કૅન્સરની સારવારનો ખર્ચ ભારતની હૉસ્પિટલો કઈ રીતે ઘટાડી દર્દીઓને ઉપયોગી બની રહી છે?

કૅન્સર ભારત સારવાર
ઇમેજ કૅપ્શન, કાચર કૅન્સર સેન્ટર, આસામ
    • લેેખક, અર્ચના શુક્લા
    • પદ, વ્યાપાર સંવાદદાતા, ભારત

ઉત્તર-પૂર્વ ભારતમાં આવેલા આસામના સિલ્ચરની કૅન્સર હૉસ્પિટલનું આ દૃશ્ય છે. નાનકડા ટિન શેડ નીચે હવે બેસવાની જગ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાથી આસામના કાચાર કૅન્સર સેન્ટરમાં આસપાસના ગામડાંઓ અને નાના શહેરોમાંથી આવતા લોકોની સંખ્યા વધતી જ જાય છે.

તેનું કારણ સ્પષ્ટ છે: એક ક્રાંતિ શાંતિપૂર્વક થઈ રહી છે જેમાં કૅન્સરની દવાઓ વધુને વધુ સસ્તી થઈ રહી છે.

આ હૉંસ્પિટલ નેશનલ કૅન્સર ગ્રીડનો જ એક ભાગ છે. નેશનલ કૅન્સર ગ્રીડ એ સારવારના અનેક મથકોને ભેગાં કરીને બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ જથ્થાબંધ સ્વરૂપે દવા ખરીદવામાં થાય છે અને તેના કારણે દવાના ભાવમાં 85 ટકા જેટલો ઘટાડો થાય છે.

આ સારી શરૂઆત છે અને એ ખરેખર દેશના અતિશય ગરીબ લોકો માટે તો એ જિંદગી બચાવનાર છે.

અતિશય મોંઘી અને લાંબી સારવારને કારણે અનેક પરિવારો તીવ્ર આર્થિક સંકડામણમાં મૂકાઈ જાય છે. ઘણા પરિવારો માટે તો એ સારવાર આર્થિક પરિસ્થિતિને કારણે જરાપણ શક્ય બનતી નથી.

ઉદાહરણ તરીકે સ્તન કૅન્સરની સારવાર 10 ભાગમાં થાય છે અને લાંબી ચાલે છે. તેમાં અંદાજે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. ભારત જેવા દેશમાં કે જ્યાં મહિનાનો મહત્તમ સરેરાશ પગાર 60 હજાર રૂપિયાથી પણ ઓછો છે ત્યાં આટલો ખર્ચ કરવો ખૂબ અઘરો છે.

દવાઓ સાથે મુસાફરી અને રહેવાનો પણ ખર્ચ

કૅન્સર સારવાર ભારત

58 વર્ષીય બાબી નંદી તેમની હવે પછીની કીમોથેરેપી સેશન માટે કાચર હૉસ્પિટલ ક્લિનિક પર આવ્યાં છે. પહેલાં તેમને સ્તન કૅન્સરની સારવાર માટે આશરે 2 હજાર કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.

સારવારના એક સેશન માટે તેમને અંદાજે 50 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમની સારવારમાં છ સેશન થશે. રહેવાનો અને ખાવાપીવાનો ખર્ચ ગણીએ તો તેનો પરિવાર હવે જરાય આ ખર્ચ સહન કરી શકે તેમ નથી.

પરંતુ નવા ફેરફારોથી હવે એ જ દવાઓ તેમના જ શહેરની નજીક ત્રીજા ભાગની કિંમતે મળતી થઈ ગઈ છે.

બાબીના પતિ નારાયણ નંદી કહે છે, “એક જ વારમાં આટલા રૂપિયા ખર્ચવા મને પોસાય તેમ નહોતા. તેને ચેન્નઈ લઈ જવા માટે મારે મારી જમીન પણ વેચવી પડી અને મારા સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા પણ લેવા પડ્યા હતા. પરંતુ હવે અમે તેની સારવારનો ખર્ચ ભોગવી શકીએ તેવી પરિસ્થિતિ સુધરી છે અને એ પણ ઘરઆંગણે.”

ભારતમાં દર વર્ષે કૅન્સરના 20 લાખથી વધુ નવા કેસો આવે છે. પરંતુ કન્સલ્ટન્સી ફર્મ ઈવાયના જણાવ્યા અનુસાર હકીકતમાં એ આંકડો ત્રણ ગણો છે.

વીમો અને સરકારી સુવિધાઓ પૂરતી નહીં

કૅન્સર સારવાર ભારત
ઇમેજ કૅપ્શન, ડૉ. રવિ કન્નન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં મોટાભાગના લોકોને તેમની સારવારનો ખર્ચ જાતે જ ચૂકવવો પડે છે. જેમની પાસે વીમો હોય કે સરકારની કોઈ યોજનાનો કોઈ લાભ મળતો હોય છે તેમાં પણ કૅન્સરની સારવારનો સંપૂર્ણ ખર્ચ નીકળતો નથી.

અમાલ ચન્દ્રા આસામના ગ્રામીણ વિસ્તારમાં એક નાનકડી દુકાન ચલાવે છે તેમને આ પ્રકારનો અનુભવ થઈ ચૂક્યો છે. સ્તન કૅન્સરની સારવાર ચાલતી હતી તે દરમિયાન જ તેમના પત્ની પાસે રહેલા સરકારી હૅલ્થ કાર્ડની વેલિડિટી સમાપ્ત થઈ ગઈ હતી. તેમના પત્ની પાસે જે સરકારી હૅલ્થ કાર્ડ હતું જે પ્રમાણે તેમને દોઢ લાખ રૂપિયા મળી શકે તેમ હતા. તેમને બીજા વીસેક હજાર બાકી રહેલા કીમોથેરેપીના ઇન્જેક્શન માટે ઉધાર લેવા પડ્યા હતા.

અમાલ અને તેમનાં પત્ની હવે ફરીથી હૉસ્પિટલમાં પાછા આવ્યાં છે કારણ કે તેમનાં પત્નીને થયેલું કૅન્સરે ફરીથી દેખાયું છે. પરંતુ તેમને હવે એ વાતની ધરપત છે કે દવાની કિંમતો ઓછી થઈ જવાથી તેમની બધી સારવારનો ખર્ચ કદાચ એ કાર્ડમાં જ કવર થઈ જશે.

સૌથી મોટી સમસ્યા એ છે કે ભારતના કૅન્સરના મોટાભાગનાં દર્દીઓ ગામડાંઓ કે નાનાં શહેરોમાં રહે છે જ્યારે મોટાભાગની સ્વાસ્થ્ય સુવિધાઓ મોટા શહેરોમાં છે. તેના કારણે બાબી નંદી જેવા અનેક દર્દીઓ અને પરિવારો પર લાંબું અંતર કાપીને સારવાર લેવા જવાનો વધારાનો બોજ આવે છે.

સ્વાસ્થ્ય સુવિધાઓનાં ઍક્સ્પર્ટ્સના મત અનુસાર દેશના આ વિસ્તારો સુધી કૅન્સરની દવા પહોંચાડવી એ સૌથી મોટી સમસ્યા છે. ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં કાચાર કૅન્સર હૉસ્પિટલ જેવી સુવિધાઓ આ પડકાર સામે ઊભી થઈ છે.

આ સેન્ટર વર્ષમાં 5 હજારથી વધુ દર્દીઓની સારવાર કરે છે અને હાલમાં કુલ 25 હજારથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાંથી મોટાભાગના લોકો ઓછા પગારવાળા કામદારો અને મજૂરો છે, જેઓ સારવાર કે મુસાફરીનો ખર્ચ ભોગવી શકતા નથી.

તેના કારણે આ નોટ-ફૉર-પ્રોફિટ હેતુથી કામ કરતી આ સંસ્થાના બજેટ પર તીવ્ર દબાણ છે અને તે દર મહિને લગભગ 16 લાખથી વધુની બજેટ ખાધનો સામનો કરે છે.

ઑન્કોલૉજિસ્ટ ડૉ. રવિ કન્નન આ હૉસ્પિટલનું સંચાલન કરે છે. તેઓ બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, “કૅન્સરની દવામાં થયેલા ઘટાડાને કારણે તેઓ હવે વધુ ઉચ્ચ ક્ષમતાની દવાઓની ખરીદી કરી શકે છે અને વધુ દર્દીઓની મફત સારવાર કરી શકે છે.”

આ ફેરફારોને કારણે નાનાં શહેરોમાં આવેલી હૉસ્પિટલોને કૅન્સરની દવાઓ ખાલી થઈ જવાના પ્રશ્નમાંથી પણ છૂટકારો મળ્યો છે. પહેલાં ઓછા દર્દીઓ અને મર્યાદામાં ફંડ હોવાને કારણે મોટાં મથકો સિવાય દવાની ઉપલબ્ધતા રહેતી ન હતી.

ડૉ. કન્નન કહે છે, “હવે નાની હૉસ્પિટલોને વાટાઘાટોના ટૅબલ પર બેસવું પડતું નથી. ભાવ પહેલેથી જ નક્કી હોય છે અને બધી હૉસ્પિટલોને તેનો સપ્લાય મળશે તેની પણ ખાતરી હોય છે.”

દવાના ભાવ ઘટાડવાની યોજના

કૅન્સર સારવાર ભારત આસામ મેડિકલ સુવિધા
ઇમેજ કૅપ્શન, દવાની બારીએથી દવા લેતાં મહિલા

જથ્થાબંધ દવાઓ ખરીદવાનો આ પ્લાન દેશના સૌથી મોટા કૅન્સર સેન્ટર એવા મુંબઈમાં આવેલા ટાટા મેમોરિયલ હૉસ્પિટલ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. પ્રારંભિક તબક્કાના લિસ્ટમાં 40 કૉમન ઑફ-પેશન્ટ જેનરિક દવાઓ સામેલ છે. આ દવાઓની 80 ટકા ફાર્મસી કૉસ્ટ કવર થઈ જાય છે જેના કારણે આ હૉસ્પિટલને 170 મિલિયન ડૉલરની બચત થાય છે.

આ સ્કીમની સફળતાએ દેશભરની હૉસ્પિટલો અને રાજ્યની સરકારો પણ તેના પ્રત્યે આકર્ષિત થઈ.

હવે પછીના તબક્કામાં 100થી વધુ દવાઓ આવરી લેવામાં આવશે. આ સિવાય કૅન્સરની સારવારમાં જરૂરી પુરવઠો, નિદાન માટેનાં સાધનોને પણ ધ્યાનમાં લેવાશે. જોકે, હજુ અતિશય મોંઘી સારવાર હજુ આ પ્લાનનો ભાગ નથી.

ટાટા મેમોરિયલ હૉસ્પિટલના ડાયરેક્ટર અને નેશનલ કૅન્સર ગ્રિડના કન્વીનર ડૉ. સી.એસ.પ્રમેશ કહે છે, “ખાસ કરીને ભારત જેવા વિશાળ બજાર ધરાવતા દેશમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓએ એ વાત સમજવાની જરૂર છે કે જ્યાં સુધી તમે કિંમતોમાં ઘટાડો નહીં કરો ત્યાં સુધી તમને જથ્થો નહીં મળે. આ પહેલાં મરઘી કે પહેલા ઈંડું જેવી ઘટના છે.”

તેઓ કહે છે કે, “ભારત જેવા મધ્યમ આવક ધરાવતાં વિશ્વના દેશોમાં કૅન્સરથી થતાં મૃત્યુમાં 70 ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે ત્યારે નેશનલ કૅન્સર ગ્રિડ જેવા ઉપાયોથી સમગ્ર વિશ્વના દર્દીઓને ફાયદો થશે.”