You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્ય કરતાં પણ અબજો વર્ષ જૂનો ધૂમકેતુ મળ્યો, વૈજ્ઞાનિકોએ એના વિશે શું કહ્યું?
- લેેખક, જ્યોર્જિના રાનાર્ડ
- પદ, સાયન્સ ઍન્ડ ક્લાયમેટ કૉરસપૉન્ડન્ટ
તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓને તારાઓને પારથી આવેલો રહસ્યમયી પદાર્થ જોવા મળ્યો હતો.
કેટલાક વિજ્ઞાનીઓના મતે, તે અત્યાર સુધી જોવા મળેલા ધૂમકેતુઓમાંથી સૌથી જૂનો હોય શકે છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમનું માનવું છે કે 3IA/ઍટલાસના નામથી ઓળખાતો આ અવકાશી પદાર્થ આપણી સૌર પ્રણાલી કરતાં પણ ત્રણ અબજ વર્ષ જૂનો હોય શકે છે.
તાજેતરમાં દુરહામ ખાતે યુકેની રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના રાષ્ટ્રીય પરિસંવાદ દરમિયાન 3IA/ઍટલાસ વિશેના પ્રાથમિક તારણ રજૂ કરવામાં આવ્યા હતા.
જે મુજબ, સૌર પ્રણાલીથી દૂરનો કોઈ અવકાશી પદાર્થ મળ્યો હોય, એવું આ પહેલાં બે વખત જ બન્યું છે. આ પહેલાં વર્ષ 2017માં 1I/'ઓઉમુઆમુઆ તથા વર્ષ 2019માં 2I/બૉરિસોવની શોધ થઈ હતી.
અવકાશી પદાર્થ પૃથ્વીથી કેટલો દૂર?
યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ ખાતે અવકાશશાસ્ત્રી મૅથ્યુ હૉપકિન્સે બીબીસી ન્યૂઝને જણાવ્યું, "અમે બધાં 3I/ઍટલાસ બાબતે ખૂબ જ ઉત્સાહિત છીએ."
તેમણે કહ્યું, "મેં હમણાં જ મારું પીએચ.ડી. પૂર્ણ કર્યું છે, મેં ચાર વર્ષ કરતાં વધુ સમયથી આગાહી કરી છે કે આપણને તારાઓની વચ્ચે (વધુ) કેટલાક અવકાશીપદાર્થો જોવા મળી શકે છે અને પહેલી વખત મારા અભ્યાસમાં આ (3I/ઍટલાસ) જોવા મળ્યો છે."
હૉપકિન્સના કહેવા પ્રમાણે, આ અવકાશી પદાર્થની ગતિ જોતા લાગે છે કે તે સાત અબજ વર્ષ કરતાં પણ પુરાણો છે. અત્યાર સુધી જોવા મળેલો સૌથી નોંધપાત્ર ધૂમકેતુ હોય શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચિલીસ્થિત ઍટલાસ સર્વે ટેલિસ્કૉપે તા. પહેલી જુલાઈ 2025ના રોજ 3I/ઍટલાસ પહેલી વખત જોયો હતો. એ સમયે તે સૂર્યથી 67 કરોડ કિલોમીટર (670 મિલિયન) દૂર હતો.
પૃથ્વીથી ગુરુ ગૃહ જેટલો દૂર છે, આ અંતર લગભગ એટલું જ છે. હાલમાં તે માત્ર મોટા ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે.
જ્યારથી 3I/ઍટલાસની ખોજ થઈ છે, ત્યારથી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ અવકાશીપદાર્થના માર્ગ અને તેના વિશે વધુ વિગતો મેળવવા માટે પ્રયાસરત છે.
વર્ષના અંતભાગમાં જોવા મળશે અવકાશી નજારો
હૉપકિન્સનું માનવું છે કે આ ધૂમકેતૂ આકાશગંગાની "જાડી સપાટી"માંથી આવ્યો હશે. સૂર્ય તથા અન્ય તારાઓ જ્યાં આવેલા છે, તેની ઉપર તથા નીચેની બાજુના વિસ્તારમાં ભ્રમણ કરતાં પ્રાચીન તારાઓના આ સમૂહને "જાડી સપાટી" તરીકે ઓળખવામાં આવે છે.
આકાશગંગાની ઉપરથી લેવામાં આવેલી તસવીરમાં આપણા તારામંડળની ફરતે 3I/ઍટલાસની ભ્રમણકક્ષા લાલ રંગમાં તથા સૂર્યની પીળા રંગમાં જોઈ શકાય છે.
ટીમનું માનનવું છે કે કદાચ સૌથી જૂનો તારો બન્યો, ત્યારે જ 3I/ઍટલાસનો પિંડ બંધાયો હશે. તેમાં પુષ્કળ પાણી અને બરફ છે.
આનો મતલબ એ છે કે ચાલુ વર્ષના અંતભાગમાં જ્યારે 3I/ઍટલાસ સૂર્યની પાસેથી પસાર થશે, ત્યારે સૂર્યની ઊર્જાને કારણે તેની સપાટી ગરમ થશે, જેથી કરીને વરાળ અને બારિક કણ ઊડશે. જેના કારણે ચમકતી પૂંછડી જેવો આકાર સર્જાઈ શકે છે.
'3I/ઍટલાસ જેવા વધુ કેટલાક અવકાશીપદાર્થો મળવાની શક્યતા'
હૉપકિન્સે તૈયાર કરેલા મૉડલના આધારે સંશોધકોએ કેટલાંક તારણ કાઢ્યાં છે.
અભ્યાસના સહ-લેખક પ્રોફેસર ક્રિસ લિનટ્ટોટના કહેવા પ્રમાણે, "આ અવકાશી પદાર્થ તારામંડળના એવા હિસ્સામાંથી આવ્યો છે, જેની ઉપર અગાઉ ક્યારેય આપણે ચિવટપૂર્વક ધ્યાન નથી આપ્યું."
"અમને એવું લાગે છે કે આ ધૂમકેતુ આપણી સૌર પ્રણાલી કરતાં પણ જૂનો હોય તેવી શક્યતા 66 ટકા જેટલી છે, અને તે ઉદ્ભવ સમયથી જ બ્રહ્યાંડમાં તારાઓની વચ્ચે ઘસડાઈ રહ્યો છે."
હૉપકિન્સના કહેવા પ્રમાણે, અમુક અવકાશી પદાર્થો તારાના ઉદ્ભવની સાથે જ આકાર લે છે અને તેમની આસપાસ જ રહે છે.
હૉપકિન્સ કહે છે, "આમ ઉત્પત્તિકારક તારા સાથેના સંબંધને કારણે આપણે આકાશગંગામાં તારાઓની સંખ્યા જોઈ શકીએ છીએ."
સંશોધકોનું માનવું છે કે થોડા મહિના બાદ 3I/ઍટલાસ પૃથ્વી પરથી સામાન્ય ટેલિસ્કોપ મારફત પણ દેખાશે.
ચિલી ખાતે વૅરા સી રુબિન નામનું નવું ટેલિસ્કોપ કાર્યરત થયું છે અને વિશ્વભરના આ નવા અને શક્તિશાળી ટેલિસ્કોપનો ઉપયોગ કરવા માટે સજ્જ થઈ રહ્યા છે.
આ વર્ષના અંતભાગથી તે રાત્રિના સમયમાં દક્ષિણ ભાગના આકાશનો પૂર્ણપણે અભ્યાસ શરૂ કરશે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે એ પછી વધુ પાંચથી 50 જેટલા તારામંડળના ન હોય તેવા અવકાશી પદાર્થો વિશે માહિતી મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન