100 વર્ષના ડૉ. લક્ષ્મીબાઈએ ઘર વેચી ઍઇમ્સને 3.4 કરોડ રૂપિયા દાન કરી દીધા, હવે ક્યાં રહેશે?

ઇમેજ સ્રોત, Subrat Kumar Pati
- લેેખક, સુબ્રતકુમાર પતિ
- પદ, બ્રહ્મપુર, ઓડિશાથી બીબીસી માટે
સામાન્ય રીતે જ્યારે લોકો 100 વર્ષની વયે પહોંચે છે, ત્યારે તેઓ માત્ર ભૂતકાળનાં સંસ્મરણોમાં જ સીમિત રહી જાય છે. પરંતુ ઓડિશાનાં વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ ડૉ. કે. લક્ષ્મીબાઈએ સમાજના ભવિષ્ય માટે રોકાણ કરવાનો નિર્ણય લીધો. તેમણે એક એવો નિર્ણય લીધો જેનાથી તેઓ રાતોરાત ચર્ચામાં આવી ગયાં.
તમને કદાચ માન્યામાં ન આવે, પરંતુ ઓડિશાના બ્રહ્મપુરનાં ડૉ. કે. લક્ષ્મીબાઈએ મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે પોતાની તમામ સંપત્તિ દાન કરવાનો નિર્ધાર કર્યો. તેમણે માત્ર આ નિર્ણય જ ન લીધો, પરંતુ તેના અમલ માટે પોતાનું ઘર પણ વેચી દીધું. ઘર વેચ્યા બાદ તેમને 3.4 કરોડ રૂપિયા મળ્યા હતા, જે રકમ તેમણે 'ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ' (AIIMS)ની ભુવનેશ્વર શાખાને દાનમાં આપી દીધી.
ડૉ. લક્ષ્મીબાઈએ બીબીસીને જણાવ્યું કે, "ઓડિશામાં ઘણી મહિલાઓ કૅન્સરથી પીડાય છે, પરંતુ તેમને યોગ્ય સારવાર મળી શકતી નથી. તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મેં વિચાર્યું કે હું તેમના માટે શું કરી શકું? આથી મેં મારું ઘર વેચી દીધું અને તમામ પૈસા ભુવનેશ્વરની ઍઇમ્સમાં 'મહિલા કૅન્સર ટ્રીટમેન્ટ સેન્ટર' માટે દાન કરી દીધા."
એવું માનવામાં આવે છે કે આ રકમથી ઓડિશામાં મહિલાઓનાં સ્વાસ્થ્ય, ખાસ કરીને કૅન્સરની સારવાર અને સંશોધન કાર્યને વધુ મજબૂતી મળશે. ઍઇમ્સ ભુવનેશ્વરના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દિલીપ પરિદાએ જણાવ્યું હતું કે, "આ રકમ કૅન્સરગ્રસ્ત મહિલા દર્દીઓની સંભાળ, સંશોધન, તાલીમ અને સામુદાયિક આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચવામાં આવશે. આ ઉપરાંત, આ રકમ મહિલાઓમાં કૅન્સર અને 'સર્વાઇકલ કેન્સર'ના રસીકરણ અંગે જાગૃતિ લાવવા માટે વપરાશે." તેમણે એમ પણ ઉમેર્યું કે, "આ રકમમાંથી એક 'કૉર્પસ ફંડ' બનાવવામાં આવશે અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતું વ્યાજ આ હેતુ માટે ખર્ચવામાં આવશે."
જોકે, ડૉ. લક્ષ્મીબાઈએ અચાનક આ નિર્ણય નહોતો લીધો. તેઓ લાંબા સમયથી વિચારી રહ્યાં હતાં કે પોતાની આજીવન કમાણીનો ઉપયોગ એવી રીતે કરવો જેથી સમાજ પર તેની દીર્ઘકાલીન અસર પડે. તેમનો કોઈ પરિવાર નથી અને તેમના પતિનું અવસાન થઈ ચૂક્યું છે. આથી, તેમને લાગ્યું કે પોતાની સંપત્તિ સ્વાસ્થ્ય સેવાઓ માટે દાન કરવી જ યોગ્ય છે. ઍઇમ્સને પસંદ કરવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તે માત્ર ઓડિશા જ નહીં પરંતુ પાડોશી રાજ્યોના લાખો દર્દીઓ માટે પણ એક મુખ્ય 'રેફરલ સેન્ટર' છે.
ડૉ. કે. લક્ષ્મીબાઈ કોણ છે?

ઇમેજ સ્રોત, Subrat Kumar Pati
100 વર્ષનાં ડૉ. કે. લક્ષ્મીબાઈ ઓડિશાના બ્રહ્મપુરમાં રહે છે. તેમના પતિ ડૉ. પ્રકાશ રાવ પણ તબીબ હતા, જેમનું ૩૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેઓ પોતાના ઘરમાં એકલાં રહે છે.
જોકે, તેમના કેટલાક સંબંધીઓ વિદેશમાં રહે છે અને ક્યારેક તેમની મુલાકાત લે છે. તેઓ આ ઉંમરે પણ પોતાને વ્યસ્ત રાખે છે અને અત્યંત સ્વસ્થ જીવન જીવે છે. તેઓ હજી પણ ચાલી શકે છે અને પોતાના ઘરનું કામકાજ જાતે કરી શકે છે. તેમની સંભાળ રાખવા માટે એક મહિલા મદદગાર છે, જે રસોઈ અને અન્ય ઘરકામમાં મદદ કરે છે.
આ ઉંમરે પણ તેમના હસ્તાક્ષર ખૂબ જ સુંદર છે અને તેઓ પોતાના પરિચિતોને પત્રો લખવા માટે તેનો ઉપયોગ કરે છે. તેઓ પુસ્તકો વાંચે છે અને પ્રાર્થનામાં સમય વિતાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. લક્ષ્મીબાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ લગભગ દરરોજ તેમની મુલાકાત લે છે અને તેમની સાથે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે. સ્થાનિક સામાજિક કાર્યકરો પણ તેમની મુલાકાત લેતા હોય છે. ડૉ. લક્ષ્મીબાઈ અનેક એનજીઓ (NGO)ને માર્ગદર્શન આપે છે અને સમયાંતરે તેમને આર્થિક સહાય પણ પૂરી પાડે છે.
તેમનો જન્મ 5 ડિસેમ્બર, 1926ના રોજ થયો હતો. આ એવો સમય હતો જ્યારે ભારતમાં મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું અત્યંત કઠિન હતું. આમ છતાં, તેમણે કટકની SCB મેડિકલ કૉલેજમાંથી MBBSનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી ગાયનેકોલોજી અને ઑબ્સ્ટેટ્રિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી.
નિવૃત્તિ પછી પણ સક્રિય

ઇમેજ સ્રોત, Subrat Kumar Pati
સરકારી સેવામાં જોડાયા બાદ ડૉ. લક્ષ્મીબાઈએ પોતાની કારકિર્દીનો મોટો ભાગ ગ્રામીણ વિસ્તારોની સરકારી હૉસ્પિટલોમાં વિતાવ્યો. તેમણે વર્ષો સુધી બહેરામપુરની MKCG મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં પ્રોફેસર તરીકે સેવા આપી અને 1986માં નિવૃત્ત થયાં. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય મહિલાઓની સારવાર કરી અને હજારો પ્રસૂતિઓ કરાવી છે.
તેઓ કહે છે કે એક ડૉક્ટર તરીકે તેમણે અનુભવ્યું છે કે માહિતી અને જાગૃતિનો અભાવ, સામાજિક અવરોધો અને આર્થિક મુશ્કેલીઓ મહિલાઓને ગંભીર રોગોનો ભોગ બનાવે છે.

ઇમેજ સ્રોત, Subrat kumar Pati
નિવૃત્તિ પછી પણ ડૉ. લક્ષ્મીબાઈ સમાજ સાથે જોડાયેલાં રહ્યાં. તેઓ આરોગ્ય શિબિરો, કાઉન્સેલિંગ કાર્યક્રમો અને મહિલા સ્વાસ્થ્યના મુદ્દાઓ પરની ચર્ચાઓમાં સક્રિય રહેતાં. ઉંમર વધવાની સાથે તેમની શારીરિક પ્રવૃત્તિઓ મર્યાદિત થઈ હોવા છતાં, સમાજ પ્રત્યેની તેમની ચિંતા ક્યારેય ઓછી થઈ નથી.
ડૉ. પી. ભારતી 1969માં તેમનાં વિદ્યાર્થી હતાં અને હવે તેઓ ડૉ. લક્ષ્મીબાઈના પાડોશી છે. તેઓ દરરોજ તેમને મળવા જાય છે. તેમણે બીબીસીને કહ્યું કે, "ડૉ. લક્ષ્મીબાઈ ઓડિશાનાં પ્રથમ લેપ્રોસ્કોપિક સર્જન છે. તેમણે અનેક મેડિકલ વિદ્યાર્થીઓને લેપ્રોસ્કોપિક સર્જરી શીખવી છે અને આજે તેમના ઘણા વિદ્યાર્થીઓ સફળ તબીબો છે."
ડૉ. ભારતીના જણાવ્યા મુજબ, તેઓ હજી પણ લોકોને મદદ કરવાનું ચાલુ રાખે છે. "તેમણે જીવનમાં જે કંઈ કમાણી કરી હતી તે બધું જ દાન કરી દીધું છે. મને યાદ છે કે તેમણે બ્રહ્મપુરમાં સગીર કન્યાઓ માટેના કૅન્સર રસીકરણ અભિયાનમાં પણ ત્રણ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું."
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વખાણ કર્યાં

ઇમેજ સ્રોત, Subrat Kumar Pati
જ્યારે ડૉ. લક્ષ્મીબાઈએ પોતાનું ઘર વેચી દીધું છે, ત્યારે સવાલ એ થાય કે તેઓ હવે ક્યાં રહે છે? હકીકતમાં, તેમણે પોતાનું ઘર એક સ્થાનિક વ્યક્તિને જ વેચ્યું છે. વેચાણના કરાર મુજબ, આ બે માળના મકાનમાં ઉપરના માળે તેઓ આજીવન રહી શકશે. ઘરના નવા માલિક નીચેના ભાગમાં ખાનગી હૉસ્પિટલ ચલાવે છે.
નિવૃત્તિ બાદ ડૉ. લક્ષ્મીબાઈને સરકાર તરફથી માસિક પેન્શન મળે છે. જૂની પેન્શન યોજના મુજબ, ૧૦૦ વર્ષની વય પૂર્ણ કરનાર વ્યક્તિનું પેન્શન બમણું કરવામાં આવે છે, જેનો લાભ તેમને પણ મળ્યો છે. ડૉ. લક્ષ્મીબાઈ સાદગીપૂર્ણ જીવન જીવવામાં માને છે અને તેઓ આ તમામ રકમ વાપરવાને બદલે સમયાંતરે તેમાંથી થતી બચતનું દાન કરે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ડૉ. લક્ષ્મીબાઈના આ ઉમદા કાર્યની પ્રશંસા કરી છે. 5 ડિસેમ્બરના રોજ તેમના 100મા જન્મદિવસે અભિનંદન પાઠવતાં રાષ્ટ્રપતિએ લખ્યું હતું કે, "મને એ જાણીને અત્યંત આનંદ થયો કે તમે તાજેતરમાં ઍઇમ્સ ભુવનેશ્વરમાં 'ગાયનેકોલોજિકલ ઓન્કોલોજી' કોર્સ શરૂ કરવાના ઉમદા કાર્ય માટે તમારી બચતમાંથી મોટું દાન આપ્યું છે. "
"આ મહિલા સશક્તીકરણ તરફનું અત્યંત મહત્ત્વનું પગલું છે અને હું તમારા આ યોગદાનની ખૂબ પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે તમારા જેવા ઉદાર નાગરિકો અન્ય લોકોને પણ સરકારી પહેલોમાં સહભાગી થવા પ્રેરણા આપશે."
રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું કે, "હું જાણું છું કે લગભગ ચાર દાયકાની તમારી કારકિર્દીમાં તમે હંમેશાં દીકરીઓ અને મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે. તમારું જીવન એ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે શિક્ષણ દ્વારા વ્યક્તિ કેવી રીતે અન્યને લાભાન્વિત કરી શકે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












