કુંભમાં ભાગદોડ : 'અચાનક ભીડ વધી અને લોકો એકબીજા પર ચડી ગયા', રાતે ખરેખર શું થયું હતું?

બીબીસી ગુજરાતી, કુંભમેળો, કુંભમેળામાં ભાગદોડ, કુંભમેળામાં નાસભાગ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રયાગરાજમાં સંગમ ખાતે બુધવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ કુંભમાં મૌની અમાસના અમૃત સ્નાન દરમિયાન ભારે ભીડના કારણે ભાગદોડ મચી ગઈ.

આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે.

જોકે સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી.

ભાગદોડના ઘણા વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસકર્મીઓ ઘાયલોને હૉસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ભાગદોડથી પ્રભાવિત થયેલા શ્રદ્ધાળુ કુંભમેળાની વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સમાચાર એજન્સી એએફપીના ડૉક્ટરોના હવાલાથી ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમચાર આપ્યા છે. જોકે, ઘણા સમય સુધી સરકાર અને સ્થાનિક તંત્ર આ મામલે મૌન હતાં.

હવે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે ઍક્સ પર પોસ્ટ કરીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે, તેમજ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકારને શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.

આખરે કેવી રીતે ઘટી ભાગદોડની ઘટના?

બીબીસી ગુજરાતી, કુંભમેળો, કુંભમેળામાં ભાગદોડ, કુંભમેળામાં નાસભાગ
ઇમેજ કૅપ્શન, દિલ્હીથી આવેલા ઉમેશ અગ્રવાલ નામના એક શ્રદ્ધાળુએ જણાવ્યું, આખરે કેવી રીતે શરૂ થઈ હતી ભાગદોડ

દિલ્હીથી આવેલા ઉમેશ અગ્રવાલ નામના એક શ્રદ્ધાળુએ બીબીસી સાથે વાત કરી છે અને તેમણે જણાવ્યું કે ઘટના કેવી રીતે થઈ. તેમણે જણાવ્યું કે તેઓ ઘાટ તરફ જઈ રહ્યા હતા અને ભારે સંખ્યામાં લોકો ખૂબ ઝડપથી જઈ રહ્યા હતા.

તેમણે જણાવ્યું, "જ્યારે લોકો સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે બૅરિકેડિંગ પાસે લોકો સૂતા હતા. આના કારણે ચાલતા લોકોના પગમાં ફસાઈને કેટલાક લોકો પડી ગયા. કેટલાક લોકો પડી ગયા, તેના કારણે તેમની પાછળ આવતા લોકોની ભીડ એક ઉપર એક પડવા લાગી."

કર્ણાટકના બેલગામથી આવેલાં વિદ્યા સાહુ નામનાં શ્રદ્ધાળુઓએ સમાચાર એજન્સી આઇએએનએસને જણાવ્યું કે તેઓ સ્નાન માટે જઈ રહ્યાં હતાં ત્યારે જ ન જાણે કઈ બાજુએથી ભીડ આવી અને પાછળની બાજુ ધકેલવા લાગી.

તેમણે જણાવ્યું કે તેઓ 60 લોકોના સમૂહ સાથે કર્ણાટકથી આવ્યાં હતાં અને તેમના પાંચ સાથીઓનો હજુ સુધી કોઈ પત્તો નથી. તેમણે જણાવ્યું કે તેમને તંત્રે ઍમ્બુલન્સની મદદથી હૉસ્પિટલ પહોંચાડ્યાં.

સમાચાર એજન્સી આઇએએનએસને જ અન્ય એક સાક્ષી જયપ્રકાશ સ્વામીને જણાવ્યું કે ભાગદોડમાં તેઓ પોતાનાં માતાપિતા અને બાળકો સાથે દબાઈ ગયા હતા.

તેમણે કહ્યું કે અચાનક ભીડ વધી ગઈ અને લોકો તેમની ઉપરથી ચાલીને જવા લાગ્યા.

ગુજરાતી શ્રદ્ધાળુએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, કુંભમેળો, કુંભમેળામાં ભાગદોડ, કુંભમેળામાં નાસભાગ

ઇમેજ સ્રોત, Getty Images

મૌની અમાવસ્યાના દિવસે કુંભમેળામાં સ્નાન કરવા માટે વડોદરાથી 28 જાન્યુઆરીએ પ્રયાગરાજના ઝૂંસી ગામે પહોંચેલા 48 વર્ષીય પ્રેમલ આચાર્ય આ નાસભાગની ઘટનાને કારણે કુંભસ્નાન કરી શક્યા નથી.

તેમણે બીબીસી ગુજરાતી સાથે ફોન પર વાત કરતા જણાવ્યું, "હું મૂળ રાજુલાનો વતની છું અને વડોદરા રહું છું. હું ગઈ કાલે જ અહીં પહોંચ્યો છું. અમે ગઈ કાલે જૂના અખાડાની શિબિરની મુલાકાત લીધી અને લાંબી મુસાફરીથી થાકી ગયા હોવાથી ઝૂંસી ગામે રાખેલી રૂમ પર જઈને ઊંઘી ગયા હતા. આજે સવારે અમારે કુંભમાં સ્નાન કરવાનું હતું, પણ સવારે જાગ્યા ત્યારે આ નાસભાગની દુર્ઘટનાની જાણ થઈ."

પ્રેમલ આચાર્યે વધુમાં જણાવ્યું, "અહીં યાત્રાળુઓની ભયંકર ભીડ છે અને ટ્રાફિક ખૂબ છે. લોકોની સંખ્યા એટલી બધી વધારે છે કે વહીવટીતંત્રના તમામ પ્રયત્નો પછી પણ તેનું નિયમન થઈ શકે તેમ નથી. અમે લોકોએ સ્નાન કરવાનું મુલતવી રાખ્યું છે અને હવે અમે ગુજરાત પાછા ફરી રહ્યા છીએ. રસ્તામાં જો ગંગાકિનારો મળશે તો અમે ત્રિવેણીસંગમ માનીને સ્નાન કરી લઈશું."

'ઘટનાસ્થળે મૃતદેહો પડ્યા હતા'

બીબીસી ગુજરાતી, કુંભમેળો, કુંભમેળામાં ભાગદોડ, કુંભમેળામાં નાસભાગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રશાસને અત્યાર સુધી આ ઘટનામાં મૃત્યુની કોઈ પુષ્ટિ નથી કરી

ચિત્રકૂટથી આવેલા ઇન્દ્રપાલ નામની એક વ્યક્તિએ આઇએએનએસને જણાવ્યું કે તેમને સંગમના તટની નજીક જ રોકી દેવાયા હતા, જે બાદ ભાગદોડ મચી ગઈ અને તેમના બનેવી ગુમ થઈ ગયા.

તેમણે દાવો કર્યો છે કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પોતાના બનેવીને શોધવા ગયા તો ત્યાં ઘણી લાશો પડી હતી, હવે તંત્રે શબઘર જવા કહ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં ઓળખ ન જાહેર કરવાની શરતે સ્વાસ્થ્યકર્મીએ જણાવ્યું કે તેમણે ઘટનાસ્થળ પર અનેક મૃતદેહો જોયા છે.

સમાચાર એજન્સી પીટીઆઇને ભાગદોડનાં સાક્ષી રહેલાં એક મહિલા શ્રદ્ધાળુએ કહ્યું, "ત્યાં અચાનક જ ભાગદોડ થઈ. અવરજવરનો કોઈ રસ્તો નહોતો. અમે જેમની પાસે મદદ માગી રહ્યા હતા, તેઓ હસી રહ્યા હતા, અમે અમારાં બાળકો માટે ભીખ માગી રહ્યા હતા. ઘણાં બાળકો ગંભીર છે."

મધ્ય પ્રદેશના છતરપુરથી આવેલા એક શ્રદ્ધાળુએ કહ્યું, "મારાં માતા ભાગદોડમાં ઘાયલ થઈ ગયાં છે. ત્યાં પોલીસમાંથી કોઈ નહોતું. કોઈ મદદ માટે નહોતું આવ્યું. ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે. મારી મા પણ બચી કે મૃત્યુ પામી એ અંગે કંઈ ખબર નથી. ઘણી ગંભીર સ્થિતિ હતી."

મૌની અમાસનું સ્નાન કેમ ખાસ છે?

બીબીસી ગુજરાતી, કુંભમેળો, કુંભમેળામાં ભાગદોડ, કુંભમેળામાં નાસભાગ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુખ્ય મંત્રી આદિત્યનાથે એક પોસ્ટમાં કહ્યું, "મા ગંગાના જે ઘાટની આપ નજીક હો, ત્યાં જ સ્નાન કરી લો. સંગમ નોજ તરફ જવાનો પ્રયાસ ન કરો. તંત્રના નિર્દેશોનું પાલન કરો, વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરો. કોઈ પણ અફવા પર ધ્યાન ન આપો."

તેમજ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ જલદીથી જલદી ગંભીરપણે ઈજાગ્રસ્ત લોકો માટે યોગ્ય ઇલાજની વ્યવસ્થા કરો.

તેમણે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે 'તેઓ આ કઠિન સમયમાં સંયમ અને ધૈર્યથી કામ લે અને શાંતિપૂર્વક પોતાની તીર્થયાત્રા સંપન્ન કરે.'

કુંભમાં મૌની અમાસ પર અમૃત સ્નાનનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે. આ સ્નાન માટે લાખો લોકો ભેગા થયા હતા. આ વખત અમૃત સ્નાન માટે ત્રિવેણી યોગ બની રહ્યો હતો, તેથી ભીડ વધુ હતી. હિંદુ માન્યતાઓ અનુસાર, ત્રિવેણી યોગની સ્થિતિ 144 વર્ષ બાદ બની હતી.

કુંભમેળામાં અમૃત સ્નાનને (જેને શાહી સ્નાન પણ કહેવાય છે) સૌથી ભવ્ય અને પવિત્ર અનુષ્ઠાન માનવામાં આવે છે. શાહી સ્નાન માટે સમગ્ર વિશ્વમાંથી લોકો કુંભમેળામાં પહોંચે છે.

તેમજ મૌની અમાસના રોજ તમામ અમૃત સ્નાનોમાં સૌથી શુભ તિથિ મનાય છે.એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓ 'અમૃત' બની જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.