બાંગ્લાદેશમાં અનામતની સામે રોષ, હિંસામાં ઓછામાં ઓછાં 19 લોકોનાં મૃત્યુ થયાં

ઇમેજ સ્રોત, MUKIMAL AHSAN
અનામતના વિરોધમાં થઈ રહેલાં વિરોધ પ્રદર્શનમાં ચાલતા દેશવ્યાપી આંદોલનમાં અત્યાર સુધી બાંગ્લાદેશના અલગઅલગ ભાગોમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મૃત્યુ થયાં છે.
રસ્તાઓ પર ઊતરેલા લોકોમાં અનેક ઘાયલ પણ થયા છે.
આંદોલન અને હિંસા સતત વધી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક સંઘર્ષ થયો છે. પ્રદર્શનકારીઓની માગ છે કે સરકારી નોકરીઓમાં અનામતને ખતમ કરવામાં આવે.
બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચેનલ બીટીવીની ઑફિસમાં ગુરુવાર બપોરે આગ લાગ્યા બાદ ત્યાં કેટલાક લોકો ફસાયા છે.
બીટીવીના વેરિફાઇડ ફેસબુક પેજ પર એક પોસ્ટમાં તેની માહિતી આપવામાં આવી હતી.
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું કે , "બીટીવીમાં ભયાવહ આગ લાગી છે અને આ ઝડપથી ફેલાઈ રહી છે. અમે ફાયર સર્વિસના ત્વરિત સહયોગની અપેક્ષા કરી છે. અંદર કેટલાક લોકો ફસાયેલા છે."
ઢાકાના રામપુરામાં બીટીવીના કેટલાક પત્રકારોએ જણાવ્યું કે ફાયર સર્વિસને ફોન કરવા છતાં અત્યાર સુધી મદદ નથી પહોંચી.
એટલે ઇમારતમાં અંદર લાગેલી આગ પર નિયંત્રણ નથી મેળવી શકાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આગ ફેલાઈ રહી છે. અને આંદોલનકારીઓ આ ઇમારત પર કબજો મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.
એ લોકોએ જણાવ્યું કે સુરક્ષા દળોના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે પણ તેઓ પણ પોતાને બચાવવામાં વ્યસ્ત છે.
બીટીપીનું પ્રસારણ ઠપ છે. બીટીવીના મહાનિદેશક જહાંગીર આલમે ફોન પર આ વિશે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK
હાઈકોર્ટે આ વર્ષે પાંચ જૂને એક અરજીના આધારે 2018માં સરકારી નોકરીઓમાં અનામત રદ કરવા સંબંધી સરકારની અધિસૂચનાને ગેરકાયદે ઠેરવી છે.
અદાલતના આ નિર્ણય બાદ અનામત વિરોધી આંદોલન શરૂ થયું.
અનામત મુદ્દે ચાલતી હિંસામાં ગુરુવારના ઢાકા મેડિકલ કૉલેજમાં પાંચ લોકોના મૃતદેહો લવાયા છે.
આમાં બાંગ્લાદેશના ઑનલાઇન અખબાર ઢાકા ટાઇમ્સના એક મેડિકલ કૉરસ્પૉન્ડન્ટ મેહદી હસન (32) સામેલ છે.
સરકારી સૂત્રો અનુસાર તેમનું મૃત્યુ જાત્રાબાડી વિસ્તારમાં ગોળી વાગવાથી થયું છે.
સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં ભારતના કૅપ્ટન, શુભમન ગિલ બનશે વાઇસ કૅપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે વધુ એક ખેલાડીને અજમાવવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા સામેની ત્રણ ટી-20 મૅચના સુકાની તરીકે સૂર્યકુમાર યાદવને પસંદ કરવામાં આવ્યા છે.
તા. 27 જુલાઈથી શ્રીલંકા સામેની ટી-20 અને વનડે શ્રેણી બીજી ઑગસ્ટ 2024થી શરૂ થશે.
વન-ડે તથા ટી-20 ટીમ માટે શુભમન ગીલને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમના બે સૌથી સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ દરમિયાન મેદાન ઉપર જોવા મળશે.
આ સાતે ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મૅચની સિરીઝ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
વનડે ટીમ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, કે.એલ. રાહુલ (વિકેટ કીપર), ઋષભ પંત (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ તથા હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.
ટી-20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકૂ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટ કિપર), સંજુ સૅમ્સન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ, મોહમ્મદ સિરાજ.
ઉત્તર પ્રદેશના ગોંડામાં દિબ્રુગઢ ઍક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઊતરી ગયા

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશના ગોંડામાં રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ ઍક્સપ્રેસના કેટલાક ડબ્બા ખડી પડ્યા છે.
અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
ઘટનાસ્થળ પર મોજૂદ એક વ્યક્તિએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "અઢી વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઈ છે. ગોંડાથી અંદાજે વીસ કિલોમીટર આગળ આ જગ્યા આવેલી છે. બે બોગી પલટી ગઈ છે. કેટલીક અન્ય બોગી પર પણ અસર થઈ છે. પાટા પણ આડાઅવળા થઈ ગયા છે. બની શકે કે કેટલુંક નુકસાન થયું હોય. લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યા છે."
આસામના મુખ્ય મંત્રી કાર્યાલયે પોતાની સત્તાવાર ઍક્સ પોસ્ટમાં જણાવ્યું કે સીએમ હિમંત બિસ્વા સરમાને ઉત્તર પ્રદેશનમાં દિબ્રુગઢ-ચંદીગઢ ઍક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગયાની માહિતી અપાઈ છે. મુખ્ય મંત્રી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આસામ સરકાર સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે.
ભારતીય રેલ મંત્રાલયે ઍક્સ પોસ્ટના માધ્યમથી દિબ્રુગઢ ઍક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગયાના સંદર્ભમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
કાવડ યાત્રા દરમિયાન દુકાનદારોના નામ લખવાના આદેશ પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે મુઝફ્ફરનગર પોલીસના એ નિર્ણય પર ટિપ્પણી કરી છે, જેમાં કાવડ યાત્રાના રૂટ પર ખાવાપીવાની દુકાનો પર દુકાનદારનું નામ લખવાનો આદેશ આપ્યો હતો.
અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું,"નામ- ગુડ્ડૂ, મુન્ના, છોટૂ અને ફત્તે છે, તેમનાં નામોથી શું ખબર પડશે?"
અખિલેશ યાદવે આ મામલે ન્યાયાલયને કાર્યવાહી કરવાની માગ કરી હતી.
અખિલેશે ટ્વીટ કર્યું છે, “માનનીય ન્યાયાલય જાતે જ સંજ્ઞાન લે અને આ પ્રકારના વહીવટી તંત્રની પાછળ શાસનનો શું ઇરાદો છે તેની તપાસ કરીને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરે. આ પ્રકારનો આદેશ સામાજિક ગુનો છે, જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડે છે.”
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે ઉત્તર પ્રદેશ પોલીસના આ આદેશની તુલના હિટલરના સમયના 'નાઝી જર્મની' સાથે કરી હતી.
જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર પોલીસે કહ્યું કે એક ખાસ યાત્રા રૂટ પર દુકાનો, હોટલો, અને ગાડીઓના માલિકોના નામ સ્પષ્ટરૂપે લખેલાં હોવાં જોઇએ, કેમ? નાઝી જર્મનીમાં ખાસ દુકાનો અને મકાનો ઉપર એક નિશાન લગાવવામાં આવતું હતું.”
ચીનના શૉપિંગ સેન્ટરમાં લાગી આગ, ઓછામાં ઓછાં 16 લોકોનાં મોત - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં14 માળના શૉપિંગ સેન્ટરમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછાં 16 લોકોનાં મોત થયાં છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે, આગની આ દુર્ઘટના ચીનનાં શિન્હુઆન વિસ્તારના ઝિગોંગ શહેરમાં ઘટી હતી.
અહેવાલ પ્રમાણે બુધવારે સાંજે લાગેલી આગમાં ફસાયેલા 30 લોકોને બચાવાયા હતા. ઘટનાસ્થળ પર રાતે બચાવ કાર્ય પૂર્ણ થયું હતું.
આગ લાગવાનું કારણ હાલમાં સ્પષ્ટ નથી પરંતુ શરૂઆતી તપાસ પ્રમાણે બિલ્ડિંગમાં ચાલી રહેલા નિર્માણ કાર્યથી આ આગ લાગવાની શરૂઆત થઈ હતી.
ચીનના સરકારી મીડિયા અને સોશિયલ મીડિયા પર જોવા મળેલા વીડિયોમાં આ ઇમારતની ચારે તરફ ધુમાડો જોવા મળ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોનાથી સંક્રમિત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોનાથી સંક્રમિત થયા છે.
બાઇડન કોરોનાથી સંક્રમિત ત્યારે થયા જ્યારે તેમના પર ડેમૉક્રેટિક પાર્ટી તરફથી દબાણ વધી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિપદની રેસમાંથી હઠી જાય અને બીજા કોઈ ઉમેદવારને તક આપે. કોવિડથી સંક્રમિત થયા પછી બાઇડન પર આ દબાણ વધી શકે છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૈરીન જીન પીયરે આપેલી માહિતી પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિએ કોવિડની રસ્સી અને બૂસ્ટર ડૉઝ લીધેલો છે.
પ્રેસ સેક્રેટરીની માહિતી પ્રમાણે આ પહેલાં પણ બાઇડન બે વખત કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાથી સંક્રમિત થયા પછી બાઇડને પણ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી હતી.
બાઇડન બુધવારે લાસ વેગાસમાં તેમના સમર્થકોને મળી રહ્યા હતા અને લોકો સાથે વાત પણ કરી રહ્યા હતા. જોકે, તેમણે પોતાની ચૂંટણી સભા પાછળથી રદ કરી હતી.

કર્ણાટક સરકાર ખાનગી નોકરીમાં સ્થાનિક લોકોને અનામત આપવાના મામલે બૅકફૂટ પર

ઇમેજ સ્રોત, ANI
કર્ણાટક રાજ્યમાં નોકરીમાં સ્થાનિક લોકોને અનામત આપતા બિલને રાજ્ય સરકારે હાલમાં રોકી દીધું છે.
અંગ્રેજી સમાચાર પત્ર 'ધી હિન્દુ'ના અહેવાલ પ્રમાણે, સરકારે કહ્યું છે કે આ બિલ વિશે ફરીથી વિચાર કરીને અંતિમ નિર્ણય લેવામા આવશે.
આ બિલનો ઉદ્યોગો અને વેપારી સંગઠનોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ પછી કર્ણાટક સરકારે આ બિલ પર ફરીથી વિચાર કરવાની વાત કરી હતી.
નૅસકૉમે આ બિલનો વિરોધ કરતા એક પોસ્ટ કરી હતી. નૅસકૉમે લખ્યું, “નૅસકૉમ અને તેના સભ્યો આ બિલથી નિરાશ છે અને પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.”
આ બિલને રાજ્ય સરકારીને કેબિનેટે મંજૂરી આપી હતી. આ બિલ થકી રાજ્યના ઉદ્યોગો, ફૅકટરીઓ અને બીજી સંસ્થાઓમાં મૅનેજમેન્ટ સ્તરની નોકરીઓ માટે સ્થાનિક લોકોને 50 ટકા અનામત, જ્યારે મૅનેજમેન્ટ સિવાયની નોકરીઓમાં સ્થાનિક લોકો માટે 75 ટકા અનામતની જોગવાઈ કરવામા આવી હતી.
કર્ણાટકમાં સ્થાનિક ઉમેદવાર તેમને માનવામાં આવે છે જેનો જન્મ રાજ્યમાં થયો હોય અને ઓછામાં ઓછાં 15 વર્ષ ત્યાં રહ્યા હોય. આ સાથે કન્નડ ભાષાની જાણકારી પણ જરૂરી છે.
માનવામાં આવે છે આ બિલને વિધાનસભાના વર્તમાન સત્રમાં રજુ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓનાં મોત

ઇમેજ સ્રોત, CHHATTISGARH POLICE
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલાં પોલીસ એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ માર્યા ગયા છે.
આ ઍન્કાઉન્ટર છત્તીસગઢ અને મહારાષ્ટ્રના બૉર્ડરવાળા વિસ્તારમાં થયું.
આ ઍન્કાઉન્ટર ગઢચિરૌલીના ઝારવંડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા છિંદભટ્ટી અને છત્તીસગઢના કાંકેર પોલીસ સ્ટેશન વચ્ચે આવેલા જંગલોમાં બુધવારે બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન થયું હતું.
અહેવાલો પ્રમાણે, આ ઍન્કાઉન્ટરમાં એક પોલીસકર્મીને પણ ગોળી લાગી હતી. સમાચાર એજન્સીઓની માહિતી પ્રમાણે બપોરે શરૂ થયેલું આ ઍન્કાઉન્ટર મોડી સાંજ સુધી ચાલ્યું હતું.
છત્તીસગઢ પોલીસે એક નિવેદનમાં કહ્યું, “બંને પક્ષો વચ્ચે છ કલાક સુધી ગોળીબાર થયો. ત્યારબાદ આ વિસ્તાર સર્ચ કરવામાં આવ્યો. આ સર્ચ દરમિયાન 12 માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ એકે-47, એક કાર્બાઇન, એક એસએલઆર સહિત સાત ઑટોમેટિક હથિયારો મળી આવ્યા હતા.”
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે માઓવાદીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં 12 માઓવાદીના મોતની જાણકારી આપી હતી.
તેમણે મહારાષ્ટ્ર સરકાર તરફથી ગઢચિરૌલી પોલીસ માટે 51 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.












