50 વર્ષ સુધી જેલની સજા કાપનાર વ્યક્તિનો 88 વર્ષે નિર્દોષ છુટકારો

મૃત્યુદંડ, જાપાન, હકામાડા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇવાઓ હકામાડાને તેમના બૉસ, બૉસનાં પત્ની અને તેમનાં બે કિશોરવયનાં બાળકોની હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા
    • લેેખક, ગેવિન બટલર અને શાઈમા ખલીલ
    • પદ, બીબીસી ન્યૂઝ

વિશ્વમાં સૌથી લાંબા સમયથી મૃત્યુદંડની સજાની રાહ જોઈ રહેલી એક 88 વર્ષીય વ્યક્તિને જાપાનની અદાલત દ્વારા અંતે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ કેદી વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલા પુરાવા બનાવટી હતા તેવું જાણવા મળ્યા પછી હવે તેઓ નિર્દોષ છૂટ્યા છે.

ઇવાઓ હકામાડાને 1968માં તેમના બૉસ, બૉસનાં પત્ની અને તેમનાં બે કિશોરવયનાં બાળકોની હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેઓ લગભગ અડધી સદીથી મૃત્યુદંડની સજાની રાહ જોઈ રહ્યા હતા.

તેમના કેસમાં એવી શંકા ગઈ હતી કે તપાસકર્તાઓએ કદાચ પુરાવા ગોઠવ્યા હશે જેથી તેમને ચાર વ્યક્તિઓની હત્યા બદલ દોષિત સાબિત કરાયા હશે. ત્યારપછી આ કેસ ફરીથી ચલાવાયો હતો.

મૃત્યુદંડની સજા સાથે તેમણે 46 વર્ષ ગાળ્યા છે જેના કારણે હકામાડાના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ છે. તેથી તેઓ સુનાવણીમાં હાજરી આપવા માટે પણ યોગ્ય ન હતા જ્યાં તેમને આખરે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

હકામાડાનો કેસ એ જાપાનમાં સૌથી લાંબા ચાલેલા અને સૌથી પ્રસિદ્ધ કેસ પૈકી એક છે. આ કેસમાં લોકોને એટલો રસ પડ્યો હતો કે શિઝુઓકામાં કેસની સુનાવણી થઈ ત્યારે લગભગ 500 લોકો કોર્ટરૂમમાં જગ્યા મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા.

હકામાડાને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપવામાં આવ્યો ત્યારે કોર્ટની બહાર તેમના સમર્થકોએ “બેન્ઝાઈ”નો જયઘોષ કર્યો હતો, જેનો જાપાની ભાષામાં અર્થ 'હુર્રે' થાય છે.

હકામાડાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમને તમામ સુનાવણીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. વર્ષ 2014માં આ કેસ ફરીથી ખૂલ્યો ત્યારે તેમને જેલમાંથી મુક્ત કરાયા હતા અને ત્યારથી તેમનાં 91 વર્ષીય બહેન હિડેકો તેમની સારસંભાળ રાખે છે.

પોતાના ભાઈને સજામાંથી મુક્તિ અપાવવા માટે હિડેકોએ દાયકાઓ સુધી લડત આપી હતી. તેમણે કહ્યું કે કોર્ટમાં મારા ભાઈ "દોષિત નથી" તે સાંભળીને ખૂબ જ આનંદ થયો હતો.

તેમણે પત્રકારોને કહ્યું કે, "જ્યારે મેં તે સાંભળ્યું ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત અને ખુશ થઈ ગઈ, હું રડવાનું રોકી ન શકી."

હકામાડાએ અગાઉ કહ્યું હતું કે ન્યાય માટેની તેમની લડાઈ "રોજ રોજ એક સંઘર્ષ" જેવી હતી. તેમણે 2018માં ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું હતું કે, "એક વાર તમે વિચારી લો કે તમે જીતી શકવાના નથી, ત્યાર પછી જીતનો કોઈ રસ્તો નથી રહેતો."

મિસોમાં ટાંકીમાં 'લોહીથી રંગાયેલાં' કપડાં

મૃત્યુદંડ, જાપાન, હકામાડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હકામાડાને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપવામાં આવ્યો ત્યારે કોર્ટની બહાર તેમના સમર્થકોએ “બેન્ઝાઈ”નો જયઘોષ કર્યો હતો, જેનો જાપાની ભાષામાં અર્થ 'હુર્રે' થાય છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હકામાડા ભૂતપૂર્વ પ્રોફેશનલ બૉક્સર છે. 1966માં તેઓ મિસો પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામ કરતા હતા ત્યારે ટોક્યોના પશ્ચિમમાં શિઝુઓકામાં તેમના માલિક, પત્ની અને તેમનાં બે બાળકોના મૃતદેહ ઘરની આગમાંથી મળી આવ્યા હતા. આ ચારેયની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

ઑથૉરિટીએ હકામાડા પર તેમના માલિકના પરિવારની હત્યા કરવાનો, તેમના ઘરમાં આગ લગાડવાનો અને રોકડા 200,000 યેનની ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો.

