સુપ્રીમ કોર્ટના હુકમ છતાં બિલકીસબાનોને હજુ સુધી ‘મકાન કેમ નથી મળ્યું?’

બિલકીસબાનો કેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

બિલકીસબાનો ગૅંગરેપ કેસના દોષિતોને ગણતરીના દિવસોમાં પાછા જેલ જવું પડશે. આ કેસમાં 15 ઑગસ્ટ 2022ના રોજ દોષિતોની સજામાફીના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પોતાના તાજેતરના એક ચુકાદામાં રદ કરતાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ચુકાદામાં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે દોષિતોને ટૂંક સમયમાં જેલ ઑથૉરિટી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો.

બિલકીસબાનો માટે ન્યાયની માંગ કરતા અનેક લોકોને આ નિર્ણયથી સંતોષ છે, પરંતુ બિલકીસને સહાય અંગેના સુપ્રીમ કોર્ટના એપ્રિલ 2019ના નિર્ણયની અમલવારી અંગે હજુ સુધી સવાલો યથાવત્ છે.

આ નિર્ણય અંગે વાત કરીએ તો પ્રમાણે 2002નાં ગુજરાત રમખાણોમાં ગૅંગરેપનો સામનો કરનાર અને પોતાના પરિવારના 14 લોકોની હત્યાની વેદના વેઠનાર બિલકીસબાનોને સહાય આપવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને હુકમ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના તારીખ 23મી એપ્રિલ 2019ના આદેશ પ્રમાણે બિલકીસબાનોને તેમની મરજીની જગ્યાએ મકાન, ગુજરાત સરકારમાં નોકરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

તેની સાથે સાથે તેમને રૂ. 50 લાખની નાણાકીય સહાય આદેશનાં બે અઠવાડિયાંની અંદર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

નાણાકીય સહાયના હુકમનું પાલન તો સૂચિત સમયમાં કરાયું, પરંતુ મકાન અંગેના હુકમનું હજી સુધી 'સંપૂર્ણપણે પાલન નથી કરાયું.'

જોકે, આ સમગ્ર મામલે સક્ષમ સરકારી અધિકારીએ ‘મકાન અંગેની કાર્યવાહી ચાલુ હોવાની’ વાત કરી હતી.

તેમજ બિલકીસબાનોના પક્ષે ‘મકાન માટે જમીન બતાવાયા બાદ બાંધકામની પ્રક્રિયા શરૂ ન કરાઈ’ હોવાની વાત કરાઈ હતી.

બિલકીસબાનોને સહાયના હુકમમાં શું કહેવાયું છે?

બિલકિસબાનો

ઇમેજ સ્રોત, ANI

સુપ્રીમ કોર્ટે આ હુકમમાં નોંધ્યું છે કે વર્ષ 2002માં 21 વર્ષીય બિલકીસબાનો સાથે તેઓ ગર્ભવતી હતાં એ દરમિયાન તેમની સાથે ગૅંગરેપની ઘટના બની હતી. આ ઘટનામાં તેમના પરિવારના લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સુનાવણી વખતે ટ્રાયલ કોર્ટે આ કેસની હકીકત જાણી હતી અને નોંધ્યું હતું કે એ વાતનો બિલકુલ ઇનકાર ન કરી શકાય કે તેમની ઉપર બળાત્કાર થયો હતો અને તેમની ત્રણ વર્ષની દીકરીની 'બર્બર હત્યા' કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે બિલકીસબાનોને સહાય સંબંધી પોતાના આદેશમાં નોંધ્યું છે કે, “હાલમાં બિલકીસની ઉંમર 40 વર્ષ છે, તેઓ ઘરવિહોણાં છે અને પરિવારમાં કોઈ આશરો નથી. તેઓ ભટકતું જીવન પસાર કરે છે.”

કોર્ટે ઑર્ડરમાં નોંધ્યું હતું કે, “બિલકીસબાનોને તેમની પસંદગીની જગ્યાએ મકાન અને રાજ્ય સરકારમાં નોકરી આપવી.”

આ બંને બાબતોમાં તેમની ‘મરજીને પ્રાથમિકતા’ આપવાનું સૂચવવામાં આવ્યું હતું.

બિલકીસબાનોને સહાયના હુકમનો કેટલો અમલ થયો?

બિલકિસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુપ્રીમ કોર્ટના સહાય અંગેના હુકમ મુદ્દે બીબીસી ગુજરાતીએ બિલકીસબાનોના સંબંધી અને આ કેસના સાક્ષી રજ્જાક મનસૂરી સાથે વાત કરી હતી.

તેમણે આ અંગે વિગતો આપતં કહ્યું હતું કે, “મકાન આપવાની પ્રક્રિયાયા સંદર્ભે સરકારે બિલકીસને એક જગ્યા બતાવી છે. તેમના પરિવાર સાથે બિલકીસે એ જગ્યા જોઈ લીધી છે. તેમણે તે જગ્યા પસંદ પણ કરી છે. પરંતુ એ જગ્યાએ હજી સુધી કોઈ પણ પ્રકારના બાંધકામની પ્રક્રિયા શરૂ કરાઈ નથી.”

નોંધનીય છે કે હાલ બિલકીસબાનો પોતાના રણધીકપુર (દાહોદ જિલ્લો) ખાતેના જૂના મકાનમાં રહેતાં નથી. તેઓ આ ઘટના અને દોષિતોને સજા અંગેના ચુકાદા બાદથી વારંવાર પોતાનું રહેઠાણ બદલવા મજબૂર બન્યાં છે.

જો વાત તેમને સરકારી નોકરી અંગેના સુપ્રીમ કોર્ટના હુકમની અમલવારીની કરાય તો આ અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2019ના રોજ રાજ્યના દેવગઢ બારિયાસ્થિત પાણી સિંચાઈ વિભાગમાં પટાવાળાની નોકરી માટેનો હુકમ કરાયો હતો.

