You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેએ વિઝાના નિયમો બદલ્યા, ગુજરાતીઓને કેવી અને કેટલી અસર થશે?
યુકેમાં આવતાં લોકોની સંખ્યા ઘટાડવા માટે સરકારે નવા પગલાના એક પૅકેજની જાહેરાત કરી છે. આનાથી ગુજરાતમાંથી યુકે જવા માગતા લોકોને શું અસર થઈ શકે છે એ મહત્ત્વનું છે.
યુકેના ગૃહ સચિવ જેમ્સ ક્લેવર્લિએ જણાવ્યું હતું કે, આ ફેરફારો આગામી વસંતથી અમલમાં આવવાના છે તેનાથી નૅટ માઇગ્રેશન (સ્થળાંતર)માં અત્યાર સુધીની સૌથી મોટી ખાધ પૂરવામાં મદદ મળશે.
યુકેમાં રહેવા માટે આવતાં લોકોની સંખ્યા અને છોડીને જતા લોકો વચ્ચેનો તફાવત- ગયા વર્ષે રેકૉર્ડ 745,000 સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ આ ફેરફારની જાહેરાતો કરાઈ છે.
UK કુશળ વર્કર વિઝા માટે લઘુતમ પગારવધારો
યુકેમાં આવવા માટે કુશળ વર્કર વિઝા માટે પાત્ર બનવા તમારી નોકરીની ઑફર લઘુતમ પગારની જરૂરિયાતને પૂરી કરે એ જરૂરી હોય છે.
આ ક્ષણે દર વર્ષે 26,200 પાઉન્ડ પ્રતિ વર્ષ, 10.75 પાઉન્ડ પ્રતિ કલાક અથવા તમારી નોકરી માટે "ગોઇંગ રૅટ"માંથી જે પણ સૌથી વધુ હોય તે ગણવામાં આવે છે.
આગામી વસંતથી આ વધીને 38,700 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે. જોકે, નિર્ણાયક રીતે આરોગ્ય અને પૅરામેડિકલકર્મીઓ (જેઓ વર્ક વિઝા પર રહેતા લોકોમાંથી લગભગ અડધા લોકોનો હિસ્સો ધરાવે છે)ને આ વધારામાંથી મુક્તિ આપવામાં આવશે.
રાષ્ટ્રીય પગાર ધોરણ પરના લોકો, જેમ કે શિક્ષકોને પણ આમાંથી મુક્તિ આપવામાં આવશે.
માઇગ્રેશન ઑબ્ઝર્વેટરી કહે છે કે, મુખ્ય અસર કસાઈ અથવા રસોઈયા જેવી મધ્યમ-કુશળ નોકરીઓ પર થવાની સંભાવના છે, જેમનો પગાર 30,000 પાઉન્ડ કરતાં ઓછો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૅમિલી વિઝા માટે લઘુતમ આવકની જરૂરિયાત વધશે
બ્રિટિશ નાગરિકો માટે જરૂરી લઘુતમ આવક, જેમાં જે લોકો વિદેશથી કુટુંબના સભ્ય અથવા જીવનસાથીને તેમની સાથે યુકેમાં રહેવા માટે લાવવા માગે છે તેમની વાર્ષિક આવક લઘુતમ મર્યાદા 18,600 પાઉન્ડથી વધીને 38,700 પાઉન્ડ થઈ રહી છે.
જૂન-2023માં પૂરા થયેલા વર્ષમાં અંદાજે 70,000 લોકો ફૅમિલી વિઝા પર યુકે આવ્યા હતા.
આ ફેરફાર ઓછી આવક ધરાવતા લોકોને અસર કરે છે. તેથી તે એવાં સમૂહો પર મોટી અસર કરશે જેઓ ઓછી કમાણી કરે છે. જેમ કે મહિલાઓ, યુવા લોકો, લંડન અને દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડની બહાર રહેતા લોકો.
પરિવારના આશ્રિતોને યુકેમાં લાવતા કૅર વર્કરો પર પ્રતિબંધ
ઑવરસીઝ કૅર વર્કર્સ હવે તેમના જીવનસાથી અથવા બાળકોને તેમની સાથે યુકેમાં લાવી શકશે નહીં.
હોમ ઑફિસના ડેટા સૂચવે છે કે અન્ય વર્ક વિઝા પરના લોકો કરતાં આરોગ્ય અને કૅર વર્કર્સોના પરિવારના સભ્યો વધુ પ્રમાણમાં આવતા હોય છે.
સપ્ટેમ્બરથી સુધી કૅર વર્કર્સને 101,000થી વધુ વિઝા આપવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત આશ્રિતોને અંદાજે 1,20,000 વિઝા આપવામાં આવ્યા હતા.
આથી કૅર કંપનીઓને ચિંતા છે કે આશ્રિતો પરનો પ્રતિબંધ સંભવિત ભરતીને યુકેમાં આવવાથી અટકાવશે અને આને લીધે સ્ટાફની તંગી વધુ ઘેરી બનશે.
પરંતુ સરકાર કહે છે કે, તેમનું માનવું છે કે યુકેમાં કૅર વર્કર્સની ભૂમિકાઓ માટે વિદેશી કામદારો તરફથી હજુ પણ સારો ઉત્સાહ રહેશે. ભલે વ્યક્તિઓ તેમની સાથે પરિવારના સભ્યોને લાવી ન શકે તો પણ યુકેમાં આવવા માગતા કૅર વર્કર્સની સંખ્યા પૂરતી જ રહેશે.
પગારમાં મળતું ડિસ્કાઉન્ટ રદ
હાલમાં એવા વ્યવસાય જેમાં કામદારો નથી મળી રહ્યા તેવાની સૂચિમાં રહેલી નોકરીઓમાં કુશળ વર્કર વિઝા માટે લાયક બનવા માટે સામાન્ય વર્તમાન દરના 80% ચુકવણી કરી શકાય છે. આમ 20 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે.
આ યાદી આરોગ્ય, શિક્ષણ, કૅર વર્કર અને બાંધકામ સહિતનાં ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લે છે અને યુકેમાં જ્યાં કામદારોની અછત હોય ત્યાં નોકરીદાતાઓ માટે ખાલી જગ્યાઓ ભરવાનું સરળ બનાવવા માટે આ નીતિ ડિઝાઇન કરવામાં આવી છે.
પણ સરકારનું કહેવું છે કે, તે બ્રિટિશ કામદારોને ઓછું વેતન ન અપાય એટલા માટે આ 20 ટકા ડિસ્કાઉન્ટને રદ કરવાની યોજના બનાવી રહી છે.
હેલ્થકૅર સરચાર્જ વધશે
વાર્ષિક ફી વિઝાધારકોએ NHS (નેશનલ હેલ્થ સર્વિસ)નો ઉપયોગ કરવા માટે ચુકવણી કરવી પડશે, જે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ તરીકે ઓળખાય છે. જે 624 પાઉન્ડથી વધીને 1,035 પાઉન્ડ થશે.
જોકે તેમાં કેટલીક છૂટ અપાઈ છે. જેમ કે, ઉદાહરણ તરીકે આરોગ્ય અને કૅર વર્કરોને ચાર્જ ચૂકવવો પડતો નથી અને વિદ્યાર્થીઓ તથા 18 વર્ષથી ઓછી વયના લોકો માટે ઘટાડેલો દર છે.
વિદ્યાર્થીઓ માટેના ગ્રેજ્યુએટ વિઝાની સમીક્ષા
ગ્રેજ્યુએટ વિઝા કોઈ વ્યક્તિને યુકેમાં સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કર્યા પછી ઓછામાં ઓછા બે વર્ષ સુધી દેશમાં રહેવાની મંજૂરી આપે છે.
સરકારે આ વિઝા નીતિની સમીક્ષા શરૂ કરી છે, યુકે સરકાર તેને સિસ્ટમનો "દુરુપયોગ" ગણાવતી હતી.
આ વર્ષમાં જૂન સુધી 98,000થી વધુ ગ્રેજ્યુએટ વિઝા આપવામાં આવ્યા હતા.
સરકારે પહેલેથી જ યુકેમાં પરિવારના સભ્યોને પોતાની સાથે લાવી શકે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની યોજના જાહેર કરી છે .
આમ આ ફેરફારો જે જાન્યુઆરીમાં અમલમાં આવી રહ્યા છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આશ્રિતોને લાવવાના અધિકારને રદ કરે છે. સિવાય કે તેઓ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પર આવ્યા હોય.
વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થાય તે પહેલાં વર્ક વિઝા પર સ્વિચ કરવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે.
યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, “માઇગ્રેશનને કાબૂમાં લેવા નવા નિર્ણયો જાહેર કર્યા છે. એનું સ્તર ખૂબ વધુ હતું એટલે બદલાવ કર્યો છે. હું એ અમલ કરવા કટિબદ્ધ છું. કોઈ વડા પ્રધાને ઇતિહાસમાં આવું નથી કર્યું પણ મારે કરવું પડશે અને હું કરીશ.”
ક્લેવર્લિનું અનુમાન છે કે નવા નિયમોથી યુકેમાં દર વર્ષે આવતા લોકોની સંખ્યામાં 3 લાખનો ઘટાડો નોંધાશે. જોકે એનાથી ભારતીયોને પણ અસર થવાની વાત છે.
ગુજરાતમાંથી જતા લોકો પર શી અસર થશે?
ઍજ્યુકેશન ઍન્ડ વિઝા કાઉન્સલેર પ્રસન્ન આચાર્ય છેલ્લાં 26 વર્ષથી ઇમિગ્રેશન અને વિઝા મામલાની સેવાઓ સાથે સંકળાયેલા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે, “યુકે દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વિઝા નિયમોથી ગુજરાતમાંથી જતા લોકોને અસર થશે, કેમ કે એવું જોવામાં આવ્યું છે કે વર્ક પરમિટ માટે ઘણા લોકો ડિપેન્ડન્ટની યોજનાનો લાભ લેતા હતા, ઉપરાંત દસ્તાવેજોમાં ગેરરીતિ તથા ખોટી રીતે પણ યુકેમાં વર્ક પરમિટ લઈ જતા હતા.”
