You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અજમેર દરગાહમાં શિવમંદિર હોવાના દાવા પર કોર્ટની નોટિસ, શું છે સમગ્ર મામલો
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી માટે
રાજસ્થાનમાં અજમેરની એક કોર્ટે હિંદુ સેનાની એક અરજીને સુનાવણી માટે સ્વીકાર્ય ગણી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક શિવમંદિર પર બની છે.
કોર્ટે બંને પક્ષકારોને નોટિસ પણ જારી કરી છે.
અજમેર વેસ્ટ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા 27 નવેમ્બરે લઘુમતિ મામલાના મંત્રાલય, દરગાહ સમિતિ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈને નોટિસ જારી કરી છે.
હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ રિટાયર્ડ જજ હરબિલાસ સારદાના પુસ્તક સહિત મંદિર હોવાના ત્રણ આધાર આપ્યા છે અને મંદિરમાં પૂજા-પાઠ કરવાની અનુમતિ આપવાની માગ કરી છે.
અજમેર દરગાહના પ્રમુખ ઉત્તરાધિકારી અને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વંશજ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ અરજીને ‘સસ્તી લોકપ્રિયતા મેળવવાનો સ્ટંટ’ ગણાવી છે.
તેમણે કહ્યું, “આ લોકો સમાજ અને દેશને ખોડી દિશામાં લઈ જઈ રહ્યા છે.”
આ મામલામાં કોર્ટે હવે પછીની સુનાવણીની તારીખ 20 ડિસેમ્બરની આપી છે.
કયા દાવાને આધારે કરાઈ અરજી?
વિષ્ણુ ગુપ્તાએ દરગાહમાં મંદિર હોવા માટે ત્રણ આધાર આપ્યા છે.
તેઓ પોતાના દાવામાં કહે છે, “અંગ્રેજી શાસનકાળમાં અજમેર નગરપાલિકાના કમિશનર રહી ચૂકેલા હરબિલાસ સારદાએ 1911માં લખેલા પોતાના પુસ્તકમાં દરગાહ મંદિર પર બની હોવાનો ઉલ્લેખ કર્યો છે. અમે તેમના પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ પહેલો આધાર છે.”
બીજા આધાર મામલે તેમણે કહ્યું, “અમે અમારી રીતે સંશોધન કર્યું. પુસ્તકની જાણકારીના આધારે દરગાહની અંદર જઈ જોયું. દરગાહની સંરચના હિંદુ મંદિરને તોડીને બનાવાઈ છે. દરગાહની દીવાલો અને દરવાજાઓ પર જોવા મળતાં નક્શીકામો હિંદુમંદિરની યાદ અપાવે છે.”
ત્રીજા આધાર મામલે તેમણે કહ્યું, “અજમેરના તમામ વ્યક્તિ જાણે છે અને તેમના પૂર્વજો પણ જણાવતા હતા કે અહીં શિવલિંગ હતું. લોકોનું કહેવું છે કે અહીં હિંદુમંદિર હતું.”
વિષ્ણુ ગુપ્તા કહે છે, “દરગાહમાં બનેલાં ભોયરાંમાં જે બંધ કરવામાં આવ્યું છે, તેમાં જો સર્વે થશે તો સત્ય સામે આવશે.”
વિષ્ણુ ગુપ્તાએ વર્ષ 2011માં હિંદુ સેનાની સ્થાપના કરી હતી. આ સંગઠન હિંદુત્વના મુદ્દા ઉઠાવવા માટે ચર્ચામાં રહે છે.
વિષ્ણુ ગુપ્તા હિંદુઓ સાથે જોડાયેલા મામલા પર પોતાની ટિપ્પણીને લઈને આ પહેલાં પણ હંમેશાં વિવાદમાં રહ્યા છે.
થોડા દિવસો પહેલાં ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મુસ્લિમોને લઘુમતિનો અપાયેલા દરજ્જો પરત લેવાની માગ કરી હતી. તે પહેલાં 2022માં તેમણે પીએફઆઈ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની પણ માગ કરી હતી.
દરગાહ સમિતિએ શું કહ્યું?
કોર્ટે આ મામલે દરગાહ સમિતિને પણ નોટિસ જારી કરી છે. અજમેર દરગાહમાં કેટલાંક વર્ષોથી દરગાહ નિઝામની નિયુક્તિ નથી થઈ. તેથી દરગાહ નિઝામનો વધારાનો ચાર્જ લઘુમતિ મામલાના મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી મોહમ્મદ નદીમ પાસે છે.
મોહમ્મદ નદીમ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “અમને કોર્ટની નોટિસ મળી નથી. કોર્ટની નોટિસ આવ્યા બાદ અમે તેને તપાસીને તેના પર કાયદાકીય કાર્યવાહી કરીશું.”
અજમેર દરગાહના મુખ્ય ઉત્તરાધિકારી સૈયદ નસીરુદ્દીન ચિશ્તી બીબીસીને ફોન પર જણાવે છે, “અમે વકીલોની સલાહ લઈ રહ્યા છીએ. કાયદાના આધારે અમે પોતાનો પક્ષ રજૂ કરીશું.”