જોકે, બિલકીસબાનોએ આ નોકરીનો અસ્વીકાર કરતાં સરકારને રજૂઆત કરી હતી કે તેમની જગ્યાએ આ નોકરી તેમના પતિ યાકુબ રસૂલને અપાય.

આ અંગે રજ્જાક મનસૂરી જણાવે છે કે,“બિલકીસબાનોએ લેખિતમાં આ નોકરીનો અસ્વીકાર કર્યો હતો, કારણ કે તેઓ પોતે બળાત્કારનો ભોગ બનેલાં છે. મીડીયાના અહેવાલોને કારણે તેમનો ચહેરો બધા ઓળખે છે, આથી તેઓ પોતે કોઈ નવી જગ્યાએ એક પટાવાળાની નોકરી કરી શકે એમ નથી. તેવું અમને બધાને લાગતું હતું.”

બિલકીસબાનોનાં વકીલ અને સરકારનું આ વિશે શું કહેવું છે?

બિલકીસબાનો કેસના 11 દોષિતો જેમને ગોધરા સબજેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો કેસના 11 દોષિતો જેમને ગોધરા સબજેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા

બીબીસી ગુજરાતીએ બિલકીસબાનોને સહાય અંગેના સુપ્રીમના આદેશના યોગ્ય અમલીકરણ અંગે કરાયેલા પ્રયાસો વિશે જાણવા તેમનાં વકીલ શોભા ગુપ્તા સાથે વાત કરી હતી.

તેમણે આ મામલે કહ્યું કે, “અમે જસ્ટિસ બોબડે સમક્ષ બિલકીસની નોકરીની સમસ્યા અને મકાન ન મળવાની સમસ્યા અંગે વાત કરી હતી. જોકે, એ સમયે અમને કહેવામાં આવ્યું હતું કે એક વખત અમારે ગુજરાત સરકાર સમક્ષ આ વિશે રજૂઆત કરીને કોર્ટને એ અંગે જાણ કરવી.”

“પરંતુ તે દરમિયાન આ કેસના દોષિતોની સજામાફીની ઘટના બનતાં અમારું ધ્યાન તેના પર હતું. જોકે, હવે ટૂંક સમયમાં અમે સરકાર અને સુપ્રીમ કોર્ટ બંને સમક્ષ આ મામલે યોગ્ય રજૂઆત કરીશું.”

પતિ જાવેદ સાથે બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પતિ સાથે બિલકીસબાનો

બિલકીસબાનોને સહાય અંગે સુપ્રીમ કોર્ટના આદેશની અમલવારી મામલે ગુજરાત સરકારે કરેલી કાર્યવાહી અંગે જાણવા અમે દાહોદના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “મારા અગાઉના અધિકારીએ આ મામલે ઘણું કામ કર્યું છે. બિલકીસબાનોએ નોકરીનો અસ્વીકાર કર્યો છે અને ઘર માટેની પ્રક્રિયા ચાલુ છે. તેમણે જગ્યા પસંદ કરી લીધી છે અને આ મામલે અમે ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરીશું.”

શું હતો સમગ્ર બિલકીસબાનો કેસ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

2002નાં ગુજરાત રમખાણો દરમિયાન રણધીકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

બળાત્કાર ગુજારાયા બાદ અધમૂઈ હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.

તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઇને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

2017માં બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતાં નથી."

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઇકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.

દોષિતોને સજામાફી અને ફરી જેલ સુધી

નોંધનીય છે કે આ કેસમાં તમામ દોષિતોની સજામાફીની અરજીની સમીક્ષા માટે રચાયેલી સમિતિની ભલામણ બાદ ગુજરાત સરકારની સજામાફીની નીતિ હેઠળ મુક્ત કરાયા હતા.

નોંધનીય છે કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના 11 મે, 2022ના ચુકાદાના અનુસંધાને સજામાફીનો નિર્ણય કર્યો હતો.

જોકે, સુપ્રીમ કોર્ટે ગત 8 જાન્યુઆરીના રોજ દોષિતોની સજામાફીના નિર્ણયને પડકારતી અરજીને માન્ય રાખી ગુજરાત સરકારનો સજામાફીનો નિર્ણય રદ કર્યો હતો.

આ મામલે બંને જજોની બેન્ચે ગત 12 ઑક્ટોબર, 2023ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

ગુજરાત સરકાર વતી આ કેસમાં સુપ્રીમકોર્ટમાં હાજર રહેલા એડિશનલ સૉલિસિટર જનરલ (એએસજી) એસ. વી. રાજુએ કહ્યું હતું કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના હુકમથી બંધાયેલી હતી. જેમાં કહેવાયું હતું કે આ કેસમાં રાજ્યની સજામાફીની નીતિ અંતર્ગત નિર્ણય લેવાવો જોઈએ અને સરકારે એ અંતર્ગત આ અરજીઓ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

રાજુએ જણાવ્યું કે આ નિર્ણય ગુજરાતની વર્ષ 1992ની સજામાફીની નીતિને અનુરૂપ કાયદેસર અને તમામ પ્રક્રિયાને અનુસરીને લેવાયો હતો.

સજામાફીની અરજીની પેનલે તેમના નિર્ણયને એમ કહીને છાવર્યો હતો કે "ગુનેગારો 'સંસ્કારી બ્રાહ્મણ' છે અને તેમણે જેલમાં 14 વર્ષ જેટલો સમય વિતાવ્યો છે તથા તેમનું જેલમાં સારું વર્તન રહ્યું છે."

રેડ લાઇન
રેડ લાઇન