હકામાડાએ શરૂઆતમાં લૂંટ અને હત્યાના ગુનાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પછી તેમને માર મારવામાં આવ્યો અને દિવસના 12-12 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ દબાણવશ તેમણે ગુનો કબૂલી લીધો હતો.

1968માં તેમને હત્યા અને ઘરમાં આગ ચાંપવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યા અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

હકામાડાની ધરપકડના એક વર્ષ પછી મિસોમાં એક પાણીની ટાંકીમાંથી લોહીથી ખરડાયેલા કપડાં મળી આવ્યાં ત્યાર પછી લાંબી કાનૂની લડત શરૂ થઈ હતી. લોહીના ડાઘાવાળાં કપડાંના આધારે તેમને દોષિત જાહેર કરાયા હતા.

જોકે, હકામાડાને વકીલોએ વર્ષો સુધી દલીલ કરી હતી કે કપડાંમાંથી મળેલા ડીએનએ તેમની સાથે મેળ ખાતા નથી. તેથી આ ચીજો અન્ય કોઈની છે તેવી શંકા પેદા થાય છે. વકીલોએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ બનાવટી પુરાવા ઊભા કરી શકે છે.

તેમની આ દલીલ ન્યાયાધીશ હિરોકી મુરાયમાને સમજાવવા માટે પૂરતી હતી, જેમણે 2014માં નોંધ્યું હતું કે "મળી આવેલા કપડાં પ્રતિવાદીનાં ન હતાં."

જસ્ટિસ મુરાયમાએ તે સમયે કહ્યું હતું કે, "પ્રતિવાદીને અટકાયતમાં રાખવા અન્યાયી છે, કારણ કે તેની નિર્દોષતાની સંભાવના નોંધપાત્ર હદે સ્પષ્ટ થઈ ગઈ છે."

ત્યારબાદ હકામાડાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને કેસની પુનઃ સુનાવણી મંજૂર કરવામાં આવી હતી.

લાંબી કાનૂની કાર્યવાહીના કારણે ટ્રાયલ છેક ગયા વર્ષે નવેસરથી શરૂ થઈ અને ચુકાદો આવ્યો ત્યાં સુધી પ્રક્રિયા ચાલી.

ફરિયાદ પક્ષનું કહેવું હતું કે જે કપડાં પર લાલ ડાઘ મળી આવ્યા તે હકામાડાના હતા. આ લાલ ડાઘનું રહસ્ય શું હતું તેના પર જ રિટ્રાયલ અને હકામાડાની મુક્તિનો આધાર હતો. બચાવપક્ષે દલીલ કરી કે ડાઘ જૂના કેવી રીતે થયા? તેમણે કહ્યું કે ડાઘ લાલ રંગના જ રહ્યા અને સોયાબીન પેસ્ટમાં લાંબો સમય રાખ્યા પછી પણ તે ઘેરા ન થયા તે દર્શાવે છે કે પુરાવા બનાવટી હતા.

એએફપી અનુસાર ચુકાદામાં જાણવા મળ્યું કે "તપાસકર્તાઓએ હકામાડાનાં કપડાં પર લોહી લગાવીને પુરાવામાં ચેડાં કર્યાં હતાં" ત્યારપછી તેને મિસોની ટાંકીમાં છુપાવી દીધા હતા.

હકમાડાને અંતે નિર્દોષ જાહેર કરાયા

મૃત્યુદંડ, જાપાન, હકામાડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2014 માં જેલમાંથી છૂટ્યા ત્યારથી હકમાદાની 91 વર્ષીય બહેન તેમની સંભાળ રાખે છે.

તેમના વકીલો અને પરિવારજનોના જણાવ્યા મુજબ મૃત્યુદંડના સતત ખતરા વચ્ચે દાયકાઓ સુધી જેલમાં રહેવાથી હકમાડાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. તેમને મોટા ભાગે એકાંત કેદમાં રાખવામાં આવ્યા હતા.

તેમનાં બહેન લાંબા સમયથી તેમની મુક્તિ માટે લડત આપતાં હતાં. ગયા વર્ષે કેસમાં પુન: સુનાવણી શરૂ થઈ ત્યારે હિડેકોએ રાહત વ્યક્ત કરી અને કહ્યું કે "આખરે મારા ખભા પરથી બોજ ઊતર્યો છે. "

જાપાનમાં મૃત્યુદંડના કેદીઓ માટે ભાગ્યે જ નવેસરથી ટ્રાયલ ચલાવાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનના ઇતિહાસમાં હકામાડાનો રિટ્રાયલ એ માત્ર પાંચમી આવી ઘટના છે.

G7 સમૂહના દેશોમાં અમેરિકા પછી જાપાન એકમાત્ર એવો દેશ છે જ્યાં હજુ પણ મૃત્યુદંડની સજા અપાય છે.

જાપાનમાં મૃત્યુદંડના કેદીઓને ફાંસીના થોડા કલાકો અગાઉ જ ફાંસીની જાણ કરવામાં આવે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.