" એવો સવાલ રોહિત પવારે કર્યો હતો.

વીએસઆર કંપનીના ભૂતપૂર્વ પાઇલટ્સ, એન્જિનિયરો અને ડીજીસીએના કેટલાક અધિકારીઓ સાથે વાત કરવાથી કંપની વિશે ગંભીર માહિતી મળી હોવાનો દાવો રોહિત પવારે કર્યો હતો.

રોહિત પવારે જણાવ્યું હતું કે પાઇલટ્સે ફ્લાઇટ્સ પછી નિશ્ચિત સમય માટે વિરામ લેવાનો હોય છે, પરંતુ કંપની નિયમોનું ઉલ્લંઘન કરે છે અને પાઇલટ્સના ઉડાન કલાકોના દસ્તાવેજોમાં ચેડાં કરે છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિમાનમાંનું સૌથી મહત્ત્વપૂર્ણ કોકપીટ વૉઇસ રેકૉર્ડર વારંવાર બંધ કરી દેવામાં આવે છે અને વિમાન ઉડ્ડયન સંબંધી ચેકલિસ્ટને અનુસરવામાં આવતી નથી.

કંપની વિમાનના મેન્ટેનન્સ પ્રત્યે દુર્લક્ષ રાખતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

"વિમાનનું ઉતરાણ પહેલી વાર શક્ય બન્યું ન હતું. તેથી વિમાને ગો-રાઉન્ડ લીધું હતું, ઉતરાણનો બીજો પ્રયાસ કર્યો હતો. બીજા પ્રયાસમાં રન-વે દેખાશે, એવું તેમને જણાવાયું હશે, પરંતુ વિમાનચાલકને રન-વે દેખાતો નહીં હોય અને તેને અન્યત્ર જવું હશે. એ વખતે કંપનીએ પાઇલટને ઈંધણ બચાવવાનો આદેશ આપ્યો હતો?" એવો ગંભીર સવાલ રોહિત પવારે કર્યો હતો.

રોહિત પવારે કહ્યું હતું, "તેઓ બીજા ઍરપૉર્ટ પર ઉતરાણ કરવા ગયા હોત તો, એ જ વિમાન બીજે ક્યાંક બૂક કરવા માટે મળેલા ભાડાના રૂ. 10 લાખ ગુમાવવા પડ્યા હોત. તેથી અહીં વિઝિબિલિટી ન હોવા છતાં વિમાનના ઉતરાણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો?"

વિમાન ક્યાં જવાનું હતું તેની માહિતી પણ રોહિત પવારે પ્રસ્તુત આરોપ સંદર્ભે આપી હતી.

રોહિત પવારે કહ્યું હતું, "વિમાન નમેલું હોય ત્યારે તેની ચેતવણી આપવા માટેની સ્ટોલ વૉર્નિંગ સિસ્ટમ પ્લેનમાં હોય છે, પરંતુ અજિતદાદા જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તે વિમાનમાંની આવી સિસ્ટમ બંધ હોવાની પાક્કી માહિતી અમારી પાસે છે. કેટલાક લોકોએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી અમને આપી હતી. નામ જાહેર થશે તો નોકરી ગુમાવવી પડશે, એ કારણસર તેમણે નામ નહીં જાહેર કરવાની વિનંતી કરી હતી."

"વીએસઆર કંપની તેનાં વિમાનોના મેન્ટેનન્સનું કામ પોતે જ કરે છે, પણ તેમની પાસે એ કામના નિષ્ણાતો છે? તેમની પાસે આવી સત્તા છે? મેન્ટેનન્સનું કામ કરતા કર્મચારીઓ કોણ છે?" એવા સવાલ કરતાં રોહિત પવારે કહ્યું હતું, "તપાસ આગળ વધતી ન હોવાને કારણે આ પ્રકારે માહિતી મેળવવી પડી છે."

'ઈંધણ બૉમ્બ' વિશે શું કહ્યું?

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોહિત પવારે જણાવ્યું હતું કે પાઇલટ્સે ફ્લાઇટ્સ પછી નિશ્ચિત સમય માટે વિરામ લેવાનો હોય છે, પરંતુ કંપની નિયમોનું ઉલ્લંઘન કરે છે અને પાઇલટ્સના ઉડાન કલાકોના દસ્તાવેજોમાં ચેડાં કરે છે

રોહિત પવારે એક ગંભીર આરોપ લગાવ્યો હતો અને આ કંપની બાબતે એક માહિતી મળ્યાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "પૈસા બચાવવા માટે વીએસઆર કંપનીના વિમાનમાં ઘણી વાર કેનમાં વધારાનું ઈંધણ લઈ જવામાં આવતું હોવાની ભરોસાપાત્ર માહિતી મળી છે." આ વાતની પુષ્ટિ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવું પડશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.

"સ્થાનિકોએ આપેલી માહિતી અનુસાર, બારામતીમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ચારથી પાંચ વિસ્ફોટ થયા હતા. તેથી એ દિવસે વિમાનમાં વધારાના ઈંધણનું કેન હશે. શું ઈંધણનું તે કેન અજિતદાદા જે સીટ પર બેઠા હતા તેની પાછળના ભાગમાં રાખવામાં આવ્યું હતું?" એવો સવાલ રોહિત પવારે કર્યો હતો.

આવું ઈંધણ પ્લેનમાં હોય તો તે એક પ્રકારનો બૉમ્બ હોય છે, એવું તેમણે જણાવ્યું હતું.

તેમના કહેવા મુજબ, "આજે પણ ઘણા વીઆઇપી લોકો આ કંપનીના વિમાનો ઉપયોગ કરે છે. તેથી તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે."

વીએસઆર કંપની બાબતે બહાર આવેલી માહિતીને ધ્યાનમાં લઈને આ મામલે ક્લિયરન્સ એન્જિનિયર, ક્વૉલિટી એન્જિનિયર અને મેન્ટેનન્સ એન્જિનિયરને અટકાયતમાં લઈને તેમની ઉચ્ચસ્તરીય તપાસની માગણી રોહિત પવારે કરી હતી.

એ ઉપરાંત કંપનીના માલિક તથા ડાયરેક્ટરો સામે પણ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને કંપની પર તત્કાળ પ્રતિબંધ મૂકવાની માગણી પણ તેમણે કરી હતી.

બૂકિંગ કંપની પર પણ ગંભીર આરોપો

વીવીઆઇપી લોકો માટે વિમાન બૂકિંગનું કામ કરતી ઍરો કંપની પર પણ રોહિત પવારે ગંભીર આરોપ કર્યા હતા.

તેમણે કહ્યું હતું, "આવું બૂકિંગ વૉટ્સઍપ ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે. એ વૉટ્સઍપ ગ્રૂપમાં કંપનીના હૅન્ડલર, કંપનીના માલિક, વીવીઆઇપી વ્યક્તિઓના અંગત મદદનીશ તેમજ મહારાષ્ટ્રના એવિએશન ડિરેક્ટોરેટના ડિરેક્ટર હોય છે."

આ માહિતી આપતી વખતે રોહિત પવારે બૂકિંગ માટેના વૉટ્સઍપ ગ્રૂપની કથિત ચૅટનો સ્ક્રીનશૉટ દેખાડ્યો હતો. આ ગ્રૂપમાંના હૅન્ડલરને બધા વીવીઆઇપી પ્રવાસીઓ વિશેની સંપૂર્ણ માહિતી હોય છે. એ ગ્રૂપ હૅન્ડલર કોણ હતો, એવો સવાલ રોહિત પવારે કર્યો હતો.

'મોટા નેતા' અને 'કન્સલ્ટન્ટ' વિશે શું કહ્યું?

રોહિત પવારના જણાવ્યા મુજબ, તેમને શંકા છે કે અજિત પવારના પ્લેનને નડેલો અકસ્માત કાવતરું હોઈ શકે છે.

તેમણે કહ્યું હતું, "યોજના મુજબ, અજિત પવાર 27 જાન્યુઆરીએ સાંજે કાર દ્વારા મુંબઈથી પુણે આવવાના હતા અને પુણેથી બારામતી જવાના હતા. તેના માટેનો કાફલો પણ તૈયાર હતો, પરંતુ વિલંબને કારણે અજિત પવારે પ્લેન દ્વારા જવાનું નક્કી કર્યું હતું."

તેમણે ઉમેર્યું હતું, "એક મોટા નેતા અજિતદાદાને મળવા આવવાના હતા, પરંતુ તેઓ મોડા આવ્યા અને પછી ચર્ચામાં સમય ગયો. તેથી અજિતદાદા પાસે પ્લેન બૂક કરવા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો. મારી માહિતી મુજબ, પૂર્વ વિદર્ભના એક નેતાની ફાઇલ પર સહી કરવાની હતી. તે ફાઇલ મંત્રાલયમાં હતી. દાદાએ તે ફાઇલ મંગાવી તેમાં વિલંબ થયો હતો. આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે."

રોહિત પવારે વધુ એક મુદ્દા બાબતે પણ ગંભીર ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું, "છેલ્લા કેટલાક મહિનાઓમાં મારી અજિતદાદા સાથે ઘણી મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. એ સમયના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ અમારા વિશ્વાસુ છે. તેમની પાસેથી મળેલી માહિતી મુજબ, રાજકીય સલાહકારથી કોઈ ફાયદો ન થતો હોવાને કારણે કરોડોના કરાર રદ કરવા પડ્યાની ચર્ચા ચાલતી હતી. એ ઉપરાંત બારામતીની હૉસ્ટેલમાં હું અજિતદાદાને મળ્યો ત્યારે દાદાએ કેટલાક લોકોને કહ્યું હતું કે ચાલાકી કરશો નહીં, અમને રાજકારણ શીખવશો નહીં. તમે માત્ર સર્વે કરો. રાજકારણ કેવી રીતે કરવું તે અમે જાણીએ છીએ."

ફ્લાઇટનો સમય શા માટે બદલવામાં આવ્યો?

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કંપની વિમાનના મેન્ટેનન્સ પ્રત્યે દુર્લક્ષ રાખતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો

રોહિત પવારે સવાલ કર્યો હતો કે "પ્લેનના ઉડાનનો સમય સવારે સાત વાગ્યાનો હતો, પણ તે સવારે 8.10 વાગ્યે શા માટે રવાના થયું હતું? ફ્લાઇંગ ટાઇમ શા માટે બદલવામાં આવ્યો હતો? વિલંબ કોણે કર્યો હતો? છેલ્લી ઘડીએ પાઇલટ કેમ બદલવામાં આવ્યો હતો?"

તેમણે ઉમેર્યું હતું, "પહેલાં ઇ-મેઇલમાં પાઇલટ સાહિલ મદન અને કૉ-પાઇલટ યશનાં નામ હતાં. બીજા દિવસે નામ બદલી નાખવામાં આવ્યાં હતાં. પાઇલટ સુમિત કપૂર અને કૉ-પાઇલટ શાંભવી પાઠક વિમાનમાં હતાં. અગાઉના પાઇલટ્સ ટ્રાફિકજામમાં અટવાયા હોવાને કારણે પાઇલટ બદલવામાં આવ્યા હોવાનું સોશિયલ મીડિયામાં અને કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું. મુખ્ય પાઇલટે વિમાનની ઉડાનની 20 મિનિટ પહેલાં અને કૉ-પાઇલટ 35 મિનિટ પહેલાં પહોંચી જાય તે અપેક્ષિત હોય છે."

"ફ્લાઇટનો અગાઉના નિર્ધારિત સમય સવારે સાત વાગ્યાનો હતો. તેથી પાઇલટના સવારે સાડા છ વાગ્યા સુધીમાં પહોંચી જવાની અપેક્ષા હતી. આટલી વહેલી સવારે ટ્રાફિકજામ હતો? ટ્રાફિકજામ ક્યાં હતો? બન્ને પાઇલટ ક્યાં રહેતા હતા? તેઓ કયા રસ્તે આવી રહ્યા હતા? એ માર્ગ પર ટ્રાફિકજામ હતો?" એવા સવાલ રોહિત પવારે કર્યા હતા.

જે પાઇલટ સમયસર પહોંચ્યા નહીં તેમનો સીડીઆર (કોલ ડિટેઇલ્સ રેકૉર્ડ) કાઢીને તપાસવો જોઈએ, સીસીટીવી ફૂટેજ ચકાસવું જોઈએ, એમ રોહિત પવારે જણાવ્યું હતું.

તેમણે શંકા વ્યક્ત કરી હતી કે "એક જ પાઇલટ ટ્રાફિકજામમાં ફસાયો હોય તો બંને પાઇલટ્સને કેમ બદલવામાં આવ્યા હતા? બંને પાઇલટ્સ છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યા ત્યારે તેમના નિયમ મુજબના પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં? તેનું સીસીટીવી ફૂટેજ ક્યાં છે? મુખ્ય પાઇલટ ઇન્ટરનૅશનલ ફ્લાઇટથી આવ્યો હતો એ વાત સાચી છે? તે કયા દેશમાંથી આવ્યો હતો?"

મુખ્ય પાઇલટ સુમિત કપૂર પર આરોપ

મુખ્ય પાઇલટ સુમિત કપૂર વિશે ગંભીર સવાલો ઉઠાવતાં રોહિત પવારે કહ્યું હતું, "થોડાં વર્ષો પહેલાં નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ સુમિત કપૂરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા."

રોહિત પવારે કહ્યું હતું, "એક મોટા નેતા-મંત્રીને નાંદેડ લઈ જતી વખતે આ જ પાઇલટે કેવી હરકત કરી હતી, તે વીએસઆર કંપની લોકોને જણાવશે? સુમિત કપૂરનો ટ્રેક રેકૉર્ડ ખરાબ હોવા છતાં અજિતદાદા જેવી વીવીઆઇપી વ્યક્તિનું પ્લેન ચલાવવા માટે તેમને શા માટે બોલાવાયા હતા?"

"પાઇલટના બ્રેથ ઍનેલાઇઝર ટેસ્ટ (પાઇલટે નશો કર્યો કે નહીં તેની ચકાસણીનું પરીક્ષણ)નું સીસીટીવી ફૂટેજ પૂરું પાડવામાં આવે," તેવી માગણી રોહિત પવારે કરી હતી.

સરકારી અહેવાલમાં સમયની વિસંગતતા

વિવિધ અહેવાલોમાં પ્લેનના સમય સંબંધી વિસંગતતાઓનો ઉલ્લેખ કરતાં રોહિત પવારે કહ્યું હતું, "અજિત પવાર જે પ્લેનમાં મુસાફરી કરતા હતા તે એક મિનિટમાં 15 કિલોમીટરનું અંતર કાપે છે. એવી પરિસ્થિતિમાં દરેક સેકન્ડની માહિતી મહત્ત્વપૂર્ણ હોય છે."

"કેન્દ્રના અહેવાલ મુજબ, વિમાન સંપર્કમાં આવ્યાનો સમય સવારે 8.18 વાગ્યાનો હતો, પરંતુ બારામતી ઍર ટ્રાફિક કંટ્રોલે તે સમય 8.19 વાગ્યાનો હોવાનું જણાવ્યું છે," એમ રોહિત પવારે કહ્યું હતું.

આગની જ્વાળાઓ દેખાયાના સમય બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા.

"કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે આગની જ્વાળાઓ સવારે 8.44 વાગ્યે જોવા મળી હતી, પરંતુ પાઇલટનો છેલ્લો અવાજ સવારે 8.44.13 વાગ્યે સંભળાયો હોવાનો ઉલ્લેખ એટીસી ટ્રાન્સસ્ક્રિપ્ટમાં છે. તેનો અર્થ એવો થાય કે પ્લેન તૂટી પડ્યું અને આગ લાગી તેમાં 10 સેકન્ડ ગઈ હશે," એવો દાવો રોહિત પવારે કર્યો હતો.

રનવે 11ના આગ્રહ બાબતે સવાલ

બારામતી ઍરપૉર્ટ પર રનવે 11 અને રનવે 29 બંને બાજુ વિમાન ઉતરાણ કરી શકે છે. રનવે 11 ટેબલ ટોપ પ્રકારનો છે, જ્યારે રનવે 29 ટેબલ ટોપ પ્રકારનો નથી.

રોહિત પવારે કહ્યું હતું, "વિમાનના લેન્ડિંગ માટે સવારે 8.27 વાગ્યે રનવે 29ની પરવાનગી માંગવામાં આવી હતી. એ મુજબ એટીસીએ તેની પરવાનગી આપી હતી, પરંતુ સવારે 8.29 વાગ્યે રનવે 11 પર ઉતરાણની પરવાનગી માગવામાં આવી હતી. એટીસીએ તેની પરવાનગી પણ આપી હતી, પાઇલટે રનવે 11 પર ઉતરાણનો આગ્રહ શા માટે રાખ્યો હતો? એ ઉપરાંત 8.36.38 વાગ્યે વિમાનને ગો અરાઉન્ડ કરીને રનવે 29 પર લઈ જવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં વિમાને રનવે 29 પર ઉતરાણ કરવાને બદલે રનવે 11 પર ઉતરાણની પરવાનગી માંગી હતી. રનવે 29 ટેબલ ટોપ પ્રકારનો નથી. તેથી વિમાન એંગલ ચૂકી ગયું હોત તો પણ તેના તૂટી પડવાની શક્યતા ન હતી. છતાં પાઇલટે રનવે 11નો આગ્રહ શા માટે રાખ્યો હતો?" એવો સવાલ રોહિત પવારે કર્યો હતો.

છેલ્લી વાતચીત વિશે રોહિત પવારે શું દાવો કર્યો?

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોહિત પવારે કંપનીના માલિક તથા ડાયરેક્ટરો સામે પણ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને કંપની પર તત્કાળ પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી

રોહિત પવારના કહેવા મુજબ, "વિમાનના ઉતરાણ વખતે વિઝિબિલિટી ઓછામાં ઓછી પાંચ કિલોમીટર હોવી જરૂરી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, પાઇલટે 8.31.11 વાગ્યે વિઝિબિલિટી વિશે પૂછ્યું ત્યારે એટીસીએ તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિઝિબિલિટી ત્રણ કિલોમીટરની છે. તેમ છતાં વિમાનને ઉતરાણ માટે બારામતી કેમ લઈ જવાયું હતું? 8.31 વાગ્યે વિમાન યાવતથી આગળ આવી ગયું હોવું જોઈએ ત્યારે ત્યાંથી પાછા પૂણે જવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો ન હતો?"

"8.44.13 વાગ્યે શાંભવી પાઠક 'ઓહ ગોડ, ઓહ શીટ' એવું બોલતાં છેલ્લે સાંભળવા મળ્યાં હતાં. વિમાન થોડી સેકન્ડોમાં જ ક્રૅશ થઈ ગયુ હતું, પરંતુ મુખ્ય પાઇલટ એકેય શબ્દ બોલ્યા ન હતા. મોત નજરની સામે હોવા છતાં મુખ્ય પાઇલટ ચૂપ રહ્યા તેનો અર્થ શું સમજવો?"

'પારદર્શક તપાસ દ્વારા સત્ય બહાર લાવો'

સરકાર આ મામલે યોગ્ય સંસ્થાઓ દ્વારા વિગતવાર તપાસ કરાવે અને પારદર્શક તપાસ દ્વારા સત્ય બહાર લાવે, તેવી માગણી રોહિત પવારે કરી હતી.

"વીએસઆર કંપની સામે અગાઉના અકસ્માતો પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી કોઈ શંકાને સ્થાન ન રહે એટલા માટે થર્ડ પાર્ટી મારફત ખાસ તપાસ કરાવવી જોઈએ," એમ કહેતાં રોહિત પવારે અમેરિકા અને ફ્રાન્સની કંપનીના નામ સૂચવ્યાં હતાં.

"ઍરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી) ડીજીસીએના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. એએઆઇબી દ્વારા તપાસ કરવામાં આવશે તો લોકોના મનમાં શંકા રહી શકે છે. તેથી એએઆઈબીની સાથે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા પણ તપાસ કરાવવી જોઈએ," એમ રોહિત પવારે કહ્યું હતું.

ડીજીસીએએ તેના નિવેદનમાં શું કહ્યું?

અજિત પવાર, પ્લેન ક્રૅશ, મૃત્યુ, અકસ્માત, કાવતરું, રોહિત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી, અજિત પવારનું મૃત્યુ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રોહિત પવારના જણાવ્યા મુજબ, તેમને શંકા છે કે અજિત પવારના પ્લેનને નડેલો અકસ્માત કાવતરું હોઈ શકે છે

સિવિલ એવિએશનના ડિરેક્ટોરેટ જનરલ દ્વારા દુર્ઘટનાના દિવસે બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, "ઉતરાણનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી પાઇલટને સવારે 8.43 વાગ્યે રનવે 11 પર લૅન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, લૅન્ડિંગ ક્લિયરન્સ મળ્યા પછી પાઇલટ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને માત્ર એક મિનિટ પછી સવારે 8.44 વાગ્યે એટીસીએ રનવે નજીક આગની જ્વાળાઓ જોઈ હતી."

"સંપૂર્ણ ઘટનાક્રમમાં મહત્ત્વની બાબત એ છે કે અકસ્માત પહેલાં એટીસીને કોઈ 'મેડે' કૉલ અથવા કોઈ પણ પ્રકારની કટોકટી કે તકલીફ હોવાની સૂચના આપવામાં આવી ન હતી," એમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

"આ અકસ્માતની તપાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના એએઆઇબીને સોંપવામાં આવી હોવાની માહિતી ડીજીસીએને આપવામાં આવી છે."

એટીસીના પ્રભારી અધિકારીઓના નિવેદન અનુસાર, ઘટનાક્રમ આ મુજબ છેઃ "વિમામ વીઆઇ-એસએસકેએ 28 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 8.18 વાગ્યે બારામતી એટીસીનો સંપર્ક કર્યો હતો. એ પછી વિમાનચાલકે માહિતી આપી હતી કે વિમાન બારામતીથી 30 નોટિકલ માઈલ દૂર છે. એ પછી વિમાનને પૂણે એપ્રોચમાંથી રિલીઝ કરવામાં આવ્યું હતું."

"અહેવાલ અનુસાર, પાઇલટ્સને કહેવામાં આવ્યું હતું કે હાલમાં પવન ફૂંકાતો નથી અને વિઝિબિલિટી લગભગ 3,000 મીટરની છે. એ મુજબ, તેમને વિઝ્યુઅલ વેધર કન્ડિશન્સમાં ઉતરાણ કરવાની સલાહ આપવામાં આવી હતી. એ પછી વિમાને રનવે 11 પર અંતિમ એપ્રોચ કર્યાનું જણાવ્યું હતું, પરંતુ વિમાનચાલક દળે કહ્યું હતું કે રનવે દેખાતો નથી. તેથી પ્રથમ પ્રયાસમાં તેમણે ગો-અરાઉન્ડ કર્યું હતું."

અકસ્માતના દિવસે વીએસઆરના માલિકે શું કહ્યું હતું?

અજિત પવારના જે વિમાનને અકસ્માત નડ્યો હતો તે વિમાન વીએસઆર વેન્ચર્સ લિમિટેડ કંપનીનું હતું. દુર્ઘટનાના થોડા કલાકો પછી કંપનીના માલિક વિજયકુમાર સિંહને દિલ્હીમાં પત્રકારોએ એ અકસ્માત બાબતે સવાલ કર્યા હતા.

તેના જવાબમાં વિજયકુમાર સિંહે કહ્યું હતું, "પાઇલટ વિમાનને રનવે 29 સુધી લઈ ગયા હતા, પરંતુ ત્યાં વિમાનનું ઉતરાણ શક્ય ન હતું. તેથી તેમણે રનવે 11 પર પ્લેન ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આટલી માહિતી જ મને અત્યાર સુધીમાં મળી છે."

"આ ઘટનાથી અમને અત્યંત દુઃખ થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ."

તેમણે ઉમેર્યું હતું, "પ્રાથમિક દૃષ્ટિએ, પાઇલટને રનવે દેખાતો ન હોવાને કારણે આ દુર્ઘટના બની છે. રનવે દેખાતો ન હોય તો પાઇલટ વિમાનનું ઉતરાણ કરતા નથી. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાઇલટ ખૂબ જ અનુભવી હતી. તેમને 16,000 કલાકથી વધુનો ઉડાનનો અનુભવ હતો. કો-પાઇલટને પણ 1,500 કલાકની ઉડાનનો અનુભવ હતો. કૅપ્ટને સહારા, જેટલાઇટ અને જેટ ઍરવેઝ સાથે પણ કામ કર્યું હતું."

વિમાનની સ્થિતિની વાત કરતાં વિજયકુમાર સિંહે કહ્યું હતું, "વિમાન ખૂબ જ સારી રીતે મેન્ટેન કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ સમસ્યા ન હતી. વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી પણ ન હતી."

રોહિત પવારે 10 ફેબ્રુઆરીએ ઉપરોક્ત આક્ષેપો કર્યા પછી બીબીસીએ વીએસઆરના માલિક-સંચાલક કૅપ્ટન રોહિત સિંહના સંપર્કનો પ્રયાસ કર્યો હતો. તેમનો ફોન બંધ હોવાથી કંપની તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

દરમિયાન, બીબીસી ન્યૂઝ મરાઠી રોહિત પવારે કરેલા આક્ષેપો અને દાવાઓ વિશે વીએસઆર વેન્ચર્સ લિમિટેડની બાજુ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમનો પ્રતિસાદ મળશે ત્યારે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન