You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડિગોના માલિક કોણ છે, દેશની સૌથી મોટી ઍરલાઇન અત્યાર સુધી ક્યારે ક્યારે વિવાદમાં રહી?
ઇન્ડિગો ઍરલાઇન્સ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે જેણે પાઇલટોની અછતનું કારણ આપીને રોજની સેંકડો ફ્લાઇટ્સ રદ કરતા હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા છે.
આના કારણે દેશમાં ઍરલાઇનોની મોનોપૉલી અને સરકારના નિયંત્રણ વિશે પણ સવાલો ઊઠ્યા છે.
ઇન્ડિગો વિવાદમાં આવી તેની અસર તેના શેરના ભાવ પર પડી છે. છેલ્લા પાંચ દિવસમાં ઇન્ડિગોનો શૅર લગભગ 15 ટકા ઘટી ગયો છે. જોકે, આ શૅર સારું રિટર્ન આપનારા શૅરોમાં ગણાય છે અને છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 185 ટકાથી વધારે વળતર આપ્યું છે.
નાગરિક ઉડ્ડયનના નિયમનકાર ડીજીસીએ દ્વારા ઇન્ડિગોને ગયા અઠવાડિયે શો કૉઝ નોટિસ અપાઈ હતી જેથી સોમવારે ઇન્ડિગોનો શેર સીધો સાત ટકા ગગડ્યો હતો.
પ્રવાસીઓને થયેલી પરેશાની મામલે દિલ્હી હાઇકોર્ટમાં 10મી ડિસેમ્બરે સુનાવણી થવાની છે. તેમાં પ્રવાસીઓને રિફંડ અને મદદ આપવા મામલે કોર્ટ નિર્દેશ આપે તેવી શક્યતા છે.
કોણ છે ઇન્ડિગોના માલિક?
ઇન્ડિગો ઍરલાઇન્સ 2006માં શરૂ કરવામાં આવી હતી અને શરૂઆતમાં તે સસ્તા ભાડાની ઍરલાઇન અથવા લો-કોસ્ટ કેરિયર (એલસીસી) તરીકે ઓળખાતી હતી. પરંતુ હવે પ્રવાસીઓ અને વિમાનોની સંખ્યા - બંને રીતે ઇન્ડિગો એ ભારતની સૌથી મોટી ઍરલાઇન છે.
રાહુલ ભાટિયા ઇન્ડિગો ઍરલાઇન્સના સહસ્થાપક છે અને તેઓ ઍરલાઇનના માલિક પણ છે. કૅનેડામાંથી એન્જિનિયરિંગ કરનારા રાહુલ ભાટિયા ખાસ લાઇમલાઇટમાં આવતા નથી. પરંતુ તેમની આગેવાનીમાં ઇન્ડિગોએ સસ્તા ભાડાની ઍરલાઇનથી આગળ વધીને ભારતની સૌથી મોટી ઍરલાઇન બની ગઈ જે લગભગ 65 ટકા બજારહિસ્સો ધરાવે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે રાહુલ ભાટિયાની નેટવર્થ લગભગ 10.9 અબજ ડૉલર હોવાનો અંદાજ છે. ફોર્બ્સ ઇન્ડિયાએ રાહુલ ભાટિયા અને તેમના પિતા કપિલ ભાટિયાને સંયુક્ત રીતે ભારતના ધનિકોની યાદીમાં સ્થાન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિગો ઉપરાંત રાહુલ ભાટિયા ગુરુગ્રામમાં ત્રણ હોટલો પણ ધરાવે છે.
ભારતમાં ઍરલાઇન ચલાવવી એ બહુ પડકારજનક કામ છે અને છેલ્લાં 30 વર્ષમાં 20થી વધારે ઍરલાઇન્સ બંધ થઈ છે અથવા દેવાળું ફૂંક્યું છે. આવી ઍરલાઇનોમાં કિંગફિશર, જેટ એરવેઝ, ઍર કોસ્ટા, ઍર ડેક્કન વગેરેનાં નામ સામેલ છે.
ભૂતકાળમાં ક્યારે વિવાદમાં આવી
ઇન્ડિગો ઍરલાઇન પોતાના સ્ટાફ અથવા પ્રવાસીઓની વર્તણૂકના કારણે કેટલીક વખત વિવાદમાં પણ રહી ચૂકી છે.
જેમ કે નવેમ્બર 2017માં બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ એક વખત ટ્વીટ કરી હતી કે ઇન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફે તેમની સાથે તોછડાઇભર્યું વર્તન કર્યું હતું.
2017માં જ દિલ્હી ઍરપોર્ટ પર ઇન્ડિગોના સ્ટાફના લોકોએ રાજીવ કત્યાલ નામના પ્રવાસીને ઢસડીને માર માર્યો હતો.
આ ઉપરાંત બોલીવૂડના ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે રાયપુર ઍરપોર્ટ પર ઇન્ડિગોના સ્ટાફ સાથે ઝઘડો કરે છે.
તાજેતરમાં એવા અસંખ્યા વીડિયો વાઇરલ થયા છે જેમાં ફ્લાઇટ કૅન્સલ થવાના કારણે પરેશાન પ્રવાસીઓ ઇન્ડિગોના સ્ટાફ સાથે ઝઘડે છે અને ઍરલાઇન વિરુદ્ધ નારા લગાવે છે.
2015માં તમિલનાડુમાં હિંદુ મહાસભાના એક નેતા સુભાષ સ્વામીનાથને ઇન્ડિગોની ચેન્નઈની ફ્લાઇટમાં ઍર હોસ્ટેસ સાથે અભદ્ર વ્યવહાર કરતા ઇન્ડિગોએ તેની ધરપકડ કરાવી હતી.
ઇલેક્ટોરલ બૉન્ડનો મુદ્દો
ઇન્ડિગોનો વિવાદ ચાલુ છે ત્યારે વિરોધ પક્ષ કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઇન્ડિગોએ ભાજપને ઇલેક્ટોરલ બૉન્ડ મારફત ડોનેશન આપ્યું હતું જેના કારણે સરકારની નાગરિક ઉડ્ડયન નીતિમાં કોઈ પ્રભાવ પડ્યો કે નહીં તેના વિશે સવાલ પેદા થાય છે.
કૉંગ્રેસના સાંસદ સસીકાંત સેન્થિલે કહ્યું હતું કે ઇન્ડિગોનું સંચાલન કરતી ઇન્ટરગ્લોબ એવિયેશને લગભગ 36 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા હતા. આ ઉપરાંત ઍરલાઇનના પ્રમોટર રાહુલ ભાટિયાએ 20 કરોડના બૉન્ડ ખરીદ્યા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે, આ તમામ ફંડમાં ભાજપ સૌથી મોટો લાભાર્થી રહ્યો છે.
ભારતમાં રાજકીય પક્ષોને કંપનીઓ ડોનેશન આપી શકે તે માટે ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ અમલમાં હતી જેને સુપ્રીમ કોર્ટે માર્ચ 2024માં ગેરબંધારણીય ગણાવીને બંધ કરાવી હતી.