ગુજરાતની 7,000 ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં મોડું કેમ થઈ રહ્યું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં દોઢેક વર્ષ કરતાં વધુનું મોડું થયું છે અને આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં ઓબીસીને અનામત મળે તે હેતુસર નિવૃત્ત ન્યાયાધીશ કે. એસ. ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી. જેની ભલામણોના અમલીકરણમાં ટેકનિકલ કારણો ઊભા થવાને કારણે ચૂંટણીઓ યોજાવામાં ઢીલ થઈ રહી હોવાનું ભાજપનું કહેવું છે.

તો વિપક્ષનો આરોપ છે કે સત્તારૂઢ પક્ષ તલાટીઓની મદદથી ગ્રામપંચાયતોમાં સત્તા પોતાના હાથમાં રાખી રહ્યો છે અને ચૂંટણીઓ યોજાવામાં ઢીલ કરી રહ્યો છે.

જોકે, રાજકીય વિશ્લેષકો જાહેરાતમાં વિલંબને ભાજપની ચૂંટણીલક્ષી તૈયારીઓ સાથે જોડીને જુએ છે તથા આને માટે પાર્ટીના વિધાનસભા તથા લોકસભા ચૂંટણીપ્રદર્શનને ટાંકે છે.

પરિણામ, પ્રદર્શન અને પડકાર

જાણકારો માને છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી તથા ચાલુ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીનાં પરિણામોની પૅટર્નની સમીક્ષા કરવામાં આવે તો ચૂંટણીની જાહેરાતોમાં ઢીલ પાછળ ભાજપનો સંશય પણ જવાબદાર હોઈ શકે છે.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સ્થાનિક સ્વરાજ્યના એકમોની ચૂંટણીઓને પાછી ઠેલવાનું કારણ ઓબીસી અનામતને કારણે ઊભા થયેલા ટેકનિકલ કારણો તો છે જ. આ સિવાય લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપવિરોધી મતોની બૂથવાર સમીક્ષા પછી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે."

નોંધનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી (અધર બૅકવર્ડ કાસ્ટ)ને દસ ટકા અનામત અપાતી.

જેને રાજ્ય સરકારે બે વર્ષ પહેલાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઓબીસી વર્ગ માટે સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં ઓબીસી વર્ગ માટે અનામતની ટકાવારી અંગે ભલામણ કરવા પંચની રચના કર્યા બાદ ઓબીસીને આ એકમોમાં દસથી 27 ટકા અનામત આપવાની ભલામણ કરાઈ હતી. જેને રાજ્યપાલે પણ બહાલી આપી દીધી હતી.

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા આગળ જણાવે છે કે, "વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને 49.5 તથા કૉંગ્રેસને 41.44 ટકા મત મળ્યા હતા. એ વખતે ભાજપને 99 તથા કૉંગ્રેસને 77 બેઠક મળી હતી."

કૌશિક મહેતા ઉમેરે છે, "એ પછી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને 52.2 ટકા, કૉંગ્રેસને 27.28 ટકા, આમ આદમી પાર્ટીને 12.92 ટકા તથા ઔવેસીની પાર્ટીને લગભગ એક ટકા મત મળ્યા હતા."

"ભાજપના મતોની ટકાવારી 3.45 ટકા જેટલી વધી હતી, પરંતુ ભાજપવિરોધી મતોની ટકાવારીમાં ખાસ મોટો ફેર નહોતો પડ્યો, પરંતુ તેનું વિભાજન થવાનો લાભ સત્તારૂઢ પક્ષને મળ્યો હતો."

અગાઉની બે વિધાનસભા ચૂંટણી તથા તાજેતરની લોકસભા ચૂંટણીની સરખામણી કરતાં કૌશિક મહેતા કહે છે, "આપણે લોકસભા ચૂંટણીનાં પરિણામ જોઈએ તો ભાજપ માટે શહેરી વિસ્તારમાં બૂથ સરપ્લસ છે. બીજી બાજુ, ગ્રામીણ વિસ્તારોમાં 19 હજારથી વધુ બૂથમાં તે પાછળ છે. જે તાલુકા અને જિલ્લાપંચાયતોમાં ભાજપ માટે લિટમસ ટેસ્ટ સાબિત થઈ શકે છે."

ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયતની ચૂંટણીઓ કોઈ પક્ષના બૅનર હેઠળ લડાતી નથી, પરંતુ તાલુકા તથા જિલ્લાસ્તરે પક્ષના નેજા હેઠળ સતાકીય માળખાનું ગઠન થતું હોય છે.

રાજકીય વિશ્લેષક પ્રફુલ્લ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, "ઓબીસી અનામતને રાજ્યપાલે બહાલી આપી દીધી છે. એ પછી ચૂંટણી યોજવામાં કોઈ સમસ્યા ન રહે. આમ છતાં ચૂંટણીઓ પાછળ ઠેલાઈ રહી છે. એનું કારણ રાજકીય જણાય છે."

"લોકસભાના ચૂંટણીપરિણામોનું વિશ્લેષણ કરીએ તો દક્ષિણ ગુજરાતની પાંચ અને ઉત્તર ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર ભાજપની લીડ ઘટી ગઈ છે. સૌરાષ્ટ્રની ત્રણ તથા કચ્છની એક તથા મધ્ય ગુજરાતની ત્રણ જેટલી બેઠકો ઉપર ભાજપની સરસાઈ ખૂબ જ પાતળી રહેવા પામી છે."

ત્રિવેદીનું માનવું છે કે આ પૅટર્ન જોતાં ભાજપે કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતો ગુમાવવી પડે તેવો ઘાટ સર્જાયો છે.

આર્થિક અને સામાજિક સંશય

ગુજરાતમાં 14 હજાર કરતાં વધુ ગ્રામપંચાયતો છે. લોકસભાની ચૂંટણી સમયે ઊભું થયેલું રાજપૂત અસ્મિતા આંદોલન સ્થાનિક સ્વરાજ્યનાં ચૂંટણીપરિણામોને અસર કરી શકે છે.

ત્રિવેદીના કહેવા પ્રમાણે, "ક્ષત્રિય આંદોલન લોકસભાનાં ચૂંટણીપરિણામો ઉપર મોટી અસર ઊભી કરવામાં નિષ્ફળ રહ્યું હતું, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ કરતાં જ્ઞાતિ-જાતિનાં સમીકરણ વધુ ભાજપ ભજવતાં હોય છે."

"એટલે ક્ષત્રિય બહુમતીવાળા વિસ્તારોમાં તે ભાજપની સંભાવનાઓને અસર કરી શકે છે."

થોડા મહિના અગાઉ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠક જીતી હતી, પરંતુ તમામ 26 બેઠક જીતવાની હૅટ્રિક મારવાથી ચૂકી ગયો હતો.

કૌશિક મહેતા માને છે, "ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોની આગવી સમસ્યા છે, જેના કારણે માઇગ્રેશન અને શહેરીકરણ થઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાજપવિરોધી મતોનું વિભાજન થયું હતું."

"પરંતુ હવે શહેરી વિસ્તારોમાં હીરાઉદ્યોગમાં આવેલી મંદીને કારણે નોકરી છૂટી જવાથી ગામડે આવવા માટે મજબૂર બનેલા લોકોમાં આક્રોશ છે. આ પરિસ્થિને જોતાં પણ ચૂંટણીઓ પાછળ ઠેલાઈ રહી હોય એમ લાગે છે."

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ બાદ એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન અણસાર આપ્યા હતા કે થોડા દિવસોમાં ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નવા નેતા નિમાશે.

એ વાતને લગભગ ત્રણ અઠવાડિયાં જેટલો સમય થઈ જવા છતાં ભાજપ એ દિશામાં નિશ્ચિત પ્રગતિ નથી કરી શક્યો.

વિપક્ષ, પક્ષ અને પંચ

વિપક્ષનો આરોપ છે કે ભાજપ ચૂંટણીની જાહેરાતો નથી કરી રહ્યો અને વહીવટી તંત્ર મારફત સત્તાનાં સૂત્રો પોતાની પાસે રાખી રહ્યો છે તથા એને ટકાવી રાખવા માટે પ્રયાસરત છે.

કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "પહેલાં ખેતીલાયક જમીનને એન. એ. (બિનખેતીલાયક) કરવાની સત્તા જિલ્લાપંચાયત પાસે હતી. એ સત્તા હવે તેમની પાસે નથી."

"ગ્રામપંચાયતમાં સરપંચ ન હોય એટલે તલાટી વહીવટ કરે. એ સરકારી માણસ હોય એટલે સત્તા પોતાની પાસે રાખવા ચૂંટણીઓ પાછળ ઠેલાઈ રહી છે."

જોકે, ભાજપ ચૂંટણીઓની જાહેરાતમાં થયેલી ઢીલને માટે ઓબીસી અનામત લાગુ કરવાથી ઊભી થયેલી ટેકનિકલ ગૂંચવણોને કારણભૂત ગણાવે છે.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું, "ભાજપ લોકશાહીમાં માને છે. ઓબીસી અનામત જેવા ટેકનિકલ મુદ્દાને કારણે ચૂંટણીઓમાં વિલંબ થયો છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર થયેલો ખરડો ચૂંટણીપંચને પહોંચાડી દીધો છે."

"હવે ચૂંટણીપંચ એસસી, એસટીની અનામતને અસર ન થાય એ રીતે ઓબીસી અનામતનો અમલ કરવાનું આયોજન કરી રહ્યું છે એટલે ટૂંક સમયમાં રાજ્યના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીકાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે."

ગુજરાતના સ્ટેટ ઇલેક્શન કમિશનર મુરલી ક્રિષ્ને બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "ઇલેક્શન કમિશને ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કાર્યવાહી અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં ચૂંટણીકાર્યક્રમની જાહેરાત કરીશું."

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષનું બૅનર ન હોવા છતાં રાજકીય પક્ષોના બળાબળનાં પારખાં થશે અને તેના રાજકીય ગૂઢાર્થો પણ નીકળશે.

મુદ્દો રાજકીય, મૂળ કાયદાકીય

મે-2022માં સુપ્રીમ કોર્ટે સુરેશ મહાજન વિ. સ્ટેટ ઑફ મધ્ય પ્રદેશના કેસમાં શકવર્તી ચુકાદો આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું (પેજ નંબર 10થી 14) હતું કે રાજ્યો (તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ) ઓબીસી પંચોના અહેવાલોની રાહ ન જોવી તથા અન્ય પછાત વર્ગો માટે અનામત બેઠકોને સામાન્ય ગણીને નિર્ધારિત સમયે ચૂંટણીઓ યોજવી.

ઓબીસી વર્ગને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં દસ ટકા જેટલી અનામત મળતી હતી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે જુલાઈ-2022માં રાજ્યના ચૂંટણીપંચે ત્રણ હજાર 200 જેટલી ગ્રામપંચાયતોમાંથી અનામતની જોગવાઈ દૂર કરી.

ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હતી. ચૂંટણી દરમિયાન તે રાજકીય મુદ્દો ન બને તે માટે ભાજપે જુલાઈ મહિનામાં જ નિવૃત્ત ન્યાયાધીશ કલ્પેશ ઝવેરીના નેતૃત્વમાં પંચની રચના કરી.

આ કમિશનનો હેતુ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં ઓબીસી વર્ગને કેટલી અનામત આપવી, તે માટેનો અભ્યાસ કરીને ભલામણો કરવાનો હતો.

ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 182માંથી 156 બેઠક જીતી.

કૉંગ્રેસે ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું અને તેને વિપક્ષના નેતાનું પદ પણ ન મળ્યું. ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીને 17 તથા આમ આદમી પાર્ટીને પાંચ બેઠક ઉપર વિજય મળ્યો હતો.

નવી સરકાર, જૂનો મુદ્દો

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર જંગી બહુમતી સાથે પરત ફરી એ પછી એપ્રિલ-2023માં જસ્ટિસ ઝવેરી કમિશને સરકારને તેનો રિપોર્ટ સુપરત કર્યો. હવે સરકાર સામે તેને લાગુ કરવાનો પડકાર હતો.

ગુજરાતમાં અનુસૂચિત જાતિને (એસસી) 14 તથા અનુસૂચિત જનજાતિને (એસટી) સાત ટકા જેટલું અનામત મળતી હતી.

અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની અનામતને અસર ન થાય, સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી અનામતની ટોચમર્યાદાનો ભંગ ન થાય; તથા અન્ય પછાત વર્ગોને અનામતવૃદ્ધિનો લાભ પણ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા કૅબિનેટની પેટાકમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના કાયદામંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વવાળી સમિતિમાં ચાર સભ્ય હતા. આ પછી ઑગસ્ટ-2023માં ભાજપ સરકારે ગુજરાતમાં ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) અનામતને દસ ટકાથી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી.

આ સિવાય આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં ઓબીસી અનામતને દસ ટકા સુધી સીમિત રાખવાની ભલામણ કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર-2023માં ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત લોકલ ઑથૉરિટીઝ (ઍમેન્ડમેન્ટ) બિલ' ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું.

કૉંગ્રેસના ધારાસભ્યોએ આ બિલના વિરોધમાં વૉકાઉટ કર્યું હતું. સૌથી મોટા વિપક્ષની માગ હતી કે વધુ અનામતની જોગવાઈ કરવામાં આવે.

ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024માં તમામ પ્રકારની અનામતની જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરતું ગૅઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.