ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર, ફૅન્સે કહ્યું, 'હવે ઘરે બેસીને આરામ કરો'

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં મેજબાન પાકિસ્તાન માટે 'જો અને તો'ની શક્યતાઓ પણ ખતમ થઈ ગઈ છે.
રાવલપિંડીમાં રમાયેલી ગ્રૂપ 'એ'ની મૅચમાં ન્યૂઝીલૅન્ડે બાંગ્લાદેશને હરાવી દીધું છે, તેથી પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ માટેની રેસ ખતમ થઈ ગઈ છે.
ગ્રૂપ 'એ'માંથી ન્યૂઝીલૅન્ડ ઉપરાંત ભારતે પણ સેમિફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે તેના પરથી માત્ર એટલું નક્કી થશે કે ગ્રૂપ 'એ'માં ત્રીજા અને ચોથા નંબર પર કઈ ટીમ રહેશે.
રવિવારે ભારત સામે પરાજય થયો ત્યારે જ પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને સ્વીકારી લીધું હતું કે આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાનની સફર હવે ખતમ થઈ છે.
પાકિસ્તાનને 29 વર્ષ પછી કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં મેજબાની કરવાની તક મળી હતી. પાકિસ્તાનની ટીમ 2017માં આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીનો ખિતાબ જીતવામાં પણ સફળ રહી હતી.
પરંતુ ઘરઆંગણે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને પહેલા જ મુકાબલામાં ન્યૂઝીલૅન્ડે તેને 60 રને પરાજય આપ્યો હતો. રવિવારે ભારત સામે 6 વિકેટે પરાજય પછી પાકિસ્તાનની અંતિમ આશા બાંગ્લાદેશ અને ન્યૂઝીલૅન્ડની મૅચ પર હતી.
પાકિસ્તાનના ચાહકો પણ ઇચ્છતા હતા કે આ મૅચમાં ન્યૂઝીલૅન્ડ હારે અને બાંગ્લાદેશ જીતે. પરંતુ બાંગ્લાદેશની હાર બાદ તેમની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે અને પાકિસ્તાનની સેમિફાઇનલની રેસ અહીં સમાપ્ત થાય છે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં નિરાશાજનક દેખાવના કારણે પાકિસ્તાની ટીમનો ઘરમાં જ ભારે વિરોધ થઈ રહ્યો છે. ટીમની પસંદગીથી લઈને કૅપ્ટન તરીકે મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ અને શાહીન શાહ આફ્રીદીનાં પ્રદર્શનો સામે પણ સવાલો થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે જ્યારે ભારત સામે હાર પછી મોહમ્મદ રિઝવાન પ્રેસ કૉન્ફરન્સ કરવા આવ્યા ત્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાનની ચૅમ્પિયન્સ ટ્રૉફીની સફર ખતમ થઈ ગઈ છે કે નહીં.
મોહમ્મદ રિઝવાને કહ્યું કે, "અમારી સફર પૂરી થઈ ગઈ છે. આ હકીકત છે. બીજી ટીમોના ભરોસે રહેવું એ એક કૅપ્ટન તરીકે મને પસંદ નથી. તમારામાં ક્ષમતા હોય તો પોતાના દમ પર આગળ વધીને દેખાડો."
રિઝવાને કહ્યું કે "ન્યૂઝીલૅન્ડે અમને હરાવ્યું, ભારતે અમને હરાવ્યું. અમે સ્વીકારીએ છીએ કે તેઓ જોરદાર રમ્યા. અમે ખરાબ રમ્યા. અમે બીજા કોઈના ભરોસો ન રહી શકીએ."
પાકિસ્તાની ટીમને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસૂફે પાકિસ્તાની ટીવી ચૅનલ સમાના એક શોમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની હાલની સ્થિતિ પર વાત કરી.
તેમણે કહ્યું કે "માત્ર વાતો કરવાથી કંઈ નથી થવાનું. વાતો સારી હોઈ શકે છે. પરંતુ તમારી ટીમ ભારત જેવી હોય તો સારી વાતોથી કામ ચાલી શકે છે."
"અહીં તો સ્કીલનું લેવલ જ નથી. મૅન્ટલ લેવલની તો વાત જ ક્યાંથી કરવી. સૌથી પહેલાં બેટિંગ અને બૉલિંગ સારી હોવી જોઈએ. પછીની વાતો ત્યાર પછી થશે."
પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શન પછી ખેલાડીઓના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ વિશે પણ ચર્ચા શરૂ થઈ છે.
મોહમ્મદ યુસૂફે જણાવ્યું કે, "કૉન્ટ્રાક્ટ પરફૉર્મન્સના આધારે નક્કી કરવો જોઈએ. તે ખેલાડીઓના કૉન્ટ્રાક્ટના આધારે નહીં પરંતુ ટીમના દેખાવના આધારે નક્કી થવું જોઈએ."
સમા ટીવીના આ શોમાં ભૂતપૂર્વ ક્રિકેટર એજાઝ અહમદે આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમના સતત પરાજયનું કારણ જણાવ્યું હતું.
એજાઝ અહમદે કહ્યું, "સ્થાનિક ક્રિકેટ પર તમારું જરાય ધ્યાન નથી. બીજા બધા દેશો ડૉમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપે છે."
"બીજું કારણ એ છે કે આપણા ખેલાડી ઍકેડેમીમાં મહેનત નથી કરતા. છેલ્લે 2017માં ખેલાડીઓ ઍકેડેમીમાં ગયા હતા."
ભારત વિરુદ્ધ હાર પછી પાકિસ્તાની ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને કહ્યું હતું કે, "બાબર આઝમ અને ઇમામ ઉલ-હક જેવા ખેલાડીઓએ મહત્ત્વની મૅચોમાં પરફૉર્મ કરવું પડશે."
એજાઝ અહમદે રિઝવાનની આ વાત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "કૅપ્ટનનું વલણ એવું છે જાણે તેમને કોઈની પરવા નથી. ઇમામ અને બાબરની તો તેમણે વાત કરી, પરંતુ પોતાની વાત કેમ ન કરી? તમને (રિઝવાનને) મીડિયા સામે વાત કરતા જ નથી આવડતું."
સોશિયલ મીડિયા પર ફૅન્સે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે બાંગ્લાદેશ સામે ન્યૂઝીલૅન્ડના વિજય પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર ચાહકોએ ગુસ્સો ઠાલવ્યો હતો.
વહીદ અખ્તર નામના યુઝરે ઍક્સ પર લખ્યું, "હવે નો મોર અગર-મગર, માત્ર આરામથી બેસો ઘેર."
પાકિસ્તાનના ક્રિકેટ વિવેચક સાજ સાદિકે એક્સ પર પાકિસ્તાની ક્રિકેટ ટીમની ટીકા પણ કરી છે.
તેમણે લખ્યું, "ન્યૂઝીલૅન્ડે આજે 15 રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી પણ ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. વિકેટ ગુમાવ્યા પછી પણ તેમણે રન રેટ વધવા ન દીધો અને સફળતા મેળવી. એવું લાગે છે કે માત્ર પાકિસ્તાની ટીમને મુશ્કેલી પડે છે."
તેમણે અન્ય એક પોસ્ટમાં ટીમના હાલના દેખાવ પર ચિંતા વ્યક્ત કરી હતી.
સાજ સાદિકે લખ્યું, "છેલ્લા કેટલાક મહિનાઓમાં ટીમનું પ્રદર્શન - ચૅમ્પિયન્સ ટ્રૉફીમાંથી બહાર, ઘરેલું શ્રેણીમાં બાંગ્લાદેશ સામેની હાર, T20માં આયર્લૅન્ડ સામેની હાર, T20માં યુએસએ સામે હાર, T20ના બીજા રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળતા, ઝિમ્બાબ્વે સામે પરાજય, T20માં ન્યુઝીલૅન્ડ સામેની હાર, ઑસ્ટ્રેલિયામાં ટી20માં પરાજય અને પહેલી ઈનિંગમાં 556 રન બનાવ્યા પછી ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ મૅચમાં પરાજય."
ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચી

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશને હરાવીને ન્યૂઝીલૅન્ડે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે સાથે તે ગ્રૂપ 'A'માં ટૉપ પર આવી ગઈ છે.
નેટ રન રેટના મામલે ન્યૂઝીલૅન્ડ ભારત કરતા આગળ છે. જોકે, ગ્રૂપ 'A'માં કોણ ટૉપ પર રહેશે તે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી માર્ચે રમાનાર મૅચ દ્વારા નક્કી થશે.
ગ્રૂપ 'B'માં હજુ સુધી કઈ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે તેના વિશે સ્થિતિ સ્પષ્ટ નથી.
ગ્રૂપ 'B'માં તમામ ટીમો વચ્ચે એક-એક મુકાબલો થયો છે. દક્ષિણ આફ્રિકા હાલમાં એક જીત મેળવીને વધુ સારા રન રેટના કારણે ગ્રૂપ 'B'માં ટૉપ પર છે. જ્યારે ઑસ્ટ્રેલિયા બીજા ક્રમે છે.
ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાનની ટીમે હજુ સુધી ટુર્નામેન્ટમાં એક પણ વિજય મેળવ્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












