You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ છે અભિનેત્રી રાન્યા રાવ જેઓ 14 કિલો સોના સાથે બૅંગ્લુરુ ઍરપૉર્ટ પર પકડાયાં?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી સંવાદદાતા, બૅંગ્લુરુથી
કન્નડ અને તામિલ ફિલ્મોનાં અભિનેત્રી રાન્યા રાવને રૅવન્યૂ ગુપ્તચર વિભાગે દુબઈથી પરત આવતા સમયે 14.8 કિલોગ્રામ સોના સાથે પકડી પાડ્યાં છે. આ સોનાની કિંમત લગભગ રૂ. 12 કરોડ આસપાસ હોવાનું જણાવાય છે.
અભિનેત્રી રાન્યા રાવ કર્ણાટકના પોલીસ મહાનિદેશકના પદ પર કાર્યરત આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીનાં દીકરી છે. રાન્યા રાવની પોલીસે ધરપકડ કરી છે.
રાન્યા રાવ મંગળવારે બૅંગ્લુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સોના સાથે પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રૅવન્યૂ ગુપ્તચર વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે, "ગોલ્ડ બારને ઘણી ચાલાકીથી તેમના શરીરમાં છૂપાવવામાં આવી હતી."
સોનાની બારને ખાસ પ્રકારના બૅલ્ટમાં છૂપાવવામાં આવી હતી, જે તેમના શરીર પર બાંધવામાં આવ્યો હતો. સાથે જ અભિનેત્રી પાસેથી 800 ગ્રામનાં સોનાનાં આભૂષણો પણ મળી આવ્યાં છે.
ઍરપૉર્ટ પર ધરપકડ બાદ ડીઆરઆઈના અધિકારીઓએ તેમના ઘરની તલાશી લીધી.
તપાસ દરમિયાન તેમના ઘરથી 2.06 કરોડ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં મળી આવ્યાં હતાં. તે ઉપરાંત 2.67 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.
ડીઆરઆઈએ કહ્યું, "મહિલા યાત્રીને કસ્ટમ ઍક્ટ 1962 અંતર્ગત પકડવામાં આવ્યાં છે અને તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલામાં કુલ 17.29 કરોડ રૂપિયા જપ્ત થયા છે, આ સોનાની તસ્કરી કરનારા માટે મોટો ઝટકો મનાય છે.
ડીઆઈઆઈએ દાવો કર્યો કે 14.2 કિલોગ્રામ સોનાનું મળવું એ બૅંગ્લુરુ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર હાલના સમયમાં સૌથી મોટી જપ્તી છે.
કોણ છે રાન્યા?
32 વર્ષનાં અભિનેત્રી રાન્યા રાવે લગભગ 10 વર્ષ પહેલાં કન્નડ ફિલ્મ 'માણિક્ય'માં મશહૂર કન્નડ અભિનેતા સુદીપ સાથે કામ કર્યું હતું. આ જ ફિલ્મ રાન્યાની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.
ત્યાર પછીના બે વર્ષમાં તેમણે તામિલ ફિલ્મ 'વાગહ'માં વિક્રમ પ્રભુ સાથે અભિનય કર્યો. વર્ષ 2017માં તેમણે કન્નડ ફિલ્મ પટકીમાં મશહૂર અભિનેતા ગણેશ સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
જર્નલિસ્ટથી ફિલ્મ મેકર બનેલાં સુનૈના સુરેશે બીબીસીને જણાવ્યું, "કેટલાંક વર્ષોથી તેઓ ફિલ્મોમાં સક્રિય નહોતાં. પરંતુ તેમણે જે ફિલ્મોમાં કામ કર્યું તેમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી."
કન્નડ ફિલ્મોના એક જાણીતા કલાકારે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે રાન્યાએ એન્જિનિયરિંગના અભ્યાસ બાદ ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું.
રાન્યા રાવ કર્ણાટકના ચિકમંગલુરુનાં રહેવાસી છે. તેમનાં માતા એક કૉફીની ખેતી કરતા પરિવાર સાથે સંકળાયેલાં છે. તેમના પિતા રામચંદ્ર રાવ કર્ણાટક પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનના પ્રમુખ છે.
રામચંદ્ર રાવે સ્થાનિક ન્યૂઝપેપરને જણાવ્યું કે રાન્યાની ગતિવિધિઓ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેમનેજમાઈ અને પુત્રીનાં બિઝનેસ વિશે કોઈ જાણકારી નથી.
રાન્યાનાં લગ્ન ચાર મહિના પહેલાં જ થયાં હોવાના અહેવાલ છે. રામચંદ્ર રાવનું નિવેદન મળતાની સાથે અહીં અપડેટ કરવામાં આવશે.
રાન્યા વારંવાર દુબઈ જતાં હતાં
પોલીસ અધિકારીઓ પાસે મળેલી જાણકારી અનુસાર રાન્યા રાવ વારંવાર દુબઈ જતી હતી. તેથી તે ડીઆઈઆઈની નજરમાં હતી.
ગત 15 દિવસોમાં તેણે ચાર વખત દુબઈની યાત્રા કરી. તેથી તેમના પર શક વધ્યો હતો. અન્ય યાત્રીઓને જ્યાં ઇમિગ્રૅશન પ્રક્રિયાથી પસાર થવું પડ્યું ત્યાં રાન્યા રાવ કથિત રીતે વગર તપાસ કરાવ્યે ઍરપૉર્ટની બહાર આવી ગઈ.
તે ઍરપૉર્ટ પર દાવો કરતી હતી કે તે ડીજીપીનાં દીકરી છે અને તેમની ઓળખ સાબિત કરવા માટે તેની સાથે પ્રોટોકૉલ કૉન્સ્ટેબલ રહેતા હતા. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્રોટોકૉલ કૉન્સ્ટેબલ કે અધિકારીઓ પર આરોપ લગાવવો યોગ્ય નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન