જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના 'નકશા પરથી ભૂંસી નાખવા'ના નિવેદન પર પાકિસ્તાની સેનાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ 'ઑપરેશન સિંદૂર' અંગે તાજેતરમાં આપેલા નિવેદન પછી પાકિસ્તાને કહ્યું છે કે 'પડોશી દેશનું સુરક્ષા તંત્ર આક્રમકતા માટે બહાના શોધી રહ્યું છે.'
બીબીસી ઉર્દૂ મુજબ પાકિસ્તાની સેનાના ઇન્ટરસર્વિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ પોતાના નિવેદનમાં ભારતના સંરક્ષણ મંત્રી, સેનાના વડા અને વાયુસેનાના વડાનાં નિવેદનોનો હવાલો આપીને કહ્યું કે "જ્યાં સુધી પાકિસ્તાનને નકશા પરથી ભૂંસી નાખવાની ઇચ્છા છે, ત્યાં સુધી ભારત સ્પષ્ટ રીતે જાણી લે કે આવી સ્થિતિ પેદા થશે તો બંને તરફ નુકસાન થશે."
ભારતીય સેનાના અધ્યક્ષ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે રાજસ્થાનમાં કહ્યું હતું કે પાકિસ્તાને જો ઇતિહાસ અને ભૂગોળમાં રહેવું હોય તો તેણે 'રાજ્ય પ્રાયોજિત આતંકવાદ' રોકવો પડશે.
અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સરક્રીક મામલામાં અને વાયુસેનાના વડા અમરપ્રીતસિંહે ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ વિશે નિવેદન આપ્યું હતું.
બીબીસી ઉર્દૂ મુજબ ભારતના સંરક્ષણ મંત્રી, સેનાના અધ્યક્ષ અને વાયુસેનાના વડાનાં નિવેદનો પછી પાકિસ્તાની સેનાએ કહ્યું કે ભારતીય સુરક્ષા એજન્સીઓના ટોચના નેતૃત્વ તરફથી "અવાસ્તવિક, ઉશ્કેરણીજનક અને યુદ્ધનો ઉન્માદ ફેલાવતાં નિવોદનો"થી તેઓ બહુ ચિંતિત છે.
એપ્રિલ 2025માં કાશ્મીરના પહલગામમાં હુમલા પછી 6 અને 7 મેની રાતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સેનાએ કટ્ટરપંથી કૅમ્પોને નિશાન બનાવ્યા હતા. આ અભિયાનને 'ઑપરેશન સિંદૂર' નામ અપાયું હતું.
ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો. 10 મેએ સંઘર્ષ વિરામની સહમતિ પછી આ સંઘર્ષ અટક્યો હતો.
ભારતીય સેનાના વડાએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં અનુપગઢના ફૉરવર્ડ એરિયામાં સૈન્યની તૈયારીઓ જોવા પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે અહીં સેનાની ઑપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી અને પછી સૈનિકોને કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર રહે.
તેમણે કહ્યું કે, "ઑપરેશન સિંદૂર 1.0 દરમિયાન ભારતે સંયમ દેખાડ્યો હતો, પરંતુ ફરી વખત આવી નોબત આવશે તો આપણી તૈયારી કેવી છે તે જોવાનું રહેશે."
સેનાના વડાએ કહ્યું કે "આ વખતે ઑપરેશન સિંદૂર જેવી સ્થિતિ આવશે તો ભારત સંપૂર્ણપણે તૈયાર છે. આ વખતે ભારત સંયમ નહીં દેખાડે જે ઑપરેશન સિંદૂર 1.0 વખતે દેખાડ્યો હતો."
તેમણે કહ્યું, "આ વખતે અમે આગળની કાર્યવાહી કરીશું અને એવી કાર્યવાહી કરી શકીએ છીએ કે પાકિસ્તાનને વિચારવું પડશે કે તે ઇતિહાસ અને ભૂગોળમાં રહેવા માંગે છે કે નહીં."
ભારતીય સેનાના વડાએ કહ્યું, "જો તે ભૂગોળમાં પોતાનું સ્થાન જાળવવા માંગતું હોય તો તેણે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ બંધ કરવો પડશે."
તેમણે કહ્યું, "તમારી પૂર્ણ તૈયારીઓ રાખો. જો પરવરદિગાર ઇચ્છે, ભગવાન ઇચ્છે, વાહે ગુરુ ઇચ્છે, તો તમને ટૂંક સમયમાં તક મળશે."
તેમણે કહ્યું, "ઑપરેશન સિંદૂરમાં સેનાએ નવ 'આતંકવાદી ટાર્ગેટ' ઓળખી કાઢ્યા હતા. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ નિર્દોષ લોકોની હત્યા ન થાય. કોઈપણ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો કોઈ ઇરાદો નહોતો."
તેમણે કહ્યું, "અમે ફક્ત આતંકવાદીઓનાં ઠેકાણાંનો નાશ કરવા માંગતા હતા. ખાસ કરીને જેઓ આતંકવાદીઓને તાલીમ આપી રહ્યા હતા અને જેઓ તેમના હૅન્ડલર હતા."
તેમણે કહ્યું, "આ વખતે અમે દરેક લક્ષ્યના વિનાશના પુરાવા પણ આખી દુનિયાને બતાવ્યા. પાકિસ્તાન અગાઉ આ વાત છુપાવતું હતું."
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, "આ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ખૂબ વધારે હતી."
'ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે'

ઇમેજ સ્રોત, ANI
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બીજી ઑક્ટોબરે કહ્યું હતું કે પાકિસ્તાન સરક્રીક નજીકના વિસ્તારોમાં લશ્કરી માળખાગત સુવિધાઓ વિકસાવી રહ્યું છે.
ગુજરાતના કચ્છમાં એક મિલિટરી બેઝ પર આયોજિત શસ્ત્ર પૂજામાં હાજરી આપવા આવેલા રાજનાથસિંહે કહ્યું હતું કે આઝાદીનાં 78 વર્ષ થઈ ગયાં હોવાં છતાં સરક્રીક વિસ્તારમાં સરહદી વિવાદને વેગ આપવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું, "પાકિસ્તાની સેનાએ સરક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં જે રીતે તેના લશ્કરી માળખાનો વિસ્તાર કર્યો છે, તે તેના ઇરાદાઓને પ્રતિબિંબિત કરે છે. આ ક્ષેત્રમાં કોઈપણ દુષ્કર્મ કરવાના પાકિસ્તાનના કોઈપણ પ્રયાસનો એવો નિર્ણાયક જવાબ આપવામાં આવશે કે 'ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.'"
સરક્રીક એ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત વચ્ચે 96 કિલોમીટર લાંબો કાદવવાળો વિસ્તાર છે જેના માટે ભારત-પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલે છે. આ અંગે બંને દેશો અલગ અલગ દાવા કરે છે.
સરક્રીક એ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી એક સાંકડી, કાદવકીચડયુક્ત ખાડી છે, જે અરબી સમુદ્ર સાથે જોડાયેલી છે. અગાઉ તેનું નામ બનગંગા હતું.
બ્રિટિશ શાસન દરમિયાન તેનું નામ બદલીને "સરક્રીક" રાખવામાં આવ્યું. ત્યારથી આ વિસ્તાર વિવાદમાં છે. ભારત અને પાકિસ્તાન આ દરિયાઈ સરહદને અલગ રીતે જુએ છે.
ભારત કહે છે કે સરહદ ખાડીની વચ્ચેથી નક્કી થવી જોઈએ, જ્યારે પાકિસ્તાન કહે છે કે સરહદ તેના કિનારાથી દોરવી જોઈએ, કારણ કે બ્રિટિશ સરકારે 1914 માં તેને બિન-નેવિગેબલ (એટલે કે જ્યાં જહાજો સફર કરી શકતા નથી) ગણીને નિર્ણય લીધો હતો.
પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યાનો વાયુસેનાના વડાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વાયુસેનાના ઍર ચીફ માર્શલ અમરપ્રીતસિંહે તાજેતરમાં ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન કરવામાં આવેલા હવાઈ હુમલામાં "4થી 5 પાકિસ્તાની ફાઇટર વિમાનો જમીન પર જ નાશ પામ્યાં હતાં, જેમાં મોટાભાગે F-16 વિમાનો હતાં."
તેમણે કહ્યું કે વાયુસેનાએ પાકિસ્તાનના અનેક ઍરબેઝને નિશાન બનાવ્યા, જેમાં રડાર, કમાન્ડ સેન્ટર, રન-વે, હૅન્ગર અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમને નુકસાન થયું.
પાકિસ્તાની ફાઇટર ઍરક્રાફ્ટનાં મૉડેલ અંગે આ પહેલી પુષ્ટિ છે જે 'ઑપરેશન સિંદૂર'માં નાશ પામ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અગાઉ, 9 ઑગસ્ટે બૅંગલુરુમાં 16મા ઍર ચીફ માર્શલ એલએમ કાત્રે મેમોરિયલ લૅક્ચરમાં પોતાના ભાષણ દરમિયાન, ઍર ચીફ માર્શલે કહ્યું હતું કે ઓછામાં ઓછાં પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટું વિમાન નાશ પામ્યું હતું, પરંતુ તેમણે વિમાનનાં મૉડેલનો ખુલાસો કર્યો ન હતો.
અમરપ્રીતસિંહે કહ્યું કે, "જ્યાં સુધી પાકિસ્તાનનાં નુકસાનની વાત છે, અમે તેમનાં ઘણાં લક્ષ્યોને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં ઓછામાં ઓછી ચાર જગ્યાએ રડાર, બે સ્થળોએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, બે રન-વે અને ત્રણ અલગ અલગ સ્ટેશનો પર ત્રણ હૅન્ગરને નુકસાન થયું. અમારી પાસે એક C-130 ક્લાસ ઍરક્રાફ્ટ અને ઓછામાં ઓછાં 4-5 ફાઇટર જેટ, જેમાં મોટાભાગે F-16 છે નષ્ટ થયાના પુરાવા છે. એફ-16 તે સમયે ત્યાં હાજર હતાં અને સમારકામ હેઠળ હતાં."
ઍર ચીફ માર્શલે જણાવ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન, ભારતીય વાયુસેનાની આધુનિક લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (SAMs) એ પાકિસ્તાનને તેના પોતાના પ્રદેશમાં પણ ચોક્કસ અંતર સુધી કામગીરી કરતા અટકાવ્યું હતું.
ભારત સાથેના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને સતત દાવો કર્યો છે કે તેણે અનેક ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યાં છે. જોકે તેણે આ માટે કોઈ પુરાવા આપ્યા નથી.
પાકિસ્તાન સેનાએ બીજું શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ઉર્દૂ મુજબ પાકિસ્તાને સરક્રીક પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના દાવા વિશે હજુ સુધી કોઈ અલગ પ્રતિક્રિયા આપી નથી.
પરંતુ સંરક્ષણ મંત્રી, આર્મી ચીફ અને વાયુસેનાના વડા દ્વારા પાકિસ્તાનની સેના અંગે કરવામાં આવેલાં નિવેદનો પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, "આ પ્રકારનાં નિવેદનો દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતા માટે ગંભીર પરિણામો લાવી શકે છે."
બીબીસી ઉર્દૂ અનુસાર, આઈએસપીઆરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં, "ભારતીય આક્રમણના કારણે બે પરમાણુ શક્તિઓ યુદ્ધની અણી પર આવી ગઈ હતી. ભારત કદાચ તેનાં નાશ પામેલાં લડાકુ વિમાનોના કાટમાળને ભૂલી ગયું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