સૈયદ નસીરુદ્દીન ચિશ્તી આ અરજીને સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો સ્ટંટ ગણાવે છે. તેઓ આ મામલે કહે છે, “વારંવાર આ પ્રકારના લોકો આવીને અરજી કરી દે છે અને દાવો કરે છે કે મસ્જિદ કે દરગાહ મંદિર છે, આ ખોટી પ્રથા પડી રહી છે.”
નસીરુદ્દીન કહે છે, “1911ના પુસ્તકના આધારે આ દાવો કરે છે, તે પુસ્તકની કોઈ વિશ્વસનિયતા નથી. સો વર્ષ જૂના પુસ્તકની બુનિયાદ પર 850 વર્ષના ઇતિહાસને ભૂંસી ન શકાય.”
પોલીસ બંદોબસ્ત વધારાયો
મંદિર પર દરગાહ બની હોવાના દાવા બાદ દેશભરમાં તેની ચર્ચા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણાં રાજ્યોમાં મંદિર-મસ્જિદ વિવાદની ઘટનાઓ બહાર આવી છે.
રાજસ્થાનમાં પણ આ અરજી બાદ ચર્ચાઓ ગરમ છે. આ મામલે શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખવા માટે અને કોઈને નુકસાન ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અજમેર જિલ્લા પોલીસ વડાં વંદિતા રાણા બીબીસી સાથે વાતચીતમાં કહે છે, “અમે સતત તમામ સમાજો સાથે વાતચીત કરી રહ્યા છીએ. મામલો કોર્ટમાં છે, કોર્ટ પોતાની પ્રક્રિયા અંતર્ગત નિર્ણય લેશે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે શાંતિનો માહોલ ખરાબ ન થાય.”
‘સમાજને એક રહેવાની જરૂર’
સૈયદ નસીરુદ્દીન ચિશ્તી માને છે કે સમાજે એક રહેવાની જરૂર છે. પરંતુ આ પ્રકારની અરજીઓ અને દાવાઓથી કેટલાક લોકો સમાજમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે.
તેઓ કહે છે, “આ લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવાનું કામ કરે છે. તેમને ખબર નથી કે દેશને તેઓ કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. સમાજને એક રાખવાની જરૂર છે. ક્યાં સુધી લોકો મંદિર-મસ્જિદ વિવાદ ઊભો કરતા રહેશે?”
કેન્દ્ર સરકારને અપીલ કરતા ચિશ્તી કહે છે, “પ્રાર્થનાસ્થળ ઍક્ટ 1991ને મજબૂત કરવામાં આવે. ધાર્મિકસ્થળોને લઈને 1947 પહેલાં જે વિવાદો ચાલી રહ્યા છે તેમને અલગ રાખવામાં આવે. તેમાં જે કોર્ટ નિર્ણય લેશે તેનું બધાએ સન્માન કરવું. પરંતુ આ લોકો નવા વિવાદો ઊભા કરી રહ્યા છે.”
એ પુસ્તક જેમાં કરાયેલા દાવાને કોર્ટમાં આધાર બનાવાયો
વિષ્ણુ ગુપ્તાએ પોતાના દાવા પાછળ હરબિલાસ સારદાના પુસ્તકને આધાર ગણાવ્યું છે.
વર્ષ 1911માં હરબિલાસ સારદાએ ‘અજમેર: હિસ્ટોરિકલ ઍન્ડ ડિસ્ક્રિપ્ટિવ’ નામનું એક પુસ્તક લખ્યું હતું.
પુસ્તકમાં દરગાહ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું પણ એક ચૅપ્ટર છે. 206 પાનાંનું આ પુસ્તક છે. જેમાં પાના નંબર 97 પર પહેલા ફકરામાં દરગાહમાં શિવમંદિર હોવાનો ઉલ્લેખ છે.
અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકમાં હરબિલાસ સારદા આ મામલે લખે છે, જેનો હિંદી અનુવાદ આ પ્રમાણે છે: “પરંપરા કહે છે કે ભોંયરામાં એક મહાદેવની છબી છે. જેના પર રોજ એક બ્રાહ્મણ પરિવાર દ્વારા ચંદન ચઢાવવામાં આવતું હતું. જે અત્યારે પણ દરગાહ દ્વારા ઘડિયાળીના રૂપમાં રાખવામાં આવે છે.”
અરજીમાં આ ઉલ્લેખને આધાર બનાવવામાં આવ્યો છે.
સૈયદ નસીરુદ્દીન ચિશ્તી આ પુસ્તકની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવે છે.
તેઓ કહે છે, “જે પણ ઐતિહાસિક પુસ્તકો છે જેના લેખકો હિંદુ અને મુસ્લિમ બંને લોકો રહ્યા છે. તેમણે અજમેર દરગાહ મામલે આવો ઉલ્લેખ નથી કર્યો. દુનિયાના હિંદુ અને મુસ્લિમ, તમામની આસ્થાનું કેન્દ્ર છે આ અજમેરની દરગાહ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન