You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાપના ડંખના નશાના વિવાદમાં સપડાયેલા યૂટ્યૂબર ઍલ્વિસ યાદવ કોણ છે?
યૂટ્યૂબર અને બિગબોસ ઓટીટી વિજેતા ઍલ્વિસ યાદવ સહિત 6 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આ એફઆઈઆર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપ હેઠળ દાખલ થઈ છે.
પોલીસની છાપામારીમાં ઘટનાસ્થળેથી સાપ પણ મળ્યાં છે.
એફઆઈઆર વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ના હેઠળ દાખલ કરાઈ છે. એફઆઈઆર ભાજપના સાંસદ મેનકા ગાંધીની પીએફએ સંસ્થાની ફરિયાદ હેઠળ દાખલ કરવામાં આવી છે.
એફઆઈઆરમાં મેનકા ગાંધીની સંસ્થા તરફથી કહેવામાં આવ્યું છે કે, “અમને સૂચના મળી હતી કે ઍલ્વિસ યાદવ નામના એક યૂટ્યૂબર સ્નેક વેનમ અને જીવતા સાપ સાથે નોઇડા-એનસીઆરના ફાર્મ હાઉસમાં પોતાના જૂથના અન્ય સભ્યો, યૂટ્યૂબર સાથે વીડિયો શૂટ કરાવે છે અને રેવ પાર્ટી કરાવે છે.”
“આ પાર્ટીમાં વિદેશી યુવતીઓને બોલાવીને સ્નેક વેનમ અને નશીલા પદાર્થોનું સેવન થાય છે.”
એફઆઈઆર થયા બાદ ઍલ્વિસ યાદવે ખુદ પર લાગેલા આરોપોને નકારતા કરતા કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંપૂર્ણ સહયોગ કરવા માટે તૈયાર છે.
મેનકા ગાંધીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, “આ એક ટ્રૅપ અમે બિછાવ્યું હતું. 11 પાયથન અને કોબરા ત્યાંથી બરામદ થયા છે. 5 લોકો હતા. આ રેવ પાર્ટી આયોજિત કરતો હતો. આ પાર્ટીમાં તે ઝેર કાઢીને વેચતો હતો. જે લોકો આ ઝેર લે છે તેમને એ નુકસાન કરે છે.”
મેનકા ગાંધીએ કહ્યું કે જો મીડિયા દમ લગાવશે તો આના પર રોક લાગી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, “રેવ પાર્ટી અટકે અથવા ન અટકે આ મારું કામ નથી. મારું કામ જે લોકો જંગલથી સાપ લાવે છે, તેનું ઝેર કાઢે છે અને તે સાપ મરી જાય છે, એવા લોકોને પકડવા જોઈએ. આવા લોકો માટે 7 વર્ષની સજાની જોગવાઈ છે પોલીસે એવા લોકોને પકડવા જોઈએ. અમારી ટીમે યૂટ્યૂબ પર તેને જોયો. મારી સંસ્થાના લોકોએ ટ્રૅપ ગોઠવી. ઍલ્વિસ યાદવને પૂછ્યું કે અમે પાર્ટી કરી રહ્યા છીએ. ઍલ્વિસે લોકોને મેળવ્યા અને જણાવ્યું કે હું પાર્ટીમાં સપ્લાય કરું છું.”
ઍલ્વિસ યાદવે શું કહ્યું?
એફઆઈઆર દાખલ થયા બાદ ઍલ્વિસ યાદવે શુક્રવારે પોતાની સ્પષ્ટતા રજૂ કરી.
ઍલ્વિસ યાદવે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું, “હું સવારે ઉઠ્યો. મેં જોયું કે મારા વિરુદ્ધ ખબરે ફેલાઈ રહી છે કે ઍલ્વિસ યાદવ નશીલા પદાર્થ સાથે પકડાયા છે. મારા વિરુદ્ધ જે ખબરો ફેલાઈ રહી છે, આ તમામ ખોટા આરોપો છે, પાયાવિહોણા છે. એમાં એક ટકા પણ સત્ય નથી.”
એલ્વિશ યાદવે કહ્યું, “યૂપી પોલીસ સાથે હું સંપૂર્ણ સહકાર કરવા તૈયાર છું. હું પોલીસ પ્રશાસન, સીએમ યોગી આદિત્યનાથને અપીલ કરીશ કે જો તેમાં એક ટકા પણ સામેલ હોવ તો તમામ જવાબદારી લેવા તૈયાર છું.”
“મીડિયાને અપીલ કરું છું કે જ્યાં સુધી નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી મારું નામ ખરાબ ન કરે. જેટલા આરોપ લાગ્યા છે, એમાં મારું કોઈ લેવાદેવા નથી.”
તેમણે કહ્યું,“આ આરોપો સાથે મારે 100 મીલ સુધી કંઈ લેવાદેવા નથી.”
કોણ છે ઍલ્વિસયાદવ?
ઍલ્વિસ યાદવ એક ચર્ચિત યૂટ્યૂબર છે. તે સોશિયલ મીડિયા પર ઘણા લોકપ્રિય છે.
યૂટ્યૂબ પર તેમના 16 મિલિયન ફોલોઅર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 13 મિલિયનથી વધારે ચાહકો છે.
યૂટ્યૂબ પર ઍલ્વિસ યાદવની બે ચેનલ છે. એકનું નામ ઍલ્વિસ યાદવ અને બીજું ઍલ્વિસ યાદવ વ્લોગ્સ છે.
ઍલ્વિસ યાદવ યૂટ્યૂબ પર ઘણા રમૂજી વીડિયો બનાવે છે. તેમના રોસ્ટિંગ વીડિયો ઘણા પ્રખ્યાત છે.
પોતાની હરિયાણવી બોલી અને ખાસ શૈલીના કારણે યુવાઓમાં તે ઘણા લોકપ્રિય છે.
ઍલ્વિસ ગીતો પણ ગાય છે અને અભિનય કરે છે.
14 સપ્ટેમ્બર 1997ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલા ઍલ્વિસ યાદવે વર્ષ 2016માં પોતાની યૂટ્યૂબ ચેનલ ખોલી હતી.
ઍલ્વિસ યાદવે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ. કર્યું છે. પહેલાં ઍલ્વિસ યાદવનું નામ સિદ્ધાર્થ યાદવ હતું.
પરંતુ તેમના મોટાભાઈ ઇચ્છતા હતા કે તેમનું નામ ઍલ્વિસ યાદવ હોય.
પોતાના મોટાભાઈના અકાળે અવસાન બાદ તેમણે પોતાનું નામ ઍલ્વિસ યાદવ રાખી લીધું.
યૂટ્યૂબે ઍલ્વિસ યાદવને જલ્દી જ ઘણા લોકપ્રિય બનાવી દીધા.
ઍલ્વિસ કારના ઘણા શોખીન છે અને માનવામાં આવે છે કે તેમની પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે.