શું રશિયાની સેના યુક્રેન સાથેના યુદ્ધમાં ઈરાન અને ઉત્તર કોરિયાનાં શસ્ત્રોનો ઉપયોગ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૅરેમી હૉવેલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
રશિયા યુક્રેનમાં યુદ્ધમોરચે દર વર્ષે જંગી પ્રમાણમાં દારૂગોળાનો ઉપયોગ કરી રહ્યું છે અને નાગરિક લક્ષ્યાંકો પર સતત હુમલા કરી રહ્યું છે. ઘણીવાર એવા હુમલા વિદેશી સાથીઓ દ્વારા પૂરાં પાડવામાં આવેલાં હથિયારો વડે કરવામાં આવે છે.
પશ્ચિમી રાષ્ટ્રો પ્રતિબંધો લાદીને રશિયાની ક્ષમતાને રૂંધવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા યુદ્ધમાં કથિત રીતે રશિયાને મદદ કરી રહ્યા છે.
ઈરાનનાં ડ્રૉન અને મિસાઇલ

ઇમેજ સ્રોત, AFP
રશિયા સાથે 200 કે તેથી વધુ શૉર્ટ-રૅન્જ બૅલિસ્ટિક મિસાઇલ્સ સપ્લાયનો સોદો ઈરાને તાજેતરમાં કર્યો હોવાનો આક્ષેપ છે. તે મિસાઇલ ફત્હ-360 નામે ઓળખાય છે. આ મિસાઈલની રૅન્જ 120 કિલોમીટરની છે અને તે 150 કિલો વિસ્ફોટકોનું વહન કરી શકે છે.
અમેરિકાના ગુપ્તચર વિભાગનું કહેવું છે કે રશિયાનાં સશસ્ત્ર દળોના કેટલાક સભ્યોને ઈરાનમાં ફાયરિંગની તાલીમ આપવામાં આવી છે. અમેરિકાના વિદેશ પ્રધાન ઍન્થની બ્લિન્કને કહ્યું છે કે આ પાનખર પછી યુક્રેન સામે તે મિસાઇલ્સ તહેનાત કરવામાં આવે તેવી શક્યતા છે.
ફત્હ-360 મિસાઇલ્સને લીધે રશિયા યુક્રેનનાં શહેરો અને પાવર પ્લાન્ટ્સ જેવાં લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ થશે. એ શહેરો સરહદની નજીક આવેલાં છે. લૉન્ગ-રૅન્જ મિસાઇલ્સ વડે રશિયા યુક્રેનની અંદરના ટાર્ગેટને નિશાન બનાવી શકશે.
લંડનની કિંગ્સ કૉલેજના વૉર સ્ટડીઝ વિભાગનાં ડૉ. મરિના મિરોન કહે છે, “ફત્હ-360 પ્રમાણમાં નજીક હોય તેવાં લક્ષ્યાંકો પર પ્રહાર કરવા માટે ઉપયોગી છે. રશિયા પાસે પોતાની એવી મિસાઈલ્સ નથી.”
તેમના કહેવા મુજબ, રશિયા મિસાઈલ્સના બદલામાં ઈરાનને પરમાણુ ટૅક્નૉલૉજી સહિતની પોતાની મિલિટરી ટૅક્નૉલૉજી આપી શકે છે.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ રશિયાને મિસાઇલ સપ્લાય કરવા બદલ ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમાં બ્રિટન તથા યુરોપમાં ઈરાનની ઍર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ, ટ્રાવેલ પ્રતિબંધ અને આ સોદામાં સંકળાયેલા ઈરાનીઓની સંપત્તિ જપ્ત કરવાનો સમાવેશ થાય છે.
પોતે રશિયાનાં ફત્હ-360 જેવાં સેલ્ફ-ગાઈડેડ શસ્ત્રોની સપ્લાય કરતું હોવાનો ઈરાને વારંવાર ઇન્કાર કર્યો છે.
યુક્રેન સરકાર અને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ પણ કહે છે કે ઈરાન 2022ની પાનખરથી રશિયાને શાહેદ-136 ડ્રૉન પણ સપ્લાય કરી રહ્યું છે.
શાહેદની આગળના ભાગમાં હથિયાર હોય છે અને પ્રહાર કરવાનો સંકેત ન મળે ત્યાં સુધી તે લક્ષ્ય તરફ આંટા મારી શકે છે.
યુક્રેનના હવાઈ સંરક્ષણની પરીક્ષા કરવા રશિયા સંખ્યાબંધ શાહેદનું ઝૂંડ વારંવાર મોકલે છે. યુક્રેનનું હવાઈ સંરક્ષણ ક્રૂઝ તથા બૅલિસ્ટિક મિસાઈલ્સને ત્રાટકતાં ન અટકાવી શકે એટલાં માટે ઘણીવાર ડ્રૉનનાં ઝૂંડનો ઉપયોગ સ્ક્રીન તરીકે કરવામાં આવે છે. મિસાઈલ્સમાં વધુ વિસ્ફોટકો હોય છે અને તે વધુ નુકસાન કરે છે.
ઈરાનની સરકારના કહેવા મુજબ, તેણે યુદ્ધ પહેલાં રશિયાને “થોડાક” ડ્રૉન જ આપ્યાં હતાં.
જોકે, અમેરિકા અને યુરોપિયન યુનિયને ઈરાન પર રશિયાને નિયમિત રીતે ડિલિવરી આપવાનો આરોપ મૂક્યો છે. યુરોપિયન યુનિયને તેમાં સામેલ લોકો તથા કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે.
ઉત્તર કોરિયા તરફથી હથિયારો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી(ડીઆઈએ)એ તેના મે-2024ના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ રશિયાને 30 લાખ તોપગોળા આપ્યા છે.
યુક્રેનમાં આર્ટિલરી મુખ્ય શસ્ત્ર છે, જેનો ઉપયોગ બંને દેશો દ્વારા કરવામાં આવે છે. તે દુશ્મનનાં બખ્તરિયા દળ તથા પાયદળને આગળ વધતાં અટકાવે છે.
બ્રિટન સ્થિત વિચારક મંડળ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ (રુસી)ના જણાવ્યા મુજબ, તાજેતરના મહિનાઓમાં રશિયન દળોને છોડવા માટે ઉપલબ્ધ તોપગોળાની સંખ્યામાં યુક્રેન કરતાં 5:1ની માત્રામાં વધી છે.
રુસીના જણાવ્યા મુજબ, 2023ના શિયાળા પછી રશિયા પૂર્વીય યુક્રેનમાં મોટો વિસ્તાર હસ્તગત કરી શક્યું તેનું એક મોટું કારણ આ છે.
યુક્રેનના ગુપ્તચર અધિકારીઓએ જાન્યુઆરી 2024માં જણાવ્યું હતું કે તેમને બે પ્રકારની શૉર્ટ રૅન્જ બૅલિસ્ટિક મિસાઈલ્સનો ભંગાર મળ્યો હતો, જે ઉત્તર કોરિયામાં બનાવવામાં આવી હતી અને ખાર્કિએવ પરના મોટા હવાઈ હુમલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
યુક્રેનના સત્તાવાળાઓનું કહેવું છે કે એક મિસાઇલ હ્વાસોંગ-11 હતી, જે કેએન-23 તરીકે પણ ઓળખાય છે. તે 400 કિલોમીટરથી 690 કિલોમીટર વચ્ચેની રૅન્જ ધરાવતી ળૉર્ટ રૅન્જની બૅલિસ્ટિક મિસાઇલ છે. તે 5,000 કિલો સુધી વૉરહેડ્ઝ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ઉત્તર કોરિયા સાથે બૅલિસ્ટિક મિસાઇલ સંબંધી વેપારને 2006થી મંજૂરી આપી છે.
યુક્રેનના ગુપ્તચર વિભાગનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ રશિયાને 50 મિસાઇલો મોકલી છે. ફેબ્રુઆરી 2024માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની બેઠકમાં અમેરિકાએ રશિયા પર આરોપ મૂક્યો હતો કે યુક્રેન પરના ઓછામાં ઓછા નવ હવાઈ હુમલામાં રશિયાએ ઉત્તર કોરિયન મિસાઈલ્સનો ઉપયોગ કર્યો હતો.
ડીઆઈએનું કહેવું છે કે રશિયા અને ઉત્તર કોરિયાએ શસ્ત્રોના વેચાણ માટેની વાટાઘાટ 2022ની પાનખરમાં શરૂ કરી હતી. ઉત્તર કોરિયા દ્વારા રશિયાને પ્રથમ મિસાઇલ 2023ની પાનખરમાંં પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ જાન્યુઆરી 2024થી આ મિસાઇલને સરહદ પારથી યુક્રેન પર છોડવાનું શરૂ કર્યું હોવાનું પણ ડીઆઈએનું કહેવું છે.
ડૉ. મિરોન કહે છે, “રશિયા માટે ખર્ચની ગણતરીએ તેની ઇસ્કંદર જેવી શૉર્ટ રૅન્જ મિસાઈલ કરતાં હ્વાસોંગ-11 મિસાઇલ સસ્તી છે.
“એ ઉપરાંત ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશો સાથેના શસ્ત્ર સોદા પશ્ચિમને સંકેત પાઠવે છે કે રશિયા એકલું નથી, તેના પણ સાથી દેશો છે.”
હ્વાસોંગ-11 જેવી બૅલિસ્ટિક મિસાઇલ્સને અટકાવવી મુશ્કેલ છે, કારણ કે તે સુપરસોનિક ઝડપે લક્ષ્ય પર ત્રાટકે છે. જોકે, યુક્રેનના ગુપ્તચર અધિકારીઓના કહેવા મુજબ, ઉત્તર કોરિયાની ઘણી મિસાઇલ્સ ઇલેક્ટ્રોનિક ખામીને કારણે તેમના લક્ષ્ય પર ત્રાટકી શકતી નથી. ઇલેક્ટ્રોનિક ખામીને કારણે એ તેના પ્રોગ્રામ્ડ માર્ગ પરથી ભટકી જાય છે.
પોતે રશિયાને શસ્ત્રો મોકલતું હોવાનો ઉત્તર કોરિયાએ ઇન્કાર કર્યો છે અને ઉત્તર કોરિયા પાસેથી કોઈ શસ્ત્રો મેળવ્યાં હોવાનો રશિયાએ ઇન્કાર કર્યો છે.
યુક્રેનના ગુપ્તચર અધિકારીઓએ દેશમાં રશિયન દળોની સાથે ઉત્તર કોરિયાના સૈનિકો જોયા હોવાનું કહેવાય છે. યુક્રેનના અખબારોએ તેમને અહેવાલોમાં એવું કહેતા ટાંક્યા હતા કે “2024ની ત્રીજી ઑક્ટોબરે દેશની પૂર્વમાં રશિયન મિલિટરી ટ્રેનિંગ બેઝ પરના મિસાઇલ હુમલામાં ઉત્તર કોરિયાના છ અધિકારીઓ માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.”
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેનમાં લડતા હોવાના અગાઉના આક્ષેપોને 2023માં ફગાવી દેવામાં આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તે આક્ષેપોને “સંપૂર્ણ બકવાસ” ગણાવીને ફગાવી દીધા હતા.
ચીન સાથેના સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
નાટોના સભ્ય દેશોના નેતાઓએ સાથે મળીને ચીન પર રશિયાના “નિર્ણાયક સમર્થક” હોવાનો આરોપ મૂકયો છે, જે “પોતાના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ બેઝ માટે મોટા પાયે સમર્થન” આપે છે.
તેમણે કહ્યું છે કે તે કમ્પ્યુટર ચિપ્સ જેવો “બેવડો ઉપયોગ” પ્રદાન કરે છે. તેનો નાગરિકો માટે ઉપયોગ કરવાની સાથે સાથે શસ્ત્રો બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
અમેરિકા સ્થિત વિચારક મંડળ કાર્નેગી ઍન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ (સીઈઆઈપી)નું કહેવું છે કે ચીન દર મહિને રશિયાને 300 મિલિયન ડૉલરની “હાઈ-પ્રાયોરિટી” ડ્યુઅલ-યુઝ પ્રોડક્ટસ મોકલે છે, જેનો ઉપયોગ ડ્રૉન્સ, મિસાઈલ્સ અને ટૅન્ક્સ જેવાં શસ્ત્રો બનાવવાં માટે કરી શકાય છે.
સીઈઆઈપીના કહેવા મુજબ, ચીન રશિયાને તેના કુલ મશીન ટુલ્સ (જેનો ઉપયોગ હથિયારોના આવરણ બનાવવા માટે થઈ શકે છે) પૈકીના 70 ટકા અને ચિપ્સ તથા સેમીકન્ડક્ટર્સ (જેનો ઉપયોગ મિસાઈલ્સમાં ગાઇડન્સ સિસ્ટમ જેવી ચીજો બનાવવા માટે થઈ શકે છે)ના 90 ટકાની સપ્લાય કરે છે.
સીઈઆઈપીનું કહેવું છે કે રશિયાએ 2023માં તેના હાઈ-પ્રાયોરિટી ડ્યુઅલ યુઝ સામાન પૈકીના 89 ટકાની આયાત ચીનથી કરી હતી. યુદ્ધ પહેલાં જર્મની અને નૅધરલૅન્ડ્સ એ પૈકીનો મોટાભાગનો સામાન સપ્લાય કરતા હતા. એ પછી તેમની રશિયા માટેની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને એ ઘટને ચીને પૂરી હતી.
રશિયાને હથિયાર બનાવવામાં મદદ કરવાનો ઇન્કાર કરતાં ચીને જણાવ્યું છે કે તે યુક્રેન યુદ્ધમાં તટસ્થ રહ્યું છે. તેણે રશિયાને ઘાતક હથિયારો આપ્યાં નથી અને રશિયાને જે ઉપકરણો વેંચ્યાં છે તેમાં વિવેકપૂર્ણ છે.
રૉયટર્સ સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, રશિયાએ ગર્પિયા-3 નામના લૉંગ-રૅન્જ ડ્રૉન્સના ઉત્પાદન માટે ચીનમાં એક કારખાનું શરૂ કર્યું છે.
રૉયટર્સના જણાવ્યા મુજબ, પોતે આવા પ્રોજેક્ટ બાબતે વાકેફ ન હોવાનું અને ડ્રૉનની નિકાસ પર આકરા પ્રતિબંધ હોવાનું ચીન સરકારે કહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












