રશિયામાં ભૂકંપ પછી સુનામી : પ્રશાંત મહાસાગરમાં 13 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના પૂર્વ કિનારે મંગળવારે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે.
યુએસ જિયોલૉજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું કે કમચટકા પ્રાયદ્વીપમાં પેટ્રોપાવલોવ્સ્કથી લગભગ 136 કિલોમીટર પૂર્વમાં 19 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.
સ્થાનિક ગવર્નરે આ ભૂકંપને તાજેતરના દાયકાઓમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા.
યુએસજીએસનું કહેવું છે કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના સમુદ્રકિનારે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.
ફ્રેન્ચ પોલિનેશિયાના માર્કેસસ દ્વીપ સમૂહ માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ ચેતવણી આપી છે કે આવનારા કલાકોમાં ચાર મીટર એટલે કે લગભગ 13 ફૂટ સુધી મોજા ઉછળવાની આશંકા છે.
પહેલા આ ચેતવણી 1.1થી 2.2 મીટર સુધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે અનુમાન છે કે આ લહેરો ઉઆ હુકા, નુકુ હિવા અને હિવા ઓઓ દ્વિપ સાથે ટકરાશે.
આ સ્થિતિમાં આ ક્ષેત્રમાં રહેનારા લોકોને એ સલાહ આપવામાં આવે છે કે તેઓ ઊંચાં સ્થાનો તરફ ચાલ્યા જાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નુકુ હિવા પ્રશાંત મહાસાગરમાં સ્થિત માર્કેસસ દ્વીપસમૂહનો સૌથી મોટો દ્વીપ છે.
ફ્રેન્ચ પોલિનેશિયાના બાકીના ભાગોને ખાલી કરવાની કોઈ આવશ્યકતા નથી પણ સમુદ્રતટો, અને નદીમુખોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Reuters
જાપાનની હવામાન એજન્સીએ પણ પ્રશાંત સમુદ્રના કિનારે લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઊઠવાની ચેતવણી આપી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 હોવાનું જણાવાયું હતું, પરંતુ પછી તેને સુધારીને 8.8 કરવામાં આવી હતી.
સુનામીની લહેરો જાપાન પહોંચી, વડા પ્રધાન ઇશિબાએ શું કહ્યું?

જાપાનના સ્થાનિક બ્રૉડકાસ્ટર એનએચકેએ જણાવ્યું છે કે હોક્કાઈડો પ્રાંતના ઉત્તરના વિસ્તારમાં સુનામીની લહેરો પહોંચી ગઈ છે. એક અંદાજ પ્રમાણે લહેરોની ઊંચાઈ લગભગ એક ફૂટ છે.
સુનામીએ હોક્કાઈડોના ઉત્તરક-પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર નોમુરોના બંદરને અસર કરી છે. જાપાનના અધિકારીઓએ પહેલેથી ચેતવણી આપી દીધી હતી કે સુનામીની લહેરો વધારે ઊંચી હોઈ શકે છે.
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ કહ્યું કે અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ રાહતકાર્યમાં લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી મળ્યા. વડા પ્રધાને લોકોને સમુદ્રકિનારાથી દૂર જવા અને ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવા અપીલ કરી છે.
જાપાનમાં સુનામીની ચેતવણી પછી ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાવાયો

ઇમેજ સ્રોત, Reuters
જાપાનના સમુદ્રમાં સુનામી આવશે તેવી ચેતવણી મળ્યા પછી તાકીદનાં પગલાં લેવાઈ રહ્યાં છે. જાપાનની ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું કે ફુકુશિમા દાઇચી અને ફુકુશિમા દાઈની ન્યુક્લિયર પ્લાન્ટના કામદારોને સુરક્ષિત કાઢીને ઊંચાં સ્થળો પર લઈ જવાયા છે.
વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાશક 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી પછી ફુકુશિમા દાઈચી પ્લાન્ટમાં મોટો પરમાણુ વિસ્ફોટ થયો હતો.
ટીઈપીસીઓએ જણાવ્યું કે પ્લાન્ટને કોઈ પ્રકારનું નુકસાન નથી થયું. સુનામીને લગતી ચેતવણી પર નજર રાખવામાં આવી રહી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ટીઈપીસીઓએ જાહેરાત કરી કે ઈંધણના કાટમાળને સંપૂર્ણપણે હટાવવામાં 12થી 15 વર્ષનો વિલંબ થઈ શકે છે, જેથી રેડિયેશન લેવલને ઘટાડવા માટે પૂરતો સમય મળી શકે.
શક્તિશાળી ભૂકંપ પછી દરિયામાં સુનામી કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Reuters
સુનામી સર્જાવામાં ભૂકંપની તીવ્રતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, બીજાં કારણો પણ સુનામી માટે કારણભૂત હોય છે.
યુએસ જિયોલૉજિકલ સર્વે મુજબ ભૂકંપના કારણે જ્યારે સમુદ્રના પેટાળની સપાટી હલબલી જાય ત્યારે સુનામી આવી શકે છે. થ્રસ્ટ ભૂકંપ વખતે સુનામી થવાની શક્યતા વધુ રહે છે.
ભૂકંપ જ્યારે 6.5થી ઓછી તીવ્રતાનો હોય ત્યારે સુનામીની શક્યતા બહુ ઘટી જાય છે. 6.5થી 7.5ની તીવ્રતાના ભૂકંપમાં પણ વિનાશક સુનામી નથી આવતી, પરંતુ સમુદ્રના લેવલમાં ફેરફાર થઈ શકે.
7.6થી 7.8 વચ્ચેની તીવ્રતાના ભૂકંપમાં વિનાશક સુનામી આવી શકે, ખાસ કરીને ભૂકંપના એપીસેન્ટર નજીક વિનાશની શક્યતા વધી જાય છે. 7.9થી વધારે તીવ્રતાનો ભૂકંપ હોય ત્યારે એપીસેન્ટર પાસે વિનાશક સ્થાનિક સુનામી આવી શકે તથા સમુદ્રની સપાટીના લેવલમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે. 9.0થી વધારે તીવ્રતાના ભૂકંપ બાદ 7.5 કે તેનાથી વધારે તીવ્રતાના આફ્ટરશોક આવવાની શક્યતા વધારે રહે છે.
જાપાનમાં 20 લાખ લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવા જણાવાયું

ઇમેજ સ્રોત, PHILIP FONG/AFP via Getty
રશિયામાં જોરદાર ભૂકંપ આવ્યા પછી સુનામીનું જોખમ હોવાથી જાપાનમાં લગભગ 20 લાખ લોકોને ઘર છોડી જવા કહેવાયું છે.
તેમાંથી 10,500 લોકો હોક્કાઈડોના રહેવાસી છે જ્યાં મીડિયા ફૂટેજમાં લોકોને એક છત પર એકઠા થતા દર્શાવાયા છે.
કેટલાક લોકો ટોક્યોના દક્ષિણમાં ચીબાના સમુદ્રકિનારે એક ઑબ્ઝર્વેટરીમાં પણ એકઠા થયા છે.
અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ જાપાનના ઉત્તરના વિસ્તાર ખાલી કરીને કોઈ ઊંચાણવાળી જગ્યા પર જતા રહે.
જાપાનના પેસિફિક સમુદ્રના કિનારે સુનામીની લહેરો ટકરાઈ છે. હોક્કાઈડોથી લઈને સાઉથમાં વાકાયામા પ્રાંત સુધીના લોકોને ઘર ખાલી કરવા જણાવાયું છે. હવામાન વિભાગ મુજબ સુનામીના કારણે દરિયામાં ત્રણ મીટર ઊંચાં મોજાં આવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












