બિલકિસબાનો કેસમાં દોષિતોને છોડવાની નીતિ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
સુપ્રીમ કોર્ટમાં બિલકીસબાનો કેસના દોષિતોને ગુજરાત સરકારે મુક્ત કર્યા એ નીતિ સામે થયેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે. જેમાં ગુજરાત સરકારે પહેલાંથી જ જાહેર હિતની આ અરજીનો એમ કહી વિરોધ કર્યો હતો કે ત્રીજો પક્ષ એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ જાહેર હિતની અરજી ન કરી શકે. આથી આ અરજી ગ્રાહ્ય નથી.
જોકે, બુધવારે અરજીની ગ્રાહ્યતા નક્કી કરવાની દલીલો વચ્ચે એક સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો દોષિતોને છોડવાથી જાહેર જનતાને મોટા પાયે અસર થઈ રહી હોય, તો આવી અરજી ગ્રાહ્ય રાખી શકાય છે.
સુનાવણીમાં કોર્ટે ટિપ્પણી કરી કે, “જો નીતિના લીધે જાહેર જનતાને મોટા પાયે અસર થઈ હોય, તો આવી નીતિ સામેની અરજી સાંભળી શકાય છે. આદેશને કોણ પડકારી શકે એની ચકાસણી કરવી પડે છે.”
સુનાવણી કરી રહેલી પીઠના વડા જસ્ટિસ બી. વી. નાગરથનાએ આ ટિપ્પણી કરી હતી.
ગુજરાત સરકાર તરફથી ઍડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ દલીલ કરી હતી કે દોષિતોની સજામાફ કે ઘટાડવાના મામલે કોઈ ત્રીજી વ્યક્તિનો મત જરૂરી નથી અને કોઈ અન્ય તેમાં દખલ ન દઈ શકે અને તેની સામે થયેલી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ખારિજ કરી દેવી જોઈએ.
તેમણે કહ્યું, “સજા ઘટાડવામાં આવી છે અને એની સામે પીઆઈએલ ન હોઈ શકે. એ કોર્ટ અને ફરિયાદીપક્ષ વચ્ચેનો જ મામલો છે.”
કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખવી કે નહીં એ મામલાને એક પ્રશાસનિક મામલો ગણાવ્યો છે. તેને કોઈ ફોજદારી મામલો નથી ગણ્યો.
કોર્ટે કહ્યું કે તેઓ માત્ર પ્રશાસનિક આદેશને પડકારી રહ્યા છે પરંતુ દોષિતપણા કે સજાને નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ દોષિતો તરફથી હાજર વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે દોષિતોને સજા આપી દેવાયા પછી કોઈ ત્રીજી વ્યક્તિ આ મામલે દખલ ન કરી શકે. હવે કોઈ ત્રીજી વ્યક્તિ તેમની મુક્તિ સામે વાંધો ન લઈ શકે, કેમ કે સજા મળતાં જ સામાજિક રોષ સહિતના મુદ્દા ખતમ થઈ જતા હોય છે.
ગુરુવારે કેસની વધુ સુનાવણી છે.

બિલકીસબાનોનો મામલો શું હતો?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં. અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી. ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું કે, "પોલીસ અને તંત્રે હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતા નથી."
2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી. આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.