“ગુજરાતમાં પકડાયેલું માર્કશીટોનું કૌભાંડ પણ સૂચવે છે કે કેટલી હદે તેમાં ગેરરીતિ થતી હતી. ગુજરાતમાં આણંદ, વડોદરા, મહેસાણા સહિતના વિસ્તારોમાંથી ઘણા લોકો વર્ક પરમિટ લઈ યુકે જતા હતા. તેઓ ખાસ કરીને કૅર વર્કર તરીકે જવાનો માર્ગ પણ અપનાવતા હતા.”
“જેમાં બનાવટી માર્કશીટ કે કૉન્ટ્રાક્ટ મૅરેજ અથવા તો ત્યાંની હેલ્થ કૅર કંપની સાથે એજન્ટની સાઠગાંઠની મદદથી બધું ચાલતું હોવાનું બહાર આવતું હતું. પણ સરકારે ત્યાં સમીક્ષા કરતા હવે બધું કડક થઈ ગયું છે. એટલે જાન્યુઆરી 2024થી કૅર વર્કરની લઘુતમ સૅલરીની કૅપ પણ વધારી દીધી છે અને ડિપેન્ડન્ટ લઈ જવા પર રોક લાગશે એટલે ચોક્કસથી એની અસર થશે.”
તેઓ કહે છે, “જે લોકો સાચે જ હેલ્થ કૅરમાં કામ નહોતા કરતા અને આ વિઝાની વર્ક પરમિટ જતા હતા તેઓ હવે નહીં જઈ શકે. વધુમાં સૅલરી કૅપ પણ વધારતા તેની સંખ્યામાં પણ અંકુશ આવશે.”
“અગાઉ યુકે સરકારે અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે લોકો સાથે ડિપેન્ડન્ટને લઈ જતા એ પણ રદ કરવાની જાહેરાત કરી દીધી છે. તે પણ જાન્યુઆરી 2024થી લાગુ થઈ જશે. એટલે સરકારે જ્યાં પણ તેમને સ્ક્રૂનિટીવેળા શંકા લાગી છે ત્યાં અંકુશ મૂકી દીધો છે.”
નવા વિઝા નિયમો સામે વિરોધ
બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ફિઝિશિયન ઑફ ઇન્ડિયન ઑરિજિન (બીએપીઆઈઓ) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો નવા નિયમોથી પરિવારને સાથે રાખવાના અધિકારો પર તરાપ લાગશે તો તે એનએચએસને આપેલો સ્વંયસેવી ટેકો પાછો ખેંચી લેશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ફિઝિશ્યન ઍસોસિયેશન એનએચએસ સાથે સક્રિય રીતે જોડાયેલું છે. તેનું કહેવું છે કે એનએચએસને કૅર વર્કરો અને તબીબોની ભારે અછત છે. એવામાં પરિવારોને ન લાવી શકાય એવા નિયમો આવશે તો તેની અસર થશે અને તેઓ ટેકો પાછો ખેંચી લેશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના મહામંત્રી શૈલેશ પાઠકને ટાંકીને લખાયું છે કે, “જો આ લઘુતમ પગારવધારાની મર્યાદા નાખવામાં આવશે તો ભારતીય પ્રોફેશનલો બીજા દેશમાં જવાનું શરૂ કરી દેશે. આના લીધે યુકેમાં બિઝનેસ કરતી ભારતીય કંપનીઓ પણ નિરાશ થશે.”
યુકે જતા ભારતીયોનું પ્રમાણ
અહેવાલ અનુસાર યુકે દ્વારા વર્ષ 2023માં 1.42 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા, જે એના અગાઉના વર્ષ કરતાં 54 ટકાનો વધારો સૂચવે છે.
ઉપરાંત વર્ષ 2023ના સપ્ટેમ્બર સુધીમાં 1.33 લાખ ભારતીય સ્ટુડન્ટોને સ્પૉન્સર્સ વિઝા આપવામાં આવ્યા હતા.
પ્રવાસી વિઝામાં પણ ભારતીયો 27 ટકાના પ્રમાણ સાથે ટોચ પર છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટસ્ટિક્સના આંકડા મુજબ સપ્ટેમ્બર-2023 સુધીમાં સ્કિલ્ડ વર્કર વિઝા, હેલ્થ કૅર વિઝા મામલે મોખરે હતા.
યુરોપિયન યુનિયનમાં ઇમિગ્રેશન મામલે ટોચના પાંચ દેશોમાં ભારત 2.53 લાખ સાથે પ્રમુખ છે. ત્યાર પછી નાઇજિરિયા, ચીન, પાકિસ્તાન અને યુક્રેનનો ક્રમ આવે છે